Thasharnu Rahasya Part 18 Last Part in Gujarati Fiction Stories by Jyotindra Mehta books and stories PDF | થશરનું રહસ્ય ભાગ ૧૮ અંતિમ ભાગ

Featured Books
Categories
Share

થશરનું રહસ્ય ભાગ ૧૮ અંતિમ ભાગ

અંતિમ ભાગ

નિખિલ બધાને લઈને તેઓ જે ગુપ્ત દ્વારમાંથી આવ્યા હતા તે દ્વારથી બહાર નીકળી ગયો. બધાના ગયા પછી રાઘવ એક ખૂણામાં ગયો, જ્યાં એક ચાંદીનો ઘડો હતો તેમાંથી જળ લઈને તેણે ધનુષ્ય અને તીર પર છાંટ્યું, તે શસ્ત્રોની પવિત્રતાને સમજતો હતો. તે પછી તેણે શસ્ત્રોને જ્યાં મુકેલા હતા ત્યાં ફરી ગોઠવ્યા અને પછી તેણે શ્રીકૃષ્ણનું ધ્યાન ધર્યું અને અચાનક તેના હાથમાંથી શક્તિ પ્રવાહ વહેવા લાગ્યો જે શસ્ત્રોની આજુબાજુ પોતાનું સ્થાન લેવા લાગ્યો.

જયારે તેને લાગ્યું કે પર્યાપ્ત સુરક્ષાચક્ર રચાઈ ગયું છે તે પ્રિડા જે માર્ગથી આવી હતી તે દિશા તરફ આગળ વધ્યો, સુરંગના નીચેના ભાગમાં પહોંચીને તેણે પોતાના બે હાથ ઉપરની તરફ ફેલાવ્યા, તેવો જ તે ઉડવા લાગ્યો અને તે સાથે જ થોડીવાર પહેલા જેવો શક્તિપ્રવાહ તેના હાથમાંથી વહેતો હતો તેવો તેના શરીમાંથી વહેવા લાગ્યો અને સુરંગમાં સુરક્ષાચક્ર રચાવા લાગ્યું. ઉપર પહોંચ્યા પછી તેણે પ્રિડાએ ખસેડેલો પથ્થર ફરી સુરંગના મુખ પર મૂકી દીધો અને ફરી પોતે જે ગુપ્ત પ્રવેશદ્વારથી ગયો હતો ત્યાં જઈને સુરક્ષાચક્ર રચી દીધું અને થોડીવાર પછી તે ગાડી પાસે પહોંચ્યો.

            પરાગે પૂછ્યું, “ક્યાં રહી ગયો હતો, ત્યાં શું ભજીયા તળવા બેસી ગયો હતો?”

રાઘવે ફક્ત સ્મિત આપ્યું એટલે શ્રીધર મુકેશ ખન્નાની સ્ટાઈલમાં બોલ્યો, “ઇસ તુચ્છ જીવ કે છુને સે શસ્ત્ર અપવિત્ર હો ગયે થે ઉન્હેં ગંગાજલ સે પવિત્ર કરને મેં સમય તો લગતા હી હૈ.”

રાઘવે હસીને કહ્યું, “સહી પકડે હૈ!”

તેનો આ ભાભીજી સ્ટાઇલનો ડાયલોગ સાંભળીને બધા હસી પડ્યા. રાઘવે શ્રીધર તરફ જોયું એટલે શ્રીધરે તેને આંખ મારી. ત્યાંથી બધા દિલ્હી ગયા.
            પ્રિડા અને સર્જીકનું નીલકંઠના ડિપાર્ટમેન્ટમાં સ્વાગત કરાયું અને તેમની બધી માહિતી લઈને તેમનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું. બીજે દિવસે તેમની મુલાકાત પ્રધાનમંત્રીશ્રી સાથે કરાવવામાં આવી. થોડા દિવસની મહેમાનગતિ માણીને પ્રિડા, સર્જીક અને તેમના બાકીના સાથીદારો તેમના ગ્રહ જવા રવાના થયા, ફક્ત વિતારને છોડીને.

રાઘવે વિતારે રમેલી મેલી રમતની જાણકારી પ્રિડાને આપી. તેણે કેવી રીતે પૃથ્વી પર આવવા ઉક્સાવી અને તેની માહિતી સોરારીસવાસીઓને આપી અને આવ્યા પછી થોડી અધુરી માહિતી તેમની પાછળ આવેલા પુલીઝેનને આપી અને કેવી રીતે ચાલાકીથી રાઘવની ટીમને આપી અને કેવી રીતે બધાની દિશાભુલ કરી.

તેને હજી  વિશ્વાસ નહોતો આવતો કે તેનો સેનાપતિ આવું કરી શકે. તેણે રાઘવને વિતારને શોધવાની વિનંતી કરી પણ તેને ખબર હતી કે વિતારને પકડવો આસાન નથી. પાછલી વખતે તે એટલા માટે પકડાઈ ગયો હતો કે તે પોતે પકડાવા માગતો હતો. પ્રિડાએ લક્ષ્ય સુધી પહોંચવા માટે ફેલાવેલા જુઠ્ઠાણાં બદ્દલ નીલકંઠ અને રાઘવની માફી માંગી અને પોતાના ગ્રહની સુખાકારી માટે પ્રયત્નશીલ રહેશે અને બીજા ગ્રહો સાથે સહયોગનો માર્ગ અપનાવશે એવી ખાતરી આપી જેનું સર્જીકે સ્વાગત કર્યું.

            નિખિલ અને ટીમને વિતારને શોધવાની જવાબદારી સોંપવામાં આવી.

રાઘવે પૂછ્યું, “શું હવે મારી કોઈ જરૂરત તો નથી?”

નિખિલે કહ્યું, “ના રાઘવ, આ મિશન દરમ્યાન તારી પાસેથી ઘણું બધું શીખ્યો છું તે ઉપરાંત હવે હું દોડવાની પણ પ્રેક્ટિસ કરી રહ્યો છું.”

પ્રધાનમંત્રીશ્રીએ આ પૂર્ણ ઘટનાની ફાઈલ બનાવીને ટોપ સિક્રેટ શ્રેણીમાં મુકવા કહ્યું હતું.

          આખો ઘટનાક્રમ સમાપ્ત થયા પછી રાઘવે નીલકંઠને પૂછ્યું, “સર, તમને મારા રહસ્યની ખબર હતી ને કે હું કોણ છું અને ક્યાંનો છું?”

નીલકંઠે માથું હલાવીને કહ્યું, “હા, મને ખબર હતી કે તું એલિયન છે. જો કે તું મને મળ્યો ત્યારે મને ખબર નહોતી કે તું પ્રિડાનીડવાસી છે. એક દિવસ હું એક ઘટનાની તપાસ કરવા હિમાલય તરફ ગયો હતો ત્યારે એક વિચિત્ર લાગતો વ્યક્તિ મને મળ્યો હતો અને તેણે મને કહ્યું હતું કે આ બરફની પહાડીઓમાં એક રક્ષક દફન છે, તે પરગ્રહવાસી છે અને તેને તારે બચાવીને તારી સાથે જ રાખવાનો છે અને તે જ ત્રયોશરની રક્ષા કરશે અને તું જો તેને નહિ બચાવે તો આ સૃષ્ટિમાં ઉત્પાત મચી જશે. તે પછી જતા જતા તેણે મને તું ક્યાં અને કઈ તિથિએ મળીશ તે પણ કહ્યું. હું પહેલા તે વાતને મજાક સમજીને ભૂલી ગયો પણ તેણે જે તિથિ આપી હતી તે તિથિના ચાર દિવસ પહેલાં મને ફરી મળ્યો અને કહ્યું મારુ વચન યાદ રાખજે. હું એક ટીમ લઈને રવાના થયો અને તેણે કહ્યું ત્યાં જ તું મને મળ્યો અને તારો ચેહરો એક સિક્રેટ એજન્ટ રાઘવને મળતો આવતો હતો, જે હિમાલયના ટ્રેકિંગ દરમ્યાન ગાયબ થઇ ગયો હતો તેથી મેં તને રાઘવ નામ આપ્યું અને તારા મિત્રોને મદદ કરવા માટે મનાવી લીધા.”

રાઘવે પૂછ્યું, “શું તે વ્યક્તિએ હજી કઈ કહ્યું હતું?”

નીલકંઠે કહ્યું, “હા, તેણે કહ્યું હતું કે સમય આવે તારી યાદશક્તિ પછી આવશે પણ ક્યારે અને કેવી રીતે તે કઈ કહ્યું નહોતું.”

રાઘવ ત્યાંથી નીકળ્યો તે જાણતો હતો તે વ્યક્તિ કોણ હતી? તેને તે ચેહરો યાદ આવી ગયો ક્રોધિત શ્રીકૃષ્ણની સામે ધ્રૂજતો ચેહરો. તે જ્યારથી શ્રીકૃષ્ણને મળ્યો હતો ત્યારથી પહેલીવાર તેમને ક્રોધમાં જોયા હતા વધુ કઈ ખબર નહોતી પડી પણ તેણે કોઈ ભયંકર યુદ્ધ અપરાધ કર્યો હતો, અશ્વત્થામા એવું જ કંઈક નામ હતું. શ્રીકૃષ્ણે તેને ભયંકર ઘા સાથે આજીવન અમરતાનો શ્રાપ આપ્યો હતો. પણ પછી દયાળુ શ્રીકૃષ્ણે અશ્વત્થામાને તેની તરફ આંગળી ચીંધીને કહ્યું કે સમય આવે આ રક્ષકની મદદ કરજે.


              રાઘવ ફરી ભૂતકાળમાં સરી પડ્યો હતો. યુદ્ધ પૂર્ણ થયા પછી ડુમલાએ મૃત્યુની માંગણી કરી પણ શ્રીકૃષ્ણે કહ્યું, “તું તારું ભવિષ્ય લખી ચુક્યો છે, હવે તું આજન્મ બર્બરીકના શસ્ત્રોનો રક્ષક નિમાઈ ચુક્યો છે. હા તારા દુઃખોનું નિવારણ હું કરી શકું છું. તારે નિંદ્રાની જરૂરત છે, ચિરનિંદ્રાની તે તને હિમાલયમાં મળશે, અને જયારે જરૂરત હશે ત્યારે તને જગાડવામાં આવશે, તે વખતે તને આ કઈ યાદ નહિ હોય પણ જયારે તું તારા સ્વામીના દર્શન કરીશ તને બધું જ યાદ આવી જશે.”

           રાઘવને બધું યાદ આવી ગયું હતું હવે તે ડિપાર્ટમેન્ટ ની શાન હતો, પણ તે દર મહિને એક વાર સ્વામી બર્બરીકના અને ત્રયોશરના દર્શન કરવા જરૂર જતો. મંદિરના દર્શન કરીને દૂરથી જોઈ લેતો કે પહાડી પરનો પથ્થર સલામત છે કે નહિ.
           વિતાર ક્યાં છે તે વિશે કોઈને જાણકારી નથી તે ક્યાં હશે? કયા રૂપમાં હશે? તે વિશે કોઈ નથી જાણતું. નિખિલ અને તેની ટીમ વિતારને શોધવાની કામગીરી કરી રહી છે.

નીલકંઠે સ્થાપેલા ડીપાર્ટમેન્ટને કાયમી કરી દેવામાં આવ્યો છે અને તેને ભારતરક્ષક એવું નામ આપવામાં આવ્યું છે અને નવી ભરતી પણ કરવામાં આવી છે. છતાં બધાને બહુ ગુપ્તતાથી કામ કરવાની તાકીદ આપવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે એક સંસ્થા બનાવવામાં આવી છે જેના ચીફ તરીકે નીલકંઠને નીમવામાં આવ્યા છે અને રાઘવને તેમાં મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. તે બીજા ગ્રહ ઉપરથી આવેલા પરગ્રહવાસીઓ ઉપર નજર રાખે છે અને જો કોઈ સંદિગ્ધ લાગે તો તેને પકડવાનું કામ કરે છે.


સમાપ્ત