રાઈટ એંગલ
પ્રકરણ–૧૧
કૌશલ સાથ નહીં આપે?
કશિશને ફેમિલિરુમમાંથી ટી.વી.નો અવાજ સંભળાતો હતો. આજસુધી એણે કૌશલનું આવું વર્તન પહેલાં કદી જોયું નહતું. એટલે એને સમજ પડતી નહતી કે એને કેમ મનાવવો? બીજી બાજુ એમ પણ થતું હતું કે પોતાનાથી થાય તેટલાં પ્રયત્ન કરી ચૂકી છે. આથી વધુ તો એ શું કરે? બસ સમય પર બધું છોડી દેવું. સમય આપોઆપ બધી સમસ્યા હલ કરી દેશે. અને પોતે પહેલાંની જેમ નોર્મલ વર્તન કરવું. કશિશને આ વિચાર ગમ્યો.
રોજ બન્ને જમીને વરંડામાં હીંચકા પર બન્ને બેસતા તેમ કશિશ ત્યાં જઈને બેઠી. કૌશલની નારાજગી દૂર થશે એટલે ચોક્કસ આવશે ઊંડે ઊંડે એ આશા હતી. એટલે એણે બીજા વિચાર કરવા માંડ્યા. આજના દિવસની વિશે એ વિચારવા લાગી. કેસ તો કરી દીધો પણ હવે પુરાવા આપવા પડશે. તે વિશે તો ધ્યેય કે એના વકીલ સાથે વાત થઈ જ નથી. ધ્યેય પણ ખરો છે, પોતાને કશી માહિતી પણ આપતો નથી. પણ રાહુલને ચોક્કસ ગાઈડ કરતો રહેશે. જેથી એનો કેસ કોર્ટમાં ટકી શકે.
કશિશે મોબાઈલમાં ગૂગલ ઓપન કરીને એના જેવો કોઈ કેસ હોય તો સ્ટડી કરવા માટે ખાંખાખોળા કર્યા. પણ પોતાના કેસ સાથે મળતો આવે તેવો કોઈ કેસ દેખાયો નહી. આથી એણે ક્વોરા પર આ સવાલ પૂછયો. અને એને જવાબ મળે તેની રાહ જોતી બેઠી. ત્યાં આખા દિવસ દરમિયાનની ઘટના એની નજર તળે પસાર થઈ ગઈ. બસ હવે એ વિચારવાનું છે કે પપ્પા અને ભાઈને કોર્ટના સમન્સ મળશે તે પછી એમનો સામનો કેવી રીતે કરવો?
કશિશે તે ટોપિક પર તરત કન્ક્લુઝન પર આવી ગઇ. એમણે મારી કરિયર ધૂળધાળી કરી નાંખી તો તે વિશે એકક્ષણ પણ એમણે મારે વિશે વિચાર્યું નથી મારે પણ તેમના વિશે શું કામ વિચારવું જોઈએ. પડશે તેવા દેવાશે. બસ આ વિચાર કશિશને મમળાવવો ગમ્યો.
‘હજુ કૌશલ કેમ ન આવ્યો?‘
એણે સેલફોનમાં જોયું તો દસ વાગવા આવ્યા હતા. એ વરંડામાંથી ઘરમાં આવી. એણે જોયું ફેમિલિ રુમની લાઈટ બંધ હતી. કૌશલ ઉપર બેડરુમમાં જતો રહ્યોં હશે. એ માસ્ટરબેડરુમમાં આવી, અને જોયું તો કૌશલ બેડ પર સુતો હતો. એ ખરેખર સુઇ ગયો છે કે ખાલી ડોળ કરે તે જોવા માટે કશિશે એના માથા પર હળવેથી હાથ ફેરવ્યો. પણ કોઈ રિસ્પોન્સ ન મળ્યો એટલે કશિશ એની બાજુમાં સુતી. સાત વર્ષના લગ્નજીવનમાં આવું પહેલીવાર બન્યું હતું કે એના પહેલાં કૌશલ સુઇ ગયો હોય. કશિશ ક્ષણ બે ક્ષણ તે વિશે વિચારીને ચિંતામાં પડી ગઇ. પછી એણે સેલ્ફ કન્ટ્રોલ મેળવી લીધો. એ ભલે પોતાનાથી નારાજ હોય પોતે તો નથી ને? કૌશલના હાથને એણે એકદમ હળવેથી પકડ્યો, ચૂમ્યો અને એ સુઇ ગઈ.
એક વીક સુધી આમ જ ચાલ્યું. કશિશે પોતાના વર્તનમાં અંશ માત્રનો ફેરફાર ન કર્યો. આટલાં વર્ષોથી બન્ને સાથે જીવતા હતાં તેમ જ કશિશ જીવતી હતી. પણ કૌશલનું વર્તન બદલાય રહ્યું હતું. કૌશલ કદીક વાત કરે ,કદીક ન કરે. કોઈ વાતમાં રિએક્ટ કરે તો કોઈ વાત પર કોઇ રિએક્શન નહી જાણે કશું સાભંળતો જ નહોય. ઘરના વાતાવરણમાંથી સાહજિકતા ઓછી થતી જતી હતી અને વાતાવરણ ધીરે ધીરે બોઝલ બનતું જતું હતુ. બસ કોઈક દિવસ એકાદ ચિનગારી પ્રગટશે અને જાણે ભડકો થશે તેવી ગૂંગળામણ છવાય હતી.
અને એક દિવસ કશિશ અને કૌશલ ડિનર કરી રહ્યાં હતા ત્યાં વોચમેને ઇન્ટરકોમ પર મેસેજ આપ્યો,
‘મેડમ આપકે ભાઇ આયે હે!‘ આ સાંભળીને કશિશના હ્રદયના ધબકારા વધી ગયા. હવે શું થશે? એણે કૌશલ સામે જોયું, અને બોલી,
‘ઉદયભાઇ આવ્યા છે!‘
કૌશલે કદાચ સાંભળ્યું નથી તેમ માનીને કશિશે ફરી કહ્યું.
‘ઉદયભાઇ આવ્યો છે!‘
કૌશલ એકાદ પળ એને જોઈ રહ્યો. પછી જાણે કશું સાંભળ્યું જ ન હોય એમ ચૂપચાપ જમવા લાગ્યો. કૌશલની આ અવગણનાથી કશિશને બહુ ગુસ્સો આવ્યો પણ એ ગમ ખાઇ ગઇ. ત્યાં ઉદયભાઇ ડાઇનિંગ રુમમાં આવ્યા. અને કશિશ તરફ જોરથી એમણે એક ઇન્વેલપનો ધા કર્યો,
‘શું છે આ બધું?‘
કશિશ એમની સામે જોઈ રહી. છ ફૂટ ઊંચાઇ, કસાયેલું બદન અને ગૌરવર્ણ પર ચમકતી ભાવવાહી આંખો. એક હાથમાં સોનાનું કડુ, બીજા હાથમાં બ્રાન્ડેડ રિસ્ટવોચ અને ગળામાં રુદ્રાક્ષના પારાવાળી ચેઈનમાં શ્રીનાથજી ભગવાનની ડાયમન્ડમાં મઢેલી છબી. બન્ને હાથમાં રુબી અને સેફાયર મઢેલી વીંટીઓ. લેટેસ્ટ ડિઝાઇનના બ્રાન્ડેડ પેન્ટ–શર્ટ. કશિશ પોતાની જગ્યા પર શાંતિથી બેસી રહી, પછી એકદમ શાંતિથી બોલી,
‘ભાઈ તું, શાંતિથી બેસ. બે મિનિટ, અમે જમી લઈએ પછી વાત કરીએ.‘ ઉદયભાઇ કરતાં કશિશ પાંચ વર્ષ નાની છે પણ પહેલેથી તું કહેવાની જ ટેવ પડી છે. આજે પણ કશિશે પહેલાંની જેમ તું જ કહ્યું.
જંગલમાં છૂટથી વિહરવા ટેવાયેલો સિંહ પાંજરામા પૂરાયો હોય તેવી અકળામણ અને રોષ ઉદયભાઇના ચહેરા પર હતા. બન્ને જમી લે તેટલીવાર રાહ જોવી એમના માટે અઘરી હોય તેમ એ ચેર પર માંડ માંડ પોતાની જાત પર કન્ટ્રોલ કરીને બેઠાં હતા. પણ બેઠાં બેઠાં ય એમના પગ હલતાં હતા.
કૌશલ જાણે ઉદયભાઇની હાજરી જ ન હોય એમ જમતો રહ્યો. જમીને ઊભો થયો અને ઉદયભાઈ સામે જોઈને બોલ્યો,
‘મને લાગે છે કે તમે ભાઈ–બહેન આ વિશે વાત કરો તે જ યોગ્ય છે. મારી કોઈ જરુર નથી. એક્સક્યુઝ મી! ‘
બન્નેમાંથી કોઈ રિસ્પોન્સ આપે તે પહેલાં તો કૌશલ રુમની બહાર જતો રહ્યો. કશિશ એને જતા જોઇ રહી. એના દિલમાં તો જાણે ચીરો પડી ગયો. એણે ત્યાંથી નજર ફેરવીને ઉદયભાઈ તરફ જોયુ અને જાણે કશિશ એમની સામે જ જોવે તેની રાહ જોતા હોય એમ ઉદયભાઈ તરત બોલ્યા,
‘જોયુ? કૌશલ પણ તારાથી નારાજ છે, અને આ શું માંડ્યું છે? તને કાંઈ ભાન–બાન પડે છે તું શું કરી રહી છે?‘
ઉદયભાઈ વગર કહ્યે આ આખી બાબત પર કૌશલનું શું સ્ટેન્ડ છે તે જાણી ગયા એટલે કશિશનો ઇગો ઘવાયો. કૌશલે કમસેકમ અત્યારે તો આ પળ સાચવી લેવી જોઈએ ને! પતિ–પત્ની વચ્ચે કોઈ વાતે અનબન થઇ છે તે બીજાને શું કામ જાણ થવા દેવી? અને આ ગુસ્સો એણે ઉદયભાઇ પર કાઢયો,
‘મારે જે કહેવું હશે તે હું કોર્ટમાં કહીશ. અને મારી અને કૌશલની અંગત બાબતમાં દખલ નહીં કરવી. મેં એવો હક્ક કોઈને નથી આપ્યો. તું જઇ શકે છે.‘
કશિશના જડબાતોડ જવાબથી એકાદ ક્ષણ તો ઉદય સ્તબ્ધ થઈ ગયો. માણસ પોતાને સાચો સાબિત કરવા માટે ઘણીવાર મોટા અવાજનો સહારો લે છે જેથી સામેવાળી વ્યક્તિને ડરાવી શકાય. એથી એમણે શાબ્દિક એટેક કર્યો,
‘હવે તું છેલ્લે પાટલે બેસી જવા માંગે છે એમ? તને ભાન પડે છે તું જે કરે છે તેથી શું થશે? અને મેં જે કર્યું તે તારા ભલાં માટે કર્યું હતું સમજી!‘
‘તે મને ડોકટર ન બનવા દીધી. એ તે મારા ભલા માટે કર્યું હતું તેમ તું કહેવા માંગે છે?‘ કશિશના ચહેરા પર રોષ હતો. એ બરાબર ફાઇટ આપવાના મૂડમાં હતી. એક તો વગર કહ્યેં ઉદય આમ ટપકી પડ્યા હતો અને તેમાં પાછું કૌશલનું આવું નિર્લેપ વલણ બળતામાં જાણે ઘી હોમાય અને જેમ આગ પ્રજવળે તેમ કશિશનું દિલ બળી રહ્યું હતું.
‘ડોકટર ન બની તો શું થયું? શું ખોટ છે તારી લાઈફમાં તે આમ બાપ પર કેસ ઠોકવા નીકળી છે!‘ ઉદયભાઇએ જાણીજોઈને વાતમાં મહેન્દ્રભાઈને ઘસડ્યા. પપ્પા પર કશિશને બહુ પ્રેમ છે. અને એથી જ એની વીકનેસ છે પપ્પા છે તે ઉદયભાઈ જાણે છે. એમણે કશિશની દુ:ખતી નસ દબાવવાનો પ્રયત્ન કર્યો. કદાચ એ માની જાય અને કેસ પાછો ખેંચી લે.
‘અન્યાય કરવો તે પાપ છે, તેમ અન્યાય સહન કરવો તે પણ પાપ છે અને અન્યાય કરવામાં સાથ આપવો તે તો મહા પાપ છે.‘
કશિશ માત્ર આટલું જ બોલી અને તીર નજરથી એમને તાકી રહી એ ઉદયને કઠયું. એને કશિશ પર ગુસ્સો તો ખૂબ આવતો હતો પણ સમજી ગયો કે હવે બળથી કે કળથી કામ નીકળે તેમ નથી. એટલે હવે બીજું હથિયાર વાપરવું પડશે.
‘કિશુ, માણસે અમુક સમયે તે સમય–સંજોગો મુજબ વર્તન કર્યું હોય છે એટલે એને તારે આવી રીતે કોર્ટે ચડીને કાંઇ જવાબ માંગવાનો હોય? આપણે આપસમાં વાતચીત કરીને પણ હલ કાઢી શકીએ ને?‘
કશિશે જવાબમાં નિસાસો નાંખ્યો,
‘ભાઇ! શું હલ કાઢીશ? હું અત્યારે ભણીને ડોકટર બની શકું?‘ આટલું બોલતાં બોલતાં કશિશની આંખમાં આંસુ આવી ગયા. ઉદયભાઈ આ વાતનો જવાબ ન આપી શકયા.
‘બહેન માટે તો ભાઇ આપણાં સમાજમાં કેવા કેવા બલિદાન આપતાં અચકાતો નથી. અને તે શું કર્યુ? બહેનને જ બરબાદ કરી નાંખી.‘ કશિશ બોલી એટલે ઉદયમાં પડેલો જૂનવાણી પુરુષ ફરી સપાટી પર આવી ગયો. કશિશની આંખમાં આંસુ જોઈને ક્ષણવાર માટે એમને કશિશ પ્રત્યે હમદર્દી થઇ હતી. પણ એની જુનવાણી માન્યતા એના પર હાવી થઇ ગઇ.
‘પણ તું કેટલી સુખી છે કશિશ, બોલ ભણીને ડોકટર થઈ ગઇ હોત તો ય આટલી સાહેબી ભોગવી શકી હોત? તારા માટે કૌશલ જેવો વર મેં શોધ્યો હતો તે કેમ ભૂલી જાય છે!‘
‘ભાઈ મારે લગ્ન જ ન હતા કરવા..અને તે મને પરાણે પરણાવી. અને બાય ધ વે હું સુખી છું તે માટે માત્ર કૌશલ જ નહીં હું પણ જવાબદાર છું. સમજ્યો!‘
ઉદય જેવા ઓર્થોડોકસ પુરુષ માટે આ વાત સમજવી અઘરી હતી. વળી અત્યારે કશિશની એકપણ વાત એ સમજવા ઇચ્છતા ન હતા. એ માત્ર એટલું જ સમજતા હતા કે કશિશ કોઈક રીત એને હેરાન કરવા ઇચ્છે છે અને એટલે જ એમની ખિલાફ આમ કોર્ટે ચડી છે.
‘અત્યારે આપણે જે વાત પતી ગઇ તે વિશે નથી વિચારવાનું. વાત એ છે કે સાવ આવી સામાન્ય બાબત માટે તું કોર્ટે ચડે તે વાજબી કહેવાય? ને સ્ત્રી તરીકે જન્મી છે તો સ્ત્રીની જેમ રહે ને! પુરુષ થવાની જરુર નથી સમજી!‘
કશિશનું દિલ આ સાંભળીને ચારણી જેવું થઇ ગયું. પોતાના કોઈ દેખાતા વાંક વિના એણે એવા ગુનાની સજા ભોગવી હતી જે એણે કર્યો ન હતો. બસ ગુનો તો એ હતો કે એ એક સ્ત્રી છે. એક એવી સ્ત્રી જેણે પોતાના પિતા અને ભાઇને અપાર ચાહ્યાં. એમના પર ખુદ પર હોય તેટલો વિશ્વાસ કર્યો હતો. અને બદલામાં શું મળ્યું? એની ઇચ્છાઓનું ગળું ઘોટી દેવામાં આવ્યું. એની સાથે વિશ્વાસઘાત થયો, છેતરપીંડી થઈ. જેને કારણે એ આજે ફક્ત મિસિસ કશિશ કોશલ નાણાવટી હતી. જેણે એ વિશે કદી વિચાર્યું ન હતું.
‘એમ કહેને તારો સ્વાર્થ હતો એટલે તારે મને જલદી પરણાવી દેવી હતી.‘ કશિશે જે વાત હ્રદયમાં ઢબુરી રાખી હતી તે આજે હોઠ પર આવી ગઇ.. આક્ષેપ સામે પ્રતિઆક્ષેપ થાય જે તે વાત ઉદયભાઇ જેવા લોકો સમજી કે સહી શકતા નથી.
‘હા, મારો સ્વાર્થ હતો. બસ. તને સંતોષ થઇ ગયો ને? દીવો લઈને શોધવા જતે તો ય કૌશલ જેવો છોકરો શોધી ન શકી હોત!‘
કશિશને એમના આવા વિચાર–વાણી પર હવે ક્રોધ આવવાના બદલે માત્ર દયા જ આવતી હતી. શું સ્ત્રીને માત્ર સારો વર અને ઘર જ જોઈએ? એને એ સિવાય કોઈ અરમાન હોય જ નહી? અને હોય તો તે વાજબી ન કહેવાય? કશિશને શરમ આવતી હતી કે એનો પોતાનો મા જણ્યો ભાઇ પોતાને જ સમજી નથી શકતો. એને તો લગ્ન જ કરવા ન હતા ત્યારે કેમ સપોર્ટ ન આપ્યો? પણ આ બધી વાત એ સમજાવી નથી શકવાની. પછી શું કામ દલીલ કરવી?
કામિની સંઘવી
(ક્રમશ:)