ભાગ :- ૨
આપણે આગળના ભાગમાં જોયું કે સૃષ્ટિની જીવંતતા ઉંમરના અલગ અલગ પડાવ ઉપર પહોંચી કઈ રીતે પોતાનો દમ તોડે છે અને એના મનના વિચારો એને ભૂતકાળમાં ખેંચીને લઈ જાય છે. જ્યાં સૃષ્ટિ અને અનુરાધાના ગાઢ મિત્રતાના સંબંધો અને સૃષ્ટિના જીવનને આપણે જોયું.
*****
રાકેશ અને ભદ્રેશની વાત અને એકબીજાની હોંશિયારી ઉપર બંને હસી પડે છે. સૃષ્ટિ પોતાના સ્વભાવ મુજબ અનુરાધાના મનમાંથી વાત કઢાવવા મથે છે. પ્રેમથી અનુરાધા સૃષ્ટિને સ્વીટુ કહેતી હોય છે જ્યારે સૃષ્ટિ અનુરાધાને રાધા અથવા અનુ કહેતી કહેતી હોય છે.
"Oye... ખોટુડી, હું જાણું છું તને. તું આમને આમ કોઈની સામુ જોવે નહીં, સાચું બોલ તો." આંખો ઉલાળતા સૃષ્ટિ બોલી..
"સૃષ્ટિ, સાચે જ મારા મનમાં કાંઈ નથી એ તો કોઈ વાર એની સામે જોવાનું મન થઈ જાય છે." સહજતાથી અનુએ જવાબ આપ્યો..
"ઓય હોય..! એમને એમ જોવાનું મન થઈ જાય છે.! અને આ હું મારી અનુના મોઢે સાંભળું છું.! મારી અનુ પ્રેમમાં તો નથી પડી ને.!? એક્દમ ડાહી છોકરી કોઈક છોકરાની વાત કરે એમાં કાંઈક તો વાત હોય. હવે મારા સમ હો કાંઈજ ખોટું બોલી તો." સ્વીટુએ ભાર દઈને કહ્યું..
"સૃષ્ટિ, ઘણીવાર તું સાવ બકવાસ વાત કરે છે. આવી વાતોમાં સમ હોય.!? સાચે એવું કાંઈજ નથી. આ તો ભદ્રેશના વાળ અને એની સ્ટાઇલ ખુબ ગમે છે યાર.. I love it... બસ એટલુંજ, પર્સનલી છોકરો સારો છે, પણ મને એના વાળ અને એની વાત કરવાની સ્ટાઇલ એટલું ગમે છે. કેવી યુનિક છે યાર. બાકી બીજું કંઈ નથી." અનુએ કહ્યું..
"વાહ રે વાહ..આમ તો સાલું કાંઈજ નથી, તોય, You love it... અને પાછું યૂનિક છે, મને પણ આવું સારું સારું બોલતા શીખવાડને. હું પણ તારા જેવી ડાહી થઈ જાઉં." સૃષ્ટિ લગભગ અનુની ખેંચતા બોલી..
"સૃષ્ટિ તું એક્દમ દોઢ ડાઈ છે, વાત ક્યાં હતી ને ક્યાં પહોંચાડે છે. Btw આ બધી વાતમાં હું નથી ભૂલી કે રાકેશની નજર તારા ઉપર છે અને તું પણ આજકાલ હસી હસીને વાત કરે છે. બાત ક્યા હૈ મેરી જાન..!?" અનુએ સામે પ્રશ્ન કર્યો..
"અનુ, તું તો બોલીશ જ નહીં.. નામ અનુરાધા છે ને આખા ક્લાસમાં રાધાની જેમ ફરતી હોય છે, બધાનું મન મોહીને. કાન્હા બિચારા કરે તો શું કરે.! બાકી રહી વાત રાકેશની તો એ સારો છે. મનનો અને સાથે સ્વભાવનો પણ એટલે કોઈકવાર વાત કરી લઉં છું." સૃષ્ટિએ કહ્યું..
"ઓયે રાધા વાળી, તું ખોટી ખોટી વાતો ના ફેલાવીશ. હું રાધા સાચી પણ મારો કાનો તો એક જ છે. તું જાણે છે ને મને એ બહુ ગમે છે.! હું હમેશાં એને મારી સાથે રાખીશ અને મારું મન એની ઉપર મોહિત છે. મને એની સાથે જ પ્રેમ છે એની સાથે જ લગાવ છે. મારો ગીરધર ગોપાલ. પણ સ્વીટુ તું મને કાનાની વાતમાં ફસાવી રાકેશને ના ભુલવાડી દે." અનુ ખોટો ગુસ્સો કરતાં બોલી..
"અનુ, સાચેજ રાકેશ વિશે કાંઈજ બીજો વિચાર નથી. એનો સ્વભાવ એક્દમ સરસ છે અને હમેશાં મારી મદદ કરતો હોય છે. એટલે એ મને ગમે છે. પણ As a Frd... ઓકે..?" સૃષ્ટિ બોલી..
"હા, સ્વીટુ.. તું કે તો માન્યું કે As a Frd... આ તો તમારી નજદીકી જોઈ સવાલ થયો એટલે પૂછ્યું. અને સાચું કહું તો મને એવું લાગ્યું જાણે રાકેશ હમેશાં તારી નજીક રહેવા પ્રયત્ન કરે છે." અનુએ કહ્યું..
"અનુ ડાર્લિંગ... हम फूल ही ऐसा है कि भंवरे हमारे इर्द-गिर्द मंडराते रहेंगे..." અને સૃષ્ટિની વાત ઉપર બંને હસી પડે છે.
આવા જ અલ્લડ દિવસો અને દોસ્તી હતી બંને સખીઓની. બધાને એમજ લાગતું કે આ લોકોને કોઈજ અલગ ના કરી શકે, જાણે એકમેક માટે બન્યા છે. સ્કૂલ ટાઇમમાં પણ કૉલેજ જેવી મસ્તી અને આવીજ એમની હસ્તી હતી.
"હદ બધી વટાવી બેહદ મિત્રતા હતી એમની,
અનહદ લાગણીઓ સાથેની વાતો હતી એમની,
એકબીજાનો પર્યાય અને જોડી પણ અક્બંધ,
સંબંધ પરાકાષ્ઠા વટાવે એવી યાદો હતી એમની."
*****
ગાંધીનગરના સેક્ટર 25 ખાતેના સૃષ્ટિ અને નિરવ દેસાઈના બંગલે આ જૂની યાદો, જુની વાતો તાજી થતાં જ દડદડ આંસુઓની ધારા વહી રહી હતી. સૃષ્ટિ તરતજ ઊભી થઈ અને પાણી પીવા ગઈ. પાણી પી મોઢું ધોઈને એણે કબાટમાંથી શાલ બહાર કાઢી ને ઓઢીને બહાર ગાર્ડનમાં આવેલા હીંચકા ઉપર જઈને બેઠી. હાડ થીજાવતી ઠંડી હતી છતાં સૃષ્ટિને બહાર બેસવું આજે ગમ્યું હતું. એને ભૂતકાળની યાદો વાગોળવાની મજા આવી હતી.
*****
અનુરાધાની એક મોટી બહેન હતી રાધિકા. જેવું નામ એવુંજ એનું લાગણીશીલ મન, અને આ મન દિલને જે માર્ગે દોરી જાય એ માર્ગ જ એવો જ્યાંથી સંવેદના સાથે કોઈવાર વેદના પણ ફ્રી માં મળે. એ કોલેજમાં એક છોકરાને દિલ દઈ બેઠી અને ચોરી છૂપી પ્રેમ લગ્ન કરી નાખ્યા. પણ આ લગ્ન છોકરાની જાતિના કારણે પરિવારને માન્ય નહોતા તેથી એ લગ્નમાં છૂટાછેડા અપાવી રાધિકાને પોતાના ઘરમાં નજર કેદ રાખવામાં આવી હતી. અનુરાધા ઉપર પણ એવા જ પ્રતિબંધો લગાવ્યા હતા અને ખાસ એનો ભાઈ અનુપ એની એક એક હરકત ઉપર નજર રાખી રહ્યો હતો.
કોઈવાર અનુરાધાના ઘરે સૃષ્ટિ આવે તો એને પણ અનુપ ઘણાં સવાલ જવાબો કરતો. સામે સૃષ્ટિના ઘરે આવી કોઈ બંદીશ ન હતી. અનુરાધા બહાર તો થોડી બિન્દાસ અને અલ્લડ રહેતી પણ ઘરે આવતા જ ગરીબ ગાય થઈ જતી પણ સૃષ્ટિ તો અનુપને પણ ના છોડતી, સામે જવાબ આપીજ દેતી. અનુરાધા માટે આ જ એક વાત હતી જેથી એ કોઈપણ છોકરા સાથે નજીકનો સંબંધ રાખવા માગતી નહોતી અને એ બાબતે વિચારતી નહોતી.
એ જ અરસામાં સૃષ્ટિ તરફ વળેલો રાકેશ અનુરાધાને એક ચીઠ્ઠી આપે છે એટલે કે લવ લેટર. એ વખતમાં સમયમાં કમ્યુનિકેશનનું આ એક માત્ર હાથવગુ અને કારગર સાધન હતું. અનુરાધા સ્કૂલથી છુટતા એ કાગળ સૃષ્ટિને આપે છે અને બંને મિત્રો એ કાગળ વાંચીને એક એક શબ્દ ઉપર મજા લઈ લઈને હસે છે. એમના માટે આ માત્ર કાગળ જ હતો. એનાથી વિશેષ એનુ બીજું કોઈજ મહત્વ નહોતું આમતો તોય સૃષ્ટિની આંખમાં એક ચમક આવીને તરત ગાયબ થઈ જાય છે.
આ કાગળ સૃષ્ટિ અનુરાધાને આપે છે અને કહે છે કે આજે તું સાચવ કાલે આપણે રાકેશને જવાબ આપી દઈશું. અનુરાધા પણ ના કહી શકતી નથી અને કાગળ લઈને ઘરે આવે છે. પણ એ જેવો એના ભાઈ અનુપને જોવે છે ચહેરા ઉપર ડર ઉપસી આવે છે અને અનુપ પણ એ ડર જોઈ સમજી જાય છે. અનુરાધા એના ભાઈના ક્યાંક જવાની રાહ જુવે છે જ્યારે અનુપની બરાબર નજર એની ઉપર હોય છે. ઉતાવળમાં અનુરાધા ગાદલાની વચ્ચે એ કાગળ સંતાડી દે છે અને ફ્રેશ થવા જાય છે. તરતજ અનુપ એ રૂમમાં આવી બધું તપાસવાનું ચાલુ કરે છે અને ત્યાંજ એના હાથમાં આ ચિઠ્ઠી આવી જાય છે.
*****
કાગળ હાથમાં આવ્યા પછી સૃષ્ટિ અને અનુરાધાના શું હાલ થશે?
સૃષ્ટિ અને રાકેશ શું સાચેજ નજીક આવશે?
સૃષ્ટિના જીવનમાં કેવા વળાંકો આવશે?
આ બધા સવાલોનો જવાબ અને એક દીકરી, પત્ની, સ્ત્રીના સપનાઓ અને હકીકતને જાણવા આ વાર્તા વાંચતા રહો. મિત્રો અને સ્નેહીઓ તમારો પ્રતિભાવ ખુબજ મહત્વનો છે. પ્રતિભાવ ચોક્કસ આપતા રહેજો.
Whatsapp :- 8320610092
Insta :- rohit_jsrk
મિત્રો અને સ્નેહીઓ મારી પ્રથમ નવલકથા "અનંત દિશા" ના ૧ થી ૨૧ ભાગ આપને એકસાથે વાંચી અનુભવવા ગમશે. બીજી ટૂંકી વાર્તા આકાશ અને અન્ય વાર્તા, કવિતાઓ પણ વાંચવી ગમશે.
સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
સદા સંબંધો મહેકાવતા રહો...
જય શ્રી કૃષ્ણ...