hava vagarna fuggao in Gujarati Comedy stories by Ramesh Champaneri books and stories PDF | હવા વગરના ફુગ્ગાઓ..!

Featured Books
Categories
Share

હવા વગરના ફુગ્ગાઓ..!

હવા વગરના ફુગ્ગાઓ....!

હવા વગરના ફુગ્ગા જેવી હાલત લઈને ફરુ છું

મારા જ ઘરમાં છું છતાં જમાનત લઈને ફરું છું

કોરોનામાં રમેશનું હસવાનું પણ વિસરાય ગયું

ફૂલોની ચાદર ઓઢી છે જમાવટ લઈને ફરું છું

કોરોનાની વળગાડ વળગી તો વળગી, પણ માણસને સમજાય ગયું કે, મારામારી ને મહામારીમાં તાકાતવાન કોણ છે..? મુછ ઉપર લીબું ટાંગીને ફરનારા પણ કોરોનામાં કોર્નરમાં ભરાય બેઠાં..! રોજ શેરબજારના ભાવતાલ જોનારો પણ કોરોનાનો સ્કોર જોતો થઇ ગયો. એકપછી એક શું ઝાટકા આવે છે ? હવે તો કેટલાં ઝાટકા ખાધાં, એ પણ યાદ નથી આવતું. જેવી ઉપરવાળાની આઈમીન, હરિની ઈચ્છા..!

હું જાણું છું કે, કોરોનાના કેરમાં હસવા-હસાવવાના રવાડે ચઢવું, એ શિષ્ટાચાર નથી, પણ બીજું કરું પણ શું..? હાસ્ય તો માનવીના ભયનું ઓસડ કહેવાય. હસો તો ઘર બેઠાં કોઈક તો ગેલમાં આવે..! અત્યાર સુધીમાં સૂર્ય અને ચંદ્રના ગ્રહણ તો ઘણા જોયા. એવાં ગ્રહણ થોડીકવાર રહેતા ને છૂટી જતાં. માણસને પણ ગ્રહણ લાગી શકે છે, એ કોરાનાએ શીખવ્યું. એના કપાળમાં કાંદા ફોડું, આ ગ્રહણ તો આખા વિશ્વમાં ફેલાણું. ભારતમાં તો ૨૧ દિવસનું ગ્રહણ લાગ્યું..! શ્રી રામ જાણે ક્યારે ગ્રહણ-મોક્ષ મળશે. હાલ તો ગેસવાળા ફુગ્ગા માંથી નીકળી ગયેલી હવાના ફુગ્ગા જેવી હાલત છે દાદૂ..! હવા ભરાતા, જે ફુગ્ગા આસમાનમાં ઉડતા હતા, એ જમીન ઉપર પટકાઈને પોતપોતાના ઘરમાં ગોઠવાય ગયા. બાકી શોધેલા પણ ક્યાં જડતાં ? બતાવે અમદાવાદ ને નીકળે સુરતમાંથી..! બ્યુટી પાર્લરો બંધ છે, એટલે પુરુસો ઘરમાં રહીને ઉજળા થઇ ગયાં. અને બહેનો તો હવે ઓળખાતી જ નથી..!

ભગવાન શ્રી રામે ૧૪ વર્ષની વનવાસ ભોગવેલો. જો કે એમને તો, મહાવીર હનુમાન, સુગ્રીવ,અંગદ, કેવટ શબરી જેવા સહયોગી પણ મળેલા, આપણે તો ઘરમાંથી જ આ બધાને શોધવાના..! ઘરમાં રહીને યોગી બનીને જ રહેવાનું. ખાંખાખોરા કરવા ગયો તો, શબરી જેવી લાગતી ઘરવાળી પણ જબરી થઈને દાવ બતાવવા માંડે. બોર ખવડાવવાની વાતને તો મારો ગોલી, કદાચ...! સમજી જાઓને યારો..? ન કરે નારાયણ ને પત્ની પીડિતની દુર્ઘટના બને તો, એમ નહિ માનતા કે, છોકરા ધનુષબાણ લઈને તમારી પડખે ઉભા રહે...! છોકરાઓએ મા સાથે વધારે કલાક કાઢ્યા હોવાથી, લવ-કુશની માફક મા ની પડખે જ જાય. ધોબીનો કુતરો નહિ ઘરનો નહિ ઘાટનો...! એટલે સાચવીને જ ઘરમાં રહેવું..! રસોડામાં બહુ ડખા કરવા નહિ જવું..! શું સાલા દિવસો આવ્યા છે..? કોઈકે સાચું જ કહ્યું છે કે, ‘ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે..? એક કલાક ઘરમાં નહિ ઠરતા જીવને ૨૧ દિવસની લાગી જાય, તો કરે શું..? અમારા ચમનીયાએ તો દાદાના કાળના મંજીરા શોધીને, પલંગ પર બેસી ભજન લલકારે છે કે,“ દાલ-રોટી ખાઓ પ્રભુકા ગુન ગાઓ...!’ ઘેંટો ખાય ખાયને પાડા જેવો થઇ ગયો છે બોલ્લો...!

આ કોરોનાએ તો કમાલ કરી છે દોસ્ત..! જેને અડે તેને પણ નડે. ને એવો નડે કે, તેના ગળે જઈને જ પડે. જ્યારથી કોરોનાની મહામારીનું ગ્રહણ લાગ્યું છે, ત્યારથી અમારા ચમનીયાએ તો, કોરોના તો ઠીક, એનો કયો ગરાસ લુંટાય ગયો કે, ક રાશિવાળા તમામ સગાસ્નેહી સાથેના સંબંધો પણ કાપી નાખ્યા. તંઈઈઈઈ..! દીવાલ ઉપર કાજલ અને કરિશ્માનો ફોટો લટકતો હતો, તે પણ ઉતારી નાંખ્યો, મોદીસાહેબનો ફોટો લગાવી દીધો. એને ખાતરી થઇ ગઈ કે, જીવન બચાવવા માટે હવે આ જ એક સાચી જડીબુટ્ટી છે. મને કહે, “રમેશિયા, આ કોરોના તો જબ્બરની રણચંડી બની ગઈ ? પૃથ્વી ખાલી કરાવવાના ખપ્પર લઈને બેઠી કે શું...? અવળચંડી શબ્દ અમે સાંભળેલો ખરો, પણ રણચંડીના દર્શન હમણાં થયાં. ભલભલા ચમરબંધીને એણે ઘરમાં ગોંધી દીધા. બધાની ઊંઘ હરામ કરી નાંખી. ઊંઘવા જઈએ તો, માથા નીચે મુકેલું તકીયું પણ સાલું, માથામાં ખીલા ઠોકતું હોય એવું લાગે. કેટરીના કૈફ, કે કરિશ્મા કપૂરના સ્વપ્ના છૂ થઇ ગયા ને, સામે કોરોના જ દેખાય. સિમ્પલ ખાંસી આવે તો પણ ગભરાટ છૂટી જાય કે, હમણાં કોરોના પ્રગટ થશે. જાણે દારૂની મહેફિલ માંડીને બેઠા હોય, ને અચાનક પોલીસ આવી ચઢે એમ, ટાંટિયા ધ્રુજવા માંડે. એક દિવસનો કર્ફ્યું હતો, ત્યારે તો જરાક પણ સોજ્જું-સોજ્જું લાગ્યું. હાઆઆશ.... છૂટ્યા કરીને જોશથી થાળીઓ પણ વગાડી. રાબેતા મુજબા રાતે જેવું ચોઘડિયું બદલાયું ને, નોટબંધીની માફક ‘ઘરબંધી’ લાગી ગઈ. ને તે પણ ૨૧ દિવસની..! અમુકના તો આંખના મોતિયા પણ બ્રેકડાઉન થઇ ગયાં. અમુકને નાઈટ ગાઉનમાં પણ ઉકળાટ ને પરસેવો ફરી વળ્યો. ઘરવાળા એ વાતે મૂંઝવણમાં મુકાય ગયા કે, જિંદગીની વાત તો બાજુએ, પણ જેની સાથે કલાક સહન થતો નથી, એને હું ૨૧ દિવસ કેમના સહન કરીશ..? ચમનીયાનું તો માનવું છે કે, આ ૨૧ દિવસનું તો માત્ર બ્યાનું અપાયું, બાકી બાપાનો કોઈ ભરોસો નહિ, લાંબુ પણ ખેંચાય..! આ બધું આપણા ભલા માટે જ ને..? પાછો વિશ્વાસ પણ સોલ્લીડ કે, કોરોના ભલે ને ઘર ઘર જઈને ડોરબેલ વગાડે, આપણા બાવા આલ્યા-માલ્યાને નહિ ગાંઠે તો કોરાનાને વળી ગાંઠતા હશે ? ખાતો પણ નથી, ને ખાવા દેતો પણ નથી’ ની અપાર સફળતા પછી, હવે એ પણ ‘બહાર જતા નથી, ને કોઈને ઘરની બહાર નીકળવા દેતા નથી...!’

૨૧ દિવસની લાગી તો લાગી, પણ વ્હોટશેપ વિદ્યાલયને મઝા આવી ગઈ. કોરાનાએ જ્યારથી કલર પકડ્યો છે, ત્યારથી વ્હોટશેપ મેસેજના વાયરસ એવાં છૂટે કે, મોબાઈલ પણ થથરે..! મોબાઈલને પણ ડર લાગે, કે ક્યાંક આ લોકો મારી પથારી નહિ ફેરવી નાંખે તો સારું..! અલબત, વ્હોટશેપ એક જાગૃતિની મિસાલ છે. પણ અમુક તો મગજ વાપરવાને બદલે સીધા મોબાઈલ વાપરીને જ ફોરવર્ડ કરે. એક મેસેજ તો એવો આવ્યો કે, ‘મોબાઈલ સાચવીને વાપરો, બગડ્યો તો, રીપેર કરવાવાળો પણ ગામમાં કોઈ મળવાનો નથી.‘ બાકી લોકસેવકો અને સરકારને તો, ૧૦૦-૧૦૦ તોપોની સલામી આપીએ તો પણ ઓછી..! વાયરસ ફાંફા મારતો થઇ ગયો કે, હું કોને પકડું...? આ બધું ઇઝઝી થોડું છે દાદૂ..? સરકાર અને પોલીસને પણ જીવ હોય, પરિવાર હોય, છતાં કોઈની પરવાહ કર્યા વિના ખડેપગે વાયરસ વચ્ચે દીવાલ બનીને ઉભા હોય. મને તો બોબીનું પેલું ગીત યાદ આવી ગયું,

બહારસે કોઈ અંદર ન આ શકે

અંદરસે કોઈ બહાર ન જા શકે

સોચો કબી ઐસા હો તો ક્યા હો, સૌચો કભી ઐસા હો તો ક્યા હો.

હમ તુમ એક કમરેમેં બંધ હે, ઔર ચાવી ખો જાય...!

એને કહેવાય કર્ફ્યું..! ઘરમાં ત્રણ પેઢીની સિલ્લક થઇ ત્યારે આ ગાઈનનો જવાબ મળ્યો. આ તો સહેજ ગમ્મત..! આવા ઘનઘોર માહોલમાં હસવું પણ એક ઔષધ છે. હાસ્યરસનો જીવ ખરો કે નહિ..? હાસ્યરસ કંઈ વાયરસનો સાઢુભાઈ થોડો થાય કે, મને ભેટીને બચી કરીને છોડી દેવાનો.! ડર તો મને પણ લાગે મામૂ..! કોરોનો મને કંઈ કોરો નહિ રાખે. લાગે ચઢ્યો તો મને પણ બેવડ વાળી દે. પણ ગબ્બરસિંહ કહે એમ, “‘જો ડર ગયા, વો મર ગયા, એટલે ઉધરસ ખાવાની ઈચ્છા થાય તો કોરોના ફ્રી જ ઉધરસ ખાય નાંખું..! હાસ્યલેખક એને જ કહેવાય કે, જે વાયરસની મુશીબતમાં પણ હાસ્યરસનું મિષ્ટાન્ન આપે...! જય માતાજી..!

ભારતમાં પણ વાયરસનો ભમરડો ફરી રહ્યો છે, ત્યારે એક વાત નોંધવા જેવી છે કે, પશુ-પંખીએ પ્રકૃતિ સાથે ખિલવાડ કરી નથી, એટલે વાયરસ એને આભડતો જ નથી. નિર્જન રસ્તાઓ ઉપર માણસ નથી ફરી શકતા, પણ ગાવડા કે કુતરાઓ ફરે છે, દીપડાઓને પણ હોલીડે કરવા નીકળવું હોય તો, નીકળી શકે.. ગાયો ને રસ્તા ઉપરથી કોઈ ઉઠાડતું નથી. પક્ષીઓને કોઈ ઉડાડતું નથી. ગધેડાઓ આરામ ફરમાવે છે. આપણને ઘરમાં ગોંધીને, એમને તો જાણે અભય વચન મળી ગયું. સુમસામ રસ્તાઓ ઉપર એક જ નાદ સંભળાય છે કે, ‘ મેરે પ્યારે દેશ-પ્રાણીઓ..! આપ તો ઇસ ભારતકી આન હૈ, શાન હૈ, જાન હૈ..! ઇસ દેશકી ધરતી ઉપર સુખ ચૈનસે જીનેકા અધિકાર આપકા ભી બનતા હૈ. જાઓ ૨૧ દિન તક તુમ ભી જલશા કરો મેરે લાલ...!”

આપણને પણ સંતોષ છે કે, એક ઘટાદાર વૃક્ષની છાયા નીચે આપણે છીએ. જેના નામથી વાયરસ પણ ફફડી ઉઠે એવા મોદીસાહેબની પનાહમાં છીએ. ૨૧ દિવસની લાગી તો લાગી, પણ એટલું તો જ્ઞાન લાધ્યું કે, જે ૨૧ દિવસ ઘરમાં રહેશે, એ જ આવતું ૨૧ મુ નવું વર્ષ ઉજવવાને હકદાર બનશે. એને ગરુડ પુરાણ વંચાવવાની જરૂર નહિ પડે. આ તો એક ગમ્મત...!

બાકી મામલો ગંભીર તો છે જ. બહાર ભલે કરોડોની ઠોકી હોય કે, દેશ દેશાંતરના પાણી પીધા હોય, પણ એકવાર કોરોનો વળગે એટલે પીલ્લું જ વળી જાય...! અમસ્તું ડોહાઓ કહેતા કે, ધરતીનો છેડો એટલે ઘર..! ઘરમાં એવા ભરાય પડ્યા છે કે, જાયે તો ભી જાયે કહાં..? ટ્રેનના ડબ્બામાં બેસીને, લાંબી મુસાફરી કરતા હોય એવું લાગે. વોશરૂમ લાગે તો, ઉઠવાનું, ને પાછું પોતાની સીટ પકડીને બેસી જવાનું..! બહાર પણ કોરોના ને ઘરમાં પણ કોરો-ના...! ટેન્શન એ વાતનું છે કે, કબજીયાત વધી ગઈ તો કરીશું શું...? હોલીડે હોમમાં તો ઘણીવાર રહ્યા, આ તો હોમ-હોલીડે છે. મઝાની વાત કહું તો, ચમનીયાની વાઈફના નાક ઉપર એક કાળો તલ હતો. ચમનીયો ઘરે રહ્યો ત્યારે એને એ તલની ખબર પડી બોલ્લો...! વાઈફોને પહેલીવાર ગલગલીયા થયાં કે, પરણ્યા પછી પહેલીવાર મારો સાંવરિયો ફૂલટાઈમ મારા સાણસામાં આવ્યો..! ઘરમાં જેનો એક મિનીટ પણ પગ નહિ ટકતો, એ હવે આખેઆખો ટકે છે. કુત્તેકા ભી એક દિન આતા હૈ...!

---------------------------------------------------------------------------------------------------------------------