રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2
અધ્યાય:3
દોલત અને લોલાક દ્વારા રુદ્રને સૈનિકોનાં ઉતારામાં લઈ જવામાં આવ્યો ત્યારે ત્યાં મોજૂદ સૈનિકોનાં ચહેરા પર પોતાનાં માટે માન હોવાનું રુદ્રને જોતા જ સમજાઈ ગયું. પૃથ્વીલોક પર વાનુરાનાં મેદાનમાં વિજેતા બનતો યોદ્ધા મહાબળી હોવાનું બધાનું માનવું હતું. રત્નનગરીનાં સૈનિકો માટે જે પોશાક હતું એમાં લાલ રંગનું બખ્તર ઉપયોગ થતું હતું પણ અંગરક્ષક તરીકે રુદ્રને જે પહેરવેશ આપવામાં આવ્યો એમાં શ્યામરંગના બખ્તરની વચ્ચે લાલ રંગનો સૂર્ય બનેલો હતો.
આ સાથે રુદ્રને અમુક ખાસ હથિયારો આપવામાં આવ્યાં. જેમાં એક બે ધારી તલવાર, પંચધાતુની ઢાલ, ચાંદીની ધારદાર કટાર અને નાના વિષેલા સોયાનો સમાવેશ થતો હતો. આ સોયાને એક ખાસ પ્રકારની ભૂંગળીમાં મૂકી જોરથી ફૂંક મારવા પર એમાં મુકેલ ધારદાર સોયો સામેવાળાનાં શરીરમાં ખૂંપી જતું અને એ વ્યક્તિ લકવાગ્રસ્ત બની જતો.
એ ખાસ સોયાનો ઉપયોગ કઈ રીતે કરવો એ રુદ્રને લોલાકે સમજાવી દીધું. લોલાક અને દોલતનો આભાર માની રુદ્ર પોતાને સોંપેલું કાર્ય કરવા મુખ્ય છાવણી તરફ નીકળી પડ્યો.
રુદ્ર જ્યારે મુખ્ય છાવણી તરફ અગ્રેસર થઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં એની નજર એક પાણીદાર અશ્વ પર બેસીને સૈનિક છાવણી તરફ જતા એક યોદ્ધા પર પડી. એ યોદ્ધાનાં ચહેરાનું તેજ અને એની ભરાવદાર મૂછોના લીધે એનું એક ગજબ વ્યક્તિત્વ ઉપસી રહ્યું હતું. એ વ્યક્તિએ પણ એક અપલક નજર રુદ્ર પર ફેંકી. એકવાર રુદ્રને લાગ્યું કે એ યોદ્ધા પોતાની સાથે વાર્તાલાપ કરવા પોતાનો અશ્વ અટકાવશે પણ એવું કરવાના બદલે એ યોદ્ધા સૈનિક છાવણી તરફ આગળ વધ્યો.
અન્ય સૈનિકો કરતાં અલગ પડતો પહેરવેશ, ઊંચી ઓલાદનાં અશ્વની સવારી અને રુવાબદાર મુખાકૃતિ ધરાવતો એ વ્યક્તિ નક્કી અગ્નિરાજના સૈન્યમાં ઉચ્ચ હોદ્દો ભોગવતો હશે એવું રુદ્રએ મનોમન અનુમાન લગાવ્યું.
રુદ્ર જ્યારે મુખ્ય છાવણી પહોંચ્યો ત્યારે છાવણી બહાર થઈ રહેલી હલચલ પરથી એને ગણતરી કરી લીધી કે મહારાજ અગ્નિરાજ નજીકમાં ત્યાં આવવાના હતા. રુદ્ર ચૂપચાપ જઈને મુખ્ય છાવણી બહાર અદબભેર ગોઠવાઈ ગયો.
થોડીવારમાં કતારબંધ ચાલતાં સેંકડો સૈનિકો અને ડઝનભેર અશ્વરોહકોની વચ્ચે મહારાજ અગ્નિરાજ, મહારાણી મૃગનયની અને રાજકુમારી મેઘના એક ભવ્ય રથ પર સવાર થઈને મુખ્ય છાવણી તરફ આવી રહ્યાં હતા.
ક્ષિતિજ પર ઢળતા સૂર્યનાં કિરણો જ્યારે રાજા અગ્નિરાજના રથ પરથી પરાવર્તિત થઈને રુદ્રની આંખોમાં પડતાં જ રુદ્ર સમજી ગયો કે અગ્નિરાજ જેની પર સવાર હતા એ રથ સુવર્ણનો બનેલો હતો. શક્યવત આ રથ જેનાથી બનેલો હતો એ સુવર્ણ હેમ જ્વાળામુખીનું એ સુવર્ણ હતું જેનાં લીધે નિમલોકોએ કોઈ કારણ વિના વર્ષોથી પારાવાર યાતનાઓ સહન કરવી પડી હતી.
મહારાજ અગ્નિરાજ નો રથ મુખ્ય છાવણી આવતાં જ રથ ચાલકે અશ્વોની લગામ ખેંચી રથને અટકાવ્યો. અગ્નિરાજ રથમાંથી હેઠે ઉતરે એ પહેલા તો રથથી છાવણી સુધીનો માર્ગ ગુલાબનાં ખુશ્બૂદાર ફુલોથી સજાવી દેવામાં આવ્યો. એકસાથે અગ્નિરાજની સેવામાં લાગેલા સેંકડો અને નતમસ્તક થયેલાં હજારો લોકોને જોઈને જ અગ્નિરાજની મહત્તાનો ખ્યાલ આવી જતો હતો.
રાણી મૃગનયની થકી ફક્ત એક પુત્રી પામી શકેલા મહારાજ અગ્નિરાજ ઈચ્છત તો પોતાનો વંશ આગળ ધપાવવા મનફાવે એટલી રાણીઓ બનાવી શકત પણ રાણી મૃગનયની તરફના એમના પ્રેમભાવનાં લીધે તેઓ આવું કરવાનું વિચારી પણ ના શક્યાં. આમ પણ મેઘના એમનાં મન પુત્રથી કમ થોડે હતી!
અન્ય લોકોની માફક રુદ્રએ પણ રાજપરિવારનું મસ્તક ઝુકાવી સ્વાગત કર્યું. રાજકુમારી મેઘનાની નજર રથમાંથી ઉતરતાંની સાથે જ જાણે કંઈક શોધી રહી હતી. જેવી મેઘનાની નજર મુખ્ય છાવણીનાં દરવાજે મસ્તક ઝુકાવી ઊભેલા રુદ્ર પર પડી એ સાથે જ એની શોધ પુરી થઈ હોય એમ એનાં ચહેરા પર શાતા જોવા મળી.
"મહારાજ અગ્નિરાજની જય.. મહારાણી મૃગનયનીની જય.. રાજકુમારી મેઘનાની જય.." રાજપરિવારનાં જયઘોષ સાથે જ્યારે સમગ્ર વાતાવરણ ગુંજી રહ્યું હતું ત્યારે મૌન રૂપી ઘરેણું પહેરી મુખ્ય છાવણીનાં પ્રવેશદ્વાર નજીક ઉભેલો રુદ્ર મહાપરાણે પોતાનાં હૃદયમાં ગુંજતા મેઘનાનાં નામને દબાવવા પ્રયત્ન કરી રહ્યો હતો.
રુદ્રની આ કોશિશ વિશે રાજકુમારી મેઘનાને જાણે સમજાઈ ગયું હોય એમ એને રુદ્રની તરફ જોતાં એક મીઠું સ્મિત વેર્યું અને પોતાનાં માતા-પિતા સાથે મુખ્ય છાવણીનાં વિશાળકાય તંબુમાં પ્રવેશી ગઈ.
એક તરફ જ્યાં સૂર્ય ધીરે-ધીરે અસ્ત થઈ રહ્યો હતો તો બીજી તરફ ચંદ્ર સૂર્યની ખાલી જગ્યા પૂરવાની કોશિશ કરતા ગગનમાં પોતાનું સ્થાન જમાવી રહ્યો હતો. આ સમયે રુદ્રને ગગનમાં મોજૂદ ચંદ્રમાં મેઘનાનું દેદીપ્યમાન સ્વરૂપ દેખાઈ રહ્યું હતું. ટૂંકમાં કહીએ તો રુદ્ર હવે પુરી રીતે મેઘનામય બની ચૂક્યો હતો.
"વીરા, મહારાજ તને અંદર બોલાવે છે." અચાનક કાને પડેલાં પરિચિત અવાજે રુદ્રનું ધ્યાન ભંગ કર્યું. રુદ્રએ જોયું તો એને અંદર આવવાનું કહેવાવાળી વ્યક્તિ મહારાજ અગ્નિરાજનો સર સેનાપતિ અકિલા હતો.
અકિલાના ચહેરા પર આવેલી દાઢીમાં હવે સફેદ વાળ અને કાળા વાળનું પ્રમાણ હવે એકસરખું થવાં આવ્યું હતું. આમ છતાં અકિલાની ચાલની મક્કમતા અને અવાજમાં મોજુદ રણકાર એ દર્શાવવા કાફી હતા કે એ ભલે યુવાન નથી છતાં એનામાં યુવાનોને શરમાવે એવું જોમ છે.
મહારાજ અગ્નિરાજ દ્વારા અકિલા થકી પોતાનાં માટે જે સંદેશો મોકલવામાં આવ્યો હતો એનું પાલન કરતાં રુદ્ર અકિલાની પાછળ-પાછળ ચાલતો થયો. મેઘનાની ખોવાયેલી અંગૂઠી આપવા રુદ્ર એકવાર અહીં આવી ચુક્યો હોવાથી એ આજુબાજુ જોયાં વગર અકિલાની પાછળ એ તરફ અગ્રેસર થયો જ્યાં રાજા અગ્નિરાજ અત્યારે હાજર હતા.
રુદ્રએ મહારાજ અગ્નિરાજ જે કક્ષમાં હતા ત્યાં પહોંચી શીશ ઝુકાવી, બે કર જોડી વિનયપૂર્વક કહ્યું.
"મહારાજ અગ્નિરાજ અને મહારાણી મૃગનયની એમનાં આ દાસના પ્રણામ સ્વીકાર કરે."
અગ્નિરાજે રુદ્ર દ્વારા પોતાને આપવામાં આવેલાં સન્માનને સસ્મિત વધાવી લીધું.
"વીરા, આજે ખરેખર તે વાનુરાનાં મેદાનમાં પોતાનાં હરીફોને જે માત આપી છે એ જોઈ મને ગર્વ થાય છે કે તે અમારાં રાજ્ય વતી તે આજે દ્વંદ્વમાં ભાગ લીધો. મહારાણી તો તારી યુદ્ધ કુશળતા અને વીરતાનાં વખાણ કરતા થાકતા જ નથી." મૃગનયની તરફ જોતા અગ્નિરાજે કહ્યું.
"એ માટે હું સદાય મહારાણીનો આભારી રહીશ." રુદ્રએ પુનઃ મહારાણી મૃગનયની તરફ શીશ ઝુકાવીને કહ્યું.
"યુવાન, હું અને મહારાજ તને એક અંગત વાત કરવા માંગીએ છીએ." રાણી મૃગનયનીએ પહેલાં મેઘના અને પછી રુદ્ર ભણી જોતાં કહ્યું.
"તમારો દરેક શબ્દ મારાં માટે આદેશ બની જશે. બોલો શું કરી શકું હું આપની સેવામાં." રુદ્ર હવે બરાબરનો અભિનય કરી રહ્યો હતો. પોતાની મધઝરતી વાણીથી અગ્નિરાજ અને મૃગનયનીને પ્રસન્ન કરવાનો એનો ઈરાદો હવે પૂર્ણ થતો જણાતો હતો.
"એકાંત.!" અગ્નિરાજના આમ બોલતા જ એ કક્ષમાં મોજૂદ દાસ-દાસીઓ કક્ષમાંથી બહાર નીકળી ગઈ. એ કક્ષમાં હવે ફક્ત પાંચ લોકો ઉપસ્થિત હતા. અગ્નિરાજ, મૃગનયની, મેઘના, રુદ્ર અને સેનાપતિ અકિલા.
હવે એ કક્ષમાં માત્ર પાંચ લોકો વધતા મહારાણી મૃગનયની એ પોતાની વાત આગળ વધારતા કહ્યું.
"વીરા, તને મહારાજે રાજકુમારી મેઘનાનો માત્ર એટલા માટે અંગરક્ષક નથી બનાવ્યો કે તે મહારાજ જોડે તારાં લાયક કોઈ કાર્યની માંગણી કરી હતી. પણ હકીકતમાં અમે સામેથી ઇચ્છતાં હતા કે તું જ્યાં સુધી રાજકુમારી મેઘનાનાં વિવાહ સંપન્ન ના થાય ત્યાં સુધી રાજકુમારી મેઘનાનું રક્ષણ કરે."
"તે વાનુરાનાં મેદાનમાં જે અપ્રિતમ સાહસનું પ્રદર્શન કર્યું હતું એને એક વાત સ્પષ્ટ કરી દીધી હતી કે રાજકુમારીનાં અંગરક્ષકનું પદ ફક્ત તું જ નિભાવી શકીશ."
"વીરા, અમારાં કુલગુરુ સુધાચાર્ય દ્વારા અમારી વ્હાલસોયી દીકરી મેઘનાનું જે ભવિષ્ય ભાખવામાં આવ્યું છે એ ખરેખર અમને દિવસ-રાત સુવા પણ નથી દેતું." અગ્નિરાજ દ્વારા કહેવાયેલા આ શબ્દો રુદ્રના હૃદયને થડકાવવાનું કામ કરી ગયાં.
આખરે રાજકુમારી મેઘનાનાં ભવિષ્ય અંગે રત્નનગરીનાં કુલગુરુએ શું ભવિષ્ય ભખ્યું હતું એ જાણવાની જિજ્ઞાસા સાથે રુદ્રએ પોતાનાં કાન સરવા કર્યાં.
"ગુરુ સુધાચાર્યનું કહેવું છે કે મેઘનાનાં અઢારમાં વર્ષનાં છેલ્લાં ચાર માસનો સમયગાળો એની જીંદગીનાં સૌથી વધુ પડકારદાયક સમયગાળો બની રહેશે. ગ્રહો અને નક્ષત્રોની દિશા તથા દશાનો અભ્યાસ કર્યાં બાદ એમને એ પણ ચેતવણી આપી છે કે શક્યવત આ સમયગાળામાં રાજકુમારી મેઘનાને પોતાનાં પ્રાણ ગુમાવવાનો પણ વખત આવે." મહારાજ અગ્નિરાજ જ્યારે આ વાત રુદ્રને જણાવી રહ્યાં હતા ત્યારે રાણી મૃગનયની સતત ચિંતા અને ભયની બેવડી લાગણી સાથે મેઘનાને માથે હાથ ફેરવી રહ્યાં હતા.
"યુવક, તને એવું લાગતું હશે કે અમે રાજ પરિવારનાં હોવાં છતાં આવી ભવિષ્યવાણીઓ પર વિશ્વાસ કેમ રાખીએ છીએ? તો એ પાછળ એક મજબૂત કારણ છે. એવી અમુક ઘટનાઓ છેલ્લાં પંદર દિવસમાં બની છે જેને અમને ગુરુવરની એ ભવિષ્યવાણી પર ભરોસો કરવા મજબૂર કરી મૂક્યાં છે." રાણી મૃગનયનીનાં અવાજમાં પોતાની પુત્રી માટે ભારોભાર લાગણી વર્તાતી હતી.
"હું એ પૂછવા જેટલો હોદ્દો શક્યવત નથી ધરાવતો છતાં તમે મને જે પદ પર નિયુક્ત કર્યો છે એની જવાબદારી રૂપે આપ મને જણાવી શકશો કે રાજકુમારી સાથે છેલ્લાં પંદર દિવસમાં એવી તે કેવી ઘટનાઓ બની છે જેને પૃથ્વીલોક પર જેની આળ વર્તાય છે એવાં પરમ ચક્રવર્તી મહારાજ અગ્નિરાજ અને એમનાં પ્રતિબિંબ સમાન મહારાણી મૃગનયનીને આટલાં વ્યાકુળ અને ચિંતાતુર બનાવી મૂક્યાં?" રુદ્રના અવાજમાં વિનમ્રતા હતી, શાલીનતા હતી.
"કુંભમેળામાં હજારોની જનમેદની હાજર હોવાં છતાં મદમસ્ત બનેલા ગજરાજને અન્ય લોકોને છોડીને મેઘનાને કચડી દેવાનાં આશયથી એની તરફ આગળ વધતાં તો તમે રૂબરૂ જોઈ જ ચુક્યાં છો પણ આ સિવાય આ થોડાં દિવસોમાં અમુક એવી ઘટનાઓ બની છે જે સાબિત કરે છે કે મેઘનાનાં માથે મોતની સોય લટકી રહી છે."
રાણી મૃગનયનીની આ વાત સાંભળી રુદ્ર હવે એ જાણવા અધીરો બન્યો હતો કે આખરે મેઘના સાથે એવું તે શું બન્યું હતું જેની આટલી બધી ચિંતા મહારાજ અને મહારાણીને સતાવી રહી હતી?
********
વધુ આવતાં ભાગમાં
આખરે મેઘના સાથે કેવી ઘટનાઓ બની હતી? રુદ્રએ છાવણી નજીક જોયેલો વ્યક્તિ કોણ હતો અને કેમ એ રાજકુમારી મેઘનાને મારવા આવ્યો હતો? રુદ્ર મેઘનાને બચાવવામાં સફળ થશે કે નહીં? આખરે રુદ્રને રાજકુમારી મેઘનાનો અંગરક્ષક બનાવી અગ્નિરાજે કોઈ ભૂલ તો નહોતી કરી ને? રુદ્ર અને મેઘના વચ્ચે કેવાં સંજોગોમાં પ્રેમ પાંગરશે? શું રુદ્ર પોતાનાં ધ્યેયને પૂરો કરી શકશે? આગળ જતાં નવાં રહસ્યો અને રોમાંચથી છલોછલ આ નવલકથા તમારાં દિલ-દિમાગ પર છવાઈ જશે.
દોસ્તો આ એક પૌરાણિક કાલ્પનિક નવલકથા છે. જેનો દૂર દૂર સુધી સત્ય સાથે કોઈ સંબંધ નથી. મારાં મનમાં ઉદ્દભવેલા વિચારોને શબ્દોનું રૂપ આપી આપ સૌ માટે કંઈક નવું લખવાની ઈચ્છા સાથે આ નવલકથાનું સર્જન કરેલું છે. આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર આપી શકો છો.
માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.
મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.
ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ
સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.
હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન
અને મર્ડર@રિવરફ્રન્ટ
~જતીન.આર.પટેલ (શિવાય)