The last wish - 2 in Gujarati Adventure Stories by Pratik Barot books and stories PDF | અંતિમ ઈચ્છા - ભાગ ૨

Featured Books
Categories
Share

અંતિમ ઈચ્છા - ભાગ ૨

અધ્યાય ૨

આખરે લાઈફલાઈનથી લટકી રહેલા ઋષિને થોડુ ભાન આવતા એ સતર્ક થયો. એક ખાસ પ્રકારની વિનાઈલ ટેપ એની પાસે હતી જે કોઈપણ પ્રકારનુ લિકેજ રોકી શકે. ઋષિએ ઓક્સિજનની ટાંકીના ગાબડા પર એ ટેપ લગાવી દીધી હતી.

પેટ્રીકને પણ ધીરે ધીરે પોતાની તરફ આવતો જોઈ એણે રાહત અનુભવી. આંખો બંધ કરી એ વિચારી રહયો હતો અને પોતાના મનને ધરપત આપી રહયો હતો કે થોડી જ વારમાં પેટ્રીક એના સુધી પંહોચશે, એને પોતાની સાથે પાછો શીપમાં લઈ જશે અને પાછો જઈને સૌથી પહેલા એ ઈન્ટરનેટ પર એની બા સાથે વાતો કરશે.

પેટ્રીકના પોતાના સુધી પંહોચવાની રાહ એ જોતો હતો અને ત્યાંજ એણે દોરડાના વળ તૂટતા હોય એવો અવાજ સાંભળ્યો. તોફાન દરમિયાન કોઈ ધારદાર વસ્તુના ઘસારાથી દોરડુ હવે વધારે સમય સુધી એનુ વજન ખમી શકે એમ નહોતુ. એણે વધારાની વસ્તુઓ જેમકે ટૂલબોક્સ, ફૂડબેગ અને પેનલ સાફ કરવાનુ મશીન અવકાશમાં રમતી મૂકી દીધી અને હલનચલન સંપૂર્ણપણે બંધ કરી સ્થિર થવાનો પ્રયાસ કરવા લાગ્યો.

થોડીજ વારમાં એને પેટ્રીક એકદમ નજીક જણાયો, પણ જ્યારે બંને વચ્ચે લગભગ બે હાથ જેટલુ અંતર બાકી હશે ત્યારે ફરી કોઇ તકનીકી ખરાબીના કારણે શીપ ભૂકંપ આવ્યો હોય એમ ખળભળી ઉઠયુ અને આખરે ઋષિની લાઈફલાઈન પણ એક ઝાટકો વાગીને તૂટી જ ગઈ.

પેટ્રીકની લાઈફલાઈન પણ અંહી પૂરી થઈ જતી હોવાથી ના તો પેટ્રીક થી આગળ જવાય એમ હતુ ના તો શીપનુ એન્જિન બંધ પડી ગયુ હોવાથી સોહમ કંઈ પણ ઓપરેટ કરી શકે એમ હતો.

બસ, દુ:ખી હ્ર્દયથી ઋષિને અવકાશના આ વિશાળ અલૌકિક દરિયામાં અલોપ થઈ જતો બંનેએ જોતો રહેવાનો હતો.

******
અવકાશમાં કંઈ કેટલાયે પ્રકાશવર્ષ સુધી ઋષિ આમતેમ ફંગોળાતો રહયો. ઓક્સિજન ની ટાંકી પર લગાવેલી પેલી ખાસ પ્રકારની ટેપ પણ હવે અડધી ઉખડી ચૂકી હતી અને મહદ્અંશે ઓક્સિજનનુ અવકાશમાં ઘોળાવાનુ પણ શરૂ થઈ ચૂક્યું હતુ.

ટાંકી પરના ઈન્ડીકેટરમાં બચેલા ઓકિસજનના જથ્થાનુ લેવલ અત્યારે માત્ર પિસ્તાલીસ ટકા જ બતાવતુ હતુ, જે દર મિનિટે સતત ઘટતુ જ જતુ હતુ અને બૂમો પાડી પાડીને કહી રહ્યુ હતુ કે ઋષિ આ વિશ્ર્વમાં હવે અમુક ગણતરીના કલાકનો જ મહેમાન હતો.

ઋષિ કેટલીય વાર સુધી હતાશામાં ગરકાવ રહ્યો. મોતના ડરથી ઘેરાયેલો ઋષિ પોતાના સ્વજનોને યાદ કરી રડી રહયો હતો. ભવિષ્યમાં આકાર લેનારી ઘટનાઓ વિશે બધુ જ જાણતા હોવા છતાં પણ ન તો કોઈને કહી શકે કે ના તો કંઈ કરી શકે એવુ વરદાન ધરાવતા પાંચ પાંડવોમાંના એક સહદેવ જેવી પારાવાર પીડા એ ભોગવતો હતો. છેલ્લા કેટલાય મહિનાઓથી બા સાથે સરખી રીતે વાત ન કરી હોવાનો રંજ એને અંદરથી ખાઈ રહયો હતો.

ગુરૂત્વાકર્ષણના અભાવે ઋષિની આંખમાંથી નીકળતા અશ્રુબિંદુઓ એના ગાલ પર ટકી શકતા નહોતા. એ આંસુઓ સ્પેસશૂટના હેલ્મેટના કાચ પર જઈ રેલાયા હતા. મિતલ સાથે ચોમાસાની વરસાદી કોઈ સાંજે જ્યારે એની મોટરકારમાં દૂર સુધી ફરવા જતો, ત્યારે કોઈ કોઈ વાર રાત પડી જતી. અને કારના આગળનો કાચ સતત વરસતા પાણીના કારણે અર્ધપારદર્શક જેવો બની જતો. કારના વાઈપર્સ પણ ભારે વરસાદ આગળ નકામા સાબિત થતા. જેમ એવા સમયે ઋષિને ઘરે પંહોચવાની શક્યતા નહીવત જણાતી એ જ રીતે અત્યારે એને હેલ્મેટના કાચમાંથી જીવનની શક્યતાની જેમ અવકાશ પણ ધૂંધળું જણાતુ હતુ.

સેંકડો વાર શીપ અને ઈસરો હેડકવાર્ટર સાથે સંપર્ક કરવાના પ્રયત્નો એ કરી ચૂકયો હતો, અને દરેક વખતે જવાબરૂપે માત્ર સન્નાટો મળ્યો હતો.

આખરી પળોમાં એ પોતે લખેલી અને પ્રકાશિત ન કરી શકાયેલી કવિતાઓમાંની એક કવિતાની પંક્તિઓ ગણગણી રહયો હતો અને મોતની રાહ જોઈ રહયો હતો.

હું "હતો-ન હતો"
થઈ ગયો,

અનુભવ્યું જ્યારે,
હું "છું"
-શૂન્યમનસ્ક