રાઈટ એંગલ
પ્રકરણ–૫
‘તું?‘ બન્ને જણ એકી સાથે બોલી પડ્યા.
પોલિસ સુપરિન્ટેન્ડન્ટની ઓફિસમાંથી બારણું ખૂલશે અને કૌશલ એમાંથી બહાર નીકળશે તેવું તો સપનામાં પણ કશિશે વિચાર્યું ન હોય ને! તો બીજીબાજુ એસ.પી. સાહેબની ઓફિસ બહાર આમ કશિશ ઊભી હશે એ એવું તો કૌશલે પણ વિચાર્યું ન હોય! ક્ષણભર બન્ને એકબીજાને આશ્ચર્ય અને આઘાતથી જોઈ રહ્યાં. સૌથી પહેલાં કૌશલ સ્વસ્થ થયો,
‘હેય કિશુ વ્હોટ આર યુ ડુંઇગ હિયર?‘
જવાબ આપતાં પહેલાં બે ક્ષણમાં કશિશે સ્વસ્થતા મેળવી લીધી અને મનોમન નક્કી કરી લીધું કે તે કૌશલને સાચી વાત અત્યારે અહીં આમ એસ.પી.ની ઓફિસ બહાર તો નહીં જ કહે. કારણ કે આ વાત કહેવા અને સમજાવવા માટે અનુકૂળ સમય જોઈને કૌશલને સમજાવવી પડે. આમ અત્યારે કહેવાય તો નકામી મુશ્કેલીઓ જ વધે.
‘તારો પીછો કરતી હતી. મારો હેન્ડસમ હબી આખો દિવસ ક્યાં ફર્યા કરે છે તે જાણવું જોઈએ ને!‘ કશિશે જાણી જોઈને મજાક કરી જેથી કૌશલને કોઈ શંકા ન થાય.
‘અચ્છા? તો તે જાણી લીધુંને હું કેટલી હોટ બેબ્સને મળ્યો છું.‘ કૌશલે પણ સામે મજાક કરી.
‘હવે એ અહીં તો કેમ કહું? ઘરે મળ પછી કહીશ. ‘ કશિશે આંખ મારી. કૌશલ તે જોઈને હસ્યો,
‘સ્માર્ટ ગર્લ, બાય ધ વે, આ એસ.પી. સાહેબની ઓફિસ છે ટાઈમપાસ ન કરો. ઉપડો. હું તો અમારા બિલ્ડર એસોસિયેશન તરફથી એમને અમારા એન્યુઅલ ફંકશનું ઈન્વિટેશન આપવા આવ્યો હતો.‘
‘સેમ હિયર, હું અમારી લેડિઝ કલબ તરફથી મિ. એન્ડ મિસિસ રાવને કપલ નાઇટનું ઈન્વિટેશન આપવા આવી છું. એટલે જરા સરને મળીને એમના ઘરે મિસિસ રાવને મળવા જાઉં છું.‘ કૌશલના જ કારણમાંથી કશિશે પોતાનું ત્યાં આવવાનું કારણ શોધી લીધું.
‘ઓ.કે. ડિયર...સી યુ!‘
‘સીયુ....‘ કૌશલ ગયો એટલે કશિશે રાહતનો શ્વાસ લીધો. ‘હાશ...બચી ગઈ, પણ ઘરે જઈને પહેલું કામ એને વાત કરવાનું કરવાનુ છે!‘
એસ.પી.ના પી.એ.એ કશિશને અંદર જવા માટે ઈશારો કર્યો. બહાર રાખેલાં રજિસ્ટરમાં નામ–એડ્રેસ લખીને એ અંદર ગઈ. પણ કશિશને ક્ષોભ થઈ આવ્યો. હાલ જ કૌશલ સાહેબને મળીને ગયો છે, એ જાણશે કે હું એમની વાઈફ છું અને આ કારણથી અહિં આવી છું તો કેવું ધારશે? પોતાના ફેમિલ માટે સાહેબના મન પર કેવી ખરાબ છાપ પડશે! ક્ષણ બેક્ષણ માટે એ ખચકાય ગઈ. કશું કહેવું નથી. ત્યાં ફરી પાછો પોતાનો નિર્ણય યાદ આવ્યો. પોતે જે કારણથી લડે છે તે માટે ભલભલી કુરબાની આપવી પડશે. તો ભલે આજથી જ શરૂઆત થઈ જાય. પરિવારની છાપ ઘસાય તો ઘસાય પણ પોતે અડગ રહેવું. કારણ સત્ય પોતાની સાથે છે.
‘યસ,યંગ લેડી, વ્હોટ કેન આઇ ડુ ફોર યુ?‘ એસ.પી સાહેબની ઓફિસમાં પ્રવેશીને કશું બોલ્યા વિના ચૂપચાપ કશિશ ઊભી હતી એટલે સાહેબે એને સામેથી બોલાવી.
‘ગુડ આફટરનૂન સર!‘ કશિશ હસીને એમને અભિવાદન કર્યું.
‘હેવ અ સીટ...પાણી પીશો?‘ એસ.પી.નો સૌજન્યપૂર્ણ વ્યવહારએ કશિશને હિંમત આપી. એ બોલી,
‘યસ સર!‘ સાહેબે બેલ મારી એટલે પટાવાળો બે ગ્લાસ પાણી લઈને આવ્યો. કશિશ બન્ને ગ્લાસ સડસડાટ પી ગઈ. ઘરેથી બાર વાગે નીકળી હતી અને અત્યારે ચાર થવા આવ્યા હતા. તે દરમિયાન પાણી પીવાનો ટાઈમ પણ મળ્યો ન હતો.
‘નાવ ટેલ મી, તમારે શું કહેવાનું છે?‘
પોલિસ સ્ટેશનમાં ઇન્સ્પેક્ટર સાથે જે વાત કરતાં વાર લાગી હતી તે અહીનાં ફ્રેન્ડલી વાતાવરણમાં બહુ સાહજિકતાથી એ કરવા લાગી. કશિશની વાત ધ્યાનથી એસ.પી. સાંભળી રહ્યાં હતા. અને જેમ જેમ એ સાંભળતા હતા તેમ તેમ ગંભીર બનતાં જતા હતા. વચ્ચે જરૂર લાગે ત્યાં સવાલ કરતાં બાકી એમનો વ્યવહાર એકદમ સહકારમય હતો. બધી વાત કહેવાય ગઈ એટલે એકક્ષણ કશિશ અટકી પછી હિંમતથી બોલી,
‘સર, મારી પહેલાં આપને જે મળવા આવ્યાં હતા ને કૌશલ નાણાવટી એ મારા હસબન્ડ છે. સન ઓફ અતુલ નાણાવટી!‘
‘ઓહ....!‘ એસ.પી. હવે એકદમ ગંભીર થઈ ગયા. એ સમજતા હતાં આવડું મોટું નામ ધરાવતો પરિવાર આખી ય વાતમાં જોડાશે તો શું પરિણામ આવશે.
‘અને ટાવર પાસે જે શાહ જવેલર્સ છે એના માલિક મહેન્દ્ર શાહ મારા ફાધર છે.‘
એ સાંભળીને એસ.પી. કશિશ સામે જોઈને ફટાફટ વિચારવા લાગ્યા. જસ્ટ હમણાં જ એનો પતિ મળીને ગયો અને તે પછી તરત આ કશિશ આવી એટલે એ વાત સ્પષ્ટ છે કે કશિશએ એના પતિને કહ્યું નથી. કૌશલને જાણ હોય અને સહમત હોત તો એ સાથે આવ્યો હોત! આટલાં વર્ષોના ગુનાખોરીના ફિલ્ડના અનુભવ પરથી એટલું તો એસ.પી. તારવી જ શકે. શહેરના બે નામાંકિંત પરિવાર આખી ય ઘટના સાથે સંકળાયેલા છે. અને આમ જુવો તો વાત એટલી ગંભીર નથી. એમણે તરત પોતાનું સ્ટેન્ડ નક્કી કરી લીધું.
‘બહેન તમે અરજી આપતાં જાવ. અમે ચોક્કસ એકશન લઇશું.‘
એસ.પી.નો જવાબ સાંભળીને કશિશ નિરાશ થઈ ગઈ.
‘સર, એફ.આઈ.આર. કરી શકાય ને!‘ કશિશનો જવાબ સાંભળીને એસ.પી.એ પેલા ઈન્સ્પેક્ટરની જેમ ગુસ્સો ન કર્યો. આફટર ઓલ તેવો પબ્લિક ફ્રેન્ડલીની છાપ ધરાવે છે. ભલે પછી કામ થાય કે ન થાય.
‘બહેન, એફ.આઈ. આર. કરતાં પહેલાં અમારે જરુરી કાર્યવાહી કરવી પડે...તમે બેફિકર રહો...તમારું કામ થઈ જશે. આવતાં સોમવારે આવોને! આપણે જોઈએ શું થઈ શકે છે. ડોન્ટ વરી!‘
એસ.પી.ના શબ્દો મધ જેવા મીઠાં હતા પણ કશિશને એમની વાત પર ભરોસો ન બેઠો. બહાર પેલાં બે માણસો આવી જ વાત કરતાં હતા. સોમવારે આવવા કહ્યું એટલે એસ.પી. એનું કામ નહીં કરે. એ પરાણે ઊભી થતી હોય તેમ ચેર પરથી ઊભી થઇ.
‘ઓ.કે. સર!‘
‘જી...ચોક્ક્સ બહેન...ચા પીશો?‘ એસ.પી.એ પોતાનો વિવેક જાળવી રાખ્યો.
‘ના..સર...!‘ અને કશિશ નિરાશ ચહેરે એસ.પી.ની કેબીન બહાર નીકળી.
*****
ધ્યેય પાંચ વાગે કોર્ટમાંથી ફ્રી થયો એટલે એને સૌથી વધુ તાલાવેલી કશિશે શું કર્યું તે જાણવાની હતી. એણે કશિશને ફોન કર્યો તો એણે ઉપાડયો નહીં. હવે શું કરવું? એ ક્યાં હશે? એસ.પી.ને મળવા ગઈ હોય તો ય અત્યાર સુધીમાં તો ઘરે પહોંચી ગઈ હશે. કૌશલને ય ઘણાં સમયથી નથી મળાયું તો એ બહાને મળી લેવાશે. ઘ્યેયએ તરત નિર્ણય લઈ લીધો. કશિશના ઘર તરફ જવું અને એ ઘરે હોય તો મળી જ લેવું.
કશિશના ઘર પાસે ગાડી ઊભી રહી એટલે તરત જ સિક્યુરિટી ગાર્ડે એને ઓળખીને ગેટ ખોલવા આવ્યો તો ગાડી અંદર પાર્કિંગમાં લેવાના બદલે પહેલાં ધ્યેયએ એને પૂછયું,
‘સાબ કે મેડમ ઘર પે હેં?‘
‘જી, સર, મેડમ અભી અભી આઈ હેં!‘
ધ્યેયએ પાર્કિંગમાં ગાડી મૂકી એટલે એક સર્વન્ટ આવીને એને ડ્રોઈંગરુમાં લઈ ગયો.
‘મેડમને, જાણ કરી છે તમે આવ્યા છો. આપ બેસો.‘ ધ્યેય ડ્રોઈંગ રુમમાં બેઠો અને સર્વન્ટે પાણી આપ્યું તે પીધું ત્યાં કશિશ આવી,
‘હેય, હું તને જ ફોન કરવાની હતી. પણ આખી બપોર તાપમાં ફરી બહુ ગરમી લાગી એટલે થયું કે પહેલાં શાવર લઈને ફ્રેશ થઈ જાવ.‘ કશિશ બોલી એટલે ધ્યેય હસ્યો.
‘ઓ.કે. આ તો તે ફોન ઉપાડ્યો નહીં એટલે થયું કે તને મળતો જાવ. શું થયું પછી એફ.આર.આઈ. થઈ?‘
‘બધી વાત શાંતિથી કરું એ પહેલાં નાસ્તાનું કહી દઉ. તને ય ભૂખ લાગી હશે. આઈ એમ હન્ગ્રી ટુ..‘
‘ઓહ, યસ, તારો કૂક કેપુચીનો કોફી સરસ બનાવે છે. ચાના બદલે તે બનાવવાનું કહે.‘
‘ઓ.કે.‘ કશિશે ઈન્ટરકોમ પર નોકરને બે વેજ–સેન્ડવિચ અને કેપુચીનો કોફીનો લાવવા કહી દીધું.
‘ચલ, હવે બોલ શું થયું?‘
ધ્યેય જે રીતે એની વાત સાંભળવા માટે આતુર હતો તે કશિશને ગમ્યું. કોફી અને નાસ્તો કરતાં કરતાં એણે માંડીને બધી વાત કરી.
‘મને નથી લાગતું કે એસ.પી. કાંઈ મદદ કરશે.‘
કશિશની વાત સાંભળી ધ્યેય બોલ્યો,
‘એમની છાપ પબ્લિક ફ્રેન્ડલીની છે અને હજુ હમણાં જ બે–ચાર મહિના પહેલાં એમનું પોસ્ટિંગ થયું છે એટલે મને એમનો બહુ પરિચય નથી પણ મને હતું તારી સોશ્યિલ પોઝિશન જોતા તને કદાચ હેલ્પ કરે.‘
‘હા, પણ મને નથી લાગતું એ કશું કરશે. મારી પાસે એટલી ધીરજ નથી કે હું દર સોમવારે ત્યાં ધક્કા ખાવ. ઓલરેડી આ બાબતની મને જાણ થઈ એને વર્ષો વીતી ગયા છે, હવે હું રાહ જોવા તૈયાર નથી.‘ કશિશે કોફીનો કપ હાથમાં લીધો.
‘હવે મને કે‘ મારે શું કરવું?‘
‘તું જ રીતે ઉતાવળ કર છે તે રીતે તો એક જ ઓપ્શન બચ્યો છે...ડાયેક્ટર કોર્ટમાં જા..તું ધારે છે એ રીતે જલદી આખી ય વાતનો ઉકેલ આવશે!
‘હમમ...પણ એ માટે શું કરવાનું?‘
‘કાલે ચીફ કોર્ટમાં આવજે...હું પેપર્સ તૈયાર રાખીશ. ત્યાં રજિસ્ટ્રાર પાસે સોગંદનામું લખાવવું પડશે. પછી જજ સાહેબ સામે તારી ફરિયાદ રજૂ કરવાનો મોકો મળશે.‘
‘તે પછી?‘
‘પછી જજસાહેબને તારી ફરિયાદ યોગ્ય જણાશે તો પોલિસને ઈન્વેસ્ટીગેશન કરવાનો હુકમ આપશે.‘
ધ્યેયની વાત સાંભળીને કશિશને મનોમન હાશ થઈ. બાકી એસ.પી.ની મદદની રાહ જોવાથી જલદી કશું કામ થવાનું ન હતું. એણે કૌશલ એસ.પી.ની ઓફિસ બહાર મળ્યો હતો તે વાત કરી અને તે સાંભળીને ધ્યેય ગંભીર થઈ ગયો.
‘કશિશ બહુ મોડું થઈ જાય તે પહેલાં તું કૌશલને જણાવી દે. નહીં તો બહુ ખોટું થશે..‘
‘હા, હું તે વાત સમજું છું. પણ એને ઘરે તો આવવા દે. એમ તો કેમ એસ.પી.ની ઓફિસ બહાર કહું? કશિશ હવે ચિડાઈ ગઈ,
‘હા, પણ હવે મોડું નહીં કરતી.‘ ધ્યેયએ બહુ સ્પષ્ટ કહ્યું તે વાત કશિશને ન ગમી.
‘એ અઠવાડિયાથી ઘર ન હતો આજે સવારે આવ્યો અને તરત બાર વાગે ઓફિસ જતો રહ્યો, મને ટાઈમ જ ક્યાં મળ્યો છે તેને કહેવાનો? અને આખી વાતની જાણ મને જ કાલે થઈ તો હું કેવી રીતે એને કહું?‘ કશિશે પોતાનો બચાવ કર્યો.
‘ડોબી, તારે પોલિસ એસ.પી. પાસે જતાં પહેલાં કહેવું જોઈએ.‘ ધ્યેયની વાત સાંભળીને કશિશ બોલી,
‘વાત તો તારી સાચી છે. પણ જો એને કહું અને પછી બધું કરું તો મોડું થઈ જાય તેમ હતું.‘
‘ડોન્ટ લાઇ! તને તારા પર ડાઉટ છે કે અગર કૌશલને ખબર પડે અને એ ના પાડે તો તું તારા નિર્ણયમાં મક્કમ રહીશ કે નહીં?‘ ધ્યેય એના મનની વાત જાણી ગયો તે કશિશને ન ગમ્યું.
‘ના....જરા પણ નહીં. મારા પર ખોટો આરોપ નહીં લગાઉ. અને કૌશલ મારી વાત સમજશે તેની મને હન્ડ્રેડ પરસ્ન્ટ ખાતરી છે.‘ કશિશ ગુસ્સે થઈ ગઇ. એનો નમણો ચહેરો ગુસ્સામાં વધુ લાલ થયો.
‘શાંત માતાજી....હું તો ખાલી એટલું જ કહું છું કે પતિ–પત્ની વચ્ચે કોઈ વાત લાંબો સમય છુપાવવી ન જોઈએ. ‘ ધ્યેયની વાત સાંભળીને કશિશ કશું કહે તે પહેલા તો,
‘કંઈ વાત તમે બન્ને મારાથી છુપાવો છો ?‘
કૌશલના અવાજથી બન્ને ચોંકી ગયા.
(ક્રમશ:)