ઉત્તર તરફ ઉત્તર : ભાગ-૭
.....આ ઉપાય મને ખુબ કામમાં લાગ્યો કારણકે હવે જોહન મને કોઈ પણ પ્રકારે નુકશાન પહોચાડે એવું શક્ય ન હતું, કારણકે જો જોહન મને મારી કાઢશે અને મારો ફોન સલીમ ઉપર નહિ જાય તો સલીમ એના ફેમિલીને પતાઈ દેશે. હવે મેં બંદુક અને ફોન ખીસામાં મૂકીને તાપણું કરવા લાગ્યો.
હવે આગળ.....
જોહન મારી સામે જોઈ રહ્યો હતો પણ હવે મને એનાથી ઘભરાવવાની જરૂર ન હતી અને એ પ્લાન મારો સફળ રહ્યો, કારણકે પિસ્તોલ અને ફોન મૂકી દીધા પછી પણ જોહને મારા પર કોઈ પ્રકારનો હુમલો ન કર્યો. હવે અમને બંનેને એકબીજાની જરૂર હતી. તાપણું ચાલતું હતું કે તરત જોહનનો ફોન રણક્યો જે મારા ખીસ્સામાં હતો. ફોન ઉપર બોસ લખાઈને આવ્યું એટલે મને ખબર પડી ગઈ. મેં જોહનને ફોન આપતા કહ્યું કે, ‘કોઈ પણ ચાલાકી વગર તારા બોસ જોડે વાત કર.’
એકબીજાને કોડ-વર્ડ આપ્યા બાદ, સામેથી અવાજ આવ્યો. ‘જોહન ક્યાં પહોચ્યો?’
જોહને કહ્યું, ‘પુણા પહોચ્યા બોસ’.
સામેથી ફરીથી સરનામું ચેન્જ થયું અને કહ્યું , ‘કાશ્મીર આવી જા’.
જોહન બોલ્યો, ‘શું ? કાશ્મીર ? પણ કેમ ?’
સામેથી ગુસ્સામાં ફરીથી એજ જવાબ મળ્યો, ‘મેં કીધું, એ લાશ લઈને કાશ્મીર આવી જા’.
જોહને કીધું, ‘બોસ આપડે પુણાની વાત થયેલી અને સોદો પણ એજ પ્રમાણે નક્કી થયો છે. હું કાશ્મીર નહિ આવી શકું’. જોહનએ ના પડી દીધી.
‘કાલે તારા ખાતામાં બીજા પૈસા જમા થઇ જશે કાશ્મીર માટે નીકળીજા અને રોશનીની લાશને સાચવીને લાવજે.’, આટલું કહીને જોહનના બોસે ફોન મૂકી દીધો.
જોહન બીજું કઈ બોલે એ પહેલાતો ફોન કટ થઇ ગયો.
‘ના’ પાડવા જોહને ફોન લગાવ્યો પણ વાત ન થઇ શકી. કુશને મેં આ જોહનના બોસનો નંબર પણ મોકલેલો પણ કુશ આ નંબર ટ્રેસ ન કરી શક્યો. કુશે મને કીધુકે એ વ્યક્તિ ઇન્ટરનેટ અને બીજી કોઈ ટેકનોલોજીની મદદથી જોહ્નનને ફોન કરતો હશે.
મેં અને જોહને કાશ્મીર જવાનું નક્કી કર્યું. રોશનીનાં પગ ડેકીમાંથી બહાર લબડતા હતા એ અંદર કર્યા અને ડેકી બધ કરી. જોહનને મેં ગાડી ચલાવવાનું કીધું અને હું એની બાજુની સીટ પર જઈને બેસી ગયો. એક વસ્તુની મને નવાઈ એ લાગતી હતી કે જોહનની ગાડીને કોઈ પણ ચેકપોસ્ટ પર કોઈએ કેમ રોકી નહિ. મેં આ સવાલ જયારે જોહનને પૂછ્યો તો એણે કીધું કે, ‘બોસે બધી જગ્યાએ વાત કરી રાખી છે અને એમનું નેટવર્ક ખુબજ વિશાળ છે ‘. મને લાગવા લાગેલું કે આ માણસ ખુબ મોટો અને ખૂંખાર હશે. મને એમ પણ વિચાર આવતો હતો કે રોશની તો મરી ગઈ છે હવે હું એને પાછો લાવી શકવાનો નથી તો શું કામ આ બધુ જોખમ લઉં. જોહનને રોશનીની લાશ લઇને જવા દઉં અને હું મારા રસ્તે જતો રહું. પણ આ બધું સરળ ન હતું એ મને ખબર હતી અને આજે જાણે હું પોતાની સામે જંગે ચડ્યો હઉ એવું લાગતું હતું. આની બધાની પાછળ કોણ છે એ જાણીનેજ રહેવું છે. એક તો હું લેખક અને પાછો આર્મીમેનનો છોકરો એટલે જાણવાની ઉત્સુકતા તીવ્ર હતી અને એની માટે જરૂર હતી ખુબજ હિંમતની, જે મને મારા લોહીમાંથી મળી હતી પણ હું આટલી બધી હિંમત કરી શકીશ એ મને પોતાને ખબર ન હતી.
***
પિતાએ હમશાં મને હિંમતથી કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવાનો શીખવ્યું હતું. આજે હું એમના એ વાક્યો અમલમાં મૂકી રહ્યો હતો. મારા પિતા પાકિસ્તાન સામેના કોઈ ગુપ્ત મિશનમાં ગયા હતા અને ત્યાર બાદ પાછાજ નહોતા આવ્યા. અગ્નિ-સંસ્કાર કરવા લાશ પણ આજ દિન સુધી અમને નસીબ થઇ નથી. પિતા શહીદ થયા ત્યારે હું ધોરણ-૫માં હતો, લગભગ ૧૧ વર્ષનો હઈશ. થોડા વર્ષો પછી માતાએ આત્મહત્યા કરી લીધી. માતાના મૃત્યુ સમયે મારે ધોરણ-૧૨ની બોર્ડની એક્ષામ હતી, જે હું ન્હોતો આપી શક્યો. પિતાનું આમ શહીદ થવું અને માતાની આત્મ-હત્યા એ હજુ મારા મારે રહસ્ય્જ છે. તે પછીની મારી સંભાળ મારા મામએજ કરેલી જેનો હું હમેશા ઋણી રહીશ.
મારા પિતા મહિનાઓ સુધી બહાર રહેતા હતા માટે મને એમના માટે કઈ ખાસ લગાવ ન હતો. મારા સ્કુલ-પેરેન્ટ્સની મીટીંગમાં હમેશાં મારી માતાજ આવતી. જયારે મારા બીજા મિત્રોના માતા-પિતા બંને આવતા. આ વાત મને જરા પણ નહોતી ગમતી. મારી માતા મને સમજાવતી કે તારા પિતા આપડા જેવી ઘણી બધી ફેમિલીનું રક્ષણ કરવા મહિનાઓ સુધી ઘરથી દુર રહે છે. જેના કારણે આપડે બધા અહિયાં શાંતિથી રહી અને ઊંઘી શકીએ છીએ. આ વાત હું એ સમયે સમજી શકતો ન હતો પણ આજે સમજી શકું છું, કે દેશનું રક્ષણ કરવું એ દરેક કારણોથી પર છે. એ જવાબદારી સૌથી મોટી જવાબદારી છે. હું જયારે રોશની માટે આટલી હદ સુધી લડવા તય્યાર થઇ જતો હઉ અને એ જે હવે આ દુનિયામાં પણ નથી એના માટે, જયારે એ લોકો તો આપડા જેવા ઘણા બધા લોકો માટે પોતાની ફેમિલી અને પોતાની જાનને જોખમમાં રાખીને ત્યાં તૈનાત રહે છે. જે પણ હોય મેં નક્કી કરી દીધેલું, કે હવે જે પણ થાય હું આ આખો ભેદ ઉકેલીને જ રહીશ.
પરોઢના ૭ વાગી ગયા હતા અને અમે પુણાથી પાછા કાશ્મીર જવા નીકળી પડ્યા. રોશનીની લાશની વાસ વધતી જતી હતી. મેં અને જોહનએ નક્કી કર્યું કે એક મોટું પીપ લઈએ અને એમાં બરફ ભરીને રોશનીની લાશને એમાં નાખી દઈએ. જોહન જોડે થોડા પૈસા હતા એમાંથી અમે પીપ, બરફ અને મોટી પ્લાસ્ટિકની થેલી લીધી. મેં જોહનને કોઈ સુમસાન જગ્યાએ ગાડી ઉભી રાખવાનું કીધું. ગાડી ઉભી રાખીને હું અને જોહન ડેકીની તરફ ગયા અને રોશનીને જે કપડામાં/કોથળામાં લપેટેલી હતી એમાંથી બહાર કાઢી. બહાર કાઢતાની સાથેજ ખુબજ ગંધ આવવા લાગી. રોશનીના માથામાંથી નિકળેલું લોહી જામી ગયું હતું. એનું શરીર પણ એકદમ કડક થઇ ગયું હતું. વાસ એટલી બધી આવતી હતી કે મેં અને જોહને પહેલાતો પોતપોતાના નાક પર રૂમાલ બાંધ્યો. રોશનીની જે કોથળામાં વીંટાળેલી હતી એ કોથળો તો આખો લોહીવાળો થઇ ગયો હતો. મેં એ કોથળાને બાજુમાં નાખીને સળગાવી દીધો. જોહને રોશનીને ઉચકીને પેલી મોટી કોથળીમાં ભરીને ઉપરથી ફીટ બાંધી દીધી, અને પેલા પીપમાં લાશ ગોઠવી દીધી. લીધેલો બરફ એની આજુબાજુ ભરી દીધો. જેના કારણે લાશ પણ થોડીક સરખી રહે અને વાસ પણ ન આવે. બરફ ભરીને પીપને ઉપરથી ફીટ બંધ કરી દીધુ.
હવે ફરીથી અમે ગાડી ચાલુ કરીને મેઈન રોડ ઉપર ગાડીને લીધી. હજુ પણ ગાડીમાં વાસ આવતી હતી. બધી બારીઓ ખોલી કાઢી, થોડીવારમાં વાસ જે ગાડીમાં રહી ગઈ હતી એ પણ જતી રહી. હવે અમારો મકસદ પોલીસથી બચીને કાશ્મીર પહોચવાનો હતો.
૨૧૦૦ કિમી કરતા વધારે લાંબો સફર અને એ પણ ગાડીમાં એ કોઈ પાગલ અથવા તો કોઈ ષડયંત્રમાં શામિલ હોય એ જ લોકો કરી શકે. એક સાથે આટલો લાંબો સફર કરવો એ શક્ય નહોતું પણ લાશની સાથે કોઈ જગ્યાએ કે કોઈ હોટેલમાં રોકાવું પણ શક્ય ન હતું, માટે આ ૩૫-૪૦ કલાકનો રસ્તો અમારે એક ધારોજ કાપવો પડે એવું હતો. જોહન અને મારા વચ્ચે હવે પહેલા કરતા સારી મિત્રતા થઇ ગઈ હતી. એકબીજા ઉપર પૂરો વિશ્વાસ તો નહિ પણ થોડોક વિશ્વાસ કરી શકીએ એવી મિત્રતા, કારણકે ગમે તે હોય એ તો પૈસા લઇને ખૂન કરવાવાળો માણસ છે જેણે મારી પત્નીને બેરહેમીથી મારી નાખી હતી, પણ મારા માટે હવે આ રહસ્ય ઉકેલવું પડે એવું હતું એટલાજ માટે અમે બંને માટે એકબીજાને સાથ આપવો જરૂરી હતો. ગાડી થોડી થોડીવારે અમે બંને ચલાવતા હતા. એ માણસની ગાડી ચલાવવાની શક્તિ અદ્ભુત હતી શરૂઆતનું ૫૦૦કિમીનું અંતરતો એ માણસે એકી સાથે કાપી નાખ્યું હતું. ગાડી ચલાવતી વખતે એ કોઈ હોલીવુડ ફિલ્મનો વિલન હોય એવો લાગતો. દેખાવમાં નહિ પણ એના શરીરથી. ૬ ફીટથી વધારે એની ઉંચાઈ હોવાથી રસ્તામાં ખાડા કે બમ્પ આવે તો એનું માથું ઉપર અડી જતું. કાળા ચશ્માં અને જમણા હાથમાં મોટી ઘડિયાળ. ટટ્ટાર બેસીને ગાડી ચલાવતો અને થોડી થોડી વાર એ સેફટી માટે કાચમાંથી પાછળ જોયા કરતો. ઘણીવાર અમે બંને એક સાથે એકબીજાને જોઈ લેતા એટલે મને ખબર પડી કે એની નજર મારા પર છે.
.....વધુ ભાગ-૮માં
સુકેતુ કોઠારી