રાઈટ એંગલ
પ્રકરણ–૧૦
‘શું કરવુ કે કૌશલ માની જાય?‘ કશિશે પોતાની જાતને સવાલ પૂછયો.
અને તે સાથે જ કશિશને સવારે કૌશલ સાથે જે વાતચીત થઈ હતી તે યાદ આવી ગઈ. પોતે પોતાના ભાઈ અને પપ્પા સામે કોર્ટે ચડી છે એટલે કૌશલ ખુદ જ પોતાનાથી નારાજ છે. તો એ ક્યાં સાથ આપવાનો? કોણ જાણે કેમ પણ કશિશને હજુ પણ એની સિક્સથસેન્સ કહેતી હતી કે ભલે કૌશલ અત્યારે નારાજ હોય પણ લાંબો સમય એનાથી નારાજ નહીં રહે તેવી એને ખાતરી છે. ભલે એ કશી મદદ ન કરે પણ પોતે જે કરે છે તેમાં મેન્ટલ સપોર્ટ આપે તો પણ ઘણુ છે. કશિશને એને લગ્ન પહેલાંના દિવસો યાદ આવી ગયા.
એક જ ગામમાં રહેતાં હતા એટલે લગભગ રોજ કૌશલ એને મળવા આવતો. એગ્જમેન્ટના એક–બે દિવસમાં જ કૌશલને ખ્યાલ આવી ગયો કે કશિશ ખુશ નથી લાગતી. એ ફોન કરતો તો ય બહુ વાત ન થતી. મોટાભાગે કૌશલ જ બોલતો. એ પૂછતો એના જવાબ કશિશ આપતી પણ તેમાં ઉષ્મા અને આનંદનો અભાવ છે તેનો ખ્યાલ કૌશલને આવી ગયો હતો. એકાદ મહિના પછી બન્નેના લગ્નની તારીખ નક્કી થતી હતી ત્યારે કૌશલે એક દિવસ ક્લિયર કટ કશિશને પૂછી લીધુ હતું,
‘ ઘરેથી તને લગ્ન માટે ફોર્સ તો નથી ને?‘
કશિશ તરત કશો જવાબ આપી ન શકી. પછી એણે કૌશલ સામે જોઈને કહ્યું હતું,
‘હા અને ના!‘ કૌશલ એના જવાબ સાંભળીને કન્ફયુઝ થયો,
‘એટલે?‘ કશિશે સાચી વાત હોઠે આવી ગઈ હતી. પણ શું કહેવું? એમ કહે કે એને લગ્ન જ નથી કરવા? કોઈ સામાન્ય સ્ત્રીને હોય તેવા અરમાન એના મનમાં જ નથી? સારો–સુશીલ વર મેળવવો કે શ્રીંમત ઘરમાં લગ્ન કરીને જિંદગીભર જલસા કરવા તેવી કોઈ અરમાન એના દિલમાં છે જે નહી. એને તો પાંખો ફેલાવીને ઊંચા આસમાનમાં ઉડવું છે! આ સમાજમાં એણે પોતાની એક ઓળખ ઊભી કરવી છે. નાનું–મોટું કામ કરીને પણ કરિયર બનાવવી છે. કોઈની પત્ની કે મા કે બહેન કે દીકરી તરીકેની ઓળખ નહીં પણ પોતાની નીજી ઓળખ હોય તેવું સપનું એણે નાનપણથી સેવ્યું છે. પોતાનું એક નામ હોય. લગ્ન તો એક ઈમોશનલ બ્લેકમેઈલના કારણે કરી રહી છે! કશિશના હોઠે આ બધી વાત આવી ગઈ હતી.
એ બોલવા જતી હતી ત્યાં એને ઉદયભાઈના શબ્દો યાદ આવ્યા,
‘એક વાત સાંભળી લે જે. પપ્પાને એક હાર્ટએટકે આવી ચૂકયો છે. તું આ લગ્ન તોડીશ અને પપ્પાને કશું થયું તો એને માટે તુ જિમ્મેદાર હોઈશ.‘ એને ઈમોશનલ બ્લેકમેલ કરવા પાછળનો ઉદયભાઈનો સ્વાર્થ તે સમજી શકી ન હતી.
કૌશલે એની સામે જવાબની રાહે જોઈ રહ્યો હતો. અને કશિશ સાચી વાત કહી શકી ન હતી. કશિશ જવાબ આપવાના બદલે વિચારમાં પડી ગઈ એટલે કૌશલને થયું હતું કે નક્કી કંઈ લોચો છે. એ કોઈ બીજાના પ્રેમમાં હશે. એણે મનોમન વિચારી રાખ્યું હતું કે જો એવું કશું હશે તો એ ખુદ જ સગાઈ ફોક કરી નાંખશે જેથી કરીને કશિશ પર એનું ફેમિલિ ગુસ્સો ન કરે.
‘મને હાઈટવાળો છોકરો ગમે!‘ કશિશે યુધિષ્ઠરની જેમ નરો વા કુંજરો વા જેવો જવાબ કૌશલને આપ્યો હતો,
એ સાંભળીને કૌશલ ખડખડાટ હસી પડ્યો હતો. કશિશની નિખાલસતા પર એને કુરબાન થઈ જવાનું મન થઈ આવ્યું! કેટલી નિખાલસ અને નીડર છે. બસ એને માટે બીજું કશું ન કરું પણ જીવનભર એ એની નિખાલસતા અને નીડરતા જાળવી શકે તેવી રીતે એને સાચવું તો બસ છે.
એણે કશિશનો હાથ પકડીને ચૂમ્યો હતો. પછી બોલ્યો હતો,
‘કિશુ, આ ડૂબતા સૂરજની સાખે કહું છું હું તારી નિખાલસતા અને નીડરતાને ચાહું છું. તું જીવનભર આવી જ રહેજે. મારી શારિરીક ઊંચાઈ ભલે તને ન ગમતી હોય પણ મારી માનસિક ઉંચાઈ તને ચોક્કસ ગમશે. હું રાહ જોઈશ કે તને મારા પ્રત્યે સાચો પ્રેમ થાય!‘
આ વાત યાદ આવી અને કશિશના મનમાં પડઘો પડ્યો,
‘આજે તને શું થયું કૌશલ? તું તારું જ પ્રોમિસ ભૂલી ગયો? મારી આ નીડરતા તું કેમ સ્વીકારી ન શક્યો?‘
મનમાં છવાતા નગેટિવ વિચારને જાણે અટકાવવા ઈચ્છતી હોય એમ કશિશે પોઝિટિવ મોડમાં વાળવાની કોશિશ કરી. એને લગ્ન પછીના દિવસ યાદ આવ્યા. લગ્ન કરવા માટે ભાઈ બહુ ઉતાવળ કરતો હતો. કારણ કે પપ્પાને બે હાર્ટએટકે આવી ગયા હતા.. પણ કશિશ લગ્ન જલદી કરવા રાજી ન હતી. એનો કૌશલે ઉપાય શોધ્યો હતો.
‘આપણે હાલ લગ્ન કરી લઈએ. પણ આપણે મિત્રો તરીકે રહીશુ. તને જ્યારે એમ થાય કે હવે તું મને અપનાવવા માટે તૈયાર છે તે દિવસથી આપણો રિયલમાં પતિ–પત્ની તરીકે જીવીશુ.‘
‘પણ અગર મને તારા માટે પ્રેમ ન થયો તો?‘ કશિશે પૂછયું હતું. એકવાર લગ્ન થઈ જાય પછી ક્યાં કોઈ રસ્તો બાકી રહે છે. એ વાત એ સમજતી હતી.
‘તો છ મહિના પછી આપણે ડિવોર્સ ફાઈલ કરીશું. હું નથી ઈચ્છતો કે તું પરિસ્થિતિથી લાચાર થઈને મને સ્વીકારે!‘
‘તારા પેરેન્ટસને પ્રોબ્લમ નહીં થાય?‘ કશિશ હજુ આ વાતનો સ્વીકાર કરતા અચકાતી હતી.
‘જો કિશુ, જિંદગી તારે અને મારે સાથે ગુજારવાની છે. મારા કે તારા મા–બાપે નહીં. એટલે આપણો નિર્ણય આપણે જાતે કરવાનો છે.‘ બસ આ વાત કશિશને ગમી હતી. રાધર એને પહેલીવાર કૌશલ માટે માનની લાગણી જન્મી હતી.
કૌશલે લગ્ન પહેલાં જે કહ્યું હતું તે ખરેખર એનું પ્રોમિસ પાળ્યું હતું. એણે એટલે જ પોતાના મમ્મી–પપ્પા સાથે રહેવાનું ટાળીને અલગ બંગલામાં રહેવાનું પસંદ કર્યુ હતું. જેથી એના મમ્મી–પપ્પાને કોઈ શક ન જાય. પોતાના પ્રત્યે કશિશને પ્રેમ થાય એની રાહ કૌશલે જોઈ હતી. રોજ સાંજે કૌશલ ઓફિસ પરથી આવે એટલે બન્ને હરવા–ફરવા જતા. સિનેમા કે જીમ જતા. બે મિત્રો વચ્ચે જેટલો સ્પર્શ થાય તેટલો જ સ્પર્શ કૌશલ કરતો. લગ્ન પછી પણ એ વર્જિન રહી શકી હતી. કૌશલે એના પર પતિ તરીકેનો હક્ક સ્થાપવા માટે કોઈ શારિરક જબરજસ્તી કરી નહી. કશિશને ધીરે ધીરે કૌશલ ગમતો જતો હતો. બસ એની હાઈટ ઓછી હતી બાકી એની મેન્ટલ સ્ટ્રેન્થ આસમાનથી પણ ઊંચી હતી. કશિશને સમજાતું હતું કે પપ્પા અને ભાઈની ઊંચાઈ બહુ આકર્ષક હતી એથી કશિશને પણ હાઈટનું આકર્ષણ હતું. જે ખરેખર વ્યર્થ હતું. કોઈ માણસની હાઈટ ઓછી કે વધુ હોવાથી એ મહાન નથી હોતો પણ એની માનસિક ઊંચાઈથી એ મહાન બનતો હોય છે.
લગ્નના પચીસ દિવસ પછી એક દિવસ બન્ને વરન્ડામાં હીંચકા પર બેઠાં બેઠાં વાતો કરતાં હતાં ત્યારે કશિશે એક રાતે કૌશલને કહ્યું,
‘આપણે હનીમૂન પર ક્યારે જવું છે?‘ કૌશલ ક્ષણ બે ક્ષણ આશ્ચર્યથી એને જોઈ રહ્યો. જે પળની એ પળે પળે રાહ જોતો હતો તે આમ અચાનક આવીને ઊભી રહેશે તેનો અંદાઝ એને ન હતો. હીંચકા પરથી એ તરત ઊભો થઈ ગયો. અને એ બોલ્યો,
‘વેઈટ!‘ અને તરત જ ઘરમાં દોડી ગયો હતો. પાંચ મિનિટમાં પાછો આવ્યો અને એણે ફટાફટ હીંચકા પર એક નાનકડી કેક મૂકી, સાથે એક કેન્ડલ પ્રગટાવી અને ખિસ્સામાંથી એણે નાનકડું બોક્ક્ષ કાઢયું. અને બિલકૂલ ફિલ્મી અદામાં એ એક ગોઠણવાળીને એની સામે પ્રપોઝ કરતો હોય તેમ બેસીને બોલ્યો,
‘માય લવ! વિલ યુ મેરી મી?‘ કશિશને આ બધું ખૂબ નવાઈ પમાડતું હતું સાથે સાથે ખૂબ ગમતું પણ હતું. કેટલાં દિવસથી કૌશલ રાહ જોતો હશે જેથી એણે આટલી તૈયારી કરી રાખી હશે!
કશિશે હા પાડી એટલે એણે રીંગ પહેરાવી દીધો. અને પછી બોલ્યો હતો,
‘સમજ કે આપણું આજે એન્જેગમેન્ટ થયું છે. હનીમૂન માટે યુરોપનું બુકિંગ થાય તેટલાં દિવસ આપણે ભરપૂર રોમાન્સ કરવો છે. લગ્ન પહેલાનો રામન્સ! અને એરપોર્ટ પર હાર પહેરીને ફલાઈટમાં એન્ટ્રી કરીશું એટલે તે આપણો વેડિંગ ડે!‘
કેટલાં રોમાન્ટિક દિવસો હતા એ! બન્ને પહેલાંની જેમ પોત પોતાના રુમમાં રહેતા. એ કૌશલની જ ઈચ્છા હતી. પણ એ ગજબ હતો. ઓફિસથી ગમે ત્યારે ગમે ત્યાંથી ટપકી પડતો! રોમાન્સ કરવાનો એક મોક્કો ચૂકતો નહિ.
કૌશલને સ્વીટ બહુ ભાવતી. એટલે એક દિવસ કશિશ એને માટે રસગુલ્લાં બનાવતી હતી. અને એ પનીર મસળતી ત્યાં પાછળથી અચાનક કૌશલે એના હાથ પકડીને લીધા. પછી અવાજે બોલ્યો હતો,
‘શું બનાવે છે?‘
‘રસગુલ્લાં! એટલે પનીર મસળું છુ.‘ કશિશ બોલી હતી.
‘લાવ મસળી દઉં?‘
કશિશ હવે એના રોમન્ટિક ઈશારા, એનું ઈજન સમજતી થઈ હતી. એને એ બધું ખૂબ ગમતું હતું. કશિશે એની સામે નટખટ અવાજે પૂછયું,
‘શું?‘ અને કૌશલે જાણે એનો ઈશારો સમજતો ન હોય એમ બોલ્યો હતો,
‘પનીર..બીજું શું!‘
‘સારું તો ડિયર આપણે હનીમૂન પર પનીર લઈને જઈશું!‘ અને કશિશ ખડખડાટ હસી પડી. એના હાસ્યમાં ઈજન હતું અને કૌશલે એ હજુ હલેચલે તે પહેલાં તો એને જોશથી પકડી લીધી હતી. અને.....
‘ઘરે જઈને હું કૌશલને મનાવી લઈશ.‘ કશિશે મનોમન બોલી. એણે રસ્તામાંથી પનીર લીધું. અને કૌશલ ઓફિસથી ઘરે આવે તે પહેલાં એણે રસગુલ્લાં બનાવી દીધા. બધાં સરવન્ટને રજા આપી દીધી. જેથી કૌશલ સાથે એકાંતમાં વાતચીત થઇ શકે.. ડાઈનિંગ ટેબલ પર પરફ્યુમડ કેન્ડલ પેટાવીને એ બહાર વરન્ડમાં કૌશલની રાહ જોતી બેઠી. રોજના ટાઈમે જ કૌશલની ગાડી બંગલાના ગેટમાં પ્રવેશી એટલે એ ખુશ થઈ ગઈ. ચાલો એ એટલો પણ નારાજ નથી કે સમયસર ઘરે આવવું ન ગમે. રોજની જેમ કશિશ લિફટ પાસે રાહ જોઈને ઊભી રહી. અને લિફ્ટમાંથી કૌશલ બહાર નીકળ્યો તે સાથે જ કશિશે એને હગ કરીને બ્રીફકેસ લેવા હાથ લંબાવ્યો.
કૌશલે એ રોજની જેમ જ એને આપી અને કશિશ ખુશ થઈ ગઈ. ચાલો પહેલાંની જેમ બધું સરખું થઈ જશે.
‘ભૂખ લાગી છે ને? જમવું છે ને?‘
‘હા...પાંચ મિનિટમાં આવું.‘ કૌશલે કહીને પોતાના રુમમાં ગયો. કશિશ નીચે ડાઈનિંગ ટેબલ પર રાહ જોઈને બેઠી.
એ આવ્યો એટલે કશિશે જમવાનું સર્વ કરી દીધું. રસગુલ્લાં જોઈને કૌશલની આંખોમાં ચમક આવી. એ બોલી પડ્યો,
‘વાઉ...‘ અને બીજી કોઈ વસ્તુ ખાવાના બદલે બાઉલમાં રસગુલ્લાં લઈને ખાવા લાગ્યો. કશિશ એને પ્રસન્નતાથી ખાતો જોઈ રહી. જમતા સમયે કોઈ ખાસ વાત થઈ નહી. કશિશને હતું કે કૌશલ પૂછશે કે કોર્ટમાં ગઈ હતી? શું થયું? પણ કૌશલે કશું પૂછયું નહી અને જમતાં સમયે કશિશે પણ એ વાત ઉચ્ચારી નહી. જમીને પછી બન્ને ડ્રોઈંગરુમમાં બેઠાં એટલે કશિશે કહ્યું,
‘હું કોર્ટ ગઈ હતી.‘ એ કૌશલ સામે જોઈ રહી. પણ કૌશલે જાણે સાંભળ્યું જ ન હોય એમ ટી.વી. ઓન કરી દીધું. એ ન્યુઝ જોવા લાગ્યો. એટલે કશિશ ફરી બોલી,
‘મેં કોર્ટમાં કમ્પ્લેઈન ફાઈલ કરી છે.‘ કૌશલે એની સામે જોયું અને પછી બોલ્યો,
‘કિશુ, મે તને મારો વ્યુ આપી દીધો છે. સો ડોન્ટ ડિસક્સ અબાઉટ ઈટ.‘ કશિશ કશો જવાબ આપ તે પહેલાં એ ઊભો થઈને ફેમિલરુમ તરફ ચાલવા લાગ્યો. કશિશ એને જતા જોઈ રહી. એની આંખોમાં ઘેરી ઉદાસી છવાઇ. આ લડાઈમાં ખરેખર કૌશલ અને સાથ નહીં આપે?
કામિની સંઘવી
(ક્રમશ:)