Propositum to make 5 Trillion Dollar Indian Economy... Part - IV in Gujarati Classic Stories by Uday Bhayani books and stories PDF | ભારતીય અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલરનું બનાવવાનું લક્ષ્ય... (ભાગ - 4)

Featured Books
Categories
Share

ભારતીય અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલરનું બનાવવાનું લક્ષ્ય... (ભાગ - 4)

વાચક મિત્રો,

અગાઉના ‘ભારતીય અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલરનું બનાવવાનું લક્ષ્ય’ વિષય પરના લેખોમાં આપણે પાંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર એટલે શું? કુલ ઘરેલું ઉત્પાદન - જીડીપી (Gross Domestic Product - GDP) એટલે શું? ભારતીય અર્થતંત્રની આ બાબતે વર્તમાન પરિસ્થિતિ, ભારતના અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલરનું શા માટે બનાવવું છે? ધ્યેય સુધી પહોંચવા શું કરવું પડે? અપેક્ષિત વાર્ષિક વિકાસ વૃદ્ધિ દર કઇ રીતે હાંસલ કરી શકાય? વિવિધ ક્ષેત્રોની સ્થિતિ વગેરે બાબતે જોયું. આજના લેખમાં આપણે ખૂબ જ અગત્યના મુદ્દાઓ જેવા કે, લક્ષ્યને સિદ્ધ કરવા લેવામાં આવેલા પગલાઓ, લક્ષ્ય સામેના પડકારો અને આવો મહાયજ્ઞ ચાલતો હોય, ત્યારે આપણો અભિગમ કેવો હોવો જોઇએ તે બાબતે ચર્ચા કરીશું.

ભારતીય અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલરનું બનાવવાના લક્ષ્યને અનુરૂપ લેવામાં આવેલા અન્ય પગલાઓ...

ભારતીય અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલરનું બનાવવું, આ કોઇ તરંગી વિચાર માત્ર નથી, દેશના સર્વગ્રાહી વિકાસનું ઉચ્ચત્તમ ધ્યેય છે. આ ધ્યેય હાંસલ કરવા અથાક અસંખ્ય મહેનત કરવી પડે અને સુધારાત્મક પગલાઓ લેવા પડે. ભારતીય અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલરનું બનાવવાના ધ્યેયને પરિપૂર્ણ કરવા લેવામાં આવેલા થોડા પગલાઓ વિશે જોઇએ તો,

પ્રધાનમંત્રી જન ધન યોજના - જો દેશમાં દરેક આર્થિક વ્યવહારો બેન્કના માધ્યમથી થાય તો જ તે વ્યવહારો અર્થતંત્રનો ભાગ બને. જન ધન યોજના એ દેશના દરેક નાગરિકને બેંક સુવિધા ઉપલબ્ધ કરાવવાનું અને તેને બેંકની સિસ્ટમ જોડે જોડવાનું મહાઅભિયાન હતું. આ યોજના હેઠળ આશરે 37.70 કરોડ ખાતાઓ ખોલવામાં આવેલ છે, જે પૈકી 15.56 કરોડ ખાતાઓ શહેરી અને મેટ્રો વિસ્તારની બેંક શાખાઓમાં અને 22.14 કરોડ ખાતાઓ ગ્રામ્ય અને અર્ધ-શહેરી વિસ્તારની બેંક શાખાઓમાં ખોલવામાં આવેલ છે.

નોટ બંધી (Demonetization) - દેશમાં ચાલી રહેલા ગેરકાયદેસર ધંધા, આતંકવાદને પ્રોત્સાહન અને ભ્રષ્ટાચારને દુર કરવા 8મી નવેમ્બર, 2016ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા જુની રૂ. 500 અને રૂ. 1000ની નોટ ઉપર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો હતો. ભારતીય રીઝર્વ બેંકના વર્ષ - 2018ના એક અહેવાલ મુજબ આ બન્ને પ્રકારની નોટના કુલ 15.41 લાખ કરોડના ચલણ પૈકી 15.30 લાખ કરોડની જુની નોટો ભારતીય રીઝર્વ બેંકમાં પરત જમા થયેલ છે. ફક્ત 10,720 કરોડની નોટો પરત ફરેલ નથી. આમ, મોટા ભાગના નાણા નવા ચલણમાં તબદીલ થયેલ છે કે બેંકમાં જમા થઇ અર્થતંત્રનો ભાગ બની ગયેલ છે.

માલ અને સેવા કર (Goods and Services Tax - GST) - દેશના પરોક્ષ કર માળખામાં ધરમૂળથી ફેરફાર કરી વિવિધ 17 જેટલા કરો નાબૂદ કરી એક જ માલ અને સેવા કર (Goods and Services Tax - GST) તા. 1લી જુલાઇ, 2017થી અમલમાં મૂકવામાં આવેલ છે. જેનાથી વેપારીઓને અલગ-અલગ કર અધિકારીઓ પાસે જવા, તમામ કરોના રીટર્ન ફાઇલ કરવા, બધા કરો અલગ-અલગ ભરવા, બધા કરોની આકારણી કરાવવી વગેરે મુશ્કેલીઓમાંથી મુક્તિ મળી છે અને “એક દેશ, એક કર, એક બજાર” ની વિભાવના સફળ થઇ છે.

આઇબીસી (Insolvency and Bankruptcy Code) - નાદારીને લગતી વિવિધ જોગવાઇઓ, નિયમો અને કાયદાઓ દુર કરી એક જ કાયદાકિય ઢાંચો પુરો પાડવા ઇન્સોલ્વન્સી અને બેંકરપ્સી કોડ અમલમાં મૂકવામાં આવેલ છે. આઇબીસીનું કામ નાણાકીય કટોકટીની સ્થિતિમાં નાણાકીય સેવા પુરી પાડનારાઓમાં શિસ્ત લાવવાનું છે. જ્યારે દેશનું અર્થતંત્ર ઊંચાઈ સર કરી રહ્યું હોય ત્યારે નાણાકીય શિસ્ત માટે સમાન અને મજબૂત કાયદાકિય માળખું અનિવાર્ય બની જાય છે.

ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ (Ease of Doing Business - EoDB) - વિશ્વભરમાં વિવિધ દેશોના વ્યવસાય માટેના નિયમનકારી વાતાવરણને સમજવા અને તેને સુધારવા તથા વૈશ્વિક કક્ષાના બનાવવાનો ઉદ્દેશ્ય પૂરો કરવાના મુખ્ય આશય સાથે વિશ્વ બેંક (વર્લ્ડ બેંક) દ્વારા “ડુઇંગ બિઝનેસ” પ્રોજેક્ટ અંતર્ગત વ્યવસાયી નિયમનમાં સુધારાઓ માટે હેતુલક્ષી માપદંડો સુચવવામાં આવે છે. વિશ્વ બેંક દ્વારા આ પ્રોજેક્ટ વર્ષ – ૨૦૦૨માં અમલમાં મૂકવામાં આવેલ હતો. વિશ્વ બેંક વિવિધ દેશોના નક્કી કરેલા શહેરો (ભારતમાં દિલ્હી અને મુંબઈ)નો સુચવેલા માપદંડો આધારિત અભ્યાસ કરે છે અને તે મુજબ ૧૯૦ દેશોને ક્રમ આપવામાં આવે છે. ભારતનો વર્ષ – 2014માં 190 દેશો પૈકી 142મો ક્રમ હતો, જે વિશ્વબેંકના વિવિધ માપદંડોને સુસંગત સુધારાઓ કર્યા બાદ વિશ્વમાં વર્ષ – 2020ના અહેવાલ અનુસાર 63મો ક્રમાંક છે. જે દેશમાં નવો ધંધો સ્થાપવા અને વર્તમાન ધંધો ચલાવવા અનુકૂળ વાતાવરણની પુષ્ટિ કરે છે.

ઉક્ત પગલાઓ તો ફક્ત ઉદાહરણ સ્વરૂપ છે. જો તમામ પગલાઓની યાદી કરવા જઇએ તો બહુ મોટી યાદી બને.

ભારતીય અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલરનું બનાવવાના લક્ષ્ય સામેના પડકારો...

ભારતીય અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલરનું બનાવવાના લક્ષ્યને હાંસલ કરવા વિવિધ ક્ષેત્રે મહેનત કરવામાં આવી રહેલ છે અને સુધારાત્મક તથા પ્રોત્સાહક પગલાઓ લેવામાં આવી રહેલ છે, પરંતુ તેની સામે પડકારો પણ છે જ. પડકારોની વિગત જોઇએ તો, 1) જીડીપીનો દર સપ્ટેમ્બર – 2018 અંતિત ત્રિમાસિક ગાળામાં 8% હતો, જે સતત ઘટી રહ્યો છે અને સપ્ટેમ્બર – 2019 અંતિત ત્રિમાસિક ગાળા માટે 5%થી પણ નીચે સરકી 4.5% જેટલો રહેવા પામ્યો છે, જે ભારતીય અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલરનું બનાવવાના લક્ષ્યને હાંસલ કરવા જરૂરી 8-9%ના દરને હાંસલ કરવાના અપેક્ષિત દરથી દૂર થતો જાય છે, માટે ખૂબ જ ચિંતાનો વિષય છે, 2) દેશમાં છૂટક ભાવોએ ફુગાવાનો દર જાન્યુઆરી – 2019માં 1.97% હતો, જે સતત વધી રહ્યો છે અને નવેમ્બર – 2019માં 5.54% રહેવા પામેલ હતો. ભારતીય અર્થતંત્રને નિશ્ચિત સમયમર્યાદામાં પાંચ ટ્રિલિયન ડોલરનું બનાવવું હોય તો ફુગાવાનો દર નિયંત્રણમાં રહેવો અનિવાર્ય છે. 3) $100 બિલિયનનું કદ ધરાવતું ઓટોમોબાઈલ સેક્ટર ભયંકર મંદીના ભરડામાં સપડાઇ ગયું છે 4) બેરોજગારીનો દર જાન્યુઆરી – 2019માં 6.9%, એપ્રિલ – 2019માં 7.4%, જુલાઇ – 2019માં 7.3% અને ઓક્ટોબર – 2019માં 8.5% રહેવા પામેલ છે, જે 1983 થી 2019ની સરેરાશ 5.16%ની સામે 65% જેટલો વધારે છે. 5) જીડીપીની સરખામણીમાં સરકારી ખર્ચ 1970 થી 2017ની સરેરાશ 15.14%થી નીચે 13% જેટલો થઇ જવા પામેલ છે. 6) ઔદ્યોગિક ઉત્પાદનનો દર ઓગસ્ટ – 2019થી માઇનસમાં જ છે. 7) મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રનો વિકાસ દર પણ ઓગસ્ટ – 2019થી માઇનસમાં છે. 8) ઘરેલું બચત અને રોકાણોનો દર પણ અપેક્ષિત કરતાં ઘણો નીચે છે. આમ, તાજેતરમાં અર્થતંત્રની જે સ્થિતિ છે તે જોતા 2024 સુધીમાં ભારતીય અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલરનું બનાવવાનું લક્ષ્ય નિર્ધારિત સમયમર્યાદામાં પુરું થાય તેવું જણાતું નથી.

હાલ પરિસ્થિતિ જેવી પણ હોય, પરંતુ સરકાર ભારતીય અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલરનું બનાવવાના તેઓના લક્ષ્ય માટે મક્કમ જણાય છે. તાજેતરમાં બજારની ખરાબ હાલત સુધારવા નાણા મંત્રાલય દ્વારા ઠોર પગલાઓ લેવામાં આવી રહ્યા છે. પછી તે રીઅલ એસ્ટેટ ક્ષેત્રને પ્રોત્સાહન પેકેજ હોય, બેંકિંગ ક્ષેત્રને પ્રોત્સાહન પેકેજ હોય, કોર્પોરેટ ટેક્ષમાં ઘટાડો હોય કે જાહેર ક્ષેત્રમાં ડિસઇન્વેસ્ટમેન્ટનો મુદ્દો હોય, કોઇ પણ ક્ષેત્રે સરકાર કંઇ ઓછું પડવા દેવા માગતી નથી. વર્ષ - 2024 સુધીમાં ભારતીય અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલરનું બનાવવા કેન્દ્ર સરકારે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસના માધ્યમથી રાજ્યો વચ્ચે સ્પર્ધા ઉભી કરી છે. આ ઉપરાંત, ઝીણવટ ભર્યું આયોજન કરવાના ભાગરૂપે જીડીપીમાં સુધારા અને અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલરનું બનાવવા માટે જીલ્લા કક્ષાએ જીડીપીના મોનીટરીંગ અને તેના વિકાસ માટે લક્ષ્યાંક નક્કી કરી કલેક્ટરશ્રીઓને જવાબદારી સોંપવાનું આયોજન છે. સરકાર નાગરિકોના હાથમાં વધુમાં વધુ રોકડ આવે તે માટે સરકારી ખર્ચમાં વધારો, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વગેરે ઉપર ભાર મુકી રહી છે. અર્થશાસ્ત્રીઓના મંતવ્યો જોઇએ તો, કોઇ અર્થતંત્રના ભૂંડા હાલ બતાવે છે તો કોઇ જીડીપીના આંકડાઓને પણ પડકારે છે. ત્યારે અમૂક આ પરિસ્થિતિને તદ્દન હંગામી દર્શાવે છે. પરિસ્થિતિ કેવી પણ હોય, પરંતુ દૃઢ નિર્ધાર હોય, તો કંઇ પણ શક્ય છે. 2014માં માનનીય પ્રધાનમંત્રીથી દ્વારા ગાંધીજીની 150મી જન્મ જયંતી નિમિતે ખુલ્લામાં શૌચ મુક્ત ભારતનો વિચાર રજુ કર્યો હતો. પાંચ વર્ષ જેટલા સમયગાળામાં સ્વચ્છ ભારત મિશન હેઠળ 9.5-10 કરોડ શૌચાલયો બનાવવામાં આવ્યા. ખરેખર રોજની સરેરાશ જોવામાં આવે તો માનવામાં ન આવે, પરંતુ તે હકીકત છે અને આપણી નજર સમક્ષ પણ છે. ‘મન હોય તો માળવે જવાય’, તેમ દૃઢ નિર્ધાર હોય તો કંઇ પણ શક્ય છે. શું થશે? તે તો સમય જ બતાવશે, પરંતુ અર્થતંત્રમાં આવી પ્રક્ષુબ્ધ પરિસ્થિતિ અને મંદી પ્રથમ વખત નથી આવી અને દરેક વખતે નિરાશાવાદીઓની અપેક્ષાઓથી વિપરીત બન્યુ છે અને અર્થતંત્ર મંદીમાંથી ઉગરી બમણી ઝડપથી વિકસ્યું છે, જેનો ઇતિહાસ સાક્ષી છે. આ વખતે પણ આવું જ બને તેવી અભ્યર્થના સહ આ લેખ શૃંખલા હાલ પૂરતી પૂર્ણ કરું છું.