Jokar - 25 in Gujarati Classic Stories by Mehul Mer books and stories PDF | જૉકર - સ્ટૉરી એક લુઝરની - 25

Featured Books
Categories
Share

જૉકર - સ્ટૉરી એક લુઝરની - 25

જૉકર – સ્ટૉરી એક લુઝરની
ભાગ – 25
લેખક – મેર મેહુલ
હું પૂરેપૂરો શેફાલીના વશમાં હતો.હું તેને સહકાર પણ આપવા લાગ્યો હતો.
એ જ સમયે નિધિનો ચહેરો મારી નજર સામે આવ્યો.તેણે કહ્યું હતું,હું કોઈને ભૂલથી પણ કિસ કરીશ તો એ જ યાદ આવશે.એ સાચી હતી.આ એ સ્પર્શ હતો જ નહિ.મારી નિધિનો સ્પર્શ જ જુદો છે.તેમાં ચાર ચાર વર્ષની તપસ્યા-લાગણી અનુભવી શકાય છે.સ્પર્શનો તો અહીં પણ અનુભવ થયો હતો પણ આ ઉત્તેજનાથી વધુ કશું નહોતું.નિધિ સાથે કિસ હતી તો આ માત્ર પ્રેક્ટિસ હતી.કેરી ચૂસવા જેવી પ્રેક્ટિસ.
મેં શેફાલીને ધક્કો માર્યો.મારી આંખો લાલ થઈ ગઈ હતી.
“શેફાલી તે આ શું કર્યું?”હું ગુસ્સામાં બોલ્યો, “તને જરા પણ ભાન છે?”
“હું તો ચેક કરતી હતી,મને કિસ કરતા આવડે છે કે નહિ એ,બોલ મને આવડે છે કે નહિ?”હજી એ મારી તરફ આગળ વધતી હતી.
મેં તેને થપાટ લગાવી દીધી.તેને દૂર હડસેલી હું ચાલવા લાગ્યો.મને કશું સમજાતું નહોતું.
શેફાલીએ મારો હાથ પકડ્યો અને પૂછ્યું, “શું થયું ડિયર?,એક કિસ જ હતી”
“તારી હિંમત જ કેમ થઈ મને કિસ કરવાની?”હું બરડ્યો,રડવા પણ લાગ્યો.
“તને ખબર છે હું અને નિધિ રિલેશનમાં છીએ તો પણ?”
“તો શું થયું?,હું કંઈ થોડી નિધિને કહેવા જઈશ કે મેં તારા બોયફ્રેન્ડને કિસ કરી?,કમોન યાર,મને ફિલિંગ આવી તો મેં કરી લીધી”શેફાલીએ બિન્દાસ થઈ કહ્યું.
“આ કોઈ મજાક નથી શેફાલી,હું અને નિધિ એકબીજાને પ્રેમ કરીએ છીએ.તેને આ વાતની ખબર પડશે તો એ કેટલી દુઃખી થશે એ તે વિચાર્યું છે?”
“પણ કોણ કહેશે તેને?,તું કહીશ?”
હું ચુપ રહ્યો.હું કેવી રીતે કહું કે તું માત્ર એક દિવસ કૉલેજે નહોતી આવી ત્યારે મેં બીજી છોકરીને કિસ કરી.
“તો પછી જે થયું એ થઈ ગયું,આપણી બંને વચ્ચેની વાત છે.અહીં ખતમ કર”
હું નરમ પડ્યો.
“શેફાલી અમે તને સારી દોસ્ત સમજીને ગ્રુપમાં શામેલ કરી હતી, પણ તું એને કાબીલ નથી.કદાચ તારા આવા સ્વભાવને કારણે જ તારા બોયફ્રેન્ડે તારી સાથે બ્રેકઅપ કર્યું હશે અને આજ પછી મને કે નિધિને ના બોલાવતી.ધમકી જ સમજ મારી”તેને આંગળી દેખાડી હું ચાલવા લાગ્યો.
“સાથ તો તે પણ આપ્યો હતોને?”શેફાલીએ ધીમેથી પુછ્યું.
મારી પાસે તેના સવાલનો કોઈ જવાબ નહોતો.બાઇક પર બેઠો ના બેઠો કીક મારી ફૂલ સ્પીડે બાઇક ભગાવી મૂકી.મને ગિલ્ટી ફિલ થતું હતું.મેં નિધિ સાથે છળ કર્યું હતું.ભલે મેં પહેલાં શેફાલીને રોકી હતી પણ ત્યારબાદ હું પણ વહી જ ગયો હતોને.વહી શું ગયો, પૂરેપૂરો તણાઈ જ ગયો હતો.
આજે ઓફીસે જવાનું પણ મન નહોતું.મારે નિધિને મળવું હતું.તેની સામે મારી આ ભૂલ કબૂલ કરવી હતી.તેને તરછોડીને મને શું મળ્યું?
મેં નિધિને મળવાનું વિચાર્યું.પણ એ બીમાર હતી અને વાતાવરણ હજી ખરાબ હતું તો તેને મળવા બોલાવવી મને યોગ્ય ના લાગ્યુ.કોઈ અજાણી ગલીના નાકે બાઇક એક છાપરાં નીચે રાખી મેં નિધિને કૉલ કર્યો.તેનો અવાજ બદલાઈ ગયો હતો.
“કેમ છે હવે?”મેં પૂછ્યું.
તેનો ધીમો અવાજ મારા કાને પડ્યો, “ફીવર વધતો જાય છે”
એક તો પહેલેથી જ તેની હાલત ખરાબ હતી અને ઉપરથી તેને આ ખબર આપી મારે તેને વધુ દુઃખી નહોતી કરવી.મેં હાલ પૂરતું વાત કહેવાનું માંડી વાળ્યું.
“નિધુ”મેં ધીમેથી કહ્યું.
“હા બોલને શેફાલી”તેણે કહ્યું.જ્યારે તેની આસપાસ કોઈ રહેતું ત્યારે એ શેફાલીનું બહાનું બનાવી મારી સાથે વાત કરતી.મારું દિલ જોરજોરથી ધડકવા લાગ્યું.જેના નામ પર અમે બંને વાતો કરતાં એને આજે….
“આઈ લવ યુ નિધુ”મારો અવાજ ગળગળો થઈ ગયો.
“શું થયું શેફાલી?,ઠીક છે ને તું?”નિધિએ પુછ્યું.
મેં કૉલ કટ કરી દીધો.હું રીતસરનો રડી પડ્યો હતો. રડતાં રડતાં મેં મૅસેજ ટાઈપ કર્યો, ‘વરસાદને લીધે કંઈ સંભળાતું નથી.કાલે કૉલેજ આવી શકીશ?”
તેનો રીપ્લાય આવ્યો, “ડૉક્ટરે ત્રણ દિવસ બેડની બહાર નિકળવાની મનાઈ ફરમાવી છે.તો ત્રણ દિવસ માટે તારી બીજી ગર્લફ્રેન્ડથી જ કામ ચલાવવું પડશે”હસતાં ઇમોજી સાથે તેનો મૅસેજ આવ્યો.તેને નથી ખબર ત્રણ દિવસ નહિ પહેલાં દિવસે જ તેના વિના બીજી ગર્લફ્રેન્ડે કામ કરી આપ્યું છે.
“મિસ યુ,તારી રાહ જોઉં છું”લખી મેં મૅસેજ મોકલી દીધો.
મારું મગજ હજી ઘુમરી મારતું હતું.શું કરવું એ મને સમજાતું નહોતું.એટલામાં મારી નજર બાજુમાં રહેલા એક છોકરા પર પડી.એ આરામથી સિગારેટના કશ ખેંચતો હતો. મને શેફાલીની વાત યાદ આવી ગઈ.
પાનના ગલ્લે જઈ મેં એક સિગરેટ લીધી.સળગાવી અને કશ ખેંચવાની કોશિશ કરી. ફરી ઉધરસ આવી.છતાં મેં સિગરેટ ફેંકી નહિ.મેં બીજો કશ ખેંચ્યો.આ વખતે પૂરો ધુમાડો મેં પેટમાં ઉતારી દીધો.એ સાથે જ મને વોમીટ થઈ.મેં સિગરેટ ફેંકી દીધી.કેવી રીતે લોકો હેન્ડલ કરતાં હશે?
બે દિવસ પસાર થઈ ગયાં.મને જબરો તાવ આવી ગયો હતો.નિધિ મને મૅસેજ કરીને ચીડવતી, ‘રોજ કિસ કરતા એટલે હવે આપણે બંને જુડવા થઈ ગયાં છીએ’
શું જવાબ આપવો એ મને સમજાતું નહોતું એટલે હું માત્ર હમમ.. હા.. ના…માં જવાબ આપતો.વચ્ચે શેફાલીના પણ ઘણા કૉલ આવેલા પણ મેં રિસીવ નહોતા કર્યા.ત્રીજા દિવસે નિધિનો એકપણ કૉલ ના આવ્યો.તેણે મારા મૅસેજ પણ સીન નહોતા કર્યા.મને તેની ચિંતા થવા લાગી.સાંજે મેં તેને ફરી મૅસેજ કર્યો.
તેનો રીપ્લાય આવ્યો, ‘હું આજે કૉલેજ ગઈ હતી’
મારું દિલ ફરી ધડકવા લાગ્યું.શેફાલી તેને મળી હશે અને તે દિવસની વાત તેને કહી હશે તો?,ના એ તો કહેવાની ના પાડતી હતી.પણ મેં શેફાલીના કૉલ રિસીવ નહોતા કર્યા એટલે કદાચ તેણે પૂછપરછ કરી હશે.
‘કંઈ નવીનમાં?’મેં મૅસેજ કર્યો.
તેનો રીપ્લાય આવ્યો એટલે મને શાંતિ થઈ.તેણે લખ્યું હતું, ‘ખાસ નહિ,તારી વિના કોલેજમાં ગમતું નથી.જલ્દી તાજોમાજો થઈને કૉલેજે આવી જા’
‘આઈ લવ યુ’મેં મૅસેજ કર્યો.તેનો કોઈ રીપ્લાય ના આવ્યો.કામમાં વ્યસ્ત હશે એટલે નહિ કર્યો હોય અથવા કોઈ બાજુમાં હશે એમ વિચારી મેં ફોન બાજુમાં રાખ્યો.પછીના દિવસે પણ નિધિએ મારાં મૅસેજના જવાબ ન આપ્યા.આ વખતે તો મૅસેજ સીન પણ થતા હતા.મને આશ્ચર્ય થયું.
રીકવરી મળતા મારે એક અઠવાડિયું લાગ્યું.આ એક અઠવાડિયા સુધી તેણે મારા મૅસેજના રીપ્લાય ન આપ્યા.એ મારો કૉલ પણ રિસીવ નહોતી કરતી.મને ગુસ્સો પણ આવતો હતો અને સાથે ભય પણ હતો.કદાચ તેને એ વાતની ખબર પડી ગઈ હશે તો?
પછીના દિવસે હું કોલેજ ગયો.મને જોઈને સૌ અંદરોઅંદર વાતો કરતાં હતાં અને હસતાં હતા.સૌ મારી જ રાહ જોઈ રહ્યા હોય એમ મારી પાસે આવીને મારી સાથે હાથ મિલાવવા લાગ્યા.
એક છોકરાને ઉભો રાખી મેં પૂછ્યું, “બધા કેમ મારી સાથે શેકહેન્ડ કરે છે?”
“લે તને નહિ ખબર ?”તેણે હસતાં હસતાં કહ્યું, “તું આપણી કૉલેજનો સેલિબ્રિટી બની ગયો છે.કૉલેજનો ઇમરાન હાશ્મી”
“શું મતલબ, ઇમરાન હાશ્મી?”મેં ગુસ્સામાં પૂછ્યું.
“તે પેલો વીડિયો નહિ જોયો?”તેણે પૂછ્યું.
“કયો વીડિયો,શેનો વીડિયો?”
તેણે પોકેટમાંથી મોબાઈલ કાઢી વીડિયો પ્લે કર્યો.મારો અને શેફાલીનો પુરી બે મિનિટનો કિસિંગ સીન હતો એ.
“આ શું છે બધું?,કોણે ઉતાર્યો આ વીડિયો?”હું ગુસ્સામાં લાલ થઈ ગયો.
“હવે તો ઇમરાન હાશ્મી કહું ને?”એ છોકરાએ પૂછ્યું.
મેં તેને થપાટ લગાવી દીધી.ગાલ ચોળતો ચોળતો એ નીકળી ગયો.
“કોને કોને થપાટ મારતો ફરીશ?,પુરી કોલેજમાં વાયરલ થઈ ગયો છે આ વીડિયો”મારી પાછળ શેફાલી ઉભી હતી.તેને જોઈને મારો ગુસ્સો સાતમાં આસમાને પહોંચી ગયો. મન કરતું હતું અત્યારે જ તેનું ખૂન કરી નાખું.
“બસ મળી ગઈને તને ખુશી?,જોઈ લીધુને તને કિસ કરતાં આવડે છે કે નહિ?”
“જૈનીત પ્લીઝ,મને નહોતી ખબર કે કોઈ આપણો વીડિયો ઉતારતું હશે.નહિતર હું…..”
“નહીંતર શું?”મેં પૂછ્યું.
એ મારી પાસે આવી, “પ્રિન્સિપાલે આપણને બોલાવ્યા છે.હું તેમને કહી દઈશ કે બધી ભૂલ મારી જ હતી”તેની આંખમાં આંસુ આવી ગયા.
“એ માની લેશે એમ? અને ચાલ તેણે માની પણ લીધું તો નિધિનું શું?, એ તો એમ જ સમજશે કે મેં તેને ચિટ કરી છે” હું બરાડી ઉઠ્યો.મને તેનો ચહેરો જોઈને વધુ ગુસ્સો આવતો હતો.એક તો તેના કારણે મુસીબતનો પહાડ તૂટ્યો હતો અને એ હજી મારી સાથે વાત કરવાની કોશિશ કરતી હતી.
મેં ગુસ્સામાં તેને કહ્યું, “તું જા અહીંયાંથી યાર…મારે તારો ચહેરો નથી જોવો”
એ નીચું મોઢું કરીને ચાલી ગઈ.હું વાળ પકડીને ઉભો રહ્યો.નિધિ…હા એટલે જ નિધિ મારા મેસેજના રીપ્લાય નહોતી આપતી.હું તેના રૂમ તરફ દોડ્યો.એ એકલી રૂમમાં ગુમસુમ બેઠી હતી.
હા,એ બેશક અત્યારે વધારે ખુબસુરત લાગતી હતી, પણ તેના માટે હું ખુશ થાઉં એવું મેં નહોતું કર્યું.હું તેની સામે જઈ ઉભો રહ્યો ત્યારે હું અસ્વસ્થ હતો.
(ક્રમશઃ)
શું આ જ કારણથી નિધિ અને જૈનીત જુદાં થયાં હતાં?,શેફાલીએ શા માટે આવું કાર્યુ હશે?,નિધિ કેમ જૈનીતના મૅસેજના જવાબ નહોતી આપતી?
સ્ટોરી કેવી લાગી એ જરૂર જણાવજો.કોઈ પણ જગ્યાએ ભૂલ હોય અથવા સ્ટૉરીની પકડ ઢીલી પડતી હોય તો પણ જણાવશો.મારી અન્ય સ્ટૉરી પ્રોફાઈલમાં છે જ.એ પણ જરૂર વાંચશો.અને આખરે વાંચતા રહો, જોકર – સ્ટૉરી એક લુઝરની.
-મેર મેહુલ
Contact - 9624755226