અંગત ડાયરી
============
શીર્ષક : લક્ષ્મણરેખા
લેખક : કમલેશ જોષી
ઓલ ઈઝ વેલ
લખ્યા તારીખ : ૨૯, માર્ચ ૨૦૨૦, રવિવાર
વિશ્વના રંગમંચ પર અત્યારે એક ખતરનાક અંક ભજવાઈ રહ્યો છે. વિશ્વનો પ્રત્યેક માનવ ઘરમાં લપાઈને બેઠો છે. બહાર ‘માણસ ગંધાય માણસ ખાઉં’ એવું ગણગણતો કોરોના નામનો અસુર ઘૂમરા મારી રહ્યો છે. આજ માનવજાતનું બધું દાવ પર લાગી ગયું છે : ધીરજ, સમજદારી, જવાબદારી બધું જ. વિચિત્રતા એ છે કે આ પરીક્ષામાં એક પણ વ્યક્તિ ‘ફેઇલ’ થશે તો સમગ્ર માનવજાતે એની બહુ મોટી કીંમત ચૂકવવાની રહેશે.
ઈતિહાસને શિરે ભવિષ્યમાં સાત અબજ લોકોના જીવને જોખમમાં કોણે મૂક્યો? એ શોધવાની બહુ મોટી જવાબદારી આવી પડવાની છે. તમે ચીનનું નામ લો એ પહેલા સાત વાર વિચાર કરી લેજો. એ માત્ર કોરોનાનો સર્જક છે, એનો ફેલાવો કરનાર નાસમજ, બેજવાબદાર વ્યક્તિઓ આપણે જ છીએ.
લક્ષ્મણ રેખા એટલે શું? એક વર્તુળાકાર લીટી? કોઈ સાવ ‘ભોળો-ભટાક’ માણસ કે છ મહિનાનું છોકરું લક્ષ્મણરેખાનો આવો અનર્થ કરી શકે, તમે નહીં. ‘શબ્દ’ એક શોધો અને ‘સંહિતા’ નીકળે એવો ભારત દેશ છે. આ દેશમાં એવું કહેવાય છે કે એવો એકેય શબ્દ નથી જે શ્લોક ન બની શકે. જ્યાં એક સમયે રામાયણ, મહાભારત જેવા મહાકાવ્યો રચાયા, વેદો રચાયા, ઉપનિષદો રચાયા, દસ દસ અવતારો જે દેશમાં થયા એ દેશના આપણે લક્ષ્મણરેખાનો ખરો અર્થ નહીં સમજીએ, એ વાતમાં માલ નથી. આંખો બંધ કરી વિચારું છું તો લાગે છે કે ભીતરેથી ખુદને સંપૂર્ણ બદલીએ એ માટેનો કદાચ ઈશ્વરે આપેલો એક ગોલ્ડન ચાન્સ એટલે લોકડાઉન. યાદ રાખજો ભવિષ્યમાં સેંકડો વર્ષો સુધી માનવજાતને આવી ‘તક’ મળવાની નથી.
તક શાની?
તક ફેરવિચારણા કરવાની. તક અસત્યમાંથી સત્ય તરફ, અંધકારમાંથી પ્રકાશ તરફ, મૃત્યુમાંથી અમૃત તરફ જવાની. યાદ રહે, હજુ રાવણ આવ્યો નથી, હજુ સીતા સુરક્ષિત છે. બહાર પાડા પર યમરાજ આંટા મારી રહ્યા છે. લક્ષ્મણરેખા ઓળંગી રહેલી દરેક ‘વ્યક્તિ’ને એક પછી એક સંક્રમણ લાગી રહ્યા છે. આપણે હજુ ઘરમાં જ છીએ.
સમાજ એટલે એક નિશ્ચિત દિશામાં વિકાસ સાધવા સમજી, વિચારીને એકત્ર થયેલા લોકોનો સમૂહ. માનવસમાજ અને જાનવરસમાજમાં ફર્ક છે. માનવસમાજની કેટલીક આચાર સંહિતાઓ છે. જેમ ટ્રાફિકના રુલ હોય, વિજ્ઞાનના નિયમો હોય એમ સમાજના પણ નિયમો છે. તમે ગમે તે હો જો આ નિયમોનું પાલન કરતા નથી તો તમે બીમાર છો.
કોરોના એટલે એક વિનાશકારી વિચાર કે આચરણ જ સમજો. ૨૨ માર્ચ પહેલાના દિવસો, મહિનાઓ, વર્ષો દરમિયાન આપણે અનેક બદમાશીઓ આચરી ચૂક્યા છીએ, ન કરવાનું કરી ચૂક્યા છીએ. વાયરસને લીધે જેમ કમ્પ્યૂટરની સ્પીડ ઘટી જાય એમ, આપણી લુચ્ચાઈઓ-બેઈમાનીઓ-બેજવાબદારીઓને લીધે સમાજ આખાની ગતિ ધીમી પડી ગઈ છે. કમ્પ્યૂટરના જાણકારોને ખબર હશે: વાયરસ અને ઍન્ટિવાયરસ. આ એકવીસ દિવસ આપણું ઍન્ટિવાયરસ દ્વારા સ્કેનીંગ થઇ રહ્યું છે – ટ્રેક બાય ટ્રેક અને સેક્ટર બાય સેક્ટર. એમ સમજોને ઘરે ઘરે તપાસ ચાલુ જ છે.
‘પાણી’ને ‘ભૂ’ કહેનારા ‘દંભીઓ’ જો સ્કેનીંગ પૂરું થયા બાદ ‘ભૂ’ને ‘એચ.ટુ.ઓ.’ કહેતા થઇ જાય તો સમગ્ર માનવજાતનું કલ્યાણ થઇ જાય.
પકડાઓ કે ન પકડાઓ, ભ્રષ્ટાચાર – ચાહે એ પૈસાનો હોય, વાણી, વર્તન કે વિચારનો હોય– એ ભ્રષ્ટાચાર જ છે, સામાજિક આચારસંહિતાનું – લક્ષ્મણરેખાનું ઉલ્લંઘન જ છે. આ એકવીસ દિવસના સ્કેનીંગમાં આપણને ફરી ફ્રેશ-તાજા-માજા થઇ જવાની તક છે. ભીતરેથી વાયરસ નીકળી ગયો હશે. સમાજની મુખ્ય વિચારધારામાં ભળી, માનવજીવનને પૂર્ણપણે ખીલવવા આપણે ખુદને તૈયાર કરી શકીએ એટલી કૃષ્ણ કનૈયાને પ્રાર્થના. મહાભારતના યુદ્ધ વિરામ બાદ પાંડવોએ જેમ હિમાલયના ઉત્તુંગ શિખરો તરફ પ્રયાણ કર્યું તેમ માનવજાત કાનુડાએ ‘ગીતાજી’માં કહેલા ઉચ્ચ વિચારો અને આદર્શો જીવનમાં ઉતારવા માટે પ્રયત્ન કરે એ જ ‘કોરોના યુદ્ધ’ની પૉઝિટીવ ફળશ્રુતિ.
લોકડાઉન પૂર્ણ થશે અને જનજીવન સામાન્ય બનશે ત્યાં સુધીમાં આપણે ઘણું ગુમાવી ચુક્યા હોઈશું, રૂપિયા-પૈસા અને માણસો પણ ખરા. બસ, ‘માણસાઈ’ બચી જાય ને તોય જંગ જીત્યા.
હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)