લોકડાઉનનો ચૌદમો દિવસ:
લોકડાઉનના 13 દિવસો વીતી ગયા હતા, આજે ચૌદમા દિવસની સવાર હતી, મીરાં આજના દિવસને ખુબ જ ખાસ બનાવવા માંગતી હતી, મીરાં પાસે દિવસો ઓછા હતા અને કામ વધારે, ગઈ રાત્રે તેને સુભાષની નજીક આવવાનો પ્રયત્ન પણ કર્યો સુભાષનો હાથ પકડી, પરંતુ સુભાષ આગળના વધી શક્યો, પરંતુ મીરાંએ મનોમન જ નક્કી કર્યું કે હવે સંબંધને આગળ વધારવાનો છે, સંબંધમાં જીવંતતા ભરવાની છે અને તેના કારણે જ તેને આજે સવારે જ પોતાના કબાટમાંથી સાડી કાઢીને પહેરી, સુભાષને મીરાં સાડી પહેરે એ ખુબ જ ગમતું હતું, લગ્ન પછી શરૂઆતના દિવસોમાં તો મીરાં સાડી જ પહેરતી, પરંતુ ધીમે ધીમે મીરાંએ સાડી પહેરવાનું બંધ કર્યું, ક્યારેક સુભાષને ખુશ કરવા માટે તે સાડી પહેરી લેતી, પરંતુ પછી તો એ ખુશ કરવાની વાત જ દૂર દૂર સુધી ચાલી ગઈ અને મીરાંએ ઘરમાં સાડી પહેરવાનું જ બંધ કર્યું, ક્યારેક કોઈ સામાજિક પ્રસંગમાં જવાનું થાય તો સાડી પહેરવી પડતી. પરંતુ આજે ખાસ સુભાષને ખુશ કરવા માટે મીરાંએ વહેલા ઉઠી અને સાડી પહેરી લીધી. સુભાષ હજુ ઉઠ્યો નહોતો, પોતાના વાળને તેને ખુલ્લા જ રાખ્યા, સાડી પહેરી રસોડામાં કામ કરી રહી હતી.
સુભાષ ઉઠીને બેઠકરૂમમાં આવીને બેઠો, મીરાંએ જોયું કે સુભાષ આવી ગયો છે, સુભાષની નજર હજુ મીરાં ઉપર પડી નહોતી, તે સીધો બેઠક રૂમમાં આવીને ટીવી ચાલુ કરી જોવા લાગ્યો, મીરાં ચા બનાવી લઈને આવી, સુભાષે ચાનો કપ પકડવા માટે ઊંચું જોયું ત્યારે તે બે ઘડી મીરાંને જ જોતો રહી ગયો, થોડીવાર સુધી તો તે મીરાંના હાથમાં રહેલા ચાના કપને પણ ના પકડી શક્યો અને માત્ર મીરાંને જ નીરખતો રહ્યો. મીરાં તેની સામે આછું સ્મિત આપી રહી હતી, સુભાષને આમ ટગર ટગર તાકી રહેતો જોઈને મીરાંએ તેનું ધ્યાન ભંગ કરવા માટે કહ્યું: "જોઈ શું રહ્યા છો? ચા લઇ લો ઠંડી થઇ જશે." સુભાષનું ધ્યાન મીરાં ઉપરથી સીધું ચાના કપ તરફ આવ્યું, તે કઈ બોલ્યો નહિ અને ચાનો કપ લઇ બેસી ગયો, મીરાં પણ તેની સામે બેસીને જ સુભાષને જોવા લાગી, સુભાષ મીરાં સાથે નજર મિલાવી શકતો નહોતો, પરંતુ મીરાંએ આજે સાડી પહેરી એ વાત સુભાષને ખુબ જ ગમી હતી, ઘણા સમય પછી ઘરની અંદર જ મીરાંને સાડી પહેરેલી સુભાષે જોઈ.
મીરાં સુભાષ સામે જ જોઈ રહી હતી, સુભાષની આંખો જયારે મીરાની આંખો સાથે મળી ત્યારે મીરાં શરમાઈને નીચું જોઈ ગઈ, સુભાષ પણ મીઠું સ્મિત આપીને નીચું જોઈ ગયો. બંનેના દિલમાં એક અલગ જ લાગણી જન્મવા લાગી હતી. થોડીવાર બેસીને મીરાં પણ ત્યાંથી ઉભી થઇ રસોડામાં ચાલી ગઈ અને સુભાષનું મન વિચારોમાં લાગી ગયું.
સુભાષે સુરભી સાથે વિતાવેલી એ પહેલી રાત તેને યાદ આવવા લાગી, સુરતમાં રાત્રે હોટેલમાં રોકાઈ અને બીજા દિવસે સુરભીને લઇ સુભાષ અમદાવાદ તરફ આવવા માટે નીકળ્યો, આગળની રાત્રે જ સુભાષ અને સુરભી વચ્ચે નક્કી થયું હતું કે કોઈ હોટેલમાં રાત્રી રોકાવવાનું.
સુરતથી નીકળતા જ સુરભીએ સુભાષને કહ્યું કે: "શું નક્કી કર્યું? ક્યાં રોકાવું છે આપણે? સુરતમાં કે આગળ?" સુભાષ પહેલા તો કઈ બોલ્યો નહિ પરંતુ એજ પ્રશ્ન સુરભીએ બીજીવાર પૂછ્યો ત્યારે સુભાષે કહ્યું: "શું ખરેખર આપણે રોકાવું જોઈએ સુરભી?"
સુરભી: "કેમ તારી નથી ઈચ્છા રોકાવવાની?"
સુભાષ: "વાત ઈચ્છા હોવાની કે ના હોવાની નથી, પરંતુ આમ કરી અને હું મારી પત્નીને છેતરીશ અને તું તારા પતિને! શું આ યોગ્ય ગણાશે?
સુભાષની વાત સાંભળીને તો પહેલા સુરભીને શું જવાબ આપવો એ જ સમજાયું નહીં, પરંતુ તે ઘણા સમયથી સુભાષના શરીરને પામવા માંગતી હતી અને એટલે જ તેને કહ્યું: "તું મને એક વાતનો જવાબ આપ કે તારી પત્ની અને મારો પતિ બંને શું આપણને નથી છેતરી રહ્યા? જે સંબંધમાં આગળ વધવા માટે આપણી સાથે જોડાયા છે, જે જરૂરિયાતો પુરી કરવા માટે એકબીજા સાથે લગ્નના સાત ફેરા ફરીને એક બંધને બંધાયા હતા, શું એનાથી એ લોકો આપણને વંચિત નથી રાખી રહ્યા?"
સુરભીનો જવાબ સાંભળીને સુભાષ બે ક્ષણ માટે તો વિચારતો જ રહી ગયો, તેને પણ સુરભીની વાત સાચી લાગી, પરંતુ તેનું મન સુરભી સાથે રાત વીતાવવામાં માની રહ્યું નહોતું. સુરભીએ પોતાની વાતને આગળ વધારતા કહ્યું:
"જો સુભાષ, આપણે બંને આપણી મરજીથી આ સંબંધને આગળ વધારી રહ્યા છીએ, અને આપણે હંમેશા સાથે રહેવા માટેના પ્રયાસો તો નથી કરી રહ્યા ને, ના તું તારી પત્નીને છોડી રહ્યો છે, ના હું મારા પતિને ક્યારેય છોડવાની છું, પરંતુ માણસના શરીરને પણ ભૂખ લાગે અને આ ભૂખને સંતોષવાનું કામ પતિ અથવા પત્ની જ કરી શકે છે, અને જયારે પતિ પત્ની જ આ બાબતોથી દૂર ભાગતા હોય તો માણસ ક્યાં જાય? જો તને એક સરળ ઉદાહરણ આપું, માણસને જયારે ઘરે જમવાનું ના મળે ત્યારે બહાર જમવા માટે જાય છે ને? એમ જ સમજી લે, આપણા બંનેને આપણા પાર્ટનર તરફથી જે ખુશી નથી મળતી એજ ખુશી આપણે એકબીજા પાસેથી મેળવીએ છીએ એમાં કઈ ખોટું પણ નથી."
સુભાષને સુરભીની વાત યોગ્ય લાગી, વાતો કરતા કરતા જ કાર સુરતની બહાર નીકળી ગઈ હતી, સુભાષે રોડની બાજુમાં કાર થોડીવાર માટે ઉભી રાખી અને સુરભી સાથે વાત કરવાની શરૂઆત કરી :
"પરંતુ મને એકવાતનો ડર લાગે છે, કયારેક આ વાત મીરાંને અથવા તારા પતિને ખબર પડી તો શું થશે?"
સુરભીએ જવાબ આપતા કહ્યું: "સુભાષ આ વાત તારા અને મારા વચ્ચે જ રહેવાની છે, અને આપણે ક્યાં સતત એવું કોઈ કામ કરીએ છીએ જેના કારણે આપણા બંનેના ઘરમાં આ વાતની શંકા જાય અને ખબર પડી જાય, એટલા માટે જ તો આપણે ઘરે જઈને એકબીજા સાથે વાત નથી કરતાં." સુભાષની વધુ નજીક આવતા સુરભીએ તેનો હાથ પકડી લીધો અને કહ્યું: "તું કઈ ચિંતા ના કરીશ, કઈ નહિ થાય, અને આપણા બંને વચ્ચે જ આ વાત રહેશે બસ." આટલું બોલતાની સાથે જ સુભાષના હોઠ ઉપર સુરભીએ પોતાના હોઠ પરોવી દીધા.
સુભાષ પણ સુરભીના ચુંબનથી પોતાના દિમાગમાં ચાલતા બધા જ વિચારોને ભૂલી વાસનાના ઊંડા પ્રવાહમાં વહેવા લાગ્યો, તે પણ પોતાના હોઠને સુરભીના હોઠમાં પરોવી આનંદ માણવા લાગ્યો, ધીમે ધીમે સુભાષના હાથ સુરભીના શરીર ઉપર ફરવા લાગ્યા, સુભાષને રોકતા જ સુરભીએ અલગ થતા કહ્યું, "હવે વધારે આપણે રૂમ ઉપર જઈને આનંદ માણીશું, જઈએ હવે?" સુભાષે પોતાની કારને હાઇવે ઉપર હંકારી મૂકી, બનંનેએ નક્કી કર્યું કે આગળ કોઈ સારી હોટેલ આવશે ત્યાં રાત્રે રોકાઈ જઈશું.
"ચાલો જમવાનું તૈયર થઇ ગયું છે, જમી લઈએ" મીરાંનો આવાજ સાંભળીને સુભાષનું ધ્યાન ખુલ્યું, મીરાંએ આજે બપોરે પણ સાડી પહેરીને જ જમવાનું બનાવ્યું, મીરાં આજે સુભાષની વધુ નજીક આવવા માંગતી હતી. જમવા બેઠા ત્યારે પણ સુભાષની આંખો વારંવાર મીરાંને જ નિહાળી રહી હતી. મીરાં પણ કોઈ એવી તક શોધી રહી હતી કે સુભાષને પોતાની એકદમ નજીક લાવી શકાય, તેને પોતાની બાહોમાં ભરી શકાય.
એ સમય પણ આવી ગયો, રાત્રે જયારે શૈલી સુઈ રહી હતી અને સુભાષ બેઠક રૂમની બારી પાસે જ ઉભો હતો ત્યારે તેને મીરાંએ પાછળથી પકડી લીધો, સુભાષ પણ અચાનક મીરાંના આવા બદલાયેલા વર્તન દ્વારા કઈ સમજી ના શક્યો પરંતુ ઘણા વર્ષો પછી આવેલા મીરાંના આ બે હાથને પોતાના બે હાથથી પકડી લીધા, તે પણ આ હળવાશની પળોમાં ખુશી અનુભવી રહ્યો હતો, આગળની તરફ ફરી અને તેને પણ મીરાંને પોતાની બાહોમાં ભરી લીધી, સુભાષની બાહોમાં ભરવાની સાથે જ મીરાંના હાથ સુભાષની કમર ઉપર વધુ કસાયા અને આંખોમાંથી ધડધડ આંસુઓ વહેવા લાગ્યા.
મીરાંને રડતી જોઈને પોતાની બાહોમાંથી સુભાષે થોડી અળગી કરવાનો પ્રયત્ન કર્યો પણ મીરાંએ વધુ જોરથી સુભાષને જકડી રાખ્યો, સુભાષે પૂછ્યું: "કેમ રડે છે?" મીરાંએ રડતાં રડતાં જ જવાબ આપ્યો અને કહ્યું: "સુભાષ મેં બહુ મોટી ભૂલ કરી છે, આટલા સમયથી હું તમારી નજીક નહોતી આવી, મેં તમને પતિ તરીકેના સુખોથી વંચિત રાખ્યા છે, મને માફ કરી દેજો"
સુભાષે મીરાંની પીઠ ઉપર હાથ ફેરવતા કહ્યું: "જે થયું એ ભૂલી જા, વાંક તારો એકલીનો નથી, મારો પણ છે, પરંતુ હવે બધું ભૂલી અને આપણે નવા જીવનની શરૂઆત કરવાની છે. આપણે જીવનમાં હવે આગળ વધવાનું છે."
થોડીવાર સુધી બંને બેઠક રૂમમાં એમ જ ભેટીને ઉભા રહ્યા, સુભાષે મીરાંને શાંત કરી અને બેડરૂમમાં લઇ આવ્યો અને સુઈ જવા માટે કહ્યું, મીરાંની ઈચ્છા હતી કે આજની રાત સુભાષ સાથે પોતાના સંબંધને આગળ વધારે પરંતુ સુભાષે બહાર જ કહ્યું હતું કે: "તારામાં આવેલો આ બદલાવ મને ગમે છે, પરંતુ તારી નજીક આવતા મને થોડો સમય લાગશે." એટલે રાત્રે મીરાં કોઈ આશા રાખ્યા વગર જ સુઈ ગઈ, સુભાષ પણ મીરાંને સુવડાવીને સુઈ ગયો.
(શું મીરાં સુભાષ સાથેના સંબંધને આગળ વધારી શકશે? શું સુભાષ હોટેલના રૂમમાં પોતાનું શરીર સુરભીને સોંપી દેશે? શું સુભાષ મીરાં સામે પોતે કરેલી ભૂલ સ્વીકારી શકશે? કેવો આવશે આ નવલકથામાં આગળ વળાંક? જાણવા માટે વાંચતા રહો "લોકડાઉન-21 દિવસનો ભાગ-15)
લે. નીરવ પટેલ "શ્યામ"