Right Angle - 2 in Gujarati Moral Stories by Kamini Sanghavi books and stories PDF | રાઈટ એંગલ - 2

Featured Books
Categories
Share

રાઈટ એંગલ - 2

રાઈટ એંગલ

પ્રકરણ–૨

‘ હું છેલ્લીવાર પૂછું છું, તું મને એમાં મદદ નહીં કરે?‘

ધ્યેયએ ગંભીર થઇ ગયો,

‘ના!‘

‘તું મારો કેસ નહીં લડે?‘

‘મારે લડવાની જરૂર નથી. તારી ફરિયાદ પોલિસ સ્વીકરાશે તો તને પબ્લિક પ્રોસ્કિયુટર મળી જશે.‘

‘તો હું માની લઉં કે તું મારું ભલું નથી ઈચ્છતો?‘

આ સવાલથી ધ્યેય જબરો મૂંઝાયો. પણ એની પંદર વર્ષની લોયર તરીકેની પ્રેકટિસ એને મદદે આવી,

‘યાર તું ગજબ છે! તું વકીલને ય ગોથા ખવડાવે તેવી છે. હું ફિઝિકલ કોઈ મદદ નહીં કરું. બસ ટીપ્સ આપી શકું!‘

કશિશ એની સામે જોઈ રહી

‘એટલે?‘

‘એટલે એમ કે જ્યાં તારી ગાડી અટકે ત્યાં હેલ્પ કરી શકું, ટ્રસ્ટ મી! આઈ કેર ફોર યુ!‘ ધ્યેય એને સ્નેહાળ નજરે તાકી રહ્યો.

‘ખરેખર એમ હોત તો મારો વકીલ બનવાની ના ન પાડી હોત!‘

ધ્યેયે ફરી એકવાર એને સમજાવવાની કોશિશ કરી,

‘કિશુ, પ્લિઝ! મારું માન આ બધું છોડી દે. કોર્ટ કચેરી એ સારા માણસ નથી જતા! યાર સમજ...બહુ ખોટું થશે.‘

આ સાંભળીને કશિશના ચહેરા પર એકાદ બે ક્ષણ અસમંજસના ભાવ આવી ગયા. બીજી જ પળે એ મક્કમ થઈ ગઈ,

‘નો...વે....આવું કહેનારો તું આજે તું પહેલો છે પણ કાલે આખી દુનિયા કહેશે ને તો ય મને જે સાચું લાગે છે તે જ કરીશ.‘ કશિશ બોલી.

‘કશિશ, છેલ્લીવાર કહું છું. છોડી દે યાર....હજુ તું ત્રીસ જ વર્ષની છે. તું ધારે તે કરી શકે છે. જે થઈ ગયું તે થઈ ગયું. યુ કેન ડુ વ્હોટ એવર યુ વોન્ટ ટુ ડુ નાવ!‘

‘ક્યારનો એ લોકોનો પક્ષ લઈને તેમનો બચાવ કરે છે પણ જે મારી સાથે થયું તે તારી સાથે થયું હોય તો? તું એમને માફ કરી શકે?‘ કશિશ ધારદાર નજરે એને તાકી રહી.

ધ્યેય પાસે આ સવાલનો જવાબ ન હતો. કશિશ આ બાબતમાં એકદમ સાચી હતી. કશિશ સાથે જે થયું તે પોતાની સાથે થયું હોત તો પોતે પણ કદાચ આવું જ કર્યું હોત! છતાં ય એ ઈચ્છતો હતો કે કશિશ પોલિસ કમ્પલેન્ટ ન કરે! આખરે પોતાના જ સગાં–વહાલા સામે બાથ ભીડવી એ સહેલુ કામ નથી. આવેશમાં આવીને કશિશ કેસ તો કરી નાંખશે પણ પછી ચોક્કસ પસ્તાશે. એટલે એને રોકવી જોઈએ. એ સાથે જ ધ્યેયના મનમાં એક નામ ઝબક્યું કે કોણ કશિશને આ પગલું લેતાં અટકાવી શકે. એટલે પછી એણે કોઈ દલીલ કરવાનું ટાળ્યું.

થોડીવાર બન્નેમાંથી કોઈ બોલ્યું નહી. ધ્યેય હવે એના નિર્ણયમાં મક્ક્મ છે તેની ખાતરી થઈ ગઈ એટલે કશિશ ઊભી થઈ ગઈ.

‘હું આજે જ હું પોલિસ સ્ટેશન જઈશ.‘ એ મક્કમતાથી બોલી.

‘ઓલ ધ બેસ્ટ!‘

ધ્યેય બોલ્યો એટલે કશિશ ચાલવા લાગી. એને જતી જોઈને ધ્યેયએ પોતાના સેલફોનમાંથી એક નંબર ડાયલ કર્યો. હજુ તો સામે રીંગ જાય તે પહેલાં તો ધ્યેયના હાથમાંથી ચીલઝડપે મોબાઈલ કોઈએ ઝૂંટવી લીધો. એ કશિશ હતી. જેને ફોન થયો હતો એ કટ કરીને એ ધ્યેય સામે ગુસ્સાથી જોઈ રહી.

‘મને હતું જ કે તું કૌશલને ફોન કરીને મને અટકાવવાની કોશિશ કરીશ. એક વાત ક્લિયર કટ સાંભળી લે ધી! તું મને મદદ ન કરે તો કાંઈ નહીં પણ કૌશલને આ બાબતમાં વચ્ચે નહીં લાવતો.‘

‘ડોન્ટુ યુ થિન્ક કે તારે એને જાણ કરવી જોઈએ? હી ઈઝ યોર હસબન્ડ યાર!‘ ધ્યેય પોતાનો બચાવ કરતાં બોલ્યો.

‘એને જાણ હું કરીશ...પણ હું એને કહું તે પહેલાં તું બધી વાત એને કહીને મને અટકાવવાની કોશિશ ન કર. નહીં તો તારી સામે ય વિશ્વાસભંગ કરવાનો કેસ ઠપકારી દઈશ સમજ્યો! ધીસ ઈઝ ફાયનલ વોર્નિગ!‘

કશિશનું આ મહાકલી રૂપ ધ્યેય આશ્ચર્યથી જોઈ રહ્યો. કશિશ એના તરફ ધ્યાન આપ્યાં વિના જેમ આવી હતી તેમ જ સડસડાટ જતી રહી.

કશિશ ગઈ એટલે બે–ચાર મિનિટ ધ્યેય એના વિશે વિચારતો રહ્યો. પછી એને સમાધાન મળી ગયું. ધ્યેયની નજર સામે અનેક કેસ એવા તરવરી ગયા જેમાં પોતાના સગાં–વહાલા સામે હિંમતથી કેસ કરનાર સ્ત્રી એકાદ બે વાર કોર્ટ કચેરીના ચક્કર કાપીને પછી ઈમોશનલ થઈને પોતાને થયેલો અન્યાય ભૂલીને માફ કરી દેતી હોય છે અથવા કોર્ટ બહાર સમાધાન કરી લેતી હોય છે. એટલે કશિશ ભલે અત્યારે મક્કમ દેખાતી હોય પણ પોલિસ સ્ટેશનમાં જશે એટલે આરોપીના નામ લખાવતા જ અચકાઇ જશે. આખરે એ બધાં એના પોતાના છે!

બસ આ વિચારથી ધ્યેયને શાંતિ થઈ. એણે રિસ્ટવોચમાં જોયું તો સાડાનવ થઈ ગયા હતા. એ ફટાફટ ઊભો થયો. હવે મોડું કરવું પાલવે તેમ નથી. આજે સિનિયર જજ ભાવેશ ઠક્કરની કોર્ટમાં એણે સાક્ષીઓની જુબાની લેવાની છે. અને ભાવેશ સાહેબ બહુ એક્ટિવ છે. અગિયાર વાગે એમની કોર્ટમાં કોલ આઉટ થાય ત્યારે એનો કેસ નંબર ભલે ગમે તે હોય પણ બીજા વકીલ પોતાના કેસની તૈયારી કરે ત્યાંસુધીમાં પોતે સમયસર સાક્ષી સાથે અને પૂરી તૈયારી સાથે પહોંચી જશે તો આજે જુબાની પૂરી થઈ જાય એટલે પછી જલદી ચુકાદો આવી શકે. ધ્યેય પોતાના અસીલને રિમાઈન્ડ કરાવવા ફોન કર્યો,

‘સાડા દસે બધાંને લઈને કોર્ટમાં હાજર થઈ જજો. અને જેમ સમજાવ્યું છે તેમ જ બોલજો. એક અક્ષર ય વધુ ન બોલાય તેનું ધ્યાન રાખ જો!‘

‘જી સાહેબ...અમે આવી જશું.‘ સામેથી જવાબ આવ્યો અને ધ્યેય હાલ પૂરતો કશિશ ની વાત ભૂલીને પોતાના કામમાં બિઝિ થઈ ગયો.

*******

આધુનિક રીતે ડિઝાઈન થયેલાં બંગલાના મેઈનગેટમાંથી અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગમાં કશિશની કાર પહોચી ત્યાં જ એણે કૌશલની કાર પાર્ક થયેલી જોઈ. પાર્કિંગ લિફ્ટમાંથી જ એવી સગવડ હતી કે બંગલાના વિવિધ વિભાગમાં જ્યાં પહોચવું હોય ત્યાં પહોંચી શકાય. ગ્રાઉન્ડફલોર પર ડ્રોઈંગરુમ, ફેમિલિરુમ, કિચન અને ડાઇનિંગ હોલ અને બે ગેસ્ટરુમ હતા. ર્ફ્સ્ટ ફલોર પર કશિશ અને કૌશલનો માસ્ટરબેડરુમ અને બન્નેના પર્સનલ રુમ હતા. સેકન્ડ ફલોર પર જીમ, સ્પોર્ટસ રુમ અને નાનકડું થિયેટર હતું. થર્ડફલોર પર સ્વિંમિંગ પૂલ સાથે ટેરેસ ગાર્ડન હતો. પાર્કિંગના પાછળના ભાગે સર્વન્ટ ક્વાટર્સ હતા. કશિશ સીધી જ ફર્સ્ટફ્લોર પર ગઈ. લાંબી લોબીમાં લિફ્ટનો દરવાજો ખૂલતો હતો. એ લોબીમાં થઈને સીધી માસ્ટર બેડરુમ તરફ વળી કે તરત પાછળથી કોઈએ એને જકડી લીધી.

કસાયેલાં બાજુ એની કમર પર વીંટળાયા અને કશિશે પાછળ ફરવાની તસ્દી લીધાં વિના ધીરેથી એ હાથ પર પોતાના હાથ વિંટાળી દીધા. આ સ્પર્શને એ સાત વર્ષથી ઓળખે છે. કસાયેલો છતાં કોમળ સ્પર્શ! પાછળથી જ કશિશને ભેંટી પડતાં કૌશલે એના ગળા પર ચુંબન કર્યું. કશિશ થોડીવાર પહેલાં કલબમાં ધ્યેય સાથે જે વાતચીત થઈ હતી તે બધું આ વહાલભર્યા સ્પર્શમાં ભૂલીને એની તરફ ફરીને એને વળગી પડી.

કૌશલે લિપ ટુ લિપ લોંગ કીસ કરી. કશિશે એટલાં જ જોશથી એને રિસ્પોન્સ આપ્યો. થોડીવાર બન્ને એકબીજાને પ્રેમ કરતાં રહ્યાં. અને કૌશલે ધીમેથી એની લટ કાન પાછળ ગોઠવતા પૂછયું,

‘મને એમ કે તું તારા બેડરુમ હોઈશ, પણ મેડમ તો હતા જ નહી! સવાર સવારમાં ક્યા ગઈ હતી કિશુ?‘

બસ આ સાથે જ કશિશના મનમાં જસ્ટ અડઘી કલાક પહેલાં કલબમાં ધ્યેય સાથે થયેલી વાતચીતએ મન પર કબજો જમાવ્યો અને એને તે સાથે જ એનો રિસ્પોન્સ ઓછો થઈ ગયો. એણે હળવેથી કૌશલની પોતાના કમર પરની પકડ છોડાવી. અને થોડી દૂર ખસી. કૌશલ આશ્રર્યથી એનો આ ફેરફાર જોઈ રહ્યો. પણ એ વધુ વિચારવાનો સમય આપ્યાં વિના કશિશ બોલી પડી,

‘તું તો સાંજે આવવાનો હતો ને?‘

કૌશલે ફરી એને નજીક ખેંચવાની કોશિશ કરી,

‘કામ તો સાંજે જ પતી ગયું હતું એટલે જો રાત એકલો હોટેલમાં રહું એના કરતાં મારી બેટરહાફ હાથની સવારની ચા પીવા મળે તો પ્રોફિટનો ધંધો કર્યો કહેવાય ને એટલે રાતે જ નીકળી ગયો!‘ કૌશલે ફરી એને કિસ કરવાની કોશિશ કરી તો કશિશે એને સહેજ લાડથી ધક્કો માર્યો,

‘તો હવે ચા જ પી......!‘ કશિશે ઝડપથી ઈન્ટરકોમ નજીક પહોંચી અને નોકરને ચા લઈને આવવાની સૂચના આપી.

‘તે મને જવાબ ન આપ્યો તું ક્યાં ગઈ હતી?‘ કશિશે કીટલીમાંથી ચા કાઢીને કૌશલના હાથમાં પકડાવી.

‘કલબમાં ગઈ હતી, ધ્યેય સાથે પૂલ રમવા!‘

કશિશ સાચું કારણ કહી ન શકી. અત્યારે કૌશલ રોમેન્ટિક મૂડમાં છે એટલે એનો મૂડ ખરાબ નથી કરવો. પછી નિરાંતે કહેવું સારું.

‘તારો શું પ્લાન છે આજે?‘ કશિશે ચાની ચૂસકી લેતાં પૂછયું.

‘બાર વાગે એક મિંટિંગ છે બસ ત્યાંસુધી તારી સેવામાં!‘ કૌશલે એની સામે આંખ મિચકારી. કશિશ એનો ઈશારો સમજી પણ એના દિમાગમાં પોલિસ સ્ટેશન જવાની વાત ચાલતી હતી. બાર વાગ્યા સુધી કૌશલ ઘરે હશે તો તે નીકળે પછી જ એ પોલિસ સ્ટેશન જઈ શકાય.

‘ક્યાં વિચારમાં પડી ગઈ? ગીવ મી વન મોર કપ!‘ કૌશલે ચાનો કપ એના તરફ લંબાવ્યો.

‘કશું નહીં જસ્ટ એમ જ!‘ કશિશ પોતાના વિચાર ખંખેરી નાંખ્યા.

‘બ્રેક ફાસ્ટમાં શું ખાઈશ?‘ કશિશ ઈન્ટરકોમ હાથમાં લઈને ઊભી રહી. અને કૌશલ પોતાની જગ્યા પરથી ઊભો થયો અને એને ભીસંતા બોલ્યો,

‘તને!‘

‘એક મિનિટ! મને લંચ માટે કહી દેવા દે!‘ કશિશ બે મિનિટ વિચારવા ઈચ્છતી હતી. કૌશલે ભીંસ સહેજ હળવી કરી. એણે એમ જ ઈન્ટરકોમ પર કૂકને લંચ મેનુ કહી દીધું. પણ એ કહેતાં કહેતાં એના મનમાં વિચાર ચાલતા હતા.

ધ્યેય ભલે ગમે તે કહે પણ કૌશલ એને સમજશે. કૌશલ જેવો સમજદાર પતિ એની પત્નીની વાત ન સમજે તે શક્ય નથી! આખરે એમના લગ્નને સાત વર્ષ થઈ ગયા છે! અને આટલાં વર્ષોમાં એણે હંમેશા કશિશની મરજીને માન આપ્યું છે. એને લગ્ન પછીના દિવસો યાદ આવી ગયા. ત્યારે પોતાની પરિસ્થિતિ કેવી હતી? તોપણ કૌશલે જરા પણ ઊતાવળ કર્યા વિના એને સ્ટેબલ થવા માટે કેટલો સમય આપ્યો હતો! ક્યો પુરુષ જે પતિ પણ હોય એટલી ધીરજ રાખે? ધ્યેય ભલે ગમે તે કહે એનો કૌશલ એની વાત સાંભળીને ચોક્કસ એને સપોર્ટ કરે જ. બસ આ વિચારે ફરી પાછી કશિશ મૂડમાં આવી ગઈ. એણે કૌશલની ટાઈની નોટ છોડવા માંડી અને એના રિસ્પોન્સથી કૌશલ એકશનમાં આવ્યો,

‘લેટસ ગો ટુ સ્વિમિંગ પુલ!‘ કૌશલે એને ઊંચકી લીધી અને લિફટમાં ઘૂસ્યો.

*******

કૌશલ બાર વાગે ઘરેથી નીકળ્યો એટલે કશિશ તૈયાર થઈ. પછી સેલફોનમાં ગૂગલ પર સર્ચ કરીને નજીકનું પોલિસ સ્ટેશન શોધી કાઢયું. ત્યા જવાનો રસ્તો મનોમન નોંધી લીધો. એ પોલિસ સ્ટેશન જવા પોતાની કારમાં નીકળી ત્યારે એના મનમાં અજીબ ઉશ્કેરાટ હતો. જે પોલિસ સ્ટેશન સુધી પહોંચતા પહોંચતા ઉચાટમાં ફેરવાઈ ગયો હતો. રહી રહીને એના મનમાં સવાલ થતો હતો એ જે કરી રહી છે તે યોગ્ય છે કે નહી? આખરે એના કારણે એનું ફેમિલિ બદનામ થશે તો પોતે પોતાને માફ કરી શકશે? અને એના મનમાં પપ્પા રોજ સવારે બોલતા હતાં તે ભગવદગીતાનો શ્લોક ગુંજવા લાગ્યો,

‘કર્મણયે વાધિકારસ્તે માં ફલેષુ કદાચન ! માં કર્મફલહેતુર્ભૂ: I માંતે સંડગોસ્તવકર્મણિ I

અર્જુનને યુધ્ધમેદાનમાં પોતાને જેની સામે લડવાનું છે તે સૌ પોતાના ગુરુ–ભાઈઓ–ભત્રીજા, કાકા–મામા છે તે જોઈને શોક થઈ આવ્યો હતો ત્યારે શ્રીકૃષ્ણએ આ જ ઉપદેશ આપ્યો હતો ને! ભલે તારી સામે લડવા માટે તારા સગાં–વહાલા, ભાંઈ–ભાંડું હોય પણ તારે તારું કર્મ કરવાનું છે, અત્યારે તારો ધર્મ એ જ છે કે તારે ભાગે આવેલું કામ કર. તેમની સામ તું લડ! ફળનો વિચાર ન કર!‘

બસ અદલ અર્જુન જેવી જ એની સ્થિતિ છે. પોતે પણ પોતાના સગાં–વહાલા સાથે લડવાનું છે તે કર્મ એની નિયતિમાં લખાયું છે તો કરવાનું. બસ પછી જે થાય તે તેનું નસીબ હશે. આ સાથે જ કશિશના દિલ દિમાગ પરથી ભાર ઊતરી ગયો. હવે સંપૂર્ણ સ્વસ્થતા આવી ગઈ કે તે જે કરી રહી છે તે યોગ્ય જ છે. અને એની કાર પોલિસ સ્ટેશનના ચોગાનમાં પ્રવેશી!

ક્રમશ:

કામિની સંઘવી