સોહી
*ભાગ : ૨*
દાદા-દાદી,
ગાડીનો આગ્રહ પણ દાદાએ ન કર્યો,જાણતા હતા કે દીકરો કેવો હઠાગ્રહી હતો.દાદા પણ ભણેલા હતા,સંસ્કૃત સાથે એમ.એ કરી તેમના જ ગામ સોજીત્રાની શાળામાં આચાર્ય હતા ને નિવૃત્તિ સુધી રહ્યા. દાદી પણ ઘણાં જ માયાળું તેથી આખું ગામ બા કહે..ગામડાં હવે તો મનભાવન નથી રહ્યાં પણ એજ પાદરે સરસ મજાનો વડલો,વડલાની ચોતરફ ગોળ બેઠક નાના મોટાનો વાતો ને હસી મજાકનો સાક્ષી.રમેશભાઈ પણ એની નીચે ઝૂલ્યા હતા ને ગિલ્લીદંડાની રમત રમ્યા હતા.તળાવ પણ સ્વચ્છ,સવારના નિકળતા જ સૂર્યની કિરણો તેની પર પડતીને તળાવમાં જે કેશરી રંગ છાંય જાતો તે દ્રશ્યની યાદથી રમેશભાઈની આંખો જાણે છલકાય ગઈ પણિહારીઓ તો હવે જાણે દેખાતી જ બંધ થઈ ગઈ.પોતે નાના હતા ને બા પાણી ભરી લઈને આવતી તો પોતે બાને કેવી મદદ કરતાં બધી જ સ્ત્રીઓ તેમને કહેતી રમેશની બાને તો ભાઈ કેટલું સુખ! આજે વિચાર આવ્યો શું ખરેખર આ કોટ પહેર્યા પછી તે વિચાર્યું કે બા શું કરતી હશે..?બળદના ગળે વાગતી ઘંટડીઓનો રણકાર ને મહોલ્લામાં દામજીકાકા નો ઘોઘરો અવાજની દંડાની રમઝટ ,રોજ વાડકોભરી ને દૂધ ઊભા ઊભા હુંને પેલો વસંત પી જતા.બા કેવો ગુસ્સો કરતીને રમેશભાઈ મરકી પડ્યા,તો પત્ની ને જરા વિચિત્ર તો લાગ્યું.
આજે દાદા દાદીને તો ગોળનું ગાડું આવવાનું હતું.ગામમાં પણ બધા જાણી ગયા હતા.પરંતુ દાદા સમજું હતા ,તેમણે બધાને એકજ દિવસે એક સાથે જ જમણવાર રાખી દીધો હતો.તેથી વારંવાર લોકો આવી તેમને ઘરમાં પરેશાન ન કરે.દાદાનું હૃદય ધડકન ચૂકી જતું હતું,તો દાદીનું હૃદય જોર જોરથી ધડકી રહ્યું હતું.આધુનિક ટેકનોલોજી ને આધુનિક ફોન દ્વારા તેઓ જરૂર એકબીજાથી પરિચિત હતા.પણ મન ને સ્પર્શના સ્પંદનનો થી દૂર હતા.તેઓ વારંવાર દાદીને કહ્યા કરતા જોજે હ્ જરાય તેના માથા પર હાથ નહિ ફેરવતી,એને ગમે ન ગમે,જોજે હ્ તેના ગાલને હાથ ન લગાડતી એની ચીબૂક પકડી વહાલ ન વરસાવતી..દાદી તો જાણે આંખે આવતા ઝળઝળિયા વારંવાર લૂછી આંખ ચોખ્ખી કરતા કે ક્યાંય સોહીને પહેલી નજરે સ્પષ્ટ જોવાનું ચૂકી ન જવાય.
દાદા ભલે આમથી તેમ આંટા મારતા પણ મન તો તેમનું પણ અધીરું થઈ ગયું હતું.મનતો કરતું ફોન કરી પૂછે કેટલે પહોંચ્યા પણ એક ડર હતો કે રમેશને અધીરાઈ નહિ પસંદ પડે.તેથી સંયમ રાખી વરંડા માંથી આગળ ને આગળથી ગામના ચોક સુધી આંટાફેરી કરી પચ્ચીસ ત્રીસ આંટા મારી ચૂક્યા હતા.ઘર સાફ છે કે નહિ દસ-બાર વાર ચકાસી આવ્યા હતા.જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ તેમની ધીરજ ખૂટતી ગઈ હતી.ઘરતો માહીએ ચોખ્ખું ચણાક કરી દીધું હતું.દાદાજી એની જોડે જઈ સામાન પણ લઈ આવ્યા હતા.માહી રજ્જોની દીકરી હતી.બરાબર સોહીની જ ઉમ્મરની.તેની મા જ્યાં જ્યાં કામ કરતી ત્યાં ત્યાં પરદેશથી લોકો ખૂબ જ આવતા જતા હતા.આથી માહી જાણતી હતી કે અમેરિકન ઈન્ડિયન્સ ને શું શું જોઈએ.દાદાએ પણ અંગ્રેજી સિનેમા જોઈ જોઈ ને ઘરને સરસ રીતે સજાવ્યું હતું.
વિમાનતળથી ખેડા જીલ્લાના સોજીત્રા ગામે પહોંચવાનો રસ્તો જોઈ રમેશભાઈ ને તેમની પત્ની ને ખૂબ આશ્ચર્ય થયું.સુંદર પહોળા રસ્તા,એક્સપ્રેસ હાઈવે ને વચ્ચે સુંદર લાલ,પીળાને જાંબલીફૂલોનીહારમાળા..લોકો જ્યારે ગુજરાતથી આવતાને વખાણતા તો એ બન્ને તેઓની મશ્કરી કરતા કે તમે કેટલું પણ કહો ભારત ન જ સુધરે.હા મોટા મોટા શહેરોની વાત અલગ કે તેઓએ પશ્ચિમીકરણ અપનાવ્યું પણ ગામડાં..ને રમેશભાઈની આશ્ચર્ય વચ્ચે ખરેખર તેઓએ એક અદ્ ભૂત જ બદલાવ જોયો.બન્ને અંત:કરણથી ખુશ થયા ચાલો સોહી ને હવે ગંદું કે વિચિત્ર નહિ લાગે.
સોહીનું હૃદય તો બીજું જ વિચારતું હતું કે તે પહોંચશે તો દાદી કેવું રીએક્ટ કરશે,દાદા શું ખુશ થશે?પાપા ના કહેવા પ્રમાણે દાદા તો ખૂબ જ સ્ટ્રીક્ટ છે,દાદી જરૂર રડવાં માંડશે !મને હગ કરશે ને વહાલ કરશે.!જેમ અમેરિકામાં જીનીની ગ્રાન્ડમા તેને હાય ! સ્વીટી !કહી ને હેડ પર કીસ કરે છે એમ જ મને દાદી લવ કરશે ને??આંખો મીંચતા તેને ધૂંધળું હિંચકાવાળું ઘર નજર સમક્ષ ઉભુ થતું.પણ સ્પષ્ટ તેને કાંઈ યાદ નથી.રમેશભાઈ પણ જેમ જેમ ઘર નજીક આવતું ગયું તેમ માદરે વતનની યાદમાં ગળગળા થઈ ગયા.
આખરે સોજીત્રા બે કિલોમીટર નું પાટિયું વંચાયું ને પોતે છોડી ગયેલા એ નાના ગામની પાદરે ગાડી ઉભી રહી. ઘર સરનામા પ્રમાણે થોડું ગામની બહાર હતું પણ આશ્ચર્ય તેઓ જે ઘર છોડી ગયા હતા તે ઘર આ નહોતું.
આ તો આધુનિક બેઠા ઘાટનો સુંદર બંગલો કે કોઠી હતી.બહાર સરસ સુંદર જાતજાતનાં ફૂલો ને તેની મહેક હતી,વચ્ચોવચ સુંદર ફુવારો શીતળ જળનો છંટકાવ કરતો હતો.સુંદર લીલીછમ જાજમ પાથરી હોય તેવી લોન હતી.બહાર ટી ટેબલને સુંદર ઝૂલો હતો.તેની પિત્તળની સાંકળ પર હાથી ઘોડા ને પરીઓ હતી.હિંચકા પર નરમ નરમ ગાદી હતી ને બહાર એજ દાદા દાદી તેમના સ્વાગત માટે ઉભા હતા.સાથે એક સોહી જેવડી જ છોકરી પણ ઉભી હતી.પાંચેની આંખોમાં અમી છાંટણાં હતા.
(ક્રમશ:)
જયશ્રી પટેલ
૨૮/૩/૨૦૨૦