પાંચ કોયડા-૧૪
કપાયેલા સફરજન ના ફોટા ને હાથમાં લેતાં તે બોલ્યો- ‘ ગજા, આ સફરજન ન્યૂટને શોધ્યું હતુ ને ?’
‘ અરે અક્કલ ! એ સફરજનને ન્યુટને નહોતું શોધ્યું !એ સફરજન ના આધારે ગુરુત્વાકર્ષણનો નિયમ શોધ્યો હતો.’ હું ગુસ્સામાં બોલ્યો.
તે મારા મગજને વધુ ચકરાવો ચડાવે તે પહેલા હું તૈયાર થવા બાથરૂમ તરફ ભાગ્યો. નાહ્યા પછી મને કંઈક સારું લાગ્યું અમે બધા ફોટોગ્રાફ્સ ધ્યાનથી અનેક વાર જોયા. વહાણ ,આયાત-નિકાસના પલ્લા વાળું ત્રાજવું, હાવડા બ્રિજ માંથી થતો સૂર્યોદય, ફાંસીના ફંદા માંથી સળગતો દિપક ,સામાન અને ટ્રેન, કપાયેલું સફરજન ,પિંજરામાંથી મુક્ત પક્ષી સાથે તલવાર ઉપર લખાયેલા T અને N અનેકવાર જોવા છતાં આ ફોટાઓ નું રહસ્ય હું કળી શક્યો નહીં બારવાગતાં સુધીમાં તો અમે બંને અમારા તર્કો પર જ કંટાળ્યા. હવે ફક્ત પેટને ન્યાય આપવાનું નક્કી કર્યું. ચાલતી વખતે દીવાલો પર કેટલા ફિલ્મોના પોસ્ટર આવતા તે બતાવતા રઘલો બોલ્યો
‘ ગજા, અહીંયા મુંબઈમાં તો ફિલ્મ સ્ટારો ની કાઈ વેલ્યુ જ નહીં હાલતા આપણને મળી જાય !’
‘તને કોઈ દેખાયું આટલા દિવસમાં?’
‘અરે આજુબાજુ જોવાની ફુરસદ જ કયાં મળી છે !આ ફોટા માંથી નવરાશ મળે તો જોઇએ ને ! મુંબઈમાં આવ્યા હોય અને એકાદ મસ્ત ફિલ્મ જોવા ના ઉપડી જઈએ ‘ અકળાતા મને રઘલો બોલ્યો.
મેં તેની સામે જોયું તે ઉદાસ હતો,થાકેલો હતો .તે મારી પાછળ પોતાના એક લાખ રૂપિયા મૂકી ચૂક્યો હતો .જો અમે નિષ્ફળ જઈએ તો ? પેટમાં અજીબ અકળામણ થવા લાગી.
મને પોતાના થી પણ વધારે ગંભીર મુદ્રામાં જોઈને તે બોલ્યો
‘શું થાય છે ગજા હિંમત ના હારીશ, રસ્તો નીકળી જશે’
‘ ચલ આજે તો ફિલ્મ જોઈ નાખીએ. પહેલા પૈસા ચોરીને ફિલ્મ જોવા જતા યાદ છે ને ?’
‘ હાસ્તો યાદ જ હોય ને ! બહુ માર ખાધો છે’
અમે બંને જણા ખભા મિલાવી નજીક પડતી રીગલ સિનેમા માં દાખલ થયા. એ વખતે આમીરખાનનું “ગજિની “ થિયેટરમાં ડંકો વગાડતું. બપોરના શોની ટિકિટો લઈ અમે પરદા સામે ગોઠવાયા .એક પછી એક જાહેરાતો શરૂ થઈ.
‘ હું આ જાહેરાતો, ખાલી મોડેલોને જોવા માટે જોઉં છું ‘ રઘલો કાનમાં આઈને બોલ્યો .જાહેરાતો બંધ થઈ પિક્ચર શરૂ થવાનો સમય થઇ ગયો હતો .પડદા ઉપર થી જાહેરાત થઈ ‘રાષ્ટ્રગીત કે લિયે કૃપયા ખડે હો’ અમે સૌ ટટ્ટાર બનીને ઉભા થયા.ભારતનો વિશાળ ઝંડો દેખાયો જન ગણ મન ગાવાની શરૂઆત થઈ, રાષ્ટ્રગીત પૂરું થયું.
અમે ખુરશીમાં બેઠા અચાનક મારા દિમાગમાં હજાર ઘંટડી રણકી ઊઠી
‘ રઘલા ઉભો થા !આપણે જવું પડશે’ આજુબાજુની બે હરોળમાં સંભળાય તેટલા મોટેથી હું બોલ્યો
રઘલો કંઈ સમજે તે પહેલા હું તેનો હાથ પકડી તેને બહાર લઈ આવ્યો. ‘ ‘રઘલા ! રઘલા !’ કહેતા હું તેને ભેટી પડ્યો
‘ શું થયું ?’હજી પણ અસમંજસમાં ઉભેલા રઘલા એ પૂછ્યું
‘ ત્રીજો કોયડો ઉકેલાઈ ગયો .ઉકેલાઈ ગયો .’ મેં આકાશ સામે થેન્ક્યુ બોલતા કહ્યું
‘કઈ રીતે ?’
‘ રઘલા એ જન્મદિવસ બીજા કોઈનો નહીં !આપણા ભારત દેશનો છે! આપણી આઝાદી નો જન્મદિવસ 15 8 1947’
રઘલો હજી પણ કંઈ સમજી શકે એવી સ્થિતિમાં નહોતો મે તેને સમજાવવાનું શરૂ કર્યું
‘દરેક ફોટોગ્રાફસ ધ્યાનથી યાદ કર .પહેલા ફોટોગ્રાફમાં સઢવાળું વહાણ - જે સૂચવે છે કે અંગ્રેજો કે બીજી કોઈપણ પ્રજા દરિયાઈ માર્ગે અહીં આવી. તે અહીં આવી હતી વેપાર કરવા એ સૂચવે છે બીજો ફોટોગ્રાફ .બીજો ફોટોગ્રાફમાં એક ત્રાજવું છે જેના અલગ અલગ પલ્લામાં આયાત અને નિકાસ મુકેલા છે. ત્રીજો ફોટો હાવડા બ્રિજ પર થતો સૂર્યોદય !એ હાવડા બ્રીજ અત્યાર ના કલકત્તામાં જે તે સમયે બંગાળ કહેવાતું. ત્યાં પ્લાસીના યુદ્ધમાં અંગ્રેજો ની જીત થઈ અને તેમની સત્તાનો સૂર્યોદય થયો. પછીનો ફોટો છે ફાંસીનો ફંદો અને તેમાં દિપક .અંગ્રેજ શાસનના બરાબર સો વર્ષ પછી 1857 નો વિપ્લવ થયો જેના સૌપ્રથમ શહિદ હતા મંગલ પાંડે. જેમને ફાંસી આપવામાં આવી હતી .જેમણે આઝાદીની ચળવળનો દિપક સળગાવ્યો. 1857ની હાર પછી ફરી અંગ્રેજ સત્તા મજબૂત બની પણ થોડાક વર્ષો બાદ સાઉથ આફ્રિકામાં એક ભારતીય યુવાનને ,આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને ,સામાન સાથે ધક્કા મારી ટ્રેનમાંથી કાઢી મૂકવામાં આવ્યા પાંચમા ફોટામાં ટ્રેન અને ટ્રોલીમાં નો સામાન આ ઘટનાનું પ્રતીક છે. છઠ્ઠા ફોટામાં સફરજન છે તેનો થોડોક ભાગ કપાયેલો છે .જે ભારતની આઝાદી માટે અનિવાર્ય હતા તે ભાગલાનુ સૂચક છે. અને છેલ્લો ફોટો પાંજરામાંથી મુક્ત થતું પક્ષી. જે હથેળીમાંથી પાંજરું હતું ત્યાં લખેલું હતું ટી(T) અને એન(N) એટલે કે T ફોર truth અને N ફોર non-violence. અહીં હિંસાથી આઝાદી મળી નથી એટલે તલવાર પર ચોકડી મારી છે.
આ હતો આપણો ત્રીજો કોયડો કોઈ વ્યક્તિનો નહીં ! ભારત દેશ નો જન્મદિવસ. એકીશ્વાસે આ બધું હું રઘલા આગળ બોલી ગયો.
‘ આ ચૌધરી નો બચ્ચો તો મારી નાખશે યાર. આપણે કઈ દિશામાં વિચારતા હતા ને શું નીકળ્યું ?તું પહેલા ઝડપથી 982 પછી 15 8 1947 લગાડીને ફોન ડાયલ કર.’
9821581947 નંબર મેં ઈશ્વરનું સ્મરણ કરી ડાયલ કર્યો ફોન પર મારી વાતચીત ચાલતી રહી .આંખો ફાડી રઘલો મારી સામે જોઈ રહ્યો. તેને એક દિવસમાં ઘણાં આંચકા મળવાના હતા. ફોન પર વાત પૂરી થતા આંખ મિચકારી ને હું બોલ્યો-“ ચોથો કોયડો તેમની પાસે છે” .