Jokar - 11 in Gujarati Classic Stories by Mehul Mer books and stories PDF | જોકર - સ્ટૉરી એક લુઝરની - 11

Featured Books
Categories
Share

જોકર - સ્ટૉરી એક લુઝરની - 11

જોકર – સ્ટૉરી એક લુઝરની
ભાગ-11
લેખક – મેર મેહુલ
રેંગાએ હસમુખભાઈની ગાડી સમજી ક્રિશાનો પીછો કર્યો હતો.તેના જ એરિયામાં જ્યારે તેણે એ વ્યક્તિને જોયો જેને એ શોધી રહ્યો હતો ત્યારે તેણે એનાં પર ગોળી છોડી હતી.બદનસિબે એ બચી ગયો અને એક ઘરમાં ઘુસી ગયો.રેંગો પણ તેની પાછળ એ ઘરમાં ઘુસ્યો હતો.
રેંગો જે ઘરમાં પ્રવેશ્યો હતો એ ઘર સુરુનું હતું.તેણે અનેકવાર અહીં પોતાની રાતો રંગીન બનાવી હતી.હદથી વધારે એ પરેશાન થતો ત્યારે સુરું સાથે બધી વાતો શેર કરીને મનને હળવું કરી લેતો.આમ પણ ત્રીસ વર્ષ વટાવી ચૂકેલા કુંવારા રેંગા માટે પ્રિયતમા કહો,પત્ની કહો કે ગણિકા કહો એ માત્ર સુરું જ હતી.
રેંગો ઘરમાં પ્રવેશ્યો ત્યારે અંદરનું વાતાવરણ બિલકુલ શાંત હતું.25×25ની ઓરડીમાં સુરું એકલી લાલ સાડીમાં ભભકાદાર શણગાર પહેરીને રેંગાની રાહ જોતી બેઠી હતી.રેંગાએ અડધી કલાક પહેલાં જ ફોન કરીને તૈયાર રહેવા કહ્યું હતું એટલે રેંગાના પ્રવેશતાની સાથે જ સુરું ઉભી થઇ રેંગાને લપેટાઈ ગઈ.
રેંગાએ એક ઝટકા સાથે તેને દૂર કરી પલંગ પર ધકેલી દીધી અને બરાડીને પૂછ્યું, “પેલો સાલો આ ઓરડીમાં આવ્યો ઇ ક્યાં ગયો?”
સુરું ઉભી થઇ.ફરી રેંગા નજીક આવી.રેંગાના શર્ટના બટન ખોલતાં એ બોલી,“કોણ?,તે કહ્યું’તું એટલે આજે મેં કોઈને આવવા જ નથી દીધો”
રેંગાએ ફરી તેને ધક્કો માર્યો,આ વખતે રેંગાએ વધુ તાકાતથી ધક્કો માર્યો હતો.સુરું પલંગના પાઇપ સાથે અથડાઈ નીચે ઢળી પડી.
“હરામી સાલી”કહેતાં રેંગો રૂમમાં આમતેમ નજર ફેરવવા લાગ્યો.ઓરડીમાં પ્રવેશવા માટે માત્ર એક જ દરવાજો હતો.ઓરડીમાં કોઈ બારી પણ નહોતી.ખૂણામાં માત્ર એક કબાટ હતો જેમાં સુરુના કપડાં અને બીજી વસ્તુ પડી રહેતી.
રેંગો એ કબાટ ખોલી કપડાં ફંફોળવા મંડ્યો.કબાટમાં ચાર આડા ખાના હતા જેમાં કોઈપણ વ્યક્તિનું છુપાવવું નામુમકીન હતું.છતાં રેંગો ગાંડાની જેમ કપડાં બહાર ફેંકી રહ્યો હતો.જોત જોતામાં પૂરો કબાટ ખાલી થઈ ગયો પણ તેની હાથ કંઈ ના લાગ્યું. ગુસ્સામાં તે સુરું પાસે પહોંચ્યો અને તેના પેટમાં જોરથી લાત મારી બરાડ્યો, “ક્યાં ઘાલી દીધો ઇ હરામીને તે?”
સુરું બેભાન અવસ્થામાં પડી હતી.તેના શરીરમાં સહેજ હલચલ થઈ અને ફરી ગાઢ નિંદ્રામાં સરી ગઈ.રેંગો ઘૂઘવાયો.એ જાણતો હતો કે આવો મોકો તેને બીજીવાર નહોતો મળવાનો.શિકાર સામે ચાલીને કોળીઓ બનવા આવ્યો હતો.કોઈ મૂર્ખ જ હશે જે આવો ચાન્સ ગુમાવી દે.
રેંગો કબાટ પર માથું ટેકવી વિચારવા લાગ્યો.અહીંથી બહાર નીકળવાનો એક જ રસ્તો હતો જે રસ્તે એ આવ્યો હતો.બહાર નીકળવા માટે બારી પણ નહોતી તો પછી એ વ્યક્તિ જમીનમાં દફન થઈ ગયો કે આકાશમાં ગાયબ થઈ ગયો.રેંગાએ ગુસ્સામાં એ કબાટને પકડીને આડો પાડી દીધો.
તેણે આ હરકત ગુસ્સામાં કરી હતી પણ એ નહોતો જાણતો કે આ હરકતથી તેને કેટલો ફાયદો થવાનો છે.તેની નજર સામે જે દ્રશ્ય હતું એ જોઈ તે મલકાઈ ઉઠ્યો. સામે કબાટ પાછળની દીવાલ પર એક પડદો લગાવેલો હતો.પેલો વ્યક્તિ ક્યાં ગુમ થયો હશે એની તેને ખબર પડી ગઈ હતી.
છેલ્લાં ઘણાં મહિનાઓથી બાજુની ઓરડી બંધ રહેતી.બે મહિના પહેલા એ ઓરડીના બારણાં આગળ પણ દીવાલ ચણાઈ ગઈ હતી.રેંગાને હવે સમજાતું હતું કે દીવાલ શા માટે ચણી હશે.ધીમે ધીમે તેની સામે બધા રહસ્યો ખુલતાં જતાં હતાં.એ વ્યક્તિ શા માટે દરેક વખતે નીકળી જતો,તેના પ્લાનની ખબર તેને કેવી રીતે પડી જતી એ બધી વાતો તેને સમજાય ગઈ હતી.
દબે પાવ રેંગો પડદા પાસે પહોંચ્યો અને દીવાલ પર હળવો ટકરો માર્યો.વુડનના બારણાં પર ટકરો લાગવાને કારણે ત્યાં બોદો અવાજ આવ્યો.રેંગો સચેત થયો.તેણે રિવોલ્વર બારણાં તરફ ધરી અને ધીમેથી એ બારણાંને ધક્કો માર્યો.તેનાં આશ્ચર્યની વચ્ચે દરવાજો આસાનીથી ખુલ્લી ગયો.
ચારેક ફૂટના દરવાજામાં નીચે ઝુકીને એ બાજુના ઓરડામાં પ્રવેશ્યો.એ ઓરડામાં અમાવસની રાત જેવું ભયંકર અંધારું હતું.રેંગો ધીમે ધીમે આગળ વધતો હતો.એટલામાં જ અચાનક લાઈટો શરૂ થઈ.અંધારામાં કોઈ વ્યક્તિ જતો હોય અને લગોલગ આવી ગયેલાં ટ્રકની અચાનક શરૂ થયેલી હેડલાઇટથી જેમ એ અંજાઇ જાય એવી જ રીતે રેંગાની આંખો સામે પ્રકાશનો સફેદ પડદો આવી ગયો.રેંગાને કંઈ સમજાય એ પહેલાં જ કોઈકે તેના માથાં પર જોરથી વાર કર્યો.રેંગો સળગતી મીણબત્તીના મીણની જેમ નીચે પથરાઈ ગયો.
એ વાર કરવાવાળું બીજું કોઈ નહિ જૈનીત જ હતો.ઘણાં સમયથી એ જે વ્યક્તિની પાછળ પડ્યો હતો એ સામે ચાલીને તેના શીકંજામાં આવી ગયો હતો.
જૈનીતે તરત જ ફોન કાઢ્યો અને જુવાનસિંહને જોડ્યો, “જુવાનસિંહ,હું મૅસેજ કરું એ એડ્રેસ પર આવી જાઓ.”
***
થોડીવાર પહેલાં ક્રિશા ઘરે આવી હતી. ઘરે આવી ત્યાં સુધી તેણે પોતાને કેમેય કરીને સંભાળી લીધી હતી.જ્યારે તેણે પોતાને એકાંત જોઈ ત્યારે રીતસરની રડી પડી હતી.આજદિન સુધી કોઈએ તેને આવા શબ્દો નહોતાં કહ્યા.લાડ-પ્યારથી ઉછરેલી ક્રિશા માટે આ મોટા આઘાત સમાન હતું.
થોડીવાર રડ્યા પછી તેણે પોતાની જાતને સ્વસ્થ કરી અને પોતાની ભૂલ સુધારવાનું નક્કી કરી લીધું.મોબાઈલ હાથમાં લઈ તેણે જૈનીતને કૉલ લગાવ્યો.રિંગ પુરી વાગી પણ કૉલ રિસીવ ના થયો.તેણે જૈનીતને મૅસેજ કર્યો,જેમાં લખ્યું, “મારી ભૂલ નથી જૈનીત છતાં જો તને ખોટું લાગ્યું હોય તો હું માફી માંગુ છું”
ક્રિશા જૈનીતના મૅસેજની રાહ જોતી રહી પણ જૈનીતનો રીપ્લાય ન આવ્યો.બપોરની સાંજ થવા આવી પણ જૈનીતનો રીપ્લાય ના આવ્યો તે ના જ આવ્યો.બીજી બાજુ ક્રિશાની બેચેની વધતી જતી હતી.પોતે એવી મોટી ભૂલ નહોતી કરી છતાં એ ભોગવી રહી હતી.
આરધાનએ એ જ્યારે જૈનીત વિશે વાત કહી હતી ત્યારે ક્રિશાએ પણ જૈનીતને એક ખરાબ છોકરો સમજી લીધો હતો પણ જ્યારે ક્રિશા જૈનીતના સંપર્કમાં આવી,તેની સાથે વાતો કરી-સમય વિતાવ્યો ત્યારે ક્રિશાને વાસ્તવિકતા સમજાય હતી.
‘કોઈ વ્યક્તિ એક વ્યક્તિ સાથે ખરાબ વર્તન કરે તો એનો મતલબ એમ નથી કે એ વ્યક્તિ ખરાબ જ છે.બની શકે એ બીજા કોઈ વ્યક્તિ સાથે ખૂબ સારી રીતે વર્તતો હોય.લોકોના જુદાં જુદાં અભિપ્રાય પરથી કોઈ વ્યક્તિનું વ્યક્તિત્વ નક્કી ના કરી શકાય.’
ક્રિશાને આ વાત બરોબર સમજાય ગઈ હતી.એ ભલે જૈનીતનું ખરાબ નહોતું ઇચ્છતી પણ જાણેઅજાણ્યે તેને જૈનીતથી આરધાનના બદલાની વાત તો છુપાવી જ હતી.
ક્રિશા ઉભી થઈ. ફ્રેશ થઈ તેણે હસમુખભાઈને કૉલ કરી’રાતનું જમવાનું બહાર છે’એમ કહી ઘરેથી નીકળી ગઈ.જૈનીત કૉલ રિસીવ નહોતાં કર્યા એટલે ક્રિશાએ રૂબરૂ મળીને જૈનીતને સમજાવવાનું નક્કી કરી લીધું.
ક્રિશા જૈનીતના બંગલે આવી ત્યારે સાંજના સાત થવા આવ્યા હતા.વૃષભના કહેવા મુજબ જૈનીત સવારે ક્રિશા સાથે નીકળ્યો પછી ઘરે જ નહોતો આવ્યો.ક્રિશા જૈનીતની રાહ જોતી બંગલા બહાર બેઠી.
સાતના નવ થયાં ત્યારે જૈનીતની કાર ગેટ પાસે આવી ઉભી રહી.ક્રિશા જૈનીતની કાર પાસે આવી ઉભી રહી. જૈનીત નશામાં ધૂત હતો.
“મારે તારી સાથે વાત કરવી છે”ક્રિશાએ નાક પર રૂમાલ રાખતાં કહ્યું.
“મેં તને કહ્યું હતુંને,આજ પછી મારી નજર સામે ના આવતી.”જૈનીતે કહ્યું.
“મારી વાત તો સાંભળ એકવાર,પછી તારે જે કહેવું હોય એ કહેજે”ક્રિશાએ કરગરતા કહ્યું.
“મારે કોઈની વાતની નથી સાંભળવી,તું જા અહીંયાંથી”કહેતાં જૈનીતે ગેટ ખોલવા માટે હોર્ન માર્યો.વૃષભ આવીને ગેટ ખોલી ગયો.
“ફાઇન,તું જિદ્દી છે તો હું તારાથી વધારે જિદ્દી છું.જ્યાં સુધી તું મારી વાત નહિ સાંભળે ત્યાં સુધી અહીંયાથી હટવાની નથી”પગ પછાડતા ક્રિશા ગેટની બહાર ફૂલછોડની પાળી પર બેસી ગઈ.
“મને શું ફર્ક પડે છે,બેસી રહે પુરી રાત”જૈનીતે કહ્યું અને ગાડી અંદર લઈ લીધી.
***
સવારના સાત વાગ્યા હતા.રાત્રે જૈનીત ગીતો સાંભળતો સાંભળતો સોફા પર જ સુઈ ગયો હતો.કોઈ દિવસ નહીને આજે પહેલી વાર વૃષભ જૈનીત પાસે આવ્યો અને ડરતાં ડરતાં જૈનીતને જગાડ્યો.
“શું થયું? કેમ અત્યારે જગાડે છો?”જૈનીતે દીવાલ તરફ ઘડિયાળમાં જોતાં કહ્યું.
“કાલે રાત્રે જે છોકરી બહાર ઉભી હતી એ હજી બહાર બેઠી છે.રડતી હતી બેચારી.તમને જણાવવા જેવું લાગ્યું એટલે જગાડ્યા”વૃષભે કહ્યું.
“હું જોઉં છું”કહેતાં જૈનીત ઉભો થયો. કાલે રાત્રે એ નશામાં હતો.તેણે ગુસ્સામાં ક્રિશા સાથે વાત કરવાની ના પાડી હતી ત્યારે ક્રિશાએ ‘જ્યાં સુધી જૈનીત વાત નહિ કરે ત્યારે સુધી બેસી રહેવાની’ હઠ પકડી હતી.ત્યારે જૈનીતે ગુસ્સામાં પુરી રાત બેસવાનું કહીને અંદર ચાલ્યો આવ્યો હતો.
ઉતાવળ પગે જૈનીત ગેટ પાસે પહોંચ્યો.ક્રિશા હજી રડતી હતી.જૈનીતના આવતાં જોઈ તેણે આંસુ લૂછી નાખ્યા અને ઉભી થઈ.
“તું હજી ઘરે નથી ગઈ?”જૈનીતે પૂછ્યું.
“જ્યાં સુધી તું વાત નહિ કરે ત્યાં સુધી હું ક્યાંય નથી જવાની”ક્રિશાએ નરમ અવાજે કહ્યું.
“કાલે રાત્રે તું કંઈ નહોતી જમી,અંદર ચાલ પહેલાં નાસ્તો કરી લે”
“પહેલાં પ્રોમિસ કર,મારી વાત સાંભળીશ”ક્રિશાએ કહ્યું.
“મારી સાથે નાસ્તો કરીશ તો જ”જૈનીતે સ્માઈલ સાથે કહ્યું.
“હા ચોક્કસ અને તારી જાણકારી માટે કહી દઉં હું કાલ રાતની નહિ કાલ બપોરની કંઈ નથી જમી,કડકડતી ભૂખ લાગી છે”ક્રિશાએ પણ સ્માઈલ કરતાં કહ્યું.
થોડીવાર પછી બંને ટેબલની સામસામે બેઠાં હતાં.ટેબલ પર કૉફી-નાસ્તો પડ્યું હતું.ક્રિશાએ પહેલાં પેટ ભરીને નાસ્તો કરી લીધો.ત્યાં સુધી જૈનીત કૉફી પીતાં પીતાં માત્ર ક્રિશાને નિહાળતો હતો.
“આરાધનાએ જ તને પાઠ ભણાવવા માટે મને કહ્યું હતું”ક્રિશાએ ચૂપકીદી તોડતાં કહ્યું, “પણ જ્યારે હું તને મળી ત્યારે જેવો આરાધનાએ કહ્યું એવો તું મને ના લાગ્યો.હું વ્યક્તિના જાણ્યા વગર જજ નથી કરી લેતી.મારાં માટે તું ખરાબ છોકરો નથી એટલા માટે મેં તને અને આરાધનાને એકબીજાની સામે લાવી સમાધાન કરવાનું નક્કી કર્યું હતું પણ…..”ક્રિશાએ વાત અધૂરી છોડી દીધી.
“પણ બન્યું ઊલટું,તું કંઈ બોલે એ પહેલાં જ હું બોલવા લાગ્યો અને તને એક પણ શબ્દ ના બોલવા દીધો.મારી ભૂલ છે,હું જાણું છું”જૈનીતે ત્રાંસી નજરે જોઇ મંદમંદ હસતાં કહ્યું.ક્રિશાની આંખો પહોળી થઇ ગઇ.જે વ્યક્તિને કારણે તે આટલી રડી હતી એને પહેલેથી જ બધી ખબર હતી.
“તને પહેલેથી જ ખબર હતી તો તે પહેલાં કેમ ના કહ્યું?,શા માટે મને તરછોડી?”ક્રિશાએ આંખો મોટી કરી ગુસ્સે થતાં પૂછ્યું.
“બસ હું તને જણાવવામાં માંગતો હતો કે વ્યક્તિ પર આટલી જલ્દી ભરોસો કરવાથી પોતે જ દુઃખી થઈએ છીએ. અને આમ પણ મારો ખરાબ પહેલુ તારી નજર સામે નહોતો આવ્યો.એ બહાને તને મારી ખરાબ વાતો પણ ખબર પડી ગઈને”
“જૈનીત…,તું ગાળો બોલે,દારૂ પીએ કે ખરાબ વર્તન કરે.એનાં પરથી તારું વ્યક્તિત્વ નથી થતું.તારો વિચારો પરથી એ નક્કી થાય છે.અને ત્રણ દિવસમાં મેં તારા વિચારો જાણી લીધાં છે”
“સારું ચાલો કોઈ તો એવું વ્યક્તિ છે જે દ્રશ્ય જોઈને જજમેન્ટ પાસ નથી કરતું”જૈનીતે સસ્મિત સાથે કહ્યું.
ક્રિશાએ જૈનીતના હાથ પર હાથ રાખ્યો,જૈનીતની આંખોમાં આંખો પરોવી સ્માઈલ સાથે કહ્યું, “દુનિયા માટે તું ગમે તેવો વ્યક્તિ હોય,મારા માટે તો તું નિખાલસ,પ્રેમાળ અને ખુશમીજાજ છે”
જૈનીત પણ ક્રિશાની આંખોમાં ખોવાઈ ગયો. ક્રિશાની આંખોમાં તેનો ભૂતકાળ રમતો હતો.જૈનીત પોતાને થોડાં વર્ષો પહેલાની પરિસ્થિતિમાં લઈ જતાં ના રોકી શક્યો.
પરિસ્થિતિનું ભાન થતા ક્રિશાએ પોતાનો હાથ પાછો ખેંચી લીધો.
“મારે જવું પડશે,અંકલ રાહ જોતાં હશે”ઊભાં થતાં ક્રિશાએ કહ્યું.જૈનીતે માત્ર હકારમાં માથું ધુણાવ્યું.ક્રિશા ઝડપી પગલે ઘરની બહાર આવી ગઈ.તેના શ્વાસની ગતિ આપોઆપ વધી ગઈ હતી. પહેલાં ક્રિશાએ કોઈ દિવસ આવી પરિસ્થિતિ નહોતી અનુભવી. અસમંજસમાં ફસાયેલી ક્રિશા સાથે શું થઈ રહ્યું હતું એ પોતે પણ નહોતી જાણતી.
(ક્રમશઃ)
પ્રેમ?,ક્રિશા પ્રેમ નામના સાગરમાં ડૂબકી મારવા જઈ રહી હતી? કે પછી માત્ર આકર્ષણ જ હતું?,
જૈનીત શા માટે આવું કરતો હતો?,શું થશે જ્યારે ક્રિશા જૈનીતના ભૂતકાળથી વાકેફ થશે.શું થયું હશે ભૂતકાળમાં? જાણવા જાણતા રહો, જોકર – સ્ટૉરી એક લુઝરની.
- મેર મેહુલ
Contact - 9624755226