કોને મરવું જોઇએ ?
એક રોગીની નજરમાં દવા એ વરદાન છે.
પણ એ જ દવા રોગની નજરમાં દુશ્મનનું કામ કરે છે.
આ રોગ દવા સામે લડશે પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે,
બધા જ પ્રયત્નો કરશે પોતાનો જીવ બચાવવા માટે,
પ્રાર્થના કરશે કૃપા માટે કે એનો નાશ ના થાય.
દરિદ્રતાનાં બધાં જ કપડાં પહેરીને ઇશ્વરને છેતરવાનો પ્રયત્ન કરશે,
જાણે જીવસૃષ્ટિ પર એનાથી વધારે નિર્દોષ બીજું કોઇ નથી.
તો શું કરવું જોઇએ ? હું તમને પૂછું છું..
મરવું જોઇએ ? કે એ રોગને જીવવું જોઇએ ???
નિર્ણય કરો એ પહેલાં એક વાત યાદ અપાવી દઉં,
રોગ જીવવા જ એટલા માટે માગે છે કે એ એક દિવસ રોગીના સમગ્ર અસ્તિત્વનો નાશ કરે.
તો શું એ રોગને જીવવુ જોઇએ કે મરવું જોઇએ ???
આ જીવસૃષ્ટિ પણ ઘણી વાર બિમાર પડે છે અને એ બિમારીને દુર કરવા તેને,
ધરતીકંપ, પૂર, દુષ્કાળ જેવી દવાઓ લેવી પડે છે,
આ દવાઓ જીવસૃષ્ટિ માટે વરદાન છે, તો સહજ છે કે મનુષ્ય(રોગ) માટે એ દુશ્મન હોવાની જ.
ફરક એટલો છે કે રોગીના બિમાર પડવા પાછળનું કારણ ખુદ રોગી છે જ્યારે જીવસૃષ્ટિના બિમાર
પડવા પાછળનું કારણ મનુષ્ય છે.
તો શું નિર્ણય કરશો ? કોને જીવવું જોઇએ ? રોગીને કે રોગને ?
આ વખતે પણ જીવસૃષ્ટિએ નાછુટકે પોતાના આ રોગને દુર કરવા માટે એક દવા(કોરોના) લીધી છે.
તો શું ઇચ્છો છો તમે કે તેનો આ રોગ જીવવો જોઇએ કે મરવો જોઇએ ???
રોગના જીવવાં પાછળનું કારણ આપણે જાણીએ જ છીએ ...
હા, એક દિવસ રોગીના (સમગ્ર જીવસૃષ્ટિના) અસ્તિત્વનો અંત....
ચાલ, સરળ અને તારી ભાષામાં વાત કરું.
કડવું તો લાગશે પણ જાણવું તો જોઇએ તારે.
ધીરે ધીરે આખીયે જીવસૃષ્ટિને ફોલી ખાનારો તું જ એક જીવલેણ વાયરસ છે,
અસહનીય પીડા આપીને અતૃપ્ત તારી ભુખને તું ભાંગવા લાગ્યો છે,
તું પ્રાથનામાં પણ પ્રપંચ ઘોળીને પીવા લાગ્યો છે,
નિર્દોષતાનાં કપડાં પહેરીને તું કરુણાની ભીખ માંગવા લાગ્યો છે.
સાંભળ્યું છે કે તું નિર્દોષ જીવને જીવતા તળીને ખાવા લાગ્યો છે.
200 ને જીવતા તળી ખાય છે ને 20ની મદદ કરીને ખુદને નિર્દોસ સાબીત કરે છે,
એવો તો કયો અપરાધ છે કે તું અન્ય જીવને સજામાં મોત આપવા લાગ્યો છે?
કે પછી વગર અપરાધે આ સૃષ્ટિના બધા જ જીવોને સજા કરવી એ તારો સ્વભાવ બની ગયો છે.
વિચારી જો એવી એક પણ તારી પ્રગતિ નથી જેમાં તે મારો ભોગ ના લીધો હોય.
યાદ રાખજે કે તું આ દવાની અસરનો અંત કરી પણ લઇશ તો પણ નુકશાન તારું જ છે.
કેમ કે તારું(રોગ) જીવવું એટલે સૃષ્ટિનો ધીરે ધીરે વિનાશ અને સૃષ્ટિનો વિનાશ એટલે તારો પણ વિનાશ.
અજ્ઞાનતા જ છે આ તારી કે તું એટલું નથી સમજતો કે તારા ખુદના અસ્તિત્વનાં મુળમાં આ કુદરત છે.
વિચારી તો જો કે શું સંભવછે આ સૃષ્ટિ વગર તારું અસ્તિત્વ ???
મને લાગતું એક સત્ય તને કહું,
ફક્ત તારો વિનાશ એ સમગ્ર જીવસૃષ્ટિ માટે વરદાન હશે.
બીજા ગ્રહ પર જીવન શોધવાની તારી મહેનત એ કોઇ પ્રગતિ નથી તારી.
ભય છે આ .... તારા અસ્તિત્વનાં અંતનો ભય.
મૃત્યુનો ભય છે સત્ય તારું ,
તું જાણે છે કે અપરાધ થયો છે તારાથી અને આ પૃથ્વીને તું ટુંક સમયમાં જીવવાં જેવી નહી રહેવા દે.
ભાગ , ભાગીને જવું હોય ત્યાં જા, અસંખ્ય હશે પૃથ્વીઓ બ્રહ્માંડમાં, પણ હે માનવી, તું જ્યાં જઇશ ત્યા તારો સ્વભાવ તારી સાથે જ હશે.
તો નાહકની આ ભાગવાની વૃત્તિ છોડ અને ભાગવું જ હોય તો તારા સ્વાર્થી સ્વભાવના બંધનમાંથી ભાગ.
પ્રકાશ તારી બહાર નહીં તારી અંદર શોધ, કેમ કે તારી સૃષ્ટિ બહાર નહીં તારી અંદર જ છે.
અને આ સૃષ્ટિ તને તારી અંદર રહેલા પ્રકાશને અનુભવવાંની સલાહ આપે છે,
તારી અંદર રહેલા અંધકારને દુર કરીને તારા ખરા સ્વરુપને જાણવાનું કહે છે.
અને મને તો નથી સમજાતું કે તું બહાર પ્રકાશ કરીને કઇ જીતનો આનંદ માણી રહ્યો છે ?
સુધરી જા, એ કહેવું તને વ્યર્થ છે, કેમ કે તું જાણે છે કે હવે આ તારા કંટ્રોલની વાત જ નથી રહી.
એટલે જ કહું છું કે સ્વીકારી લે જે કર્યું છે તેને કેમ કે એ તારા જ કર્મોનું ફળ છે.
અપરાધ કર્યો છે તો દયા નહી સજા માંગ અને જે થઇ રહ્યું છે ને જે થશે એને હસતે મોઢે સ્વીકારી લે.
છેલ્લી વાત,
એક બીજાનો વાંક કાઢતા પહેલા એક જ વિચાર કર કે જેને તું ગુનેગાર માને છે એ તારી જેવો જ માનવ છે ???
તો બંધ કર તારો બકવાસ અને ચુપ થઇજા, એક દમ ચુપ.
રહી વાત મારી તો હે પ્રકૃતિ ...
મારુ માનવ હોવું જ તારા રોગનો એક ભાગ સાબીત કરે છે.
એટલે દયાની ભીખ માંગીને આ અપરાધી શરીરનો પક્ષ હું નહી લઉં,
હા, આપરાધ કર્યો છે તો તને ગમતી સજા આપ,
તું જે રીતે મારે એ રીતે હું તૈયાર છું મરવા.
-ચિરાગ કાકડિયા