Gujarish - ichchhamrutyu ane prem in Gujarati Film Reviews by Lichi Shah books and stories PDF | ગુઝારિશ - ઈચ્છામૃત્યુ અને પ્રેમ

Featured Books
Categories
Share

ગુઝારિશ - ઈચ્છામૃત્યુ અને પ્રેમ

વિચારો... બસ માત્ર એકાગ્રચિત્તે વિચારો... વ્યક્તિગત સ્વતંત્રતાનું જૈવિક મૂલ્ય કેટલું? તમે સ્વેચ્છાએ હાથ, પગ, ગોઠણ, કોણી, કાંડુ કમર વિગેરે એક યા બીજી પ્રક્રિયા માટે હલાવી શકો છો. કહેવાતી દૈનિક ક્રિયાઓ જાતે જ કરવી એવી સ્વતંત્રતા સ્વાભાવિક છે. પણ જો આ બધીજ સ્વતંત્રતા એક જ ઝાટકે ક્ષણમાત્રમાં થયેલ અકસ્માતના પરિણામ સ્વરૂપે હણાય જાય તો? શરત લગાવીને કહું કે, બીજી જ ક્ષણે તમે ઈશ્વર પાસે આવુ જીવન દેવાનો કકળાટ અને સમાંતરે જીવન પરત લઇ લેવાની કાકલુદી કરતા હોવ. જે જન્મથી જ દિવ્યાંગ છે તે તો સહાનુભૂતિ ને પાત્ર છે જ પણ જેમણે જિંદગી ના ઘણાખરા વર્ષો હેમખેમ તંદુરસ્ત રહી વિતાવ્યા હોય-માણ્યા હોય અને સામે પોતાની શારીરિક ક્ષમતા ના જોરે ઉભી કરેલી સફળતા કદમ ચુમતી હોય અને અચાનક અકસ્માતે કાયમી ઈજાગ્રસ્ત થયેલાને સહાનુભૂતિ એ સાંત્વના નથી આપી શકતી. એમની પરિસ્થિતિ મહદઅંશે પાંજરા માં પુરાયેલા પંખી કે જાળમાં ફસાયેલી માછલી જેવી લાચાર કહી શકાય.

ગુઝારિશ -2010, યુથેનિસિયા અને મર્સી કિલિંગ અને ઈચ્છા મૃત્યુનો વિષય લઇ ને આવે છે. હજુ આજેય એવા દિગ્દર્શકો છે જે માત્ર પૈસા કમાવવા માટે નહીં પણ સમાજ ને વિચાર કરતા કરે એવાં વિષયો પર મુવીઝ બનાવે છે. ગુઝારિશ એ મસાલેદાર કે ચટપટી અનુભવાય એવું મુવી હરગીઝ નથી પણ અકસ્માતે પથારીવશ થયેલા યુવાનની વેદના આબેહૂબ વર્ણવતી વાર્તા છે. ઈચ્છા મૃત્યુ કાયદાકીય રીતે યોગ્ય છે કે નહીં એ મુદ્દો અહીં ચર્ચાનો વિષય નથી પણ ચર્ચિત વિષય અસાધ્ય રોગ થી પીડાતા પીડિત ની વેદના નો છે. આજના આધુનિક યુગમાં કે આગવી ટેક્નોલોજી થી સજ્જ સમયમાં જે કાયમી પથારીવશ અને લાચાર જેનું હવે પછીનું સમગ્ર જીવન બીજાને આધીન છે તેમની માટે મર્સી કિલિંગ કેટલું યોગ્ય? વાત અહીં એવા જ ગોવાના એક મેજિશિયન ઈથેન મસ્કરેનસ ની છે જે જાદુની સાથે સાથે શરીરના અંગ વળાંકોથી નૃત્યમુદ્રા બનાવીને પ્રેક્ષકોના લાડકા બની ગયા છે. તેના જાદુની હરેક ટ્રીક અદ્ભૂત છે. પ્રેક્ષકો એકટશે નિહાળે છે. સફળતા, પ્રગતિ, પોપ્યુલારિટી આ બધું જ બહુ નાનું પડે એ સ્થાને ઈથેન પહોંચી ગયા છે. તો સાથે કો -સ્ટાર સ્ટેલા સાથે મનોમન પ્રણય કરતા હોવાનું માને છે.

સ્પર્ધા ક્યા ક્ષેત્રમાં નથી? પણ જો હરીફ સ્પર્ધાની નીતિમત્તા, નિયમોને અવગણીને વાર કરે તો? એ જ પરિસ્થિતિ ઈથેન ની થઈ. કટ્ટર પ્રતિસ્પર્ધી અને ખાસ મિત્રએ દગાખોરીની બધી હદ વટાવી દઈને દર્શકોથી ભર્યા હોલમાં જ જાદુની સાથે સાથે જમીનથી પોતાના શરીર ને સુંદર અંગવળાંકો દ્વારા હલકું કરી હોલની છતના સમાન્તરે એક ગરગડીની મદદથી ઝૂલતા ઈથેનની જાણ બહાર દોરી કપાવી જાદુની પરાકાષ્ઠામાં જ ઈથેન ને જોરદાર પછડાટ આપી. શારીરિક રીતેય અને કારકિર્દીની દ્રષ્ટિએ પણ. ઈથેન હવે આજીવન પથારીવશ રહેશે. કરોડરજ્જુમાં માર પડતા તેણે સમગ્ર ધડમાં સંવેદના ગુમાવી. કેવી કપરી પરિસ્થિતિ !!!

ચલચિત્ર પ્રમાણે ઈથેને આ જ સ્થિતિમાં પુરા ચૌદ વર્ષ વિતાવ્યા છે. એક નર્સ સોફિયા બાર વર્ષથી, એક ડૉક્ટર અને બે સેવિકાઓ જે હવે સાવ નિસ્વાર્થ ભાવે ઈથેનની માત્ર સેવા કર્યે જાય છે. ઈથેન પાસે એક પડું પડું થતું મહેલસમુ આલીશાન ગીરવે મુકેલા મકાન સિવાય કશુ નથી છતાં હિંમતવાન ઈથેન "love your life", નાં કોન્સેપટ ને લોકો સમક્ષ રેડિયો દ્વારા રજૂ કરી લોકોને જીવન વિશેનો સકારાત્મક અભિગમ કેળવવા પ્રોત્સાહિત કરે છે. વિધિની વક્રતા તો જુવો !! અહીં મને મેં વાંચેલી વેટર બોય ની એક વાર્તા સાંભરે છે જેનું કામ શેઠિયા નાં ગ્રાહકોના ઓર્ડર લઇ તેમને ભાવતું -ચટપટું ભોજન સર્વ અર્થાત પીરસવાનું છે. તેના ઘરમાં ધાનની ખોટ હોય છે, નાના ભાંડરડાં બે દાણા અનાજ માટે વલખાં મારતા હોય છે અને બીમાર લાચાર વિધવા માતા પથારીવશ હોય. આ બધું મગજમાં ભરી પેલો વેટર છોકરો સ્વાદિષ્ટ ભોજન ને ક્ષણ ભર જોઈ પીરસે છે એમજ જેમ ઈથેન પોતાના મૃતપ્રાય: જીવનને અવગણી નિરાશ લોકોમાં જિંદગી નું જોમ ભરે છે.

थोड़ी सी मीठी है, ज़रा सी मिर्ची है...
सौ ग्राम ज़िन्दगी ये... संभाल के खर्ची है...

આજ પુરા ચૌદ વર્ષ આમ જ વિતાવ્યા પછી એક સવારે પોતાની ખાસ દોસ્ત કમ લોયર મિસ દેવયાની દત્તા ને તત્કાલ બોલાવીને પોતાનાવતી યુથેનેસીયા ની પિટિશન કોર્ટ માં ફાઈલ કરવાવવાનું ઈથેન કહે છે. દેવયાની પેલા તો આઘાત પામે છે જે સ્વાભાવિક છે પણ પછી પોતાના પ્રિય દોસ્ત ની દયનિય -લાચાર હાલત જોઈને કેસ લડવા સહમત થાય છે.

સોફિયા... સોફિયા જેણે પુરા બાર વર્ષ ઈથેનની નર્સ બની સેવા કરી છે તે અમુક હદ સુધી ઈથેનના આ નિર્ણય સાથે સહમત થતી નથી. દેખાવે અત્યંત સુંદર ભાસતી સોફિયા સ્વભાવે સખત હોવાનો ફક્ત દેખાવ કરે છે. પોતાના ગૃહક્લેશને મન માં જ સંકોરી ઈથેન ની સેવા કરીને નર્સ તરીકેની ફરજ બખૂબી નિભાવે છે. તે ઈથેનની પરિસ્થિતિ સમજે છે પણ મૃત્યુ એકમાત્ર આનો ઉપાય નથી એવું તે માને છે. તો સામે નાનો ફૂટડો યુવાન ઓમાન સિદ્દીકી ઈથેનનો શિષ્ય બનવા આવે છે.ઈથેનનાં થોડા પરીક્ષણો અને ઓમાનની જાજી કાકલૂદી પછી ઈથેન તેને મેજીકલ ટ્રિક્સ શીખવવા તૈયાર થઈ જાય છે. ઈથેન પુરી શ્રદ્ધાથી ઓમનને જાદુ શીખવે છે અને ઓમાન પણ ડાહ્યો શિષ્ય બની રહે છે.

વાર્તાની સમાંતરે ઈથેનનાં યુથેનિસિયા કેસ ની સુનવણી શરૂ થાય છે, વર્ષો પછી ઈથેનને કોર્ટ માં હાજર થવા ઘરની બહાર લઇ જવાય છે. બહારનો પવન ઈથેન ને ઘરના પવન કરતા વધુ સ્વતંત્ર લાગે છે.ઉડતા પંખીઓ, દોડતા પ્રાણીઓ અને પવનને લીધે ખુશીથી ઝૂમતા ખેતરોના પાક જોઈને રાજી થતા ઈથેનની આંખોમાં ઊંડે ઊંડે ઉદાસી ડોકાય છે.

કોર્ટમાં વિરોધપક્ષ નાં વકીલને વધુ સમય જોઈતો હોય છે એટલે ઈથેને જે સ્પીચ તૈયાર કરી છે એ પણ સાંભળવામાં નથી આવતી. ઈથેન ઉદાસ થઇને પરત જાય છે જજ દ્વારા આશ્વાસન અપાય છે કે નેક્સટ સુનવણી ઈથેન મસ્કરેનસ નાં ઘરે રખાશે. જેનાથી ઈથેનને ફરીવાર મુશ્કેલી ન પડે.

આ દરમ્યાન ઈથેન રેડિયો પર મિશન યુથેનેસીયા ને બદલે "મિશન ઈથેનેસીયા " ચલાવે છે. જેમાં તેની ઈચ્છામૃત્યુનાં વિચાર ને વખોડવામાં આવે છે. સિવાય સ્ટેલા... તેની પ્રેમિકા... જેને વર્ષો પહેલા ઈથેને પોતાની કાયમી હાલતની જાણ થતા પોતાના લાચાર જીવન માંથી ચાલી જવા કહ્યું હતું. સ્ટેલાએ રેડીઓના ફોન પર જ ઈથેનના ઈચ્છામૃત્યુના નિર્ણયને સમર્થન આપ્યું. કદાચ પ્રેમ સ્નેહીજન નું હિત ઈચ્છે. બધા વિરોધ અને કાયદાઓ વચ્ચે સ્ટેલાએ ઈથેનની ગૂંગળામણ એની છટપટાહટ અનુભવી અને ભીની આંખે તથા ભારે હૈયે ઈથેનના ઈચ્છામૃત્યુનાં નિર્ણયને માન આપ્યું.

ये तेरा ज़िक्र है... या इत्र है...
ज़ब ज़ब करता हूं... बहेकता हूं, महेकता हूं, चहकता हूं.

દરમ્યાનની બીજી સુનવણી માં ઈથેનની માતા પણ હાજર હોય છે જેને ખુદ ઈથેને પોતાનાથી દૂર કર્યા છે જેથી પોતાની હાલત જોઈ માતા દુઃખી ન થાય. સુનવણીમાં વિરોધપક્ષ નાં વકીલ એક પછી એક ગવાહો બોલાવે છે. જેમાં મહદઅંશે વકીલ એ જ સાબિત કરવા આતુર રહે છે કે શ્રીમાન ઈથેન મસ્કરેનસ માનસિક રીતે બીમાર છે અને આવી જ સ્થિતિ માં ઈચ્છામૃત્યુ માંગે છે. છેલ્લે ઈથેનના માતાને બોલાવાય છે જેમાં તેણીને પૂછવામાં આવે છે કે શું તેણી ઈથેન નાં આ નિર્ણયને સમર્થન આપે છે? તો તેણી કહે છે "હા ". વકીલ આગળ પૂછે છે કે શું યુથેનેસીયા તમે તમારા હાથે તમારા પુત્રને આપશો? તો માતા કહે છે "હા". એની હા માં કેટલી વેદના, કેટલી લાચારી ટપકતી હશે! માતા આગળ કહે છે કે ઈથેનને મેં જન્મ આપ્યો છે પણ એના જીવન પર માત્ર એનો જ અધિકાર છે.

અંતમાં ઈથેન જજને પોતાના તરફથી એક મેજીક બતાવવાની અનુમતિ માંગે છે. જેમાં વિરોધપક્ષનાં વકીલને 60સેકન્ડ માટે એક પટારામાં બંધ કરે છે. 60 સેકન્ડ પણ પુરી નથી થતી કે વિરોધપક્ષ નાં વકીલ બહાર નીકળવા હવાતિયાં મારે છે. ત્યારે ઈથેન કહે છે કે"आप इथेन मस्करेनस की जिंदगी के 60 सेकंड भी बिता ना पाए... "

જજ બધું સમજી જાય છે પણ ચુકાદો ઈથેન નાં પક્ષમાં નથી આપતા. એટલું જ કહે છે કે, "जिंदगी उस ईश्वर की देन है... उसे वापस लेने का हक भी उसीका है... " સમાંતરે સોફિયા પણ પતિના ત્રાસ થી કંટાળીને આખરે ડાઇવોર્સ મેળવી પરત આવે છે. નિરાશ થઈ ગયેલા ઈથેનની પાસે આવી ને એટલું જ કહે છે કે એ ઈથેનને યુથેનેસીયા દેવા તૈયાર છે. પેલા તો ઈથેનને વિશ્વાસ નથી થતો તે કહે છે, સોફિયા, તને જેલ થશે.

સોફિયા તો પણ તૈયાર થાય છે કહે છે તમારી સ્વતંત્રતા સામે કશું મોટુ નથી. અહીં પણ પ્રેમ જ તો આવે છે. મોહિત બંધન કરતા ક્ષણિક પીડા દેતી મુક્તિ વધુ યોગ્ય છે. સોફિયા-ઈથેનની આ એક પરિપક્વ પ્રેમકથા છે. તેના પ્રેમ થી અભિભૂત થઈ ઈથેન સોફિયા સામે લગ્ન નો પ્રસ્તાવ મૂકે છે જેનો સોફિયા શરમાઈને સ્વીકાર કરે છે.

અને બાર ડાગલાના અંતરે ઉભેલી સોફિયા એ બાર ડાગલા પત્ની તરીકે નાં ભરી ઈથેનના બાહુપાશમાં સમાઈ જાય છે. પત્ની તરીકેના છેલ્લા બાર ડગલામાં સોફિયાની આંખોમાં એક એક ડગલે ઈથેન પ્રત્યેની પત્ની તરીકેની એક એક લાગણી વણાતી -સમેટાતી જાય છે :

ડગલું 1- આત્મીયતા
ડગલું 2- અધિકાર
ડગલું 3- સંભાળ
ડગલું 4- અહોભાવ
ડગલું 5- પતિવ્રતા
ડગલું 6- સાહચર્ય
ડગલું 7- હૂંફ
ડગલું 8- પરસ્પર રક્ષા
ડગલું 9- માલિકીભાવ (હકારાત્મક )
ડગલું 10-વિશ્વાસ
ડગલું 11-સમર્પણ
ડગલું 12- અંતમાં પ્રેમ અને માત્ર પ્રેમ