રાઈટ એંગલ
પ્રકરણ–૩
બહારથી પોલિસસ્ટેશનનો દેખાવ કોઈ મધ્યમ વર્ગના ઘર જેવો હતો. વિદેશી નળિયાથી છવાયેલું છાપરું અને લાકડાં અને પતરાંથી બનેલા બારી બારણા. બહારના નાનકડાં ફળિયા જેવા ચોગાનમાં બે–ચાર બાઈક અને એક પોલિસ જીપ હતી. કશિશ તે જોઈને થોડી નિરાશ થઈ ગઈ. આવું પોલિસ સ્ટેશન હોય? બધાં પર અછડતી નજર નાંખતી થોડા સંકોચ સાથે પોલિસ સ્ટેશનના આગળના ઓસરી જેવા ભાગને વળોટીને અંદરના ઓરડામાં આવી. બે માણસ પોલિસ ડ્રેસમાં બે ટેબલ પર બેઠાં હતા. બીજી બે–ચાર ખુરશી અને મોટા રૂમના એક ખૂણામાં બે કબાટ. એક વોકીટોકી રેડિયો સેટ. જેમાંથી સતત કોઈકના બોલવાનો અવાજ આવતો હતો. ખૂણામાં એક સાત–આઠ વર્ષનો બાળક એક ચટાઈ પર બેઠો બેઠો કોલ્ડડ્રિંકસ પીતો હતો. તે અંદર ગઈ તેવા જ ટેબલ પર બેઠેલાં બેમાંથી એક કશું લખતો હતો એણે માથું ઊંચું કર્યું.
કશિશ કેવી રીતે વાત કરવી તે એ વિચારતી હતી ત્યાં હજુ તો તે કાંઈ કહે તે પહેલાં જ બેમાંથી એકે જેણે એના આવવાની નોંધ કરી હતી એણે પૂછયું,
‘બોલો બેન...શું કામ છે?‘
કશિશનો પહેરવેશ ચાડી ખાતો હતો કે તે સારા ઘરની જ નહીં હાઈફાઈ ઘરની યુવતી છે. એનો ડ્રેસ, એની હેરસ્ટાઈલ તથા હાથ,કાન–ગળામાં ઝબકતી ડાયમન્ડ જ્વેલરી એ સુપર રિચ છે તે દેખાય આવતું હતું. વળી એની લક્ઝરી ઓડીકાર પણ પોલિસવાળાને બારીમાંથી દેખાતી હતી. એટલે જ કદાચ એણે આટલી નરમાશથી પૂછયું હશે.
કશિશ કશું બોલ્યા વિના પેલાની સામે પડી હતી તે ખુરશીમાં બેસી ગઈ. ગળે શોષ બાજી ગયો હોય તેમ શબ્દો મળતા ન હતા. પેલો એને ધારી ધારીને જોઈ રહ્યોં હતો. કશિશે સહેજ ગળું ખંખેર્યુ એ બોલી,
‘જી, મારે કમ્પ્લેન્ટ કરવાની છે.‘
‘હા, બોલોને બેન!‘
હવે કશિશ મુંઝાય. આજસુધી પહેલાં કદી પોલિસ સ્ટેશન જવાનું બન્યું ન હતું. હા, પહેલીવાર પાસપોર્ટ બન્યો ત્યારે પોલિસ ઈન્કવાયરી માટે પોલિસ સ્ટેશન આવી હતી. તે પણ એકલી તો નહતી જ આવી. બે–પાંચ મિનિટમાં બધું પતી ગયું હતું. ગોખેલા સવાલ પૂછાય અને તેવા જ એના જવાબ આપવાના હોય! પણ અહીં તો બધાં સવાલ પણ પોતાના હતા અને જવાબ પણ પોતે શોધવાના હતા.
‘જી...વાત એમ છે કે કોઈ લેડિઝ કોન્સટેબલ નથી?‘ ક્યાંથી શરૂઆત કરવી તેની કશ્મકશમાં કશિશે બોલવામાં લોચો માર્યો.
પેલાંએ હવે ધ્યાનથી કશિશના ચહેરા સામે જોયું. વર્ષોથી ગુનાખોરી સાથે પાનો પડ્યો હોય એટલે બે વતા બે એટલે ચાર નહીં પણ પાંચ થાય તેવું વગર કહીએ પણ પોલિસ સમજી જતા હોય છે!
‘બેન અહીં તો હમણાં કોઈ બેન છે નહીં. આજે પેલા મહિલા મંત્રી શહેરમાં આવે છે એની સુરક્ષા માટે ગયા છે. તમારે જે કહેવું હોય તે અમને કહી શકો છો. નહીં તો પછી કાલે આવો!‘
કશિશના દેખાવ પરથી એ એટલું સમજ્યો કે કોઈ ઘરેલુ માર–પીટની ફરિયાદ હોય શકે. બડે લોગોંકી છોટી છોટી બાંતે!
હવે કશિશ ફરી મૂંઝાઈ. લેડિઝ કન્સ્ટેબલની વાત કરીને પોતે ખોટી શરૂઆત કરી તેનો અહેસાસ એને થઈ ગયો. એવી ક્યા કોઈ જરૂર જ છે? જે કામ આજથી જ કરવાનું નક્કી કર્યું તો શું કામ પાછળ ઠેલવું? એની નજર એના ખાખી યુનિફોર્મ પર શર્ટના ખિસ્સા પર લગાવેલી નેઈમ પ્લેટ પર ગઈ. સબ ઇન્સ્પેક્ટર રામસિંહ જેઠવા.
‘નહી..નહી...એમની કોઈ જરૂર નથી. હું તમને કહી શકું છું.‘ કશિશ ઊતાવળે બોલી ગઈ.
હવે બીજો પોલીસ પણ કશિશ સામે જોવા લાગ્યો. બન્ને પોતાના કામ પડતાં મૂકીને કશિશ સામે જોઈ રહ્યાં. આવી બ્યુટિફૂલ યુવતીની કહાની સાંભળવા માટે બન્ને તત્તપર બની ગયા. આમે ય સ્ત્રી જુવાન હોય તેમાં ય પૈસાદાર અને દેખાડવી હોય પછી તો ક્યાં પુરુષને રસ ન પડે? ત્યાં ખૂણામાં બેઠેલો આઠ–દસ વર્ષનો છોકરો બોલ્યો,
‘કાકા, મારે સુ સુ કરવા જાવું છે.‘
‘તો જાને જો પેલી રહી મૂતરડી, એકવાર દેખાડી તો ય પૂછયા કરે છે?‘
થોડીવાર પહેલાં પાણી માંગ્યુ હતું તો કોલ્ડડ્રિંક મળી હતી અને હવે સુ સુ જાવા કહ્યું તો ગુસ્સો! પોલીસનો બદલાયેલો મિજાજ સમજવા જેટલી ઉંમર એ છોકરાની ન હતી. છોકરો તો આ પોલિસકાકા ખીજાયા છે એટલે વધુ બોલવા જેવું નથી એટલું એ સમજ્યો. છોકરો ચૂપચાપ ઊભો થયો અને બહાર નીકળ્યો એટલે સબ ઇન્સપેક્ટર બોલ્યો,
‘માળાવ મા–બાપ છોકરાંને મેળામાં ભૂલી જાયને એને આપણે હાચવવાના અને હાળાવ ને ગૂં–મૂતર માટે આપણે લય જાવાના?‘
કશિશ એની તોછડી ભાષાથી સ્તબ્ધ થઈને એને તાકી રહી. એના હાવભાવ જોઈને પોલિસનું મોઢું ખસિયાણું પડી ગયું. એ સહેજ નરમાશથી બોલ્યો,
‘બેન, હવે બોલો શું પ્રોબ્લેમ છે?‘
‘જી, મારે એફ. આઈ. આર. લખાવી છે! મારા પરિવાર સામે!‘ કશિશ હિમંતથી બોલી ગઈ.
‘સાસુ–સસરા, જેઠ–જેઠાણી નણંદ કે પછી પતિ?‘ પોલીસે કશિશને ઈમ્પ્રેસ કરવા પોતાનું ડહાપણ ડોળ્યું.
‘એમાંથી એક ય નહી....‘એટલું તો ઝડપથી બોલી ગઈ. પણ પછી બોલતા જીભ ન ઉપડી. પેલા બન્ને પોલીસ એને જોઈ રહ્યાં,
‘તો કોની સામે?‘
‘જી, મારા પિયર વિરુધ્ધ!‘
‘મિલકતનો ઝઘડો છે?‘ ઈન્સપેક્ટરે ખિસ્સામાંથી તમાકુ કાઢીને હાથમાં ચોળવાનું ચાલુ કર્યું.
‘ના, મારી ફરિયાદ અલગ ટાઈપની છે. હું પહેલેથી વાત કરું.‘ પેલાએ તમાકું મોંમા મૂકીને હકારમાં ડોક હલાવી. અને ગલોફામાં એકબાજુ તમાકું સેરવીને બોલ્યો,
‘બોલો તમતમારે શાંતિથી...‘ બીજા સમાન્ય લોકોના કેસમાં શકય તેટલી ઉતાવળ કરતાં આ લોકો કશિશને શાંતિથી બોલવા કહેતાં હતા.
‘જી, વાત એમ હતી કે હું બારમાં ધોરણમાં હતી, હું પહેલેથી ભણવામાં હોશિયાર હતી, મારે હમેશા નેવું ટકા આવતા. કલાસમાં પહેલો–બીજો નંબર રહેતો. એટલે જ મેં હાયર સેકેન્ડરીમાં સાયન્સ પસંદ કર્યું હતું. કારણ કે મારે ડોકટર બનવું હતું. પણ બની ન શકી.‘ આટલું બોલતા કશિશ થાકી ગઈ. આખરે પોતાના જ સામે ફરિયાદ કરવી સહેલી નથી હોતી. પાછી શક્તિ મેળવવા એ સહેજ થોભી.
‘હા....પછી?‘ તમાકું ચાવતા ચાવતા પોલિસ બોલ્યો.
‘કારણ કે મને ખોટું બોલી, જૂઠું બોલીને છેતરવામાં આવી હતી.‘ એ પછી આખીય ઘટના કશિશે વર્ણવી. કશિશ સતત પાંચ મિનિટ બોલતી રહી. પેલાં બન્ને શાંતિથી સાંભળતા રહ્યાં. કશિશે વાત પૂરી કરી એટલે બન્ને પોલિસની એકબીજા સાથે નજર મળી અને તેમાં બન્ને વચ્ચે ખાનગી મસલત થઈ ગઈ. બેમાંથી જે ઇન્સપેક્ટર હતો તે બોલ્યો,
‘તમારા પતિ શું કરે છે?‘ કશિશની ગાડી બીજા પાટે વાતે ચડાવવા માટે પેલાએ પૂછયું.
‘એમને કન્ટ્રકશનનો બિઝનેસ છે. શક્તિ ગ્રુપના નામે એમની કન્સ્ટ્રક્શન કંપની છે.‘
‘અચ્છા પેલા અતુલભાઈ નાણાવટી?‘
‘જી, એમના સન, કૌશલ નાણાવટી મારા હસબન્ડ છે.‘ શક્તિગ્રુપનું નામ સાંભળીને ઇન્સપેક્ટરનો આ કેસમાં રસ ઓછો થઈ ગયો. આટલાં મોટા ઘરની વહુ આમ કેસ કરવા નીકળી છે અને આખી ય વાતમાં કાંઈ હીંગનો હડાકો નથી. વળી મોટા લોકો છે નહીં ને પોતે ફરિયાદ નોંધી લે અને મોટા સાહેબ સુધી વાત પહોંચીને આનો સસરો કે વર બેમાંથી એકની પહોંચ સાહેબ સુધી હોય તો વાંક વિના ઠપકો ખાવાનો આવે અને કંઈ લેવા દેવા વિના આપણે અંટાઈ જઈએ. એટલે બહેતર છે કે આને ફોસલાવી–પટાવીને ઘરભેગી કરવી.
‘બેન, જે થઈ ગયું તે થઈ ગયું. અને હવે આટલાં વર્ષે આ બધી વાતનો કોઈ અર્થ નથી. અને આમ જુવો તો આમાં કોઈ કેસ બનતો નથી....એટલે એફ.આઈ.આર. ન બને!
‘ પણ સર, કેસ બને છે. મારી સાથે જૂંઠું બોલવામાં આવ્યું. ચિટિંગ થયું કહેવાય ને કોઈક તો કલમ લાગે ને?‘ કશિશે કલમની વાત કરી એટલે એ પહેલાંને ખટક્યું. પોલિસને પોલિસ સ્ટેશનમાં આવીને કોઈ કલમની વાત શીખવાડે? પોતે પોલિસ કરતાં વધુ હોશિયાર છે તે તો કેમ સહન થાય? એટલે હવે પેલો રાજા પાઠમાં આવી ગયો,
‘બેન કંઈ કલમ લાગ તે અમને ન શીખવો. બસ સો વાતની એક વાત આ કેસ બનતો જ નથી. એટલે વાત પૂરી! ‘ એ ઊભો થઈને બહાર જઈને જોરથી તમાકું થૂકયું. કશિશ ઊભી થઈને એની પાછળ પાછળ આવી,
‘પણ કોઈ જ્ઠું બોલે, જેને કારણે મારી આવી હાલત હોય આજે તો કેસ બને જ ને? તમારે એફ.આઈ. આર. કરવી જ જોઈએ!‘
‘જો બેન...મારી વાત સાંભળ...બધું ભૂલી જાવને એશ કરો...!‘
‘પણ મારે એશ નથી કરવું, મારે ફરિયાદ લખાવી છે બસ, તમે ફરિયાદ નોંધો.‘
આ એમ નહીં માને એમ સમજીને ઇન્સ્પેક્ટરે પોતાનો પરચો દેખાડયો,
‘તમારી હાલની ઉંમર કેટલી?‘
‘ત્રીસ વર્ષ!‘
‘હા તો આ વાત તો તેર–ચૌદ વર્ષ પહેલાં બની હતી તો આજે છેક કેમ આવ્યા? ત્યારે કેમ ફરિયાદ ન કરી?‘
‘સર આ વાતની મને મને કાલે જ ખબર પડી. તો પછી હું આજે જ આવુને? અને સર ગુનો ગમે ત્યારે બન્યો હોય તેની નોંધણી તો જાણ થાય ત્યારે કરી જ શકાય ને!‘ કશિશની દલીલ સાંભળીને એને ગુસ્સો તો બહુ આવ્યો પણ સામે પહોંચતા ઘરની સ્ત્રી છે એટલે એ ગમ ખાઈ ગયો. પણ આને હવે હવે અહીથી જલદી ફૂટવવામાં જ હીત છે એટલુ એને સમજાતું હતું.
‘આ તમારા જેવા ભણેલાં લોકોનો આજ ત્રાસ ! અમારી વાત સાચી જ ન લાગે. તમારી વાત સો ટકા સાચી છે પણ હવે હું તમને સમજાવું કે હું ફરિયાદ કેમ નથી લખતો. બેન, તમારો પિયર પક્ષ ક્યાં ગામમાં રહે છે?‘ પેલાં નારાજગી દેખાડીને પછી પણ જાણે એનું કામ કરતો હોય તેમ પૂછયું. એટલે હવે કશિશને આશા બંધાય કે હવે આ કશું કરશે.
‘અહીં આ ગામમાં જ રહે છે. ‘
‘બહુ સરસ...ક્યાં એરિયામાં?‘
‘જી, શ્રીજી સોસોયટી, ગાંધી રોડ !‘
‘કેટલાં વર્ષથી ત્યાં રહે છે?‘
‘હું જન્મી ત્યારથી. ત્યાં જ નાની મોટી થઈ‘
‘બસ તો પછી આ કેસ અહીં નહીં નોંધાય. ગુનો જ્યાં બન્યો હોય તેની હદના પોલિસ સ્ટેશનમાં જ નોંધાય. તમે ગાંધી રોડ પરના પોલિસ સ્ટેશને જાવ.‘
અને જાણે કશિશની હાજરી જ ન હોય એમ છોકરા તરફ ફરીને કોન્સ્ટેબલે પૂછયું,
‘એલા, તારે કશું ખાવું છે?‘
ઘડીક પહેલાં આ પોલિસકાકા ખિજાતા હતા તે હવે પ્રેમથી પૂછવા લાગ્યા એટલે પેલો છોકરો કંઈક આશ્ચર્યથી પોલિસકાકાને તરફ તાકી રહ્યો. પછી આનંદથી બોલ્યો,
‘ભેળ ખાવી છે!‘
બેમાંથી જે સિનિયર પોલીસ હતો તે પોતાના જુનિયરને ઉદ્દેશીને બોલ્યો ,
‘અલ્યા...જા ત્રણ ભેળ બંધાવતો આવ...આ ગરમીમાં ખોટું માથું પાકી ગયું. અને ભૂખ ય ખૂબ લાગી છે. હારો હાર ચાનું ય કે‘તો આવ!‘
કઈંક સેક્સ કે ક્રાઈમની મોટી સ્ટોરી હશે એમ સમજીને એણે કશિશને શાંતથી સાંભળી પણ આતો ખોદ્યો પહાડ ને નીકળ્યો ઉંદરે એના જેવો ઘાટ હતો. એનો બધો મૂડ ખરાબ થઈ ગયો હતો .
‘પણ તમે મારી વાત તો સાંભળો...‘ કશિશે દલીલ કરી એટલે હવે પેલાનો પિત્તો ગયો,
‘ બહેન મારી એક તો આજે મહિલાપ્રધાન આવ્યા છે એમાં અમારો બધો સ્ટાફ રોકાય ગયો છે. કેટલાંય કામ પડ્યા છે, જુવો છો ને આ છોકરો બેઠો....એના મા–બાપને હાંજ પડે તે પે‘લા હોધવાના છે! અને તમને તમારી પડી છે.‘
‘પણ સાહેબ મારી સાથે અન્યાય થયો છે...‘ કશિશની વાત અડધેથી જ તોડીને પેલો ગુસ્સે થયો,
‘તમને કહ્યું ને એકવાર જ્યાં ક્રાઈમ બન્યો છે ત્યાં જાવ...હવે માથું ન ખાવ...ઉપડો!‘ એણે જે કરડાકી દેખાડી તે પછી કશિશમાં કશી બોલવાની હિંમત રહી ન હતી.
(ક્રમશ:)
કામિની સંઘવી