Jokar - 17 in Gujarati Classic Stories by Mehul Mer books and stories PDF | જૉકર - સ્ટૉરી એક લુઝરની - 17

Featured Books
  • کاغذ

    زندگی کا کورا کاغذ پڑھ سکتے ہو تو پڑھ لو۔ اگر چند لمحوں کی م...

  • خواہشات کا سمندر

    خواہشوں کا سمندر دور دور تک پھیل گیا ہے۔ ایک خواہش نے زمین و...

  • ادا کیا

    آنکھیں بند کر کے پینے کی ممانعت کیوں ہے؟ شراب پینے کی کوئی م...

  • پناہ

    تباہ حال شہروں میں گھر تلاش کرنے کی بجائے۔ لوگوں کے چہروں کا...

  • سرد موسم

    خوشگوار نشہ آور موسم دل کو مائل کر رہا ہے۔ رنگ برنگے پھولوں...

Categories
Share

જૉકર - સ્ટૉરી એક લુઝરની - 17

જોકર – સ્ટૉરી એક લુઝરની
ભાગ-17
લેખક – મેર મેહુલ
નિધિ સાથે પહેલીવાર મેં ફેસ-ટુ-ફેસ વાત કરી હતી.અમે બંને કેન્ટીમાંથી નાસ્તો કરી બહાર નીકળ્યા એટલે શિકારની રાહ જોઇને બેઠેલા સિંહની માફક બકુલ મારી રાહ જોઇને બેઠો હતો.આવું કંઈક થશે તેની મને ખબર જ હતી.જ્યારે તેના કામ વચ્ચે મેં પગ આડો કર્યો ત્યારે જ તેના ચહેરા પરથી હું કળી ગયો હતો કે ભાઈબંધ વાત દિલ પર લઈ લેશે.
બીજી બાજુ ભોળી નિધિને એમ લાગ્યું કે સરે મને મનાવવા માટે સલાહ આપી એ બાબતે વાત કરવા મને બોલાવ્યો હશે.છોકરાઓની વાત ના સમજી શકેને છોકરીઓ.
નિધિએ મને કહ્યું, “તું કંઈ ના બોલતો,હું જ કહી દઈશ કે તું એ પાત્ર ભજવવા નથી માંગતો”
મેં તેની વાતમાં હામી ભરી.હું નહોતો ઈચ્છતો કે નિધિ સામે આ બધી વાતો સામે આવે.બંધ બાજીએ આજનો દિવસ નીકળી જાય તો પછી બાજી સંભાળવામાં વાંધો આવે એમ નહોતો.
નિધિ બકુલ પાસે જઈ તેને કહેવા જતી જ હતી ત્યાં બકુલ મારા પર ઉકળ્યો, “હીરોપંતી કરવાનું ભૂત સવાર થયું છે તને?”
“છ મહિના પહેલાનો વીડિયો ભૂલી ગયો લાગે છે.ફરીવાર ફરતો મુકવો પડશે એ વીડિયોને”બાજુમાં ઉભેલા તેના દોસ્તે કહ્યું.
“જો દોસ્ત….”
“બકુલ..બકુલભાઈ”બકુલે રોફ ઝાડતાં કહ્યું.કસમથી જો બડીએ મને ઝઘડો ન કરવાની સલાહ ના આપી હોત તો આજે બકુલનો ચહેરો રંગાય ગયો હોત.
“હા બકુલભાઈ,હું કોઈપણ પ્રકારની હીરોપંતી નહોતો કરતો.મને યોગ્ય લાગ્યું એ મેં કહ્યું અને આમ પણ મેં ક્યાં તારું પાત્ર છીનવી લીધું છે.મોજ કરને”તેના ખભે બે વખત હાથ થાબડી મેં ઠાવકાઈથી કહ્યું અને નિધિનો હાથ ઝાલી હું ચાલવા લાગ્યો.
“મારા કપાળે મોટા અક્ષરે ‘C’ લખેલું છે?”બકુલ બોલ્યો, “તું શું દેખાડવા માંગતો હતો એ તો મને સમજાઈ જ ગયું છે.”
હું પાછળ ઘૂમ્યો,બકુલ પાસે પહોંચ્યો.
“તું સમજી જ ગયો છે તો શું કામ મને પૂછે છે?”મેં કહ્યું,“કામથી કામ રાખને ભાઈ”
“સિનિયર સાથે કેવી રીતે વાત કરાય એ તારા બાપે નથી શીખડાવ્યું?”બકુલે મારા શર્ટની કોલર પકડી, “ના શીખડાવ્યું હોય તો હું શીખડાવી દઉં?”
મારો પારો ઉપર ચડી ગયો.ચડી શું ગયો.પારો હદ વટાવીને તૂટી ગયો.મેં આંગળી ભેગી કરી મુક્કો બનાવ્યો એટલામાં જ….
“શું છે આ બધું?”નિધિ વચ્ચે પડી, “તમે બંને કેમ લડો છો?”
“કંઈ નથી થયું નિધિ.તું બહાર રાહ જો હું આવું બે મિનિટમાં”મેં કહ્યું.
“ના,એ ક્યાંથી બહાર જાય?,જે થાય છે એ એના કારણે જ તો થાય છે”બકુલે કહ્યું, “એને પણ બધી વાતની ખબર પડવી જોઈએને”
“બકુલ તારે મારી સાથે જે વાત કરવી હોય એ કરી લે,તેને વચ્ચે ના લાવ.એને કંઈ જ નથી ખબર”મહા મહેનતે ગુસ્સા પર કાબુ રાખી મેં શાંત સ્વરે કહ્યું.
“મને શું નથી ખબર?” નિધિએ પુછ્યું, “એ જ ને કે તે હૉલમાં મને ઇમ્પ્રેસ કરવા ડાયલોગ માર્યો હતો.આ ભાઈની સળગી ગઈ છે એટલે અત્યારે બદલો લેવાના ફિરાકમાં છે”
બકુલનો ચહેરો જોવા લાયક હતો.ચહેરા પરથી બધા રંગ ગાયબ થઈ ગયા હતા.તેણે નિધિને પુછ્યું, “મતલબ તને બધી ખબર છે?”
“લે હું કંઈ થોડી નાની બાળકી છું?”નિધિએ હસીને કહ્યું, “કોણ કોણ મારી પાછળ છે એની ખબર તો રાખતી જ હોઉંને?”
બકુલની તો બોલતી બંધ થતાં થઈ.સાથે સાથે મારા ચહેરાના પણ હાવભાવ બદલાય ગયા.પહેલીવાર નિધિના મોઢેથી હું આવા શબ્દો સાંભળતો હતો.એ પછી નિધિએ જે વાત કહી એ સાંભળીને તો મારું દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયું.
તેણે બકુલને કહ્યું, “જો ભાઈ તું લેટ છે.ઓલરેડી તેણે મારી લાઈફમાં એન્ટ્રી મારી લીધી છે અને વાત રહી ઝઘડાની તો તને એક વાત જણાવી દઉં.જો આ વિફર્યો તો તમે કોઈ અહીંયા ઉભા નહિ રહો”
પેલાં બિચારા શું બોલે?,એક તો તેનું કંઈ ચાલ્યું નહિ અને ઉપરથી ફજેતી થઈ એ વધારાની.બકુલ તો નીચે માથું ઘાલી ચાલવા જ લાગ્યો.અમે બંને ગેટની બહાર આવ્યા.
“હમણાં અંદર શું કહ્યું તે?”મેં આંખો મોટી કરીને પુછ્યું.કોઈના પણ ડોળા બહાર આવી જાય આવી વાતમાં.
“સાચું જ કહ્યુંને ગામમાં તારી સામે કોણ બોલતું?,મને ખબર છે તારી મમ્મીને કારણે તું આ લોકો સામે નથી પડતો નહીંતર આ લોકો શું જાણે તારી તાકાત”
“એ વાત નહિ,એની પહેલાની વાત.પેલી એન્ટ્રીવાળી”નિધિને મુદ્દા પર લાવતા મેં કહ્યું.
“ખોટું થોડું કહ્યું મેં?” નિધિએ શરમાઈને વાળની લટને આંગળીઓમાં ફેરવીને કાન પાછળ ધકેલતા કહ્યું.
હું પણ શરમાઈ ગયો.હું તો ગોળ ખાવાના મૂડમાં હતો અને તેણે તો મારા મોંમાં ગુલાબજાંબુ રાખી દીધું.મારામાં પણ હવે હિંમત આવી ગઈ હતી.
“તો હવે આગળ શું?”મેં ગૂંચવાઈને પુછ્યું.
“શું આગળ?”નિધિ પણ ગૂંચવાઈ.
“આગળ શું કરવું એની મને કંઈ ખબર નથી”ભોંઠો પડતા મેં કહ્યું.
“તું કિસ તો નહિ કરેને?”નિધિ હસી પડી.મારાથી પણ ન રહેવાયું.
“કિસની તો ખબર નથી પણ હજી દોસ્તના નાતે આલિંગન તો કરી જ શકું”આટલું કહી હું તેને ગળે વળગી ગયો.હું ખુશ જ એટલો હતો.ક્યાં ગામમાં જોયેલું સપનું અને ક્યાં અત્યારની હકીકત.
“તું દોસ્ત જ સમજે છે હજી?”નિધીએ ગાલ ફુલાવી મને છાતીએ મુક્કો મારતાં કહ્યું, “ગર્લફ્રેન્ડ ક્યારે બનાવીશ?દસમાં ધોરણથી હું આ સમયની રાહ જોતી હતી.”તેણે અધીરાઈ-સ્નેહ-વહાલ-આતુરતા-બેચેની…જેટલાં ભાવ સમાઈ શકે એટલાં ભાવથી કહ્યું.એની આંખોમાં મારાં માટે આવી લાગણી જોઈ હું તો આઠમાં-દસમાં આસમાને વિહરવા લાગ્યો.પણ મેં ધીરજથી કામ લીધું.અતિને ગતિ ના હોય એ વાતનો મને ખ્યાલ હતો.અચાનક જાણવા મળેલી લાગણી આમ અચાનક જ શમી જાય એવું હું નહોતો ઇચ્છતો.
“અરે સમય સમયનું કામ કરે.બે દિવસ પહેલાં આપણે વાત પણ નહોતા કરતાં અને અત્યારે એકબીજાએ પોતાનાં મનની વાત પણ કહી દીધી.થોડા દિવસ એકબીજાને જાણવામાં પસાર કરીએ ત્યાં સુધી દોસ્તીનું જ ટેગ લગાવીએ તો સારું રહેશે”નિધિને સમજાવતાં મેં કહ્યું.
“તો કાલેથી આપણે બંને બાજુમાં જ બેસીશું,કૉલેજ પણ સાથે આવીશું અને ઘરે પણ સાથે જ જઈશું,ક્યાં એરિયામાં રહે છે તું?”તેણે પુછ્યું.
“હિરાબાગ પાસે વિશાલનગરમાં,હનુમાનજીની દેરી પાસે,ઘર નં-44”મેં પૂરું સરનામું આપ્યું.
“બસ બસ,મારે છેક ઘર સુધી નહિ આવવું”એ હસી પડી, “હું કાપોદરામાં રહું છું તો સાથે જશું એમ”
મારી ખુશી બેવડાઈ ગઈ.કોલેજ આવવા જવામાં પણ હવે અમે સાથે રહેવાના હતા.
મેં ઘડિયાળ પર નજર કરી.હજી મારે ઘરે પહોંચી ફ્રેશ થઈ નોકરીએ જવાનું હતું.ઇચ્છા તો એવી હતી કે આજે નોકરી પર પણ બંક મારી નિધિ જોડે પૂરો દિવસ બેસીને વાતો કરું.પણ શરૂઆતમાં આવા આવેગો આવે એવું મેં કોઈક પૂર્તિમાં વાંચ્યું હતું.માટે ઉતાવળ ન કરતાં મેં ધીરજથી કામ લેવાનું નક્કી કર્યું.
“ચાલ નિધિ હવે જઈએ,મારે જૉબ પર જવાનું છે”મેં કહ્યું.
“ઓહ તો તું જોબ પણ કરે છે?”નિધિએ પુછ્યું.
“હાસ્તો,પોતાનો ખર્ચો નીકળી જાય એટલું તો કરવું જ પડેને”મેં કહ્યું.
“સારી વાત કહેવાય એ તો”નિધિએ કહ્યું અને પાછળથી ઉમેર્યું, “તો ક્યારે મળીએ હવે?”
“કાલે સવારે જ હોયને,ઘરેથી નીકળીશ એટલે કૉલ કરીશ તને”મેં કહ્યું.
“હું વિચારતી હતી,સાંજે કોઈક જગ્યા પર કૉફી પીવા જઈએ,ઘણીબધી વાતો કરવાની છે મારે”નિધિનો ઉત્સાહ તેના ચહેરા પર સાફ સાફ વર્તાય આવતો હતી.
“તારે એક જ ને નહિ મારે પણ વાત કરવાની છે”મેં મોં બગાડીને કહ્યું, “હું પણ તારા જેટલો જ આતુર છું”
“તો સાંજે મળીએને પણ”
“પણ તું આવી શકીશ?”મેં પુછ્યું.
“હાસ્તો,હવે તો આદત પાડવી પડશેને”આ છોકરીઓ પાસે પહેલેથી જ આવા મસ્કા તૈયાર હોતા હશે કે છોકરાને જોઈને શબ્દો નીકળતા હશે? આટલું મીઠું સાંભળી સાંભળીને ડાયાબીટીસ થવાની સંભાવના વધી જાય નહી!!
“સાત વાગ્યે હું છૂટીશ”મેં કહ્યું, “સવા સાત વાગ્યે હીરાબાગ પાસે ડેરી-ડોનમાં આવી જજે”
“ઑકે”તેણે મધુર અવાજે કહ્યું, “જેમ તમે કહો”
જતાં પહેલાં તેણે મને સામેથી હગ કર્યો.છોકરી વધુ પડતી જ એડવાન્સ થઈ ગઈ સુરતમાં આવીને.
(ક્રમશઃ)
આખરે જૈનીતની મહેનત સફળ થઈ.જેને તે દિલ-ઓ-જાનથી પ્રેમ કરતો હતો એ તેને મળી ગઈ.વાત પણ થઈ અને પ્રેમનો એકરાર પણ.હવે જ્યારે પ્રેમનું નવું પ્રકરણ શરૂ થઈ જ ગયું છે ત્યારે સમય છે મીઠી પળો એકઠી કરવાનો.એ જ મીઠી પળો જે છૂટ્યા પડ્યા પછી ખૂબ જ રડાવે છે.
તો શું શું થશે એ પ્રેમ પ્રકરણમાં. જાણવા વાંચતાં રહો.જોકર – સ્ટૉરી આપણાં લુઝર જૈનીતની.
-મેર મેહુલ
Contact - 9624755226