Mrytyu pachhinu jivan - 24 in Gujarati Fiction Stories by Amisha Rawal books and stories PDF | મૃત્યુ પછીનું જીવન - ૨૪

Featured Books
Categories
Share

મૃત્યુ પછીનું જીવન - ૨૪

મૃત્યુ પછીનું જીવન—૨૪

પહેલાં આપણે જોયું કે રાઘવ રશીદના બંગલા પર જઈ રહ્યો હતો, ત્યાં જ એને એવી અનુભૂતિ થાય છે કે એને કોઈ યાદ કરી રહ્યું છે અને એનાં ફેમિલીને એની જરૂર છે. અને એ ફરી એનાં ઘર પર પહોચે છે જ્યાં એ ૩ મવાલી જેવાં માણસોને ગોમતીની સામે બેસી ગોમતીને ધમકાવતાં જુએ છે. એને અફસોસ થાય છે કે એ એની પત્નીની રક્ષા નથી કરી શકતો. એ રડતી ગોમતીને શાંત્વના આપે છે , એની સાથે અશાબ્દિક સંવાદ કરે છે. હવે આગળ...

અંશ અને સમીર ધસમસતા વેગે મા પાસે આવીને ઊભા રહ્યાં, “અરે મા, આ બધું શું છે? બહાર બધા ગુસપુસ કરે છે, કોઈ ડરેલું છે , તો કોઈ રડે છે, તું પણ ..” એમણે જઈને મા ને હલાવી નાંખી..

છોકરાઓને જોતાં જ ચેરમાં હતાશ શરીરે ઢગલો થઇ પડેલી ગોમતીના શરીરમાં જાણે જીવ આવ્યો અને ટેબલ પર પડેલા ડોક્યુમેન્ટ્સ ઊંચકીને સમીરને આપ્યા. સમીર એકી શ્વાસે પૂરી મેટર મોટેથી વાંચી ગયો . અને પછી અંશનાં હાથમાં આપ્યાં.

સ્ટેમ્પ મારેલા એ ડોક્યુમેન્ટ્સ પર એવું લખાણ હતું કે રાઘવે જોગી શરાફ પાસેથી ૫ કરોડ લીધેલાં અને એની સામે ઘર ગીરવે મુકેલું, જે પરત નહી કરવામાં આવે તો આ ઘરની માલિકી જોગી શરાફની રહેશે, જેની નીચે રાઘવનાં હસ્તાક્ષર હતાં; જે બંને ભાઈઓ એ કાળજીથી ચેક કર્યા.

“એ લોકો ૫ કરોડ માટે એક અઠવાડિયાનો સમય આપી ને ગયાં છે, નહિતર આ ઘર ખાલી કરવું પડશે...” ગોમતી બોલતાં બોલતાં ફરી રડવા માંડી. બંને ભાઈઓ માની આજુબાજુ જઈને ઉભા રહી ગયાં.

“હજુ તો તારા પાપાનાં ગયાને બે દિવસ પણ નથી થયા ને , આ શું આવી ગયું નવું? ”

“શું પાપાએ ખરેખર આવું ?”

“શક્ય જ નથી, જો એમણે ઘર ગીરવે મુક્યુ હોત, તો તમને જાણ જરૂર કરતે.”

“ સી , મા ,ઘણી વાર બિઝનેસમા આવુ બધું કરવું પડતું હોય, હંગામી ધોરણે; શક્ય છે કે થોડાં સમયની વાત હોય અને પાપા સૌને ટેન્સનમાં નાખવા ન માંગતા હોય ..!”

“નહીં , તો પણ આટલી મોટી વાત તો ન જ છુપાવે..”

ત્રણેય અસમંજસમાં પડી ગયાં, આ બધું થઇ શું રહ્યું છે, શું ખરેખર પાપાએ આવું કર્યું હશે ? કે પછી સમય-સંજોગનો ફાયદો ઊઠાવી રહ્યું છે કોઈ ? શું પાપાનાં મર્ડર અને આ વાતને કોઈ લીંક છે? શું આ બધી કોઈની સાઝિશ તો નથી ને ? અને હોય તો કોણ ? એક અઠવાડિયામાં પાંચ કરોડ લાવવા ક્યાંથી? નહી તો ફેમિલીને લઇ ક્યાં જઈશું આમ અચાનક ?

ગોમતી ફરી રડવા માંડી , ધ્રુસકે ને ધ્રુસકે..

“તમને ખબર છે આ ઘરમાં મેં પગ મુકયો, ત્યારે સાવ ખોબલી જેવું નાનું ઘર હતું. તારા પાપાએ રાત – દિવસ એક કરીને આ મહેલ જેવો બંગલો ઊભો કર્યો અને એમનાં જતાની સાથે જ ...એ શું કહેશે? આપણે આટલું ય સાચવી ન શક્યા? અને હું ? હું તો આ ઘર છોડીને કશે ગઈ જ નથી; જયારે નાનું હતું , ત્યારે પણ આ જ ઘર વ્હાલું હતું અને આજે પણ ...! આ ઘરે પગ મુક્યાં પછી ક્યારેય પાછળ ફરીને જોયું જ નથી, મેં તો. આવતાંની સાથે વાવેલી તુલસીથી શરુ થયેલ મારી સફર આજે આટલા સરસ બાગ પર આવી ઊભી ; અને હવે એને ઉજડવા કેમ દેવાય? બંને ભાઈઓએ મા ને શાંત કરવાની કોશિશ કરી,

“વિશ્વાસ કર , મા ..તારા આ ઘરને આમ નહી તૂટવા દઈશું અમે. પાપાની આ ધરોહરને જાળવી રાખશું અમે પણ..થોડો સમય આપ અમને..

“પણ સમય જ ક્યાં છે આપણી પાસે, બેટા? ”

અંશને અચાનક કંઇક સુઝ્યું અને મોટેથી બોલી ઉઠયો,

“ભાઈ, સવારે લંચ પહેલાની આપણી વાતો યાદ છે? સમજાયું કંઈ ?”

સમીરને તરત જ કંઈક ક્લિક થયું અને સફાળો ઊભો થઇ ને કોન્ફીડેન્શીયલ ડ્રોઅરની ચાવી કાઢી ડ્રોઅર ચેક કરવા માંડયો.અને એક પછી એક બધા જ કાગળ ફરી ચેક કર્યાં અને સમીરને ત્યાંથી એ જ ડોક્યુમેન્ટ્સની ઝેરોક્ષ કોપી મળી , જે પેલા લોકો આપી ગયાં થોડી વાર પહેલાં ....

“અંશ, સવારે આ બધું ચેક કેરેલું , આ ડોક્યુમેન્ટ્સ અહીં નહોતા , અહીં ક્યાંથી આવ્યા આ ડોક્યુમેન્ટ્સ ?”

“ભાઈ , સમજાયું કંઈ ? જેવી રીતે ઘરનાં ડોક્યુમેન્ટ્સ ગાયબ થયેલાં, એવી જ રીતે આ ડોક્યુમેન્ટ્સ અહી આવી ગયા ...”

બંને ભાઈઓ એકબીજાની સામે જોવા લાગ્યાં ,અંશ બિલકુલ રાઘવની જેમ જોરથી મુઠ્ઠી ટેબલ પર પછાડીને બરાડી ઉઠયો ,

“કેશુભાઆઆઆઆઆ....રાઘવ ધ ગ્રેટ નું લોહી છું હું , એમ જીતવા નહી દઉ તને....”

અંશની આંખોની નસોમાં ઉપસી આવતું લોહી અને તંગ થયેલ હાથની નસોમાંથી ઉભરાતો જુસ્સો, પણ અદ્દલ રાઘવ જેવા જ....! ગોમતીને એક સેકન્ડ એમ થયું કે સામે રાઘવ ઊભો છે કે શું? અંશનાં શરીરની રગેરગમાં વહેતું રાઘવનું લોહી જાણે પોકારી રહ્યું હતું....

“અંશ, એમ ઉતાવળો ન થા, મને બે દિવસનો સમય આપો , આપણે એનું કોઈ ને કોઈ સમાધાન લાવીએ. મા , સાંભળ , નહી તારું આ ઘર જાય અને નહી આપણે ૫ કરોડ રૂપિયા આપવાં પડે....” સમીર ધીરેથી પણ ધ્રઢતાથી બોલ્યો...

રાઘવે બધું જ સાંભળ્યું , ગવાર ગોમતીએ એનામાં મુકેલ વિશ્વાસ, ઘરનાં ડોક્યુમેન્ટ્સ ચોરી ગયેલ મિત્રથી વિશેષ એવાં કેશુભાનાં કારનામા, અંશમાં દેખાતા નવા રાઘવના અંશ, શાંત અને સ્થિર રહી સંભાળનારો સમીર.....રાઘવ વિચારતો રહ્યો, હજુ સવારે કેશુભા એ ડોક્યુમેન્ટ્સ ચોર્યા અને ફરી મોરગેજ નાં ડોક્યુમેન્ટ્સ તૈયાર કરાવી મુકી પણ ગયો ,ડોનના જ ઘરમાં ચોરી અને છેતરપીંડી અને તે પણ હજું મારી ચિતા ને ઠંડી પડવાની પણ રાહ ન જોઈ એણે , તે પણ કોણે ...જેનું નામ હું દિવસમાં ૧૦ વાર લેતો તો એ , કેશુભાએ....વાહ ..ડેસ્ટીની યુ આર ગ્રેટ ...

-અમીષા રાવલ

--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

શું અંશ અને સમીર અઠવાડિયામાં ૫ કરોડ લાવી શકશે? અને જો નથી લાવી શકે તો ઘર ખાલી કરશે ? શું રાઘવના ખૂન અને આ કાવતરાને કોઈ સંબંધ છે? અંશની અંદરથી બહાર આવતો નવો રાઘવ કઈ દિશા પકડશે? રાઘવ એનાં છોકરાઓને આમાં મદદરુપ થઈ શકશે?

આ બધ પ્રશ્નોનો જવાબ મેળવવાં વાંચતાં રહો , આપ સૌની પ્રિય , મૃત્યુ પછીનું જીવન...અને આપણા રેટીંગ અને રીવ્યુ આપતાં રહો આભાર

ALL RIGHTS RESERVED OF THIS BOOK

UNDER TRADE MARK .

THOSE WHO WILL COPY THIS,

WOULD BE UNDER LEGAL ACTIONS.