vasnani niyati - 15 - last part in Gujarati Love Stories by Nimish Thakar books and stories PDF | વાસનાની નિયતી - પ્રકરણ 15 - છેલ્લો ભાગ

Featured Books
Categories
Share

વાસનાની નિયતી - પ્રકરણ 15 - છેલ્લો ભાગ

જયદેવ અને તોરલનાં દામ્પત્યની ગાડી સડસડાટ આગળ ધપી રહી છે. પણ તોરલને પ્રેગનન્સી ન રહેવાની વાત કોરી ખાય છે. બંને વચ્ચે અંગત પળોમાં આ વાત ક્યાંય વચ્ચે નથી આવતી. પણ આગામી દિવસો કેવા હશે એની કલ્પના તોરલને કંપાવી રહી છે. હવે આગળ…

***********

કુલુ મનાલીમાં હનીમુન મનાવી તોરલ-જયદેવ ફરી પાછા ભાવનગર આવી ગયા હતા. નવી નોકરી હોવાથી જયદેવને સીનિયર કોન્સટેબલો વધુ કામ સોંપતા. આથી તે રાત્રે થાકીને ઘેર આવતો. જોકે, ઘેર આવ્યા પછી તેની રાતો રંગીન બની જતી. આથી તોરલને હજુ પ્રેગનન્સી રહી ન હોવા પર તેનું ધ્યાન નહોતું ગયું.

એક દિવસ તોરલે છાપામાં પ્રેગનન્સી વિશે વાંચ્યું. મંગળવારની પૂર્તિમાં ગાયનેક સર્જન સાથેની પ્રશ્નોત્તરીમાં એક યુવતીએ સવાલ પૂછ્યો હતો કે, 2 થી 3 વખત એબોર્શન કરાવ્યા પછી હવે પ્રેગનન્સી નથી રહેતી. ડોક્ટરે તેને દરેક કિસ્સામાં સ્થિતી જુદી જુદી રહેતી હોવા સાથે ગાયનેકોલોજીસ્ટને બતાવવા સલાહ આપી હતી. છત્તાં ટ્રીટમેન્ટ મળે તો ફરીથી બાળક થવાની શક્યતા છે એમ પણ ડોક્ટરે કહ્યું.

પત્યુ, તોરલને થયું હજી સુધી જયદેવને આ વાતની ખબર નથી ત્યાં ગાયનેકોલોજીસ્ટને બતાવવાનું કહીશ તો એ શું માની બેસશે ? હજી તો નવાં લગ્ન છે એટલે વાંધો નહીં આવે. પણ સમય જતાં સંતાનની ઝંખના તેના પ્રેમમાં ઓટ તો નહીં લાવી દેને ? લગ્ન પહેલાંનું બેફામ સ્ખલન આજે તોરલને માનસિક રીતે પીડવા લાગ્યું. મોડે મોડેથી જયદેવને જાણ થાય તોય તકલીફ. આ વાતનો જલ્દીજ ઉકેલ લાવવો રહ્યો. જે થાય તે પછી જોયું જશે માની જયદેવ સારા મૂડમાં હોય ત્યારે સાવધાનીથી તેની સાથે વાત કરવાનો નિર્ણય તોરલે લઇજ લીધો.

“સાંભળો છો તમે નોકરીએ જાવ પછી મને ખુબ એકલું લાગે છે. ટાઇન નથી જતો” તોરલે એક દિવસ જયદેવનો મૂડ પારખી વાત શરૂ કરી.

“તો બા-બાપુને અહીં તેડાવી લઉ ?” જયદેવને હજુ તોરલનાં કહેવા પાછળનો ઉદ્દેશ ન સમજાયો.

“ના...ના.. એમને તકલીફ નથી આપવી.”

“તો ?” જયદેવે તોરલના ખોળામાંથી ઉઠીને તેની સામે જોયું.

“મારે ખોળાનો ખુંદનાર જોઇએ છે” તોરલે મનની વાત સીધીજ કહી દીધી.

“ઓહ તો એમ વાત છે. મારી રાણીને રાજકુંવર જોઇએ છીે. એ તો મારે જ આપવાનો છે.” કહી જયદેવે તોરલનાં ગાલે પોતાના હોઠ અડાડી નશીલા અંદાજમાં કહ્યું.

“એમ વાત નથી.” તોરલને લાગ્યું, હવે સ્પષ્ટ શબ્દોમાં કહેવું જ પડશે. તેણે કહ્યું, “આપણે આટલા વખતથી પ્રયત્ન કરીએજ છીએને. પણ મને પ્રેગનન્સી નથી રહેતી.” આ સાંભળી જયદેવ ઉભો થઇ ગયો. તેણે તોરલ સામે જોઇ પૂછ્યું, “મતલબ ?”

“એટલે એમ કે આપણે ડોક્ટરને બતાવવું પડશે. તમારા કોઇ ઓળખીતા ગાયનેકોલોજીસ્ટ હોય તો આપણે બતાવીએ.” તોરલે તેને સ્થિતીથી વાકેફ કર્યો. હવે જયદેવને વાતની ગંભીરતા સમજાઇ રહી હતી. તેણે કહ્યું, “હું કાલેજ તપાસ કરી લઉં. બને એટલી જલ્દી ટ્રીટમેન્ટ શરૂ કરી દઇએ. મારી રાણીનું દુ:ખ એ મારું દુ:ખ” કહી તેેણ તોરલને પોતાના આશ્લેષમાં લઇ લીધી. તોરલનાં મન પરથી જાણેકે મણનો બોજ દૂર થઇ ગયો. બંને એકબીજાનો સાથ માણવામાં ખોવાઇ ગયાં. પતિ-પત્ની બન્યા પછી સંવનનમાં એક પ્રકારની લાગણી, એકબીજાને સુખ આપીને સુખ માણવાની ભાવના ઉત્પન્ન થઇ ગઇ હતી. આથી બંને રતિક્રિડા વખતે તેમની પળો શ્રેષ્ઠ બની રહેતી. ચરમસીમાનો આનંદ માણતી વખતે પણ બંને એકબીજાની અાંખોમાં ખોવાઇ જતા હતા.

બીજા દિવસે સવારે પોલીસ સ્ટેશને પહોંચતાંજ જયદેવે સાથી પોલીસમેનને સારા ગાયનેક ડોક્ટર વિશે પૂછ્યું.

“આપણા સમાજના જ ડો. રવિ પરમાર સારા ગાયનેકોલોજીસ્ટ છે.”

“તો મારી એપોઇન્ટમેન્ટ અપાવી દેશો ?” જયદેવે પૂછ્યું.

“શું બાપુ, હજી તો લગ્ન કર્યાને વર્ષ નથી થયું. આટલી બધી ઉતાવળ કરી નાંખી ?” સાથી કોન્સટેબલ સહદેવસિંહે તેની મશ્કરી કરી. પણ જયદેવે સ્પષ્ટતા કરવાને બદલે મૌન રહી ફક્ત હસીને વાત પૂરી કરી દીધી. સહદેવસિહે ત્યાંથીજ ફોન લગાડી બીજા દિવસની એપોઇન્ટમેન્ટ લઇ આપી.

બીજા દિવસે તોરલ અને જયદેવ ડો. રવિ પરમારની ચેમ્બરમાં બેઠા હતા.

ડોક્ટરે બંનેને મેરેજ વિશે પૂછ્યું. બંનેએ પ્રેમલગ્ન કર્યાનું જાણ્યું. જયદેવ અને તોરલ વચ્ચેનો પ્રેમ બંનેની વાતોમાં અને ચહેરા પર રીતસર વાંચી શકાય એવો હતો. તેઓ વિચારમાં પડી ગયા. પછી તેમણે બંનેને કહ્યું, જુઓ અમારા તબીબી શાસ્ત્રમાં સૌપ્રથમ પુરૂષનો સીમેન ટેસ્ટ કરાવવાનો હોય. એ જો નોર્મલ હોય તો પછી સ્ત્રીનો ટેસ્ટ કરાય. એ બંને નોર્મલ હોય તો પછી બીજી બાબતો વિચારવાની આવે. પહેલાં જયદેવભાઇ તમારો ટેસ્ટ થશે.

“ઓકે મને વાંધો નથી.” જયદેવ એ બાબતમાં ખુબ પોઝિટીવ હતો. ડો. રવિ પરમારે તેને લેબોરેટરી પર ચીઠ્ઠી લખી આપી. લેબોરેટરીવાળાએ તેને પોતાની પાસેથી નાનકડી બોટલ આપી. અને તેમાં સીમેન લીધા પછી વધુમાં વધુ 30 મિનીટમાં આપી જવા કહ્યું. બીજા દિવસે જયદેવે તેને સીમેન આપ્યું. ડો. રવિએ તેનો રિપોર્ટ નોર્મલ હોવાનું જાણ્યું. ત્યારપછી તોરલના રિપોર્ટ પણ નોર્મલ આવ્યા. ડોક્ટરે તોરલનું કન્સલ્ટીંગ ટેબલ પર ચેકઅપ કર્યું. સામાન્ય વાતચીત દરમ્યાન જ તેમને તોરલે બે-ત્રણ વખત એબોર્શન કરાવ્યાનો ખ્યાલ આવી ગયો. દરેક વખતે જયદેવ થકીજ તે પ્રેગનન્ટ થઇ હતી. એટલે જયદેવ સામે વાત કરવામાં વાંધો નહોતો.

ડોક્ટરે બંનેને ટ્રીટમેન્ટ સમજાવી કહ્યું, “ચિંતા ન કરતા. આ કાંઇ બહુ કોમ્પ્લીકેટેડ સિચ્યુએશન નથી. તમારે થોડું ખોરાક, દવા પર થોડું વધુ ધ્યાન રાખવું પડશે. તમે માતા-પિતા બની શકો એમ છો.” એ સાંભળી બંનેના મનમાં આનંદની સરવાણી ફૂટી. સૌથી વધુ આનંદ તોરલના મનમાં હતો.

“હાશ હું મા બની શકીશ. મારા ખોળામાં બાળક કિલ્લોલતું હશે. એ મને મા..મા.. કહેશે.” તોરલ વિચારોમાં ખોવાઇ જતી. ડો. રવિ પરમારની ટ્રીટમેન્ટ થકી તે ફરી સગર્ભા બની. આ વખતે તેણે ખોરાકથી માંડી બધી બાબતોનું ધ્યાન રાખ્યું. જયદેવે મંગલપુરથી બા-બાપુજીને તેડાવી લીધા હતા. અને તોરલે પૂરા મહિને એક પુત્રને જન્મ આપ્યો. જયદેવ અને તોરલે તેનું નામ નકુલ રાખ્યું. જોકે, જન્મથીજ તે નબળો હતો. ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટે કહ્યું, દવાથી સારો તો થઇ જશે. પણ તેની રોગપ્રતિકારકશક્તિ ખુબ ઓછી રહેશે.

*****

આજે નકુલ 5 વર્ષનો થઇ ગયો છે. જયદેવ હવે પોલીસની નોકરીમાં સેટ થઇ ગયો છે. તેની બદલી જિલ્લાનાજ પોલીસ સ્ટેશનોમાં થાય છે. અાથી બધુ વાંધો નથી આવતો. પણ નકુલની તબિયત અવારનવાર બગડતી રહે છે. તોરલને લગ્ન પહેલાંની પોતાની વધુ પડતી વાસનાનો જ આ ફળ હોવાનું મનમાં થતું રહે છે. આખરે વાસનાની આજ નિયતી છે. એમ તેનો અંતરાત્મા તેને કહે છે. પણ હવે, વેઠવાનું નકુલે છે. અને તેની તબિયત વિશે તોરલ-જયદેવે સતત ચિંતીત રહેવાનું છે.


(સમાપ્ત)

મિત્રો, આ વાર્તા સત્યઘટના પર આધારિત છે. પણ તેમાં થોડો ભાગ કલ્પનાશીલતા પર પણ આધારિત છે. આવી ઘટનાઓ તમે જોશો તો તમારી આસપાસ આવા કિસ્સાઓ જોવા મળી જ રહેશે. આપણી જીંદગી એવી મોટી નથી કે, બધુંજ આપણે જાતે અનુભવી શકીશે. ઘણું બધું બીજાના અનુભવો પરથી પણ શીખી શકાય. એ કહેવાનો આમાં પ્રયાસ કર્યો છે. છેલ્લા બે પ્રકરણો વચ્ચે ખુબ લાંબો સમય પસાર થઇ ગયો. ઘણાબધા વાંચક મિત્રોએ મને વાર્તાના આગલા એપિસોડ વિશે અવારનવાર પૂછ્યૂં. મારી વાર્તામાં આટલો રસ દાખવવા અને પૃચ્છા કરવા બદલ આપ સહુનો ખુબ ખુબ આભાર માનવા સાથે લાંબી પ્રતિક્ષા કરવા બદલ ક્ષમા પણ ચાહું છું.

લેખન મારો વ્યવસાય છે, પત્રકાર છું. ક્યારેક વાર્તા લખવાનો મૂડ જાગે. બાકી રૂટીનમાંથી સમય કાઢું ત્યારે લખું એવું છે. અત્યારે લોકડાઉનના દિવસો છે. અેટલે થોડો સમય કાઢી શક્યો. પણ હવેની મારી સ્ટોરીઓ એક એપિસોડવાળી વધુ હશે. બને તો મોટિવેશ્નલ મટીરીયલ પર હાથ અજમાવવાનો વિચાર છે.

આપ સહુ આપની પસંદગી ચોક્કસ જણાવશો.

  • નિમીષ ઠાકર