bhare vajan ghatadvana halva nuskha - 9 in Gujarati Magazine by Mital Thakkar books and stories PDF | ભારે વજન ઘટાડવા હળવા નુસ્ખા - ૯

Featured Books
Categories
Share

ભારે વજન ઘટાડવા હળવા નુસ્ખા - ૯

ભારે વજન ઘટાડવા હળવા નુસ્ખા

ભાગ- ૯

- મીતલ ઠક્કર

ભારે વજન ઘટાડવા કેટલાક એકદમ સરળ અને હળવા નુસ્ખા આપણે એટલે જોઇ રહ્યા છે, કેમકે આજે કોઇની પાસે નિયમિત પ્રયોગ કરવાનો સમય નથી. આપણે અનેક વખત વાંચ્યું અને સાંભળ્યું છે કે વજન ઘટાડવા દરરોજ સવારે ઊઠીને હૂંફાળા પાણીમાં મધ નાખીને પીવું જોઇએ. એટલો સાદો અને સરળ પ્રયોગ પણ નિયમિત થતો નથી. આથી વજન ઘટાડવાનું મિશન એની મંઝિલ પર પહોંચતું નથી. હવે એનાથી પણ સરળ પ્રયોગ છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જો ભોજન લેવાના અડધા કલાક પહેલાં અડધો લીટર પાણી પીવામાં આવે તો વજન અચૂક ઘટે છે. આ અભ્યાસમાં જણાવાયું છે કે આ રીતે પાણી પીનારા લોકોમાં જમતી વખતે કેલેરી ઇન્ટેક બીજા લોકો કરતાં ૪૦ ટકા ઓછો હોય છે. અને જમી લીધા પછી અડધા-એક કલાક બાદ પાણી પીવાનું. આમ કરવાથી કમર પર ચરબી વધતી નથી. દિવસમાં વારંવાર પણ પાણી પીતા રહેવું જોઇએ. તેનાથી ચયાપચયની પ્રક્રિયા ઝડપથી થતી હોવાથી વધારે કેલેરીની ખપત થશે અને શરીરની ચરબી ઘટશે. ડાયટિશીયનનો અભ્યાસ કહે છે કે વજન ઘટાડવાના આયોજનમાં વ્યાયામની ૩૦ ટકા અને ભોજનની ૭૦ ટકા ભૂમિકા હોય છે. વ્યાયામથી પાચનની ક્રિયા વધુ વ્યવસ્થિત થાય છે અને વજન ઘટવાની પ્રક્રિયાની ઝડપ વધે છે. વજન ઘટાડવા માટે માત્ર કોઇ ચોક્કસ આહાર, કોઇ દવા કે કૃત્રિમ રીત અપનાવવી ના જોઇએ. લાંબા સમયે તેના પરિણામ ખરાબ આવે છે.

* વજન વધે નહીં એ માટે શું ના ખાવું એ બાબત આપણાને ડાયાટિશીયન દ્વારા લાલબત્તી બતાવવામાં આવે છે પણ લાલ રંગના પાંચ ફળ એવા છે જે વજન ઓછું કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. પહેલું ફળ છે દાડમ. લાલ દાડમ રોજ ખાવાથી વજન ઘટવા સાથે શરીરની નબળાઇ પણ ઓછી કરે છે. ડાયાબિટીશથી પીડીત હોય એમના માટે આ ફળ સારું છે. બીજું ફળ છે લાલ સફરજન. એમાં વિટામિન 'સી' ભરપૂર હોય છે. એમાં ફાઇબર્સ સારા પ્રમાણમાં હોય છે. જેના દ્વારા પાચનક્રિયા સારી બનવાથી ભૂખ નિયંત્રણમાં રહે છે. ત્રીજું છે ચેરી. ખાલી પેટ ચેરી ખાવાથી વજન ઉતારવામાં મદદ મળે છે. ચોથું લાલ ફળ છે સ્ટ્રૉબરી. દરરોજ પાંચ-સાત સ્ટ્રૉબરી ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને વજન ઘટે છે. પાંચમું છે પ્લમ. સવારે પ્લમ ખાવાથી આખા દિવસ દરમ્યાન શરીરમાં ઉર્જા જળવાઇ રહે છે જે વજન ઘટાડવામાં સહાયક બને છે.

* કેટલીક ખોટી માન્યતાઓને કારણે પણ વજન ઘટાડવામાં અંતરાય ઊભા થાય છે. જેમકે, સાંજને બદલે સવારે વધારે ખાવાથી વજન ઘટે છે. આ માન્યતા ખોટી છે. શરીર ભોજનને પચાવે છે ત્યારે એવું જોતું નથી કે સમય કયો છે. તમે દિવસ દરમ્યાન જેટલી કેલોરી લો છો એના પરથી જ વજન નક્કી થાય છે. દ્રાક્ષ ખાવાથી શરીરની કેલેરી વપરાય છે એ વાત પણ ખોટી છે. કેમકે પાચનની પ્રક્રિયા દરમ્યાન શરીરને ઉર્જા-કેલેરી મળે છે. એવો કોઇ પદાર્થ નથી જે ખાવાથી ઉત્પન્ન થયેલ ઉર્જાથી વજન ઘટી શકે. કોઇ એક સમયનું ભોજન છોડી દેવાથી વજન ઘટતું નથી. સમય પર સવારનો નાસ્તો, બપોરનું ભોજન અને સાંજનું ભોજન કરો. કોઇ એક સમયનું ભોજન છોડી દીધા પછીના ભોજનમાં વધુ ખવાય છે.

* ફાઇબર યુક્ત આહાર જેવા કે બદામ, બિન્સ, બ્રાઉન ચોખા, પોપકોર્ન વગેરેથી શરીરની ચરબી ઓછી થાય છે.

* પાતળા થવા માટે દૂધ અને શુધ્ધ ઘીનું સેવન સંપૂર્ણ બંધ કરી દેવાથી નબળાઇ આવે છે.

* મૂળા, કોબીજ, લીલા કાંદા જેવા શાકમાં ચરબી હોય છે. તેનો ભોજનમાં વધુ ઉપયોગ કરવો જોઇએ.

* રસોડામાં જંકફૂડ કે ડબ્બાબંધ ભોજન ના રહે તેનું ધ્યાન રાખો. તેના બદલે શાકભાજી અને ફળ વધુ રાખો. રસોડામાં અનેક પ્રકારના પૌષ્ટિક આહાર હશે તો તેને આરોગવાથી આપોઆપ જ વજન ઘટવા લાગશે.

* ઘરમાં સતત ગતિવિધિ કરતા રહેવાથી વજન ઘટવામાં મદદ મળશે. એ જાણી લો કે રસોઇ બનાવવાની પ્રવૃત્તિથી દર કલાકે ૧૪૮ કેલેરીનું દહન થાય છે. ઘરની સફાઇથી દર કલાકે ૨૦૭ કેલેરીનું, બાળકોની સારસંભાળથી દર કલાકે ૨૦૫ કેલેરીનું અને નાચવાથી દર કલાકે ૨૬૬ કેલેરીનું દહન થાય છે.

* વજન ઘટાડવા માટે તેલ ખાવા ઉપર એકદમ પ્રતિબંધ મૂકી દેવાની જરૂર નથી. તળેલી વસ્તુઓ મર્યાદામાં ખાવી જોઇએ. ઘરમાં બનાવેલા ભજિયા, પૂરી ખાઇ શકાય. બજારમાં એક જ તેલમાં વારંવાર તળવામાં આવતું હોવાથી ચરબી વધી જાય છે. અને ઘરની તળેલી વસ્તુમાં વધારે પડતું મીઠું અને સોડા હોતા નથી. મહિનામાં એક વખત ઘરના તળેલા ભજિયા ખાવામાં કોઇ વાંધો નથી.

* મગની દાળમાં ફેટસ હોતી નથી. અને એ, બી, ઇ અને મિનરલ્સ હોય છે. મગની દાળની વાનગીના ઉપયોગથી વજન ઘટે છે.

* વજન ઘટાડવા માગતા હોય તો એનર્જી ડ્રિંક્સનો ઉપયોગ ટાળવો જોઇએ. એનાથી ઉર્જા જરૂર મળે છે પણ એમાં ખાંડ કે ગ્લુકોઝનું પ્રમાણ વધારે હોય તો વજન વધે છે. આમ પણ ભોજનમાં ખાંડ અને મીઠાનું પ્રમાણ ઓછું જ કરવું. મેંદાની વસ્તુઓ ખાવાનું ટાળવું.

* છાશથી પણ ચરબી ઘટે છે. દૂધમાં ચરબી હોય છે પણ છાશમાં પાણી વધારે પ્રમાણમાં હોવાથી વધારે પીવી જોઇએ. ડાયટમાં નારિયેળ પાણી પીવાનું લાભદાયક ગણાય છે. તે પીવાથી શક્તિ મળે છે અને ચરબી ઉત્પન્ન થતી નથી.

* મીઠાઇ યોગ્ય પ્રમાણમાં અને યોગ્ય સમયે ખાવાથી નુકસાન કરતી નથી. વજન ઘટાડવા માગતા હોય તો ક્યારેય મીઠાઇને ભોજન તરીકે લેવાની ભૂલ ના કરશો. જમ્યા પછી મીઠાઇ લેવાનું હંમેશા ટાળશો.

* વજન ઘટાડવા સૂપ પીતા હોય ત્યારે એમાં કોર્નફ્લોર કે ક્રીમનો ઉપયોગ કરશો નહીં.

* વજન એક દિવસમાં વધી જતું નથી. એટલે એક દિવસમાં વજન ઘટી જાય એવું માનવું નહીં. વજન ઘટાડવાની પ્રક્રિયા ઘણી લાંબી હોય છે. નિયમિત રીતે ડાયટનું પાલન કરવાથી પરિણામ મળે છે.

* માત્ર ખાવા-પીવાથી જ વજનને અસર થતી નથી. ઓછી ઊંઘ અને તણાવને કારણે પણ વજન વધે છે. ઘણી વખત હોર્મોનની અનિયમિતતાથી વજન વધે છે. હોર્મોનની તપાસ કરાવવાથી કોઇ આંતરિક સમસ્યા હોય તો ખ્યાલ આવી જાય છે.