Lockdown- 21 day's - 10 in Gujarati Fiction Stories by Nirav Patel SHYAM books and stories PDF | લોકડાઉન-૨૧ દિવસ - ભાગ-૧૦

Featured Books
Categories
Share

લોકડાઉન-૨૧ દિવસ - ભાગ-૧૦


લોકડાઉનનો દસમો દિવસ:

સવારે સુભાષને ચા આપી મીરા જયારે રસોડામાં જમવાનું બનાવી રહી હતી ત્યારે તેના મનમાં વિચારોનું વાવાઝોડું પણ ચાલી રહ્યું હતું, સુભાષની વાત તેને યોગ્ય લાગી રહી હતી, તેને સુભાષને કઈ થાય એની તો આશા જ નહોતી કરી પરંતુ હવે તેના મનમાં આ નવો ડર જન્મ લેવા માંડ્યો હતો. તેને તો ફક્ત એક ઘર લેવાનું સપનું જ જોયું હતું, પરંતુ સુભાષે તો આગળ શું થશે એની પણ ગણતરી કરી જ રાખી હતી. હા ભવિષ્યની ચિંતા સુભાષને કદાચ હજુ નથી થતી એવું મીરાંને લાગતું હતું પરંતુ તેને એ ક્ષણ પણ યાદ આવી જયારે મીરાંએ લગ્ન બાદ કાર લેવા માટે સુભાષને જણાવ્યું હતું.

"લગ્ન બાદ થોડા દિવસ જ મારે અમદાવાદ આવ્યાને થયા હતા, સુભાષ પાસે બાઈક તો હતું, અને અમે દર અઠવાડિયે બાઈક લઈને ફરવા માટે જતા, પરંતુ આસપાસના લોકો પાસે કાર જોઈને મને પણ મન થયું હતું કાર લેવાનું, વળી જયારે મારે પિયર જવાનું મન થતું કે અમે સુભાષના ગામ જતા ત્યારે પણ બસ અથવા તો ટ્રેનનો જ ઉપયોગ કરતાં હતા. આખો દિવસ અમારો ટ્રાવેલિંગમાં જ જતો રહેતો, માંડ એક રાત અને એક દિવસ અમને રોકાવવા મળતું, જેના કારણે પણ મેં સુભાષને કાર લેવા માટે કહ્યું હતું, ત્યારે તેની પાસે બચતના થોડા નાણાં પણ હતા. અને સુભાષે એક દિવસ મને કહ્યું કે "આપણે કાર લઇ લઈએ", હું ત્યારે ખુબ જ ખુશ થઇ ગઈ હતી, અને સુભાષને ભેટી પડી હતી, થોડા જ દિવસમાં સુભાષે લોન માટે અરજી કરી, લોન પણ પાસ થઇ ગઈ અને કાર પણ ઘરમાં આવી ગઈ. હવે આમારું ક્યાંય પણ જવું સરળ બની ગયું હતું, ક્યારેક અમે કાર લઈને રિવર ફ્રન્ટ જતા તો ક્યારેક શહેરથી દૂર કોઈ સારા સ્થળે. મને પણ જયારે જયારે ફરવા જવાનું મન થતું ત્યારે ત્યારે સુભાષ મને લઈને જતો, આજ સુધી ક્યારેય મને એને ના નહોતી કહી, પરંતુ છેલ્લા ઘણા સમયથી કાર ઉપર પણ ધૂળ જામી ગઈ છે. સુભાષ તો ઓફિસમાં બાઈક લઈને ચાલ્યા જાય છે અને અમે બંને સાથે પણ છેલ્લા ઘણાં દિવસથી ક્યાંય બહાર નહોતા ગયા, છેલ્લે ગામડે જવા માટે જ કાર બહાર કાઢી હતી, પરંતુ ગામડે ગયાને પણ 3 મહિના જેવો સમય થવા આવ્યો છે."

મીરાંએ મનમાં જ નક્કી કરી લીધું કે હવે આ લોકડાઉન જેવું પૂરું થાય સુભાષ સાથે ક્યાંક બહાર જવાનો પ્લાન બનાવવો જ છે, લોકડાઉન પૂરું થતા પહેલા સુભાષ સાથે ના સંબંધોને પહેલાની જેમ જીવંત કરવાની ધારણા પણ મીરાંએ કરી લીધી. શૈલી સુભાષનો ફોન લઈને તેમાં ગેમ રમી રહી હતી, સુભાષ પણ ટીવી ચાલુ કર્યા વગર એમ જ બેસી રહ્યો હતા. મીરાંને જમવાનું બની ગયું હતું, પરંતુ ઘડિયાળમાં જોયું તો હજુ 11:30 જ થયા હતા માટે તે પણ સુભાષ પાસે જઈને બેઠી, સુભાષ પાસે બેસતાં પહેલા જ તેને નક્કી કરી લીધું હતું કે "છેલ્લા ઘણા સમયથી તેને ઘર લેવા માટેની જે જીદ કરી હતી અને તેના માટે સુભાષને ગામડાની જમીન વેચવા માટેનું કહ્યું હતું એના માટે તે માફી માંગશે.

સુભાષ પાસે બેસીને તેને વાતની શરૂઆત કરી: "સુભાષ આઈ એમ સોરી"

"કેમ કઈ વાત માટે તું સોરી કહે છે?" સુભાષે કારણ પૂછતાં મીરાંને કહ્યું.

"છેલ્લા ઘણા સમયથી હું તમને ગામની જમીન વેચી અને શહેરમાં ઘર લેવા માટે જણાવી રહી હતી, પરંતુ હવે મને મારી ભૂલ સમજાય છે, મેં ભવિષ્યનો વિચાર જ નહોતો કર્યો, તમે મને જે હકીકતથી ગઈકાલે રૂબરૂ કરી એ હકીકત મારા ધ્યાને આવી જ નહોતી, મેં રાત્રે વિચાર કર્યો અને મને લાગ્યું કે તમે સાચું કહી રહ્યા છો, ગામની જમીન આપણે ના વેચવી જોઈએ." મીરાંએ નિરાશ થતા ઉત્તર આપ્યો.

સુભાષ થોડું હસ્યો અને કહ્યું: "એમાં સોરીની નથી જરૂર ડિયર, તને આ વાત સમજાઈ એજ બહુ સારી વાત છે, આ વાત હું તને ઘણા સમયથી કરવા માંગતો હતો, પરંતુ કહી જ નહોતો શકતો, હા, અમદાવાદમાં પોતાનું ઘર હોય એવું સપનું મારું પણ છે અને હું પણ ઈચ્છું છું કે હું આપણા ભવિષ્યને વ્યવસ્થિત બનાવું, પરંતુ હાલમાં જવાબદારીઓ પણ વધી ગઈ છે, જેના કારણે હું એમ નથી કરી શકતો."

"તમે બીજી કોઈ કંપનીમાં નોકરી ના કરી શકો?" મીરાંએ સુભાષ સામે બીજી મૂંઝવણ વ્યક્ત કરી.

"મીરાં તને ભલે લાગતું હોય મારી આ નોકરીમાં ઓછો પગાર છે, પરંતુ હું જે કામ કરી રહ્યો છું, તે મારુ ગમતું કામ છે, આ કંપનીમાં મારી ઈજ્જત થાય છે, તું જ જો આ લોકડાઉનમાં બધાને ઘરે કામ આપ્યું છે, મને માત્ર ઇમર્જન્સીમાં જ કામ આપે છે, અને મને લાગે છે ત્યાં સુધી આ વર્ષે મને પ્રમોશન પણ મળશે." મીરાંને સમજાવતા સુભાષે કહ્યું.

"પ્રમોશનના નામ ઉપર તમને બે કે ત્રણ હજારનો વધારો કરી આપશે, એથી વધારે કઈ નહિ, તમે અત્યાર સુધી બીજે પ્રયત્ન જ નથી કર્યો તો કેવી રીતે તમને ખબર પડે? કદાચ અહિયાંથી વધારે તમારા કામની કદર બીજી જગ્યાએ પણ થાય." મીરાંએ સુભાષને સમજાવતા કહ્યું.

સુભાષે મીરાંને આશ્વાસન આપતા કહ્યું: "કદાચ તારી વાત સાચી પણ હોઈ શકે, બીજે કદાચ મારા આ કામની કદર વધી પણ જાય, સારું ચાલ બસ, તું કહું છું તો હું બીજે પણ પ્રયત્ન કરીશ, મારી સાથે કામ કરતો મારો એક મિત્ર અત્યારે મુંબઈમાં છે, એ ખુબ જ મોટી ચેનલમાં જોડાઈ ગયો છે, એને પણ મને મુંબઈ આવવા માટે કહ્યું હતું, પરંતુ મેં ના કહ્યું."

મુંબઈની વાત સાંભળતા જ મીરાંએ કહ્યું: "ઓહ, ના, આપણે મુંબઈમાં તો નથી જવું, પરંતુ અહીંયા જ તમે ક્યાંક બીજી નોકરી શોધી લો, મુંબઈમાં કમાણી સાથે ખર્ચ પણ વધારે હોય, અહીંયા જ આપણે સારા છીએ, તમે અહીંયા જ કોઈ સારી જગ્યાએ તપાસ કરજો."

"જેવી તારી ઈચ્છા બસ, ચાલ હવે જમી લઈશું ?" સુભાષે મીરાં સામે એક હાસ્ય રેલાવતા કહ્યું.

મીરાંએ પણ હસીને જવાબ આપતા કહ્યું કે: "તમે હાથ ધોઈ લો, હું ત્યાં સુધી જમવાનું પીરસું છું."

બપોરે જમીને પણ મીરાં અને સુભાષે બેસીને હળવી વાતો કરી, સુભાષ આજે આખો દિવસ ટીવી જોઈ શક્યો નહોતો માટે બપોરે જયારે મીરાં સુઈ ગઈ ત્યારે તેને સમાચાર જોયા.

કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો હતો, રોજ વધારે લોકો કોરોનાના કારણે સંક્રમિત થતાં જોવા મળી રહ્યા હતા, દિલ્હીના નિઝામુદ્દીની તબલીગી જમાતમાં સામેલ થયેલા અમદાવાદના એક પુરુષે પોતાના ઘરના જ બીજા ચાર સભ્યોને કોરોનાગ્રસ્ત કર્યા હોવાના સમાચાર સાંભળીને સુભાષ હેરાન રહી ગયો. ગઈકાલે જ 516 નવા કેસ સામે આવ્યા હતા અને 14 લોકોના મૃત્યુ પણ થયા હતા. ટીવી જોઈને સુભાષ બેઠક રૂમમાં જ સુઈ ગયો.

સાંજે પણ રોજની જેમ જ મીરાં અને સુભાષ સાથે મળીને શૈલી સાથે સમય પસાર કરવા લાગ્યા, આજે મીરાં જલ્દી સુઈ ગઈ, પરંતુ સુભાષને ઊંઘ આવી રહી નહોતી, બેડમાં પડ્યો પડ્યો તે વિચારવા લાગ્યો...

"મીરાંને હવે કેટલીક વાતો સમજાઈ રહી છે, તે ધીમે ધીમે એ મીરાં બનવા જઈ રહી છે જે મીરાં લગ્ન બાદ જોવા મળી હતી, છેલ્લા ત્રણ વર્ષથી મીરાંનું આ રૂપ મેં ક્યારેય નહોતું જોયું, મીરાંએ આજે નોકરી બદલાવ માટેનું તો જણાવી દીધું પરંતુ શું મારે નોકરી બદલવી જોઈએ? નોકરી ના બદલવાનું કારણ માત્ર ત્યાં મારા કામની કદર થાય છે એટલું જ નહીં, પરંતુ સુરભી પણ છે. છેલ્લા ઘણા સમયથી હું સુરભીની નજીક આવી રહ્યો છું, જયારે મીરાંએ મારી સાથે ઝગડા કરવાનું શરૂ કરી દીધુ, નાની નાની વાતે ટોકવા લાગી ત્યારે મને સુરભીએ જ તો સાચવેલો ! હું મીરાં સાથે દગો કરવા તો નહોતો માંગતો, પરંતુ સમય ધીમે ધીમે મને સુરભીની નજીક લઇ આવ્યો, અને હું પણ તેની નજીક આવતો ગયો, હું મીરાંને પણ છેતરતો નહોતો, ઘરે આવ્યા બાદ મીરાંને પણ પહેલાની જેમ જ રાખતો, મારો પ્રેમ અભિવ્યક્ત કરતો, પરંતુ મીરાંના મનમાં મારા વિશેનો ગુસ્સો અને તેની જીદ આગળ હું પણ લાચાર થઇ ગયો અને હું પણ એમ જ ઈચ્છતો હતો કે મારા અને મીરાંના ડિવોર્સ થઇ જાય"

(કોણ છે આ સુરભી? શું સુભાષ સુરભીના કારણે નોકરી નહિ છોડે? શું મીરાંને સુરભી વિશેની વાત સુભાષ જણાવી શકશે? શું સુભાષ પણ મીરાંને છૂટાછેડા જ આપવા માંગતો હતો? જાણવા માટે વાંચતા રહો "લોકડાઉન-21 દિવસ"નો ભાગ-11)

લે. નીરવ પટેલ "શ્યામ"