ઉત્તર તરફ ઉત્તર : ભાગ-૩
.....હું ડેકીમાં હતો એટલે જોહનને જોઈ ન શકયો. થોડીવાર રહીને દરવાજો ખુલ્યો અને ગાડી પાછી દબાઈ ગઈ એટલે જોહન ગાડીમાં બેઠો હશે અને ફરીથી ગાડી ચાલુ કરી. મારા જીવમાં જીવ આવ્યો. પેશાબ કરવા ગાડી ઉભી રાખી હશે. થોડીવાર રહીને એ કશુક ખાતો હોય એવો અવાજ આવ્યો. કદાચ પેશાબ માટે ઉતર્યો હશે ત્યારે લારીમાંથી કશુક લીધું હશે.
હવે આગળ.....
જોહન હવે ફરીથી ગાડી ઉભી રાખે એ પહેલા ડેકીનો આખો સીન પહેલા જેવો હતો એમ કરી દીધો. રોશનીને પાછી મે કાઢેલી જર્સી પહેરાવી અને મારા મોઢા પર એનો બાંધેલો રૂમાલ પાછો એનાં મોઢા પર જેમ પહેલા હતો એમ ફીટ બાંધી દીધો. મેં પેન્ટ પહેરી લીધું અને જોહનની બેગ જેમ હતી એમ સરખી ભરીને જ્યાં હતી ત્યાં પાછી મૂકી દીધી, ખાલી પેલી નાની કારતુસ મેં મારી પાસે રાખી દીધી જેમાં બુલેટ્સ ભરેલી હતી. મને લાગતું હતું કે એની જરૂર મને ગમે ત્યારે પડશે. મારા મનમાં એ પણ પ્રશ્ન હતો કે હું રોશનીનો અગ્નિ-સંસ્કાર પણ કરી શકીશ કે નહિ ?, પણ આ બધું વિચારવાથી મને આગળ શું કરવું એ ખબર નહિ પડે એટલે એ બધાજ વિચારોને મેં મારામાંથી કાઢ્યા.
જેમ જેમ સમય જતો હતો એમ હું પોતાને થોડો ઠીકઠાક મહેસૂસ કરતો હતો. મને એકદમજ વિચાર આવ્યો કે મારી પાસે તો બંદુક છે હું જોહનને પાછળથી ગોળી મારી દઉં અને હું બચી જાઉં. એવું કરવાથી હું તો બચી શકું પણ આ બધુ કેમ થયું એ હું ક્યારેય જાણી ન શકું એટલે એ આવેલો વિચાર જે મને બહુ સારો લાગ્યો, એ પડતો મુક્યો. મારા માટે હવે મારા જીવન કરતા આ ઘટના પાછળનું રહસ્ય જાણવું વધારે અગત્યનું હતું. આવી લાગણી મારામાં પ્રથમ વાર જ આવેલી કારણકે મારા જેવા સેલ્ફ-સેન્ટરડ માણસને પહેલા પોતાનો જ સ્વાર્થ દેખાતો હતો પણ આ ઘટનાએ મને એક નવો ‘દુર્ધ’ ભેટમાં આપેલો. દુર્જ પેલા જેવો દુર્જ હોત તો ચોક્કસ જોહનને મારીને રોશનીની લાશને છોડીને પોતાનો જીવ બચાવી લીધો હોત. મારે આ ઘટનાની પાછળની પૂરેપૂરી હકીકત જાણવી હતી ભલે એના માટે મારો જીવ જોખમમાં મુકવો પડે. આવા વિચારો મારામાં આ ઘટના પછીજ ચાલુ થયા હતા. બાકી તો હું બહુ પ્રેકટીકલ માણસ છું. પણ આ વખતે નહિ.
મારો ડાબો પગ હવે વળવા લાગ્યો હતો. જમણા પગમાં ટાકા લીધેલા હતા માટે અસહ્ય દુખાવો થતો હતો. માથામાં પણ દુખાવો જાણે એકદમ જ વધતો જતો હોય તેવું લાગવા માંડ્યું. જોહને ફરી ગાડી ધીમી પાડી અને મેં તરતજ મરવાની એક્ટિંગ ચાલુ કરી. થોડીવાર સુધી જોહન પાછળની બાજુ આવ્યો નહિ એટલે મેં ફરીથી થોડાક ઉચા થઇને જોયું તો ગાડી પેટ્રોલ પંપ ઉપર ઉભી હતી. જોહને ગાડીની ડીઝલ ટાંકી ફૂલ કરાવડાવી, એટલે મને લાગ્યું કે હજુ ઘણું દુર જવાનું લાગે છે. મને જોડે એવો વિચાર આવ્યો કે જોહને અમને મારી નાખ્યા છે તો ક્યાંક ગાડી ખાઈમાં કેમ ન ફેકી અથવા રસ્તામાં એવી ઘણી સુમસાન જગ્યાઓ આવી જ્યાં ગાડી ઉભી રાખીને સળગાવી દીધી હોત તો પણ કોઈને ખબર ન પડત. જોહને આવું કશુજ ન કર્યું એટલે મને આ રમત વધારે ખતરનાક હોય એવું લાગ્યું, કારણકે કોઈ માણસ લાશને સાચવીને કોઈ ઠેકાણે પહોચાડીને શું કરે?. મારા જોડે ઘણા બધા સવાલો હતો પણ જવાબ મળે એવી કોઈ કડી ન હતી, માટે મારી જોડે રાહ જોયા સિવાય બીજું કોઈ ઉપાય ન હતો. આ ગાડી હવે મને ક્યાં લઇ જાય છે એજ રાહ જોવાની હતી, અને જ્યાં લઇ જશે ત્યાજ મને મારા સવાલોનાં જવાબ મળશે એ નક્કી હતું.
સાંજ પડી ગઈ હતી, હવે મને ભૂખ લાગી હતી, પણ ભૂખ્યાજ રહેવું પડે એવું હતું. જોહને ફરીથી ગાડી ચાલુ કરી અને મુંબઈથી પુણા જવાના એક્ષ્પ્રેસ રસ્તા ઉપર ગાડી લીધી. અમદાવદથી મુબઈનો રસ્તો એણે ફક્ત ૬ કલાકમાં પસાર કરી લીધો હતો.
જોહન ઉપર ફરીથી કોઈનો ફોન આવ્યો. જોહન ગાડી ચલાવતો હતો એટલે એણે એનો ફોન ગાડીના બ્લુટુથ જોડે કનેક્ટ કર્યો. આ વખતે કોઈ બિલકુલ નાની છોકરીનો અવાજ હતો, સામેવાળી છોકરીનો અવાજ ગાડીના સ્પીકરમાંથી સ્પષ્ટ સંભળાતો હતો. એ જોહનને ડેડ કહીને વાત કરતી હતી અને પૂછતી હતી કે, “dad when will you give me new bicycle?”, જોહને એ નાની છોકરીને સમજાયું કે ખુબ જલ્દી લાવી આપીશ બેટા. તરતજ કોઈ સ્ત્રીનો અવાજ આવ્યો કે “ જોહન, તું આફ્રિકા પાછો ક્યારે આવે છે.” એટલે જોહને જવાબમાં કીધું કે એક અગત્યનું ઈમ્પોર્ટ-એક્ષ્પોર્ટનું કામ પતે એટલે ૨ દિવસમાં આવી જઈશ. આ વાત પરથી મને એટલી ખબર પડી કે જોહન આફ્રિકાનો છે, એણે એક પત્ની અને એક છોકરી છે. જોહન ઘરે ખોટું બોલીને લોકોની સુપારી લઇને મર્ડર કરે છે.
એ ફોન મુકતાજ બીજા ફોનની રીંગ વાગી. એ ફોન એના બોસનો હતો. સામેથી આવતો અવાજ એ પેલાજ માણસનો હતો જયારે જોહને મને અને રોશનીને ખભે નાખેલા હતા, જે ખુબ ઓછુ બોલે છે. આ વખતે મને ગાડીના સ્પીકરના કારણે એનો અવાજ એકદમ સ્પષ્ટ સંભળાતો હતો. મને આશા હતી કે હવે મને કશુક ખબર પડશે. સામેવાળા માણસનો અવાજ એકદમ જાડો હતો. જે એક વાક્ય બોલીને ૫ સેકંડ ઉભો રહેતો હતો અને ગળામાં ખારાશ હોય તેમ વારેઘડીએ એનું ગળું સાફ કરતો હતો. એ બોલ્યો, “ જોહન?”, જાણે એ ખાતરી કરતો હોય કે સામેવાળો વ્યક્તિ જોહન સિવાય બીજો કોઈ નથીને. આ બાજુથી જોહન બોલ્યો “ગુડિયા-૩૬”. આ સાંભળી ને હું એકદમ ચમક્યો કે આ બધું શું થઇ રહ્યું છે. આની પહેલા જયારે ફોન આવ્યો હતો ત્યારે પણ આજ કોડ-વર્ડ બોલીને વાત ચાલુ કરી હતી. જોહનના બોસ બોલ્યા, ‘ રોશની?’, જોહન એ કીધું,’ એની અને એના પતિની લાશ મારી ગાડીની ડેકીમાં છે’. બોસ બોલ્યો, ’મારે ફક્ત રોશનીની લાશ જોઈએ છે એના પતિની લાશ ક્યાંક ફેકી દે’. જોહને ઓકે કહીને ફોન મૂકી દીધો. આ સાંભળીને હું ઘભરાઈ ગયો અને મારા હાથ પગ ધ્રુજવા લાગ્યા. મારા મનમાં પ્રશ્નોનું જાણે વાવાઝોડું આવ્યું હોય એમ મારૂ મન મને એક પછી એક પ્રશ્નો કરતુ હતું. જેમકે પેલો જોહનનો બોસ કોણ છે જોહન કોણ છે તેમનો પાસવર્ડ "ગુડિયા-૩૬" કેમ છે અને એ લોકોને રોશનીની લાશ કેમ જોઈએ છે? આવા ઘણા બધા પ્રશ્નો મારા મનમાં ચાલી રહ્યા હતા.
.....વધુ ભાગ-૪માં
સુકેતુ કોઠારી