રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2
અધ્યાય:10
આખરે રુદ્રની નજર સૈનિક વેશમાં સજ્જ દુર્વા અને જરા પર સ્થિર થઈ. જરા અને દુર્વાએ પણ રુદ્રને જોઈ ચહેરાનાં હાવભાવ થકી જ બધું સકુશળ હોવાનો ઈશારો કરી દીધો.
આટલી લાંબી યાત્રા બાદ અગ્નિરાજે પોતાની સાથે યાત્રામાં આવેલાં તમામ લોકોને વિશ્રામ કરવાનું જણાવી પોતાનાં રાજકક્ષમાં પ્રવેશ કર્યો. ઘણાં વખતથી પોતાની સખીઓને મળી ન હોવાથી મેઘનાએ એમને મળવાં જવાની ઈચ્છા પોતાનાં માતા-પિતા સમક્ષ જાહેર કરી જેને મને-કમને એમને સ્વીકારી લીધી.
મેઘનાનાં જતાં જ અગ્નિરાજ પોતાની પત્ની રાણી મૃગનયની સાથે એમનાં ખાસ રાજકક્ષમાં બેઠાં હતા. આર્યાવતનાં ખાસ કારીગરોને બોલાવી આ રાજમહેલની રચના વાસ્તુશાસ્ત્રનાં દરેક નિયમોને ધ્યાને રાખીને કરવામાં આવી હતી. એમાં પણ રાજા અને રાણી માટે તૈયાર કરવામાં આવેલો આ ખાસ રાજકક્ષ કારીગરીની રીતે બેનમૂન હતો.
સામાન્ય દરજ્જાનાં નગરજનોનાં આખાં રહેઠાણથી પણ બમણું કદ ધરાવતો આ રાજકક્ષ અગ્નિરાજનો વટ અને જાહોજલાલી દર્શાવવા કાફી હતો. સુવર્ણથી સજાવેલી કક્ષની દિવાલો, અત્યંત મનમોહક ભીંતચિત્રો અને અગ્નિરાજ દ્વારા શિકાર કરવામાં આવેલાં વાઘ, સિંહ અને રીંછનાં ખાસ પ્રકારનો મસાલો ભરીને સચવાયેલા મૃતદેહ વડે સુશોભિત કરેલો આ કક્ષ કોઈનું પણ ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરે એવો હતો.
અત્યારે કક્ષની મધ્યમાં રાખેલ શૈયા પર રાજા અગ્નિરાજ પોતાની જીવનસંગીની રાણી મૃગનયની સાથે બેસીને વાર્તાલાપ કરી રહ્યાં હતા.
"મહારાણી, મને મેઘનાની ચિંતા બહુ સતાવે છે. મેઘના સમજદાર તો છે પણ બહુ ચંચળ મનોવૃત્તિની છે. એમાં પણ ગુરુવરની ભવિષ્યવાણી પછી બની રહેલી ઘટનાઓ પછી તો મારો જીવ સતત મૂંઝાતો રહે છે." અગ્નિરાજના સ્વરમાં પોતાની દીકરી માટેની ચિંતા ભારોભાર વર્તાતી હતી.
"મહારાજ, આપની વાત સાથે હું પણ સહમત છું. છતાં ચિંતા કરવાથી ચિંતા ઓછી નથી થતી એ સત્ય પણ સ્વીકારવું રહ્યું!"
"બસ આ ત્રણ મહિના શાંતિથી નીકળી જાય અને મેઘનાનાં વિવાહ સાત્યકી કુમાર સાથે નિર્ધારિત સમયે થઈ જાય એટલે મને સઘળી ચિંતામાંથી મુક્તિ મળી જશે."
"હા, એ તો છે. હવે વધુ વિચાર્યા વગર શાંતિથી સુઈ જાઓ. કાલે સવારે ગુરુવર સુધાચાર્યને મળવાં એમનાં આશ્રમમાં પણ જવાનું છે."
"અરે હા, એ તો ભૂલી જ ગયો! પવિત્ર ત્રિવેણી સંગમથી લાવેલ જળ આપવા ગુરુવરને મળવા કાલે જ જતાં આવીએ." અગ્નિરાજે આટલું કહી આરામ કરવા માટે પોતાની આંખો મીંચી લીધી.
મહારાણી મૃગનયની એક સાચી પતિવ્રતા નારીની માફક પોતાનાં ભરથારને નીંદર ના આવી જાય ત્યાં સુધી એમની નીંદરમાં કોઈ ખલેલ ના પહોંચે એનું ધ્યાન રાખી બેસી રહ્યાં.
********
બીજાં દિવસથી તો રાજકુમારી મેઘનાનાં અંગરક્ષક તરીકેની પોતાને સોંપવામાં આવેલી ફરજમાં લાગી જવાનું હોવાથી રુદ્ર માટે આજે જ જરા અને દુર્વાને મળીને એમને સંધિ વિષયક શું માહિતી મળી એ જાણી લેવું જરૂરી હતું.
પોતે હવે રાજપરિવારનો ખાસ અંગરક્ષક બની ગયો હોવાથી રુદ્ર હવે પોતાની જાતને વધુ સ્વસ્થ અનુભવી રહ્યો હતો. પોતાને મળેલો હોદ્દો પોતાને ધાર્યું કાર્ય કરવામાં સરળતા બક્ષશે એવો રુદ્રને વિશ્વાસ હતો અને એ સાવ ઠગારો પણ નહોતો.
જો તમે શૌર્યવાન હોવ, તમારાંમાં કંઈક એવું હોય જે બીજામાં ના હોય અથવા તો તમે નવગુણોનાં ભંડાર હોવ તો તમારાં કોઈ જગ્યાએ પહોંચ્યાં પહેલા તમારી ખ્યાતિ અવશ્ય એ સ્થળે પહોંચી જાય છે. રુદ્રની સાથે પણ કંઈક આવું જ થયું.
વાનુરાનાં મેદાનમાં રુદ્ર દ્વારા બતાવવામાં આવેલા અપ્રિતમ શોર્યની સાથે રુદ્ર દ્વારા બે વખત રાજકુમારીનો જીવ બચાવવાની વાત પણ રત્નનગરીનાં નગરજનોને ખબર પડી ચુકી હતી. આ ઓછું હોય એમ રુદ્ર દ્વારા ગોદાવરી કિનારે પોતાની નિરીક્ષણ શક્તિનાં જોરે અગ્નિરાજના પૂરાં કાફલાને સકુશળ બચાવી લેવાની વાત સાંભળીને તો રુદ્ર રત્નનગરીનાં લોકો માટે નાયક બની ગયો હતો.
"એ તમે બે, અહીંયા આવો. મહારાજને એક કામ છે." અગ્નિરાજના મહેલની બહાર પહેરો ભરી રહેલાં જરા અને દુર્વાને પોતાની પાસે બોલાવતાં રુદ્રએ સત્તાધારી અવાજે કહ્યું.
જરા અને દુર્વા સમજી ચૂકયાં હતા કે આખરે રુદ્રને એમનું શું કામ હતું એટલે રુદ્રના બોલાવવા પર એ બંને બીજું કામ પડતું મૂકીને રુદ્ર ભણી આગળ વધ્યા.
"બોલો, અમારા લાયક શું કાર્ય છે?" પોતાનું શીશ ઝુકાવી જરા અને દુર્વા એકસુરમાં બોલ્યાં.
"મારી પાછળ આવો!" આમ કહી રુદ્ર અગ્રેસર થયો. જરા અને દુર્વા ચૂપચાપ રુદ્રની પાછળ ચાલતાં થયાં.
જરા અને દુર્વા સાથે વાર્તાલાપ કરી શકાય એ માટે એક યોગ્ય જગ્યાની જરૂર હોવાથી રુદ્ર મહેલમાં આવ્યો ત્યારનો આવી કોઈ જગ્યા શોધી રહ્યો હતો. આખરે રુદ્રની આ શોધ ભોજનશાળાની સમાંતર આવેલાં સંગ્રહકક્ષ સુધી આવીને પૂર્ણ થઈ. ભોજનશાળાની જમણી તરફ આવેલો આ સંગ્રહકક્ષ રાજમહેલમાં બનતાં ભોજન માટેની તમામ વધારાની સામગ્રીનો સંગ્રહ કરવા ઉપયોગમાં લેવાતો.
ભોજનનો સમય વીતી ગયો હોવાથી અહીં કોઈ આવવાનું નથી એવાં અનુમાન સાથે રુદ્ર જરા અને દુર્વાને અહીં સુધી દોરી લાવ્યો. બહાર કોઈ હોય તો એને કોઈ જાતની શંકા ના જાય એ હેતુથી રુદ્રએ સંગ્રહકક્ષમાં પ્રવેશતાની સાથે જ જરા અને દુર્વાને આદેશ આપતા કહ્યું.
"તમે બંને ફટાફટ અહીં પડેલી ચોખા અને ઘઉંની ગુણીઓ વ્યવસ્થિત ગોઠવી નાંખો."
રુદ્ર દ્વારા આપવામાં આદેશ ઠાલો હતો એમ સમજતાં દુર્વા અને જરાએ રુદ્રને ગળે લગાવી લીધો. આ બંને ભાઈઓનો પોતાની તરફનો પ્રેમ જોઈને રુદ્રનું હૈયું પણ ઊભરાઈ આવ્યું.
"તમને બંનેને કોઈ તકલીફ તો નથી પડીને?" રુદ્રએ જરા અને દુર્વાને ઉદ્દેશીને સવાલ કર્યો.
"ના રાજકુમાર, અમે બંને અહીં સમયસર પહોંચી ગયાં હતા. અહીં આવતાં જ અમે રત્નનગરીનાં સૈન્ય વ્યવસ્થાપક આરાનને મળ્યાં અને આરાને અમને વધુ કંઈ પૂછ્યા વગર સૈન્યમાં સામેલ પણ કરી દીધાં." બંને ભાઈઓ વતી ઉત્તર આપતા જરા બોલ્યો.
"ખૂબ સરસ, પણ હવે એક વાતનું ધ્યાન રાખજો કે હું કોઈ રાજકુમાર નહીં પણ અગ્નિરાજની દીકરી મેઘનાનો અંગરક્ષક વીરા છું." રુદ્રએ દુર્વા અને વીરાને ચેતવતાં કહ્યું.
"હવે આવી ભૂલ નહીં થાય." દુર્વા બોલ્યો.
"તમને મહેલમાં આવે છ-સાત દિવસ જેટલો સમય તો વીતી જ ગયો હશે તો આ સમય દરમિયાન તમને નિમલોકો જોડે થયેલી અન્યાયી સંધિ ક્યાં છે એની કોઈ માહિતી મળી જ હશે?" ઘણાં ઉત્સાહ સાથે રુદ્ર દ્વારા પૂછવામાં આવેલા આ પ્રશ્નને સાંભળી દુર્વા અને જરાનું મોં પડી ગયું.
"તમને બંને આમ ચૂપ કેમ થઈ ગયાં?" દુર્વા અને જરાને નિરુત્તર ઊભેલા જોઈ રુદ્રએ પૂછ્યું.
"એ સંધિ ક્યાં છે એની માહિતી અમે મેળવવામાં અસફળ રહ્યાં છીએ. પણ અમને એટલી જાણકારી અવશ્ય મળી છે કે એ સંધિ રત્નનગરીમાં જ ક્યાંક સુરક્ષિત સ્થાને રાખવામાં આવી છે. એ સ્થળ આ રાજમહેલમાં તો નથી જ એવું અમે અન્ય સૈનિકો જોડેથી જાણી શક્યાં છીએ." જરાએ ખચકાટ અનુભવતા કહ્યું.
"તમે જે કંઈપણ કર્યું છે એટલું અત્યારે પૂરતું છે. આગળ શું કરવું અને કેવી રીતે કરવું એ અંગે હું તમને વિગતે જણાવીશ. તમે એ વાતે આશ્વસ્થ રહેજો કે રાજા અગ્નિરાજ જોડે તમારો બદલો પૂરો કરવામાં હું તમારો સાથ અવશ્ય આપીશ. પણ એ માટે ધૈર્યની જરૂર છે." રુદ્રએ આમ કહી જરા તથા દુર્વાને પોતપોતાનાં સ્થાને ગોઠવાઈ જવાં જણાવ્યું.
જરા અને દુર્વાના ગયાં બાદ રુદ્ર પોતે પણ પોતાનાં શયનકક્ષ તરફ અગ્રેસર થયો. જે હવે રાજમહેલમાં જ હતો.
*********
એક તરફ જ્યાં રુદ્ર નિમલોકો સાથે થયેલી અન્યાયી સંધિ શોધવાની વેતરણમાં પડ્યો હતો તો બીજી તરફ મહેલમાં અન્ય એક એવો વ્યક્તિ પણ હતો જે પોતાની ઈર્ષામાં અંધ બની રુદ્રની હત્યાનું કાવતરું ઘડી રહ્યો હતો.
"બધું સકુશળ તો છે ને ભ્રાતા?" પોતાનાં ભાઈ અકિલા સાથે એક મહિના બાદ થયેલી મુલાકાતનાં લીધે આરાન એમનાં હાલચાલ પૂછી રહ્યો હતો.
આરાનનો દેખાવ બાહુકને મળતો આવતો હતો. બાહુક એકરીતે આરાનનું જ પ્રતિબિંબ હોવાનું માલૂમ પડતું હતું. આવું કેમ હતું એ પાછળ પણ એક કહાની હતી.
અકિલાના લગ્ન શાંતિ નામક યુવતી સાથે બધાં ધાર્મિક રીતિરિવાજ મુજબ થયાં હતા. લગ્ન પછી અકિલાને જાણ થઈ કે શાંતિ એનાં નાના ભાઈ આરાનની પ્રેમિકા હતી. આરાન કે શાંતિ પોતપોતાનાં મનની વાત પરિવારને જણાવે એ પહેલાં જ શાંતિનાં વિવાહનું નક્કી થઈ ગયું. આરાનને જ્યારે જાણ થઈ કે એની પ્રેમિકાનાં લગ્ન પોતાનાં જ મોટાભાઈ સાથે થવાનાં હતા ત્યારે એને મૌન ધારણ કરવું ઉચિત સમજ્યું.
લગ્નનાં અમુક સમય બાદ અકિલાને જાણ થઈ ગઈ કે એક સમયે પોતાનો નાનો ભાઈ આરાન પોતાની પત્ની શાંતિનાં ગળાડૂબ પ્રેમમાં હતો ત્યારે એનું હૈયું હચમચી ગયું. પોતાનાં હાથે પોતાનાં નાના ભાઈનું સુખ આંચકી લેવાનો વિષાદ અકિલાને ઘેરી વળ્યો. આરાન સમજી ગયો કે પોતાનાં મોટા ભાઈને આખરે શું થયું હતું!
આરાને અકિલાને મળીને સમજાવ્યું કે પોતાનાં અને શાંતિની વચ્ચે જે કંઈપણ હતું એ ભૂતકાળ બની ગયું છે. હવે શાંતિ એનાં મન એની ભાભી જ છે. પણ અકિલાનું મન આરાનનાં હૃદયનું દર્દ સમજી શકતું હતું. એ દિવસે આરાન અને શાંતિની હાજરીમાં અકિલાએ એક એવો નિર્ણય લીધો જેનાં ભાર નીચે આરાન એની પુરી જીંદગી પોતાનાં ભાઈ અકિલાનો કૃતજ્ઞ બની જવાનો હતો.
"આરાન, હું આજથી જાહેર કરું છું કે જેટલો અધિકાર મારો શાંતિ પર છે એટલો જ અધિકાર હવેથી તારો શાંતિ પર રહેશે."
અકિલાના આ નિર્ણયનો શરૂઆતમાં શાંતિ અને આરાને સમાજ, સભ્યતા, નીતિ, ધર્મ વગેરેની વાતો સંભળાવીને વિરોધ જરૂર કર્યો પણ છેવટે અકિલાની જીદ આગળ બંને ઝૂકી ગયાં. એ દિવસથી શાંતિ અકિલા અને આરાન બંનેની સહિયારી સંપત્તિ બની ગઈ. આરાન અને શાંતિનાં સંબંધોને પરિણામે જ બાહુકનો જન્મ થયો હોવાથી એ પોતાનાં જન્મદાતા પિતા આરાન જેવો લાગતો હતો.
આમ છતાં બાહુક અને સમગ્ર દુનિયા માટે તો અકિલા એનાં પિતાશ્રી હતા અને આરાન એનાં કાકાશ્રી.
"હું અને બાહુક બંને અત્યારે તો સકુશળ અને હેમખેમ જરૂર છીએ પણ નજીકમાં એવું રહેવાનું નથી." અકિલાએ જાળ બિછાવવાનું શરૂ કરી દીધું હતું.
"એવું કેમ બોલો છો તમે?" આરાન થકી આ પ્રશ્ન પૂછાતા જ અકિલાના ચહેરા પર કટુ સ્મિત રમવા લાગ્યું.
આ સાથે જ અકિલાએ અગ્નિરાજના સૈન્ય વ્યવસ્થાપક, પોતાનાં અનુજ અને બાહુકના અસલી જન્મદાતા આરાનની રુદ્ર ને વિરુદ્ધ કાન ભંભેરણી કરવાનું શરૂ કરી દીધું.
અકિલા જેમ-જેમ પોતાની વાત આરાનને જણાવી રહ્યો હતો એમ-એમ ફક્ત હૃદયથી કામ લેતો આરાન રુદ્રની વિરુદ્ધ ષડયંત્ર રચીને એની હત્યા કઈ રીતે કરી શકાય એની પળોજણમાં લાગી ગયો!
********
વધુ આવતાં ભાગમાં
આરાન રુદ્ર સાથે શું કરવાનો હતો? અકિલાનો રુદ્ર પ્રત્યેનો દ્વેષભાવ આખરે રુદ્ર માટે કઈ નવી મુસીબતને નોંતરશે? નિમલોકો સાથે થયેલી અન્યાયી સંધિ ક્યાં હતી? રુદ્ર અને મેઘના વચ્ચે કેવાં સંજોગોમાં પ્રેમ પાંગરશે? શું રુદ્ર પોતાનાં ધ્યેયને પૂરો કરી શકશે? આગળ જતાં નવાં રહસ્યો અને રોમાંચથી છલોછલ આ નવલકથા તમારાં દિલ-દિમાગ પર છવાઈ જશે.
દોસ્તો આ એક પૌરાણિક કાલ્પનિક નવલકથા છે. જેનો દૂર દૂર સુધી સત્ય સાથે કોઈ સંબંધ નથી. મારાં મનમાં ઉદ્દભવેલા વિચારોને શબ્દોનું રૂપ આપી આપ સૌ માટે કંઈક નવું લખવાની ઈચ્છા સાથે આ નવલકથાનું સર્જન કરેલું છે. આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર આપી શકો છો.
માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.
મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.
ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ
સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.
હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન
અને મર્ડર@રિવરફ્રન્ટ
~જતીન.આર.પટેલ (શિવાય)