Locho Padyo - 1 in Gujarati Love Stories by Shrujal Gandhi books and stories PDF | લોચો પડ્યો - 1

Featured Books
Categories
Share

લોચો પડ્યો - 1

 
જો ભી મેં કેહના ચાહું...બરબાદ કરે....અલફાઝ મેરે...
 
મેં શૉવર માં નહાતા નહાતા રોકસ્ટાર મુવી નું સોન્ગ સાંભળતો હતો.
 
'ઓ યે ઇ યે.... ઓ યે યે યે...' મેં પણ મોહિત ચૌહાણ ની જેમ શેમ્પુ ની બોટલને માઇક ની જેમ પકડીને જોર થી બૂમ પાડી ને ગાવા લાગ્યો.
 
'ધબ...ધબ... ધબ...' જોર થી બાથરૂમ નો દરવાજો કોઈએ ખખડાવ્યો. મેં ભીના હાથે જેમતેમ કરીને મોબાઈલમાં સોન્ગ બંધ કર્યું. એવા માં બારણું ફરી વાર ખખડાવ્યું. આટલા અધિરીયા તો આમારા ઘર માં બસ મારા પપ્પા જ હતા.
 
"શુ છે?" મેં જોર થી પૂછ્યું.
 
"બુમો શુ લેવા પાળે છે?"
 
"સોન્ગ છે પપ્પા" મારા સોન્ગ ની લિંક તોડી એનો જીનો ગુસ્સો મારા અવાજ માં પપ્પાને જણાઈ ગયો. બહારથી કોઈ જવાબ ના આવ્યો એટલે ફરી થી સોન્ગ ચાલુ કરી દીધું. લગભગ અડધી ટાંકી ખાલી થયા પછી હું નાહીને બહાર નીકળ્યો.
 
"લ્યા ઓઈ... આ બાજુ આવ એક મિનિટ" હું કપડાં પહેરવા ઉપર જતો હતો અને પપ્પા એ મને રોકી લીધો. મેં સફેદ રૂમાલ અને કાળી ફેન્સી બંડી થી મારી ઈજ્જત બચાવી રાખી હતી. પપ્પા સોફા પર બેસીને ટીવી જોતા હતા અને મમ્મી તેમની બાજુમાં બેસીને શાક સમારતી હતી.
 
"હવે પાછું શુ છે???" મેં તેમના થી કંટાળીને નિસાસો નાખ્યો.
 
"બાથરૂમમાં મોબાઈલ લઈને ગયો તો?"
 
"ના હું જાતે બાથરૂમમાં ગિટાર અને ડ્રમ સેટ લઈને ગયો હતો."
 
"હર્ષ.." મમ્મીએ ગુસ્સાથી બોલી. મારા ઊંધા જવાબ થી મમ્મી ઉકળી ગઈ. તેમનું શાક સમારતું ચપ્પુ મારી તરફ થઈ ગયું. ચપ્પુ જોઈને પપ્પા અચાનક ગભરાઈ ગયા અને હું બે ડગલાં પાછો હટી ગયો. અચાનક જ પાછળ હટવાથી મારી રૂમાલથી બાંધેલી લૂંગી છૂટી ગઈ અને મમ્મી પપ્પા ની નજર પડે એ પહેલા જ હાથ થી પકડી લીધી. મમ્મીએ તરત ચપ્પુ શાક સાથે મૂકી દીધું.
 
"મોબાઈલ બાથરૂમમાં કેમ લઈ ગાયો તો?" પપ્પાએ આ સવાલ કપડાં પહેરવા દીધા પછી કર્યો હોત તો સારું રહેતું.
 
"સોન્ગ સાંભળવા, તમને બહાર સાંભળતા નહતા?" મેં લૂંગી ની ફરી થી ગાંઠ મારતા પૂછ્યું.
 
"સાચે માં સોન્ગ જ સાંભળતો હતો કે બીજું કંઈક જોતો હતો?" પપ્પા નો મતલબ સેનાથી હતો તે હું સમજી ગયો.
 
"મમ્મી... જો ને પપ્પા કેવું બોલે છે?" મેં જવાબ મમ્મી તરફ ડાયવર્ટ કરી દીધો.
 
"એટલો પણ વિશ્વાસ નથી એમને મારા પર....?" મેં સળગતા ચૂલા માં થોડું કેરોસીન પણ છાંટી આપ્યું. જેનાથી પપ્પા ફરી આવા સવાલ ના કરે. મમ્મી પપ્પા બાજુ મોટી આખો કાઢીને જોવા લાગી. મેં આ ચાન્સ દેખીને ફટાફટ ઉપર ના માળે દોડી ગયો.
 
 
હું બ્લુ ટીશર્ટ અને બ્લેક કોટન પેન્ટ પહેરીને નીચે આવ્યો. દાદર પર થી જ મારી નજર પપ્પા સાથે એક થઈ ગઈ. પપ્પા મને ડોળા કાઢીને જોવા લાગ્યા. લાગતું હતું કે મારા ઉપર ગયા પછી મમ્મીએ પપ્પા ની ફૂલ લેફ્ટ-રાઈટ લીધી હશે.
 
હું તેમની બાજુના સોફા પર જઈને બેસી ગયો. પપ્પા ટીવી માં શેરબજાર ના ન્યુઝ જોતા હતા. લગભગ હું સમજતો થયો ત્યારથી પપ્પા રોજ સવારે શેરબજારના ન્યુઝ જોતા જ.
 
"તમે શેરબજારમાં ઇન્વેસ્ટ કર્યું છે??" મેં આટલા વર્ષોમાં આજે પહેલી વાર તેમને આ સવાલ કર્યો હતો.
 
"ના" તેમને મારા તરફ જોયા વગર જવાબ આપ્યો.
 
"તો રોજ ન્યુઝ શુ લેવા જોવો છો??"
 
"એમ તો તું પણ રોજ ડિસ્કવરી પર 'મેન વર્સીસ વાઈલ્ડ' જુએ છે... તો તું પણ ક્યારે જંગલ માં ગયો?" પપ્પા મારી તરફ બદલો લેવાઈ ગયો હોય તેવી નજરે જોતા હતા.
 
એવામાં મમ્મી ચા લઈને આવી.
 
"જો ને મમ્મી, પપ્પા મને જંગલમાં મોકલી દેવાની વાત કરે છે." મેં ફરી જવાબ મમ્મી તરફ ડાયવર્ટ કરી દીધો.
 
"તમને પ્રોબ્લેમ શુ છે આનાથી? સવાર થી બિચારા ને હેરાન કરો છો" મમ્મી ગુસ્સે થઈને બોલી.
 
"સાચી વાત.." મેં ઉમેરી આપ્યું.
 
પપ્પા ગુસ્સે થઈ ગયા છતાય ચૂપ રહ્યા, જેવી મમ્મી રસોડામાં ગઈ તરત જ પપ્પા મારી તરફ ગુસ્સાથી જોવા લાગ્યા. મને તે કાઈ બોલે તે પેહલા જ હું ચા નો કપ લઈને રસોડામાં જતો રહ્યો. અને મમ્મી સાથે ગપ્પા મારતા મારતા ચા પતાવી દીધી.
 
 
"હર્ષ.." પપ્પા એ બૂમ પાડીને મને બોલાવ્યો. મને એવું હતું કે તે મને ખખડાવશે. હું થોડો ડરતા ડરતા તેમની પાસે ગયો.
 
"આ બાયો ડેટા જોઈ લે" તેમને મોબાઈલ મારી તરફ કરીને કીધું. સદનસીબે જૂની વાત અહીંયા જ ટળી ગઈ.
 
 
અરે હા.. હું મારો પરિચય આપવાનો તો ભૂલી જ ગયો. મમ્મીએ ગુસ્સામાં મને જોરથી બૂમ પાડીને ચૂપ કરાવી દીધો હતો એટલે નામ તો તમને ખબર પડી જ ગઈ હશે. "હર્ષ".
ભગવાને મને નાનપણથી જ રૂપિયા ની ખોટ નથી આપી કે દેખાવ મા પણ ખોટ નથી રાખી. હા પણ કદાચ કિસ્મત આપવાનું જ ભૂલી ગયા લાગે છે.
 
મારે જીવન માં છોકરી સાથે ટાઈમપાસ નથી કરવો પણ એક પરમેનન્ટ ગર્લફ્રેંડ જોઈએ છે જેની સાથે લગ્ન પણ કરી શકાય. પણ આ બાબત માં કિસ્મત એવી છે કે ટાઈમપાસ કરે તેની પાસે ઢગલાબંધ છે અને જે બિચારા સીધી રીતે પ્રેમ કરવા માંગે એતો એકલા જ પડી જાય. હું તે એકલા માં આવી ગયો.
 
મારું તો અરેન્જ મેરેજ માં પણ નસીબ ફૂટેલુ છે. મેં સૌથી પહેલા જે છોકરી જોઈ તેને હા પાડવાનું વિચાર્યું ત્યાં ખબર પડી કે તે તેના બોયફ્રેન્ડ સાથે ભાગી ગઈ. બીજી અને ત્રીજી એ મીટીંગ માં જ કહી દીધું કે એમનો બોયફ્રેન્ડ છે. ચોથી અને પાંચમી માં મને સેજ પણ ઈચ્છા નહતી. હવે તો મને અરેન્જ મેરેજ માં પણ ડર લાગવા લાગ્યો હતો. ભગવાને મારા માટે એક છોકરી પણ સિંગલ રાખી હશે કે નહિ? એતો ભગવાન જ જાણે
 
મેં પપ્પાએ આપેલો બાયોડેટા જોયો. ચાર છોકરી જોયા પછી બાયોડેટા જોવા મારા માટે કોમન બની ગયું હતું. મેં બાયોડેટા જોયો ત્યાં મારી આખો સ્તબ્ધ થઈ ગઈ. છોકરી ફક્ત ઓગણીસ વર્ષની હતી અને વજન માત્ર બત્રીસ કિલો. જ્યાં મારુ વજન ચોસઠ કિલો હતું. પાંચ પર પાંખો ચાલુ કરીએ તો પણ છોકરી પકડી રાખવી પડે તેવું ફોટોમાં તેનું શરીર દેખાતું હતું.
 
"આતો હજી નાની છોકરી છે...મારે ઈચ્છા નથી..." મેં પપ્પા ને મોબાઈલ પાછો આપતા કહ્યું.
 
"આજે સાંજે જોવાનું ગોઠવ્યું છે.." પપ્પાએ
 
"શુ...???" મેં જોરથી બૂમ પાડી
 
"એ લોકો આજે અમદાવાદ થી વડોદરા કોઈ પ્રસંગમાં આવવાના છે. એટલે આજે જ ગોઠવી દીધું. એમને ફરી ધક્કો ના પડે એટલે" પપ્પા એ પેપર બાજુ માં મૂકી દીધું.
 
લગભગ અડધો કલાકની રકઝક બાદ મારે તેમની વાત માનવી જ પડી. સાંજે છોકરી વાળા જોવા આવ્યા. તે લોકો બે ગાડી ભરીને ટોટલ ૧૧ લોકો આવ્યા હતા. જાણે આજે છોકરીને અમારા ઘરે મૂકીને જ જવાના હોય. છોકરી સિવાય બધા લોકો એકદમ જાડા હતા. મને સમજાયું નહિ ક છોકરી આટલી પાતળી કેમ રહી ગઈ.
 
અમારા ઘરમાં સત્યનારાયણની કથા રાખી હોય તેવું વાતાવરણ બની ગયું હતું. લોકો એટલા ગિચોઘીચ બેઠા હતા કે મારે પેલી છોકરીને શોધવામાં અડધી મિનિટ નીકળી ગઈ. મારી નજર પડી તો તે તેના મમ્મી પપ્પા ની વચ્ચે ચબડાઈને બેઠી હતી. જ્યાંથી મને તેના ફક્ત પગ જ દેખાતા હતા. બાકીનું શરીર તેના મમ્મી પપ્પા પાછળ ઢંકાઈ ગયું હતું.
 
જેમ તેમ કરીને મેં ટાઇમપાસ કરીને છોકરી સાથે મીટિંગ પતાવી. એક કલાક પછી તે લોકો બહાર નીકળ્યા અને મેં જોર થી શુદ્ધ ઓક્સિજન લેવા ઊંડો શ્વાસ લીધો. મારા ઘરની બહાર સ્કૂલ છૂટી હોય તેવું માહોલ બની ગયું હતું. આજુબાજુના બે ત્રણ ઘર વાળા શુ થયું તે જોવા બહાર આવી ગયા હતા.
 
"છોકરી કેવી લાગી?" પપ્પાએ ઉમેરો ઓળંગતા પહેલા જ પૂછ્યું.
 
"એને ઘર માં તો જવા દો..." મમ્મીએ મને બોલતા પહેલા જ બચાવી લીધો.
 
"મારી તો ઈચ્છા ઓછી જ છે" મમ્મી બોલી. મારા જીવ માં જીવ આવ્યો કારણકે મારે પપ્પા સાથે આ વાત પર તકરાર ના કરવી પડી.