hawelinu rahashy - 3 in Gujarati Fiction Stories by Priyanka Pithadiya books and stories PDF | હવેલીનું રહસ્ય - 3

Featured Books
Categories
Share

હવેલીનું રહસ્ય - 3

લક્ષવ ગુમ થયો એને આજે પુરા ત્રણ દિવસ થઈ ગયા હતા. છતાં એનો ક્યાંય પણ પતો ન હતો. હાર્દિબેનની આંખો રડીરડીને સોજી ગઈ હતી. લિપ્તાની આંખના આંસુ તો સુકાવવાનું નામ નહોતા લેતા. લિપ્તા જાણ્યેઅજાણ્યે આ બધાની દોષી પોતે હોય એમ અનુભવી રહી હતી. લક્ષવને શોધવામાં બધાએ આકાશ-પાતાળ એક કર્યા પણ પરિણામ શૂન્ય જ મળ્યું અને વધારામાં પૂરું પોલીસે પણ હાથ ઊંચા કરી લીધા હતા. લક્ષવની ભાળ મળવી લગભગ અશક્ય જેવી થઈ ગઈ હતી. આ બધી પરિસ્થિતિમાં હેમિષાબેનના વર્તનમાં ખાસ્સો એવો ફેરફાર આવ્યો હતો પણ પરિસ્થિતિમાં સૌ કોઈ ફસાયેલા હોવાથી કોઈએ એ નોંધ ન લીધી.

બપોરનો સમય હતો. હેમિષાબેને બધા માટે જમવાનું તૈયાર કર્યુ. કોઈને જમવાની ઈચ્છા જ ન હતી. હેમિષાબેને બધાને ખૂબ સમજાવીને જમવા માટે તૈયાર કર્યા. લિપ્તા પણ નાછૂટકે ઉભી થઈ. એ બાથરૂમમાં હાથ ધોવા ગઈ. એ હેન્ડવોશ લેવા જતી હતી કે ત્યાં જ એને એક ચિઠ્ઠી મળી. ચિઠ્ઠી કંઈક આ પ્રમાણે હતી : "જો લક્ષવ ક્યાં છે એ જાણવું હોય તો આજે સાંજે પાંચ વાગે ગામના પાદરે આવજે. આ વાત કોઈને જણાવવાની જરૂર નથી. તું એકલી જ આવજે." ચિઠ્ઠી લખનારે પોતાનું નામ કે એની ઓળખાણની કોઈ નિશાની નહોતી રાખી. લિપ્તા વિચારમાં પડી ગઈ. એણે વિચાર્યું, "આ ચિઠ્ઠી લખનાર કોણ હશે? અને એણે આ ચિઠ્ઠી પોતાના માટે જ મૂકી હશે? અને જો એ લક્ષવ વિશે જાણતો હશે તો બધા સામે આવીને કહેવાના બદલે કેમ આવી રીતે પોતાને જણાવતો હશે?" એના મનમાં એકસાથે ઘણાં બધા સવાલ ઉદ્દભવ્યા. પણ એમાંથી એક પણ સવાલનો જવાબ એની પાસે ન હતો. આ બધા સવાલના જવાબ મેળવવાનો એકમાત્ર રસ્તો એ જ હતો કે સાંજે એ ચિઠ્ઠી લખનારને મળવા જવું. લાંબા મનોમંથનના અંતે એણે નક્કી કર્યું કે આ ચિઠ્ઠી વિશે એ કોઈને નહિ જણાવે અને સાંજે ગામના પાદરે જશે.

સાંજ થવામાં છે. લિપ્તા ઉતાવળે ઘરેથી નીકળી. ઝડપથી ચાલતી એ ગામના પાદરે પહોંચી. એ પહોંચે છે એવો જ એક નાનો છોકરો એને એક બીજી ચિઠ્ઠી આપીને જાય છે. એ ચિઠ્ઠીમાં લખ્યું હતું કે, "જલ્દી સામે હવેલી દેખાય છે ત્યાં આવ." લિપ્તાને ચિઠ્ઠી વાંચીને ગુસ્સો આવ્યો. એની પાસે ચિઠ્ઠીને અનુસરવા સિવાય બીજો કોઈ વિકલ્પ પણ ન હતો. આથી એણે હવેલી તરફ ડગ માંડ્યા. એ હવેલીના પ્રવેશદ્વાર પર પહોંચી કે ત્યાં જ એણે નીચે લક્ષવની વીંટી પડેલી જોઈ. એણે વીંટી ઉપાડી અને રડી પડી. એનું મન કહેતું હતું કે, "લક્ષવ આ હવેલીમાં જ છે." એ હવેલીની અંદર જવાની જ હતી કે ત્યાં હર્ષવભાઈની બાજુમાં રહેતા હરિતભાઈ આવ્યા અને બોલ્યા, "બેટા લિપ્તા, ક્યાં હતી તું અત્યાર સુધી? હું ક્યારનો તને શોધું છું. જલ્દી ઘરે ચાલ." લિપ્તાએ કહ્યું, "હું હમણાં જ અહીં આવી પણ તમે કેમ મને શોધતા હતા?" હરિતભાઈ બોલ્યા, "દિકરા અત્યારે આ બધી વાતનો સમય નથી. તું અત્યારે જલ્દી ઘરે ચાલ." આમ કહીને હરિતભાઈ લિપ્તાનો હાથ પકડી હર્ષવભાઈના ઘર તરફ ચાલવા માંડ્યા.

લિપ્તા ઘરે પહોંચી. આખું ગામ ઘરે ભેગું થયું હતું. બધી જગ્યાએ લોકો રડતાં હતા. એ હાર્દિબેન પાસે ગઈ. એ એકદમ સુનમુન બેઠા હતા. એમની આંખોમાં એક પણ ભાવ વર્તાતો નહોતો. હેમિષાબેન લિપ્તા પાસે આવ્યા અને એને બીજા રૂમમાં લઈ ગયા. બીજા રૂમમાં એક મૃતશરીરને સફેદ ચાદરથી ઢાંકયું હતું. લિપ્તા ધીમા પગલે શવ પાસે પહોંચી. હેમિષાબેને લિપ્તાને ચાદર ખોલવા કહ્યું. લિપ્તાને કંઈ જ નહોતું સમજાતું. એને હળવેકથી ચાદર ખોલી. ચાદર ખોલતા જ એનાથી ચીસ પડાય અને આઘાતના લીધે એ ત્યાં જ ઢળી પડી. હેમિષાબેનથી પણ પોક મૂકીને રડી પડાયું. એ ખૂબ જ ગ્લાનિ અનુભવતા હતા. એમણે લિપ્તાને ભાનમાં લાવતા કહ્યું, "છેલ્લીવાર તારા પપ્પાને મનભરીને જોઈ લે બેટા." હા, એ હેતાંશભાઈની લાશ હતી. લિપ્તા ઘરેથી નીકળી એના થોડા સમય બાદ જ હેતાંશભાઈને હૃદયરોગનો હુમલો આવ્યો અને એ જ ક્ષણે એમણે આ દુનિયાને અલવિદા કહી દીધું.

આજે હેતાંશભાઈનું બેસણું હતું. એક પછી એક બધા સગાંવહાલાં આવ્યા અને આશ્વસનના બે શબ્દો કહીને ચાલ્યા ગયા. સંજોગોના હિસાબે હેતાંશભાઈનું બેસણું હર્ષવભાઈના ઘરે જ હતું. હાર્દિબેન તો બધું જ ભાન ભૂલી ગયા હતા. ક્યારેક રડે તો ક્યારેક મોટેથી હસે. આ બધું એકાએક થવાથી એમની માનસિક હાલત બગડી ગઈ હતી. હવે તો હાર્દિબેન પાસે કોઈ એક વ્યક્તિએ તો રહેવું જ પડતું. દિવસે દિવસે એમની હાલત વધારેને વધારે બગડતી હતી. ડોકટરના કહેવા પ્રમાણે, "લક્ષવનું ગુમ થવું અને હેતાંશભાઈના દેહાંતે હાર્દિબેનના મગજને ઊંડી અસર કરી હતી. થોડાં સમય માટે જો એમને સાચવવામાં આવે તો આપોઆપ જ બધુ સામાન્ય થશે." હાલ પૂરતું તો હેમિષાબેન હાર્દિબેનને સાચવતા હતા.

હેતાંશભાઈના મૃત્યુને આજે પુરા પંદર દિવસ થયા હતા. હાર્દિબેનની હાલત સુધારવાનું નામ જ નહોતી લેતી અને લિપ્તાને પણ હજી આ આઘાતની કળ નહોતી વળી. હર્ષવભાઈ અને હેમિષાબેને થોડો સમય સુધી પોતાને ત્યાં જ રહેવાનું કહ્યું હતું. હર્ષવભાઈ અને હેમિષાબેન હાર્દિબેનની પુરી તકેદારી રાખતા અને લિપ્તાને પણ કોઈ અગવડ ના પડે એનું પૂરતું ધ્યાન રાખતા. હર્ષવભાઈ અને હેમિષાબેનના લીધે લિપ્તાની ઘણીખરી મુશ્કેલીઓ ઓછી થઈ હતી. આ બધી વાતમાં હર્ષવભાઈના લક્ષવને શોધવાના પ્રયત્નો પણ ચાલુ જ હતા.

આજે સવારે લિપ્તાની આંખ થોડી વહેલી ખુલી. એને શરીરમાં સુસ્તી અનુભવાતી હતી. એ એમ જ પથારીમાં પડી રહી. થોડા સમય પછી એને કોઈના વાત કરવાનો અવાજ સંભળાયો. એ ઉભી થઈ અને એણે બારી બહાર જોયું તો હેમિષાબેન કોઈની સાથે વાત કરતા હતા પણ સામેવાળાનો ચહેરો નહોતો દેખાતો. ઘડીકમાં હેમિષાબેન એ વ્યક્તિ સાથે ગુસ્સાથી વાત કરતા તો ઘડીકમાં એમનો અવાજ ઢીલો પડી જતો. લિપ્તા નીચે ગઈ ત્યાં સુધીમાં તો હેમિષાબેન રડતાં રડતાં એમના રૂમમાં જતા રહ્યા અને બહાર જઈને જોયું તો ત્યાં પણ કોઈ નહોતું. એ ઘરની અંદર આવતી જ હતી કે ત્યાં જ એના પગમાં કંઈ આવ્યું. એણે જોયું તો એ હાથમાં પહેરવાનું મોજું હતું. એ મોજા પર એક ડ્રેગન જેવી વિચિત્ર ભાત રચેલી હતી. એણે એ મોજું લીધું ને ફરી રૂમમાં ગઈ. મોજાને એણે સાચવીને કબાટમાં મૂક્યું. એ ફ્રેશ થઈને તૈયાર થવા અરીસા સામે આવી. એ પિન લેવા ડ્રેસિંગ ટેબલ પાસે ગઈ ત્યાં જ એને એક ચિઠ્ઠી મળી. એ ચિઠ્ઠીમાં લખ્યું હતું, "લક્ષવનો જીવ જોખમમાં છે. જો એને બચાવવો હોય તો આજે રાતે દસ વાગે હવેલી પહોંચી જજે." આ બધું થયું એમાં એ આ ચિઠ્ઠીને તો ભૂલી જ ગઈ હતી. એણે ફરી એ ચિઠ્ઠી ધ્યાનથી વાંચી અને જોયું તો આ ચિઠ્ઠી અને આના પેલાની ચિઠ્ઠીના અક્ષર સરખા જ હતા.

રાત થઈ ગઈ હતી. બધા સુવાની તૈયારી કરતા હતા. જેવા બધા સુઈ ગયા કે તરત જ લિપ્તા ઘરેથી નીકળી અને હવેલી તરફ ચાલવા લાગી. હવેલીનો આખો રસ્તો સુમસામ હતો. એને મનમાં એક અલગ જ ડર લાગી રહ્યો હતો. ઝડપથી ચાલવાના લીધે એનો શ્વાસ પણ હાંફી ગયો હતો. આખરે એ હવેલી પર પહોંચી. એણે જોયું તો આજુબાજુ કોઈ જ ન હતું. હવેલી જાણે એની જ રાહ જોતી હોય એમ એને અંદરથી પોતાના નામની બૂમ સંભળાઈ. એણે હવેલી પર નજર નાખી. હવેલી એકદમ ભયાનક અને વિકરાળ જનાવર જેવી લાગતી હતી. એ હવેલીના દરવાજા પાસે ગઈ. દરવાજાની નીચે એણે એક હાથમાં પહેરવાનું મોજું જોયું. એણે મોજાને ઉપાડ્યું અને ધ્યાનથી જોયું. એને યાદ આવ્યું કે આજ સવારે પણ એને ઘરની બહાર એક આવું જ મોજું મળ્યું હતું.

આ મોજું કોનું હશે? હેમિષાબેન કોઈ અજાણી વ્યક્તિ સાથે કોઈને ખબર ન પડે એ રીતે શું વાત કરતા હશે? એ અજાણી વ્યક્તિ કોણ હશે? શું એનો લક્ષવના ગુમ થવા સાથે કંઈ સંબંધ હશે? અને લિપ્તાને ચિઠ્ઠી લખનાર કોણ હશે? શું એ ખરેખર લક્ષવ વિશે કંઈ જાણતો હશે? લક્ષવ ક્યાં હશે? આ બધા સવાલના જવાબ માટે વાંચતા રહો "હવેલીનું રહસ્ય."