Rudra ni premkahaani - 2 - 11 in Gujarati Love Stories by Jatin.R.patel books and stories PDF | રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 11

Featured Books
Categories
Share

રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 11

રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2

અધ્યાય:11

બીજાં દિવસની સવાર થતાં જ અગ્નિરાજ અને મૃગનયની એમનાં રાજ્યનાં કુલગુરુ સુધાચાર્યને મળવાં રત્નનગરી નજીક આવેલાં મલય પર્વતની તળેટીમાં આવેલાં આશ્રમ તરફ જવા નીકળી પડ્યાં. અગ્નિરાજ અને મૃગનયની જ્યારે સુધાચાર્યનાં પાવન આશ્રમ સુધી પહોંચ્યાં ત્યારે સુધાચાર્ય પોતાનાં નિત્યક્રમ મુજબ ગૌશાળામાં ગાયોને નિરણ નાંખી રહ્યાં હતા.

સાતથી આઠ એકર જેટલાં વિસ્તારમાં ફેલાયેલાં ગુરુ સુધાચાર્યનાં આશ્રમમાં સેંકડોની સંખ્યામાં બાળકો વેદો, પુરાણો, ઉપનિષદો ની સાથે યુદ્ધકળાનું જ્ઞાન મેળવતાં. આ ઉપરાંત સુધાચાર્યનાં આશ્રમમાં મોટી ગૌશાળા પણ આવેલી હતી, જેમાં હજારો ગાયોની પૂરતી કાળજી લેવાતી. મલય પર્વતની તળેટીમાં આવેલ આ આશ્રમનું શાંત અને પાવન વાતાવરણ કોઈનાં પણ વિચલિત મનને શાંત કરી શકે એવું આહલાદક હતું.

અગ્નિરાજના રથને જોઈ પોતાનું કાર્ય પોતાનાં એક શિષ્યને સોંપી સુધાચાર્ય રત્નનગરીનાં મહારાજ અને મહારાણીનું અભિવાદન કરવાં આગળ વધ્યાં.

રથમાંથી હેઠે ઉતરી અગ્નિરાજ અને મૃગનયની સુધાચાર્ય તરફ અગ્રેસર થયાં. સુધાચાર્યની નજીક પહોંચી એમને સુધાચાર્યના ચરણસ્પર્શ કર્યાં.

"ચિરંજીવ ભવ, યશસ્વી ભવ!" અગ્નિરાજ અને મૃગનયનીનાં માથે હાથ મૂકી આશીર્વચન આપતાં ગુરુવરે કહ્યું.

"ગુરુવર, પવિત્ર ત્રિવેણી સંગમ સ્થળેથી આપને માટે લાવેલું આ ત્રણ નદીઓનું પવિત્ર જળ ગ્રહણ કરો." રાજા અગ્નિરાજના આમ બોલતાં જ એમની સાથે આવેલાં એક સેવકે તાંબાનો એક ઘડો સુધાચાર્યની નજીક ઊભેલા એમનાં આશ્રમનાં એક શિષ્યને આપ્યો.

"કેવી રહી યાત્રા અગ્નિ?" રાજા અગ્નિરાજને સુધાચાર્ય અગ્નિ કહીને જ સંબોધતાં. પોતાનાં એક સમયનાં શિષ્ય એવાં અગ્નિરાજને અગ્નિ તરીકે સંબોધવાનો હક ફક્ત ગુરુ સુધાચાર્યને જ હતો.

"ગુરુવર, યાત્રા સકુશળ રહી, આપનાં આશીર્વાદથી કોઈ જાતની તકલીફ કે વિઘ્ન વીનાં પુરી યાત્રા થઈ શકી." અગ્નિરાજે કહ્યું.

"જો યાત્રામાં કોઈ વિઘ્ન નહોતું આવ્યું તો પછી તમારાં અને મહારાણીનાં ચહેરા પર આ ઉચાટ શેનો?" ચહેરાનાં ભાવ પરથી માણસનું મન કળવામાં નિપુણ સુધાચાર્યએ અગ્નિરાજ અને મૃગનયનીનાં ચહેરાનાં ચિંતિત ભાવ વાંચી સવાલ કર્યો.

"ગુરુવર, તમારી ભવિષ્યવાણી સત્ય પડી રહી છે."

"રાજકુમારી ને કંઈ થયું તો નથી ને?"

"હજુ સુધી તો મેઘના હેમખેમ છે, પણ કુંભમેળા દરમિયાન મેઘનાનો જીવ બે વખત સંકટમાં મુકાયો હતો." આમ કહી અગ્નિરાજે મેઘના ઉપર કુંભમેળા દરમિયાન આવેલી વિપત્તિઓ વિશે જણાવ્યું.

મહારાજ અગ્નિરાજ દ્વારા કહેવામાં આવેલી વાત સાંભળી સુધાચાર્યનાં ભવાં પણ સંકોચાયા. આમ છતાં ચહેરા પર મનનો ભાવ ના વર્તાય એ રીતે સુધાચાર્ય ગહન મનોમંથમ કરીને બોલ્યાં.

"તમે બંને જો રાજકુમારીની દીર્ઘાયુ ઇચ્છતાં હોવ તો મારું કહ્યું એક કાર્ય કરવું પડશે."

"બોલો ગુરુવર, મેઘના માટે અમે એક નહીં સો કાર્ય કરવા પડે તો પણ કરવા તૈયાર છીએ." રાણી મૃગનયનીએ કહ્યું.

"તમારે બે દિવસ પછી માનસરોવરની યાત્રાએ જવું પડશે. ત્યાં જઈને સરોવરમાં સ્નાન કરી તમે દેવાધિદેવ મહાદેવની આરાધના કરી મેઘનાની દીર્ઘ આયુની પ્રાર્થના કરશો તો મેઘનાનાં જીવનમાં આવેલ આ કપરો સમય આપમેળે પૂર્ણ થઈ જશે." સુધાચાર્યએ મેઘનાને બચાવવાનો ઉપાય સૂઝવતાં કહ્યું.

સુધાચાર્ય દ્વારા સુચવવામાં આવેલો આ ઉપાય સાંભળી અગ્નિરાજ અને મૃગનયની એકબીજાનો ચહેરો તકવા લાગ્યાં. હિમાલય પર્વતશ્રેણીની પેલે પાર આવેલાં કૈલાશ પવર્ત પર આવેલાં માનસરોવર ની યાત્રા ખૂબ જ જોખમી ગણાતી. જેમાં આર્યાવતની દક્ષિણે આવેલી રત્નનગરીમાંથી માનસરોવર સુધીનો બે મહિના જેટલો લાંબો પ્રવાસ તો ખૂબ જ મુશ્કેલ હતો.

આમ છતાં પોતાની પુત્રી માટે કંઈપણ કરી છૂટવા તૈયાર અગ્નિરાજ અને મૃગનયનીને ગુરુ સુધાચાર્ય દ્વારા સુચવવામાં આવેલો ઉપાય અમલમાં મુકવાનું નક્કી કરતા કહ્યું.

"ગુરુવર, હું અને મહારાણી બંને આ યાત્રામાં જવાં કટિબદ્ધ તો છીએ પણ જો મેઘના અહીં હશે તો અમને સતત એની ચિંતા પજવતી રહેશે."

"અગ્નિ તારે કે મહારાણીએ મેઘનાનાં રક્ષણની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમારાં કહ્યાં મુજબ વીરા નામનો મહા પરાક્રમી યોદ્ધો તમારી દીકરીનાં અંગરક્ષકનું પદ શોભાવી રહ્યો છે. જો વીરા પહેલા પણ બે વખત રાજકુમારીનું રક્ષણ કરી ચૂક્યો છે તો આગળ પણ એ જ રાજકુમારી પર આવતી આપત્તિઓ સામે ચટ્ટાન બની ઊભો રહેશે." સુધાચાર્ય હજુ રુદ્રને મળ્યાં નહોતાં પણ અગ્નિરાજે રુદ્ર દ્વારા બે વખત મેઘનાનો અને એક વખત એમનાં પુરા કાફલાનો જીવ બચાવી લેવાની વાત કરી ત્યારે સુધાચાર્યએ મનોમન રુદ્ર કેટલો શૌર્યવાન અને ચાલાક યોદ્ધા છે એનું અનુમાન બાંધી લીધું હતું.

"તો પછી ગુરુવર અમે પરમદિવસે સવારે જ માનસરોવરની પવિત્ર યાત્રા માટે પ્રસ્થાન કરીએ." શીશ ઝુકાવી અગ્નિરાજે કહ્યું.

"તમારી યાત્રા સુખમય રહે!" આશીર્વાદ આપતા સુધાચાર્યએ કહ્યું.

"ગુરુવર, તો અમે રજા લઈએ. આટલી લાંબી યાત્રા પર જવાનું હોવાથી એની તૈયારીઓ પણ આ ટૂંક સમયમાં કરવી પડશે." અગ્નિરાજે જવાની અનુમતિ માંગતા કહ્યું.

"અવશ્ય, તમે પ્રસ્થાન કરી શકો છો. હર મહાદેવ!" આટલું કહી સુધાચાર્ય પુનઃ ગૌશાળા તરફ અગ્રેસર થયાં.

"હર હર મહાદેવ!" પોતાનો પ્રતિભાવ ગુરુવરના કાને પડ્યો જ હશે એવી આશા સાથે અગ્નિરાજ અને મૃગનયનીએ રથ તરફ પ્રસ્થાન કર્યું.

મહારાજ અગ્નિરાજ અને રાણી મૃગનયનીનાં રથમાં બેસતાંની સાથે જ રથચાલકે રથને રત્નનગરી તરફ દોડાવી મુક્યો.

*********

રાજા અગ્નિરાજે જ્યારે મહેલમાં પહોંચી મેઘનાને પોતાની અને રાણી મૃગનયનીની માનસરોવર યાત્રા વિશે જણાવ્યું ત્યારે મેઘનાનું મન વ્યથિત થઈ ગયું. માતા-પિતાથી દૂર રહેવાં ટેવાયેલી નહીં હોવાથી રાજકુમારી પોતાનાં માતા-પિતાનાં અચાનક લીધેલાં આ નિર્ણયની વિરુદ્ધ હતી.

"તમારે બંને એ ક્યાંય નથી જવાનું. માનસરોવરની યાત્રા વિશે મેં સાંભળ્યું છે ત્યાં સુધી આર્યાવતમાં આ તીર્થયાત્રા સૌથી વધુ કષ્ટદાયક ગણવામાં આવે છે. જો આ સત્ય હોય તો હું પણ તમારી સાથે આવીશ, બાકી એકલાં તો નહીં જ મોકલું." મેઘનાનાં સ્વરમાં બાળસહજ હઠની સાથે પોતાનાં માતા-પિતા માટેનો પ્રેમ તથા ચિંતા હાજર હતા.

"દીકરી, એ વાત સત્ય છે કે માનસરોવરની યાત્રા આર્યાવતની સૌથી મુશ્કેલ તીર્થ યાત્રા છે. પણ ગુરુ સુધાચાર્યના કહ્યાં મુજબ તારી સુરક્ષા અને સલામતી અર્થે મારું અને તમારી માતાનું ત્યાં જવું અત્યંત અનિવાર્ય છે. રહી વાત તમારાં જોડે આવવાની તો સુધાચાર્ય દ્વારા તમારાં ભાખવામાં આવેલા સચોટ ભવિષ્ય પછી તમે અહીં જ મહેલમાં રહો એ વધુ ઉત્તમ રહેશે." મેઘનાને છાતી સરસી લગાવી એનાં માથે હેતથી હાથ ફેરવતાં અગ્નિરાજે કહ્યું.

આખરે પોતાનાં માતા-પિતાની સમજાવટ બાદ મેઘના એમને માનસરોવરની યાત્રા માટે જવાં દેવા માટે તૈયાર થઈ ગઈ. આમ છતાં મેઘનાનાં ચહેરા પર એક વિચિત્ર ડર અને ઉચાટ જોવાં મળી રહ્યો હતો. પણ જેવું અગ્નિરાજે મેઘનાને જણાવ્યું કે જ્યાં સુધી પોતે માનસરોવરની લાંબી યાત્રા પરથી પાછાં નહીં આવે ત્યાં સુધી વીરા પડછાયાની જેમ એની સાથે રહેશે ત્યારે મેઘનાનો બધો જ ડર અને વિષાદ હવામાં ઓગળતાં કપૂરની માફક અદ્રશ્ય થઈ ગઈ.

********

દીકરીને મનાવી લેવાનું અત્યંત ભારે કાર્ય પૂર્ણ કર્યાં બાદ રાજા અગ્નિરાજ હવે એક મોટો નિર્ણય લેવાની પળોજણમાં લાગી ગયાં. આ નિર્ણય હતો પોતાની ગેરહાજરીમાં રાજ્યનો વહીવટ કોને સોંપવો?

સુધાચાર્યનાં આશ્રમમાંથી પરત ફર્યાનાં બીજા દિવસે માનસરોવર જવાની તડામાર તૈયારીઓ વચ્ચે રાજા અગ્નિરાજે બધાં જ દરબારીઓને રાજસભામાં આવવાં નિર્દેશ આપ્યો. આ માટે રાજ્યનાં દરેક મંત્રી, સલાહકાર, સૈન્યમાં ઉપરી હોદ્દો ભોગવનાર વ્યક્તિઓ, સેનાપતિ અકિલા, સૈન્ય વ્યવસ્થાપક આરાન સામેલ હતા. આ ઉપરાંત બાહુક અને રુદ્રને પણ આ રાજસભામાં આવવાનું નિમંત્રણ મળ્યું હતું.

આ એ જ રાજસભા હતી જ્યાં વર્ષો પહેલાં પંચરાજની બેઠકની આગેવાની કરી રહેલાં અગ્નિરાજના પિતા રત્નરાજે પાતાળલોક પર હુમલો કરવાની રૂપરેખા ઘડી હતી. એ વખતે સભાને અંતે જે નક્કી થયું એ નિમલોકો માટે આજીવન તકલીફ આપનારું નીવડ્યું, પણ આજે એક નિમ રાજકુમાર પોતાની અસલી ઓળખ છુપાવી રત્નરાજના પુત્ર અગ્નિરાજની રાજસભામાં હાજર હતો એ વાત કેવી વિરોધાભાસી હતી!

અગ્નિરાજ જેવાં જ રાજસભાની સમાંતરે ગોઠવાયેલી બેઠકોને વટાવી દસ પગથિયાં ઊંચા પોતાનાં સિંહાસન પર બિરાજમાન થયાં એ સાથે જ રાજસભામાં મંત્રણાની શરૂઆત થઈ ચૂકી હતી. આ દરમિયાન રાણી મૃગનયની પણ હાજર હતા.

ઉદ્દઘોષક ભરતે "મહારાજ અગ્નિરાજનો જય.. મહારાણી મૃગનયનીનો જય!" ઉચ્ચારી જયનાદ કર્યો એ સાથે જ રાજસભામાં ઉપસ્થિત સર્વે દરબારીઓએ પણ ભરતના સુરમાં સુર પરોવતા મહારાજ અને મહારાણીનો જયનાદ કર્યો.

રાજા અગ્નિરાજ હાથનાં ઈશારા વડે બધાં દરબારીઓનું અભિવાદન કરી પોતે આ સભા કેમ બોલાવી હતી એ અંગે જણાવવાનું શરૂ કર્યું.

"ગતરાતથી થઈ રહેલી તૈયારીઓ પરથી આપ સર્વેને એ વાતનું આછું-પાતળું અનુમાન તો આવી જ ગયું હશે કે હું ક્યાંક લાંબા પ્રવાસે જવાની પળોજણમાં છું."

"વાત એમ છે કે હું અને મહારાણી મૃગનયની કૈલાશ માનસરોવરની પવિત્ર યાત્રા માટે કાલથી પ્રસ્થાન કરીએ છીએ. આ માટેની જરૂરી તૈયારીઓ યોગ્ય રીતે પુરી થાય એની જવાબદારી હું સેનાપતિ અકિલાના પુત્ર બાહુકને સોંપુ છું." મહારાજ અગ્નિરાજ દ્વારા પોતાને આપવામાં આવેલી જવાબદારીનો પોતે સહર્ષ સ્વીકાર કરે છે એ જણાવવા બાહુકે પોતાનાં સ્થાને ઊભા થઈ, જમણો હાથ હૃદય પર મૂકી, માથું ઝુકાવી મહારાજનું અભિવાદન કર્યું. જેનાં જવાબમાં રાજા અગ્નિરાજ મીઠું મલકયાં.

"આ યાત્રામાં મારી સાથે ઉદ્દઘોષક ભરત જોડાશે જેથી ભરતની જ્ઞાનસભર વાતો સાંભળતા-સાંભળતા યાત્રાનો લાંબો રસ્તો પણ ટૂંકો લાગે." ભરત સામે જોઈ થોડું અટકીને અગ્નિરાજ આગળ વાતને વધારતા બોલ્યાં.

"આ યાત્રામાં પ્રધાનમંડળમાંથી ગણેશ અલગારી અમારી સાથે રહેશે, ઉત્તર આર્યાવતનાં માર્ગનું એમનું જ્ઞાન આ યાત્રામાં કામ આવશે."

"આ ઉપરાંત ચિન્મયા અને ભીષ્મદત્ત પણ અમારી સાથે જ રહેશે. હવે વાત રહી અમારી સાથે આવતાં સૈનિકો અને અન્ય યાત્રિકોનો દોરીસંચાર કરવાનું તો એ કાર્યની જવાબદારી હું સૈન્ય વ્યવસ્થાપક આરાનને સોંપી રહ્યો છું." રાજા અગ્નિરાજ જે-જે લોકોનાં નામ બોલતાં ગયાં એ બધાં પોતપોતાનાં સ્થાને ઊભા થઈ રાજા અગ્નિરાજનું અભિવાદન સ્વીકારતા રહ્યાં.

સૈન્ય વ્યવસ્થાપક હોવાથી આરાનને પોતાને સોંપવામાં આવેલું કાર્ય નાનું જરૂર લાગ્યું હતું પણ મહારાજ અગ્નિરાજના નિર્ણયનો વિરોધ કરવાની હિંમત આરાનમાં ન હોવાથી એને પણ ચહેરા પર મહાપરાણે સ્મિત લાવી અગ્નિરાજનો આ નિર્ણય વધાવી લીધો.

"મને લાગે છે કે આ લોકોની હાજરીથી મારી આ કઠીન યાત્રા પણ સરળ બની જશે." વાત આગળ ધપાવતા અગ્નિરાજ બોલ્યાં.

"હવે રહી વાત મારી ગેરહાજરીમાં આ રાજ્યનો વહીવટ કોણ સંભાળશે એની." રાજા અગ્નિરાજના આ શબ્દો સાંભળી રાજસભામાં હાજર દરેક દરબારીનું હૃદય બમણી ગતિએ ધડકવા લાગ્યું.

સભામાં હાજર દરબારીઓમાં એક વ્યક્તિ એવો પણ હતો જેના ચહેરા પર અગ્નિરાજની જાહેરાતથી કોઈ જાતનો થાક કે ચિંતા નહોતી. કેમકે એ વ્યક્તિને પૂર્ણતઃ વિશ્વાસ હતો કે મહારાજ આ કાર્ય માટે એની ઉપર જ પસંદગી કળશ ઢોળશે.

********

વધુ આવતાં ભાગમાં

રાજા અગ્નિરાજ રાજ્યનો વહીવટ કોને સોંપવાનાં હતા? અકિલાનો રુદ્ર પ્રત્યેનો દ્વેષભાવ આખરે રુદ્ર માટે કઈ નવી મુસીબતને નોંતરશે? નિમલોકો સાથે થયેલી અન્યાયી સંધિ ક્યાં હતી? રુદ્ર અને મેઘના વચ્ચે કેવાં સંજોગોમાં પ્રેમ પાંગરશે? શું રુદ્ર પોતાનાં ધ્યેયને પૂરો કરી શકશે? આગળ જતાં નવાં રહસ્યો અને રોમાંચથી છલોછલ આ નવલકથા તમારાં દિલ-દિમાગ પર છવાઈ જશે.

દોસ્તો આ એક પૌરાણિક કાલ્પનિક નવલકથા છે. જેનો દૂર દૂર સુધી સત્ય સાથે કોઈ સંબંધ નથી. મારાં મનમાં ઉદ્દભવેલા વિચારોને શબ્દોનું રૂપ આપી આપ સૌ માટે કંઈક નવું લખવાની ઈચ્છા સાથે આ નવલકથાનું સર્જન કરેલું છે. આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન

અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)