hawelinu rahashy - 5 in Gujarati Fiction Stories by Priyanka Pithadiya books and stories PDF | હવેલીનું રહસ્ય - 5

Featured Books
Categories
Share

હવેલીનું રહસ્ય - 5


સાંજ ઢળી રહી છે. સૂરજદાદા વાદળો સાથે સંતાકૂકડી રમતા રમતા આથમવાની તૈયારી કરી રહ્યા છે. આ બધા વચ્ચે લિપ્તા પાદરે પહોંચી. એણે આજુબાજુ જોયું પણ પેલા વૃદ્ધા ક્યાંય ન દેખાયા. એણે ત્યાં જ વૃદ્ધાની રાહ જોવાનું નક્કી કર્યું. બીજી દસ-પંદર મિનિટ એમ જ નીકળી ગઈ પણ વૃદ્ધા ન આવ્યા. લિપ્તા ઉભી થતી હતી કે ત્યાં એણે વૃદ્ધાને આવતા જોયા. વૃદ્ધા લિપ્તાની પાસે આવ્યા અને મોડું થવા બદલ માફી માંગી. લિપ્તાએ પણ વાંધો નહિ કહીને વાત વાળી લીધી.

થોડીઘણી ઔપચારિક વાતો કર્યા બાદ વૃદ્ધાએ અધુરો ઇતિહાસ કહેવાનું ચાલુ કર્યું, "જ્યારે ચિત્રદિતને વનિષ્કાની એકલી હોવાની વાત ખબર પડી ત્યારે એણે એ જ રાતે વનિષ્કાના ઘરે જવાનું નક્કી કર્યું. જેવી રાત થઈ કે તરત જ ચિત્રદિતે એના ડગ વનિષ્કાના ઘર તરફ ઉપાડ્યા. એ વનિષ્કાના ઘરની બહાર પહોંચ્યો અને આજુબાજુ કોઈ જોતું નથી એની ખાતરી કરી. એણે વનિષ્કાના ઘરનો દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો. પણ જેવો એ દરવાજાને અડવા ગયો કે તરત જ એને ઝટકો લાગ્યો. એણે બીજીવાર પ્રયત્ન કર્યો. બીજીવાર પણ એ જ પરિણામ મળ્યું. જ્યાં સુધી એના શરીરમાં તાકાત હતી ત્યાં સુધી એ દરવાજો ખોલવા મથતો રહ્યો પણ પરિણામ એ જ રહ્યું. આખરે થાકીહારીને વીલા મોંએ એ હવેલીએ પાછો ફર્યો. જેવી સવાર પડી કે એણે તરત જ એના અંગત મંત્રીને વનિષ્કાની તમામ જાણકારી મેળવવા કહ્યું. મંત્રીએ થોડા જ સમયમાં વનિષ્કાની તમામ માહિતી મેળવી અને ચિત્રદિતને આપી. એ માહિતીથી ચિત્રદિતને જાણવા મળ્યું કે વનિષ્કાના દાદીમાં કાળું જાદુ જાણતા હતા. જો કે એમણે એમની આ વિદ્યાનો ઉપયોગ સદા લોકોની મદદ માટે જ કર્યો હતો. અત્યારે ઘરમાં એ અને વનિષ્કા એકલા હોવાથી રાતના સમયે એ એક અભેદ્ય કવચ એમના ઘરની ચારેબાજુ લગાવી દેતા હતા. એ કવચ સવાર થતા સૂર્યના કિરણોથી આપોઆપ જ નષ્ટ થઈ જતું. આટલી માહિતી પરથી ચિત્રદિતને એક વાતનો તો અણસાર આવી ગયો હતો કે એ રાતના સમયે તો કવચ હોવાથી વનિષ્કા પાસે નહિ જઈ શકે અને જો એ દિવસે જાય તો કોઈ જોઈ જાય એની બીક હતી. આખરે એણે વનિષ્કાના દાદીમાંને મારી નાખવાનું કાવતરું ઘડ્યું. બપોરના સુમારે જ્યારે વનિષ્કા એની સખી સાથે સમય પસાર કરવા એના ઘરે જતી ત્યારે ઘરે માત્ર એના દાદીમાં જ રહેતા. આ બપોરના સમયે ચિત્રદિતે એના અમુક માણસોને મોકલીને વનિષ્કાના દાદીમાને મારી નાખ્યા. એક તો વૃદ્ધાવસ્થા તથા બીજા આ અચાનક થયેલા હુમલાના લીધે વનિષ્કાના દાદીને પોતાના બચાવનો મોકો જ ન મળ્યો અને એ મૃત્યુ પામ્યા. આ બાજુ જ્યારે વનિષ્કા ઘરે આવી અને એણે લોહીમાં લથપથ એના દાદીમાની લાશ જોઈ તો આખું ઘર માથે લઈ લીધું. આસપાસના બધા લોકો એના ઘરે ભેગા થઈ ગયા. વનિષ્કા રડી રડીને અડધી થઈ ગઈ પણ જે થઈ ગયું એને કોણ બદલી શકે? છેવટે જેમતેમ કરી આસપાસના લોકોએ ભેગા મળીને વનિષ્કાના દાદીમાની અંતિમ વિધિ કરી. થોડા સમય પછી બધા લોકો પોતપોતાના ઘરે ગયા."

આટલું બોલતા બોલતા વૃદ્ધાને હાંફ ચડી. લિપ્તાએ પોતાની પાસે રહેલી પાણીની બોટલ વૃદ્ધાને આપી. પાણી પીને વૃદ્ધાએ ફરી શરૂ કર્યું : "એ દિવસે રાતના સમયે ચિત્રદિત પોતાના કાળા મનસૂબાને અંજામ આપવા ફરી નીકળી પડ્યો. આજે તો વનિષ્કાના દાદીમાં હતા નહિ એટલે કવચ પણ ન હતું. આથી ચિત્રદિતે ઘરની અંદર સરળતાથી પ્રવેશ મેળવી લીધો. ઘરની અંદર એણે જોયું તો બધી વસ્તુઓ અસ્તવ્યસ્ત પડી હતી. એક ખૂણામાં વનિષ્કા સુઈ ગઈ હતી. એની આંખોને જોઈને ચિત્રદિતે અનુમાન લગાવ્યું કે એ રડતાં રડતાં જ સુઈ ગઈ હશે. એણે સાવધાનીથી વનિષ્કાને એક પદાર્થ સુંઘાડયો જેનાથી એ ભાનમાં ન આવે. પછી એ વનિષ્કાને ઉપાડી આ હવેલીએ લાવ્યો. વનિષ્કાને એણે પલંગ પર સુવડાવી. વનિષ્કા ભાનમાં આવી. એ કંઈ બોલવા જાય એ પહેલાં જ ચિત્રદિતે એના મોઢામાં ડૂચો ભરાવી દીધો અને પછી ભૂખ્યા વરુની જેમ એના પર ટૂટી પડ્યો. વનિષ્કાએ સ્વબચાવના ઘણા પ્રયત્ન કર્યા પણ બધા જ નિષ્ફળ રહ્યા. જ્યારે ચિત્રદિતનું મન ભરાયું ત્યારે એણે વનિષ્કાને ધક્કો મારીને દૂર હડસેલી દીધી. વનિષ્કા થોડા સમય માટે બેભાન થઈ ગઈ. જ્યારે એ ભાનમાં આવી ત્યારે એને ધીરે ધીરે પોતાની સાથે જે બન્યું એનો અણસાર આવ્યો. એ ધ્રુસકેને ધ્રુસકે રડી પડી અને આખી હવેલીમાં ચીસાચીસ કરી મૂકી. થોડા સમય બાદ એ શાંત થઈ અને પછી એણે જે પગલું ભર્યું એ ખરેખર ભયાનક હતું. એના આ પગલાં બાદ આ હવેલી આવી જ સુમસામ થઈ ગઈ."

આટલું બોલ્યા બાદ ઘડીભર માટે વૃદ્ધા એમ જ બેસી રહ્યા. લિપ્તા પણ કંઈ ન બોલી. થોડા સમય બાદ મંદિરના ઘંટરવનો અવાજ સંભળાયો. વૃદ્ધાએ આગળની વાત બીજા દિવસની સવારે કરવાનું કહ્યું અને લિપ્તાને પોતાની સાથે મંદિરે આરતીમાં આવવાનું કહ્યું. લિપ્તાએ હામી ભરી. બંને જણ મંદિરે ગયા અને આરતી કરી. ત્યારબાદ વૃદ્ધાએ પોતાના ઘરે જવાની રજા માંગી. લિપ્તાએ પણ ઘરે જવા ડગ માંડ્યા. થોડું અંતર કાપ્યા બાદ લિપ્તાને લાગ્યું કે કોઈ એનો પીછો કરી રહ્યું છે. એણે પાછળ જોયું અને જોરથી બોલી, "કોણ છે?" એને કંઈ જવાબ ન મળ્યો અને કોઈ નજરે પણ ન ચડ્યું. એણે પોતાની ચાલવાની ઝડપ વધારી અને ઘરે પહોંચી. ઘરે પહોંચીને એ એને સારું નથી એમ કહી પોતાના રૂમમાં જતી રહી. આજે એને હેતાંશભાઈની ખૂબ જ યાદ આવતી હતી. એક પિતા તરીકે હેતાંશભાઈ સદા લિપ્તાના આદર્શ રહ્યા હતા અને એને હમેંશા દરેક મુશ્કેલીમાંથી બચાવતા હતા.

દિવસભરનો થાક ઉતારવા લિપ્તા શાંતિથી ખુરશી પર બેઠી. એણે સાચવીને મુકેલા પેલા વિચિત્ર ભાત ધરાવતા હાથમોજાં લીધા. એણે વિચાર્યું, "આ મોજાં કોના હોઈ શકે?" એણે ઘણું મગજ કસ્યું પણ આ પહેલા એણે આ મોજાને જોયા હોય એમ ન લાગ્યું. અંતે કંટાળીને એ બારી પાસે બેઠી. થોડીવાર થઈ હશે ત્યાં એણે જોયું કે હેમિષાબેન લપાતા છુપાતા કોઈને ખબર ન પડે એ રીતે ક્યાંક જઈ રહ્યા છે. લિપ્તા પણ ઝડપથી ઉભી થઈ અને હેમિષાબેનની પાછળ પાછળ ગઈ. એ હવેલીના રસ્તે જતા હતા. લિપ્તા પણ સંતાઈને એમની પાછળ જઈ રહી હતી. હેમિષાબેન એકદમથી ઉભા રહ્યા અને પાછળ જોયું. લિપ્તા પણ સમયસૂચકતા વાપરીને પાસે રહેલા ઝાડ પાછળ સરકી ગઈ. હેમિષાબેનને કોઈ ન દેખાતા એ ફરી આગળ વધવા લાગ્યા. લિપ્તા પણ સાવધાનીથી આગળ વધતી હતી. હવે એની મુશ્કેલી થોડી વધી હતી. કદાચ હેમિષાબેનને કોઈ પોતાની પાછળ છે એ ખબર પડી ગઈ હતી અને તેથી તેઓ વારેઘડીએ પાછળ જોતા હતા. લિપ્તા ખૂબ જ ધ્યાનથી આગળ વધી રહી હતી. છેલ્લીવાર જ્યારે હેમિષાબેને પાછળ જોયું ત્યારે એ ડરના માર્યા એ ઝાડ પાછળ બેસી ગઈ. થોડીવાર પછી જ્યારે એ બહાર નીકળી ત્યારે એને હેમિષાબેન ન દેખાયા. એ થોડી આગળ વધી કે ત્યાં જ હવેલી આવી. એણે જોયું તો પેલો અજાણ્યો શખ્સ કે જેને વિચિત્ર ભાતવાળા હાથમોજાં પહેર્યા હતા એ હેમિષાબેનને હાથ પકડી અંદર લઈ જઈ રહ્યો હતો. અત્યારે પણ એણે પોતાના ચહેરાને ચાદરથી ઢાંકયો હતો. લિપ્તા પણ એની પાછળ પાછળ હવેલી તરફ ગઈ પણ અંદર પ્રવેશી ન શકી. હવેલીના ઉંબરે એને પેલા દિવસ જેવો જ ઝટકો અનુભવાયો અને એ દૂર ફંગોળાઈ ગઈ. એ હવેલીની બહાર જ ઉભી રહી અને હેમિષાબેનની રાહ જોવા લાગી.

જો હેમિષાબેન હવેલીની અંદર પ્રવેશી શકતા હતા તો લિપ્તા કેમ નહોતી પ્રવેશી શકતી? વનિષ્કાનું એવું તો કયું પગલું હતું કે જેના કારણે આ હવેલી આટલી ભયાનક અને નિર્જન થઈ ગઈ હતી? અને હેમિષાબેનને મળનાર એ અજાણ વ્યક્તિ કોણ હશે? હવેલીનો આગળનો ઈતિહાસ શું હશે? આ બધા સવાલના જવાબ માટે વાંચતા રહો "હવેલી : એક રહસ્ય."