અત્યંત વિષમ સંજોગોમાં પણ વ્યક્તિ આગળ વધી શકે છે
ઈંદોરના અત્યંત ગરીબ કુટુંબની દીકરી આંતરરાષ્ટ્રીય સ્તરની ખો ખો પ્લેયર બની
સુખનો પાસવર્ડ
આશુ પટેલ
ઈંદોરની જુહી ઝાના પિતા સુબોધ કુમાર ઝા ઈંદોર મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ નજીકના એક સુલભ શૌચાલયના કર્મચારી તરીકે ફરજ બજાવતા હતા. તેમને એ શૌચાલયના સંકુલમાં દસ બાય દસની એક રૂમ રહેવા માટે ફાળવાઈ હતી. ત્યાં જુહી, તેના બે ભાઈઓ અને માતાપિતા રહેતાં હતાં. શૌચાલયની અસહ્ય વાસ સહન કરીને જુહીનું કુટુંબ ત્યાં રહેતું હતું, કારણ કે તેના પિતા પાસે આવકનો બીજો કોઈ રસ્તો નહોતો. તેમને સાત હજાર રૂપિયા પગાર મળતો હતો એમાંથી તેમના કુટુંબનું ગુજરાન માંડ ચાલતું હતું.
આવી સ્થિતિમાં ઉછરી રહેલી જુહીને બાળપણથી ખો ખોની રમતમાં રસ પડી ગયો. તે ચોથા ધોરણમાં ભણતી હતી ત્યારે તેનો સમાવેશ તેની સ્કૂલની ખો ખો ટીમમાં થયો. એ પછી તે એ રમતમાં સતત આગળ વધતી ગઈ. તે છઠ્ઠા ધોરણમાં હતી ત્યારે તેને રાજ્ય કક્ષાએ જુનિયર લેવલની ખો ખો સ્પર્ધામાં ભાગ લેવાની તક મળી.
એ પછી જુહીને રાષ્ટ્રીય સ્તરે જુનિયર પ્લેયર તરીકે રમવાની તક મળી. તે તેના રાજ્ય માટે અનેક મેડલ જીતી લાવી. તે મોટી થઈ એ પછી તેનો સમાવેશ ખો ખોની નેશનલ લેવલની સિનિયર ટીમમાં થયો. જુહી એક પછી એક અનેક મેડલ્સ જીતતી ગઈ. ત્યાર બાદ તેને આંતરરાષ્ટ્રીય સ્તરે રમવાની તક મળી. તેણે દેશનું પ્રતિનિધિત્વ કર્યું અને તે દેશ માટે ગોલ્ડ મેડલ પણ જીતી આવી.
જો કે આ દરમિયાન તેનું કુટુંબ ભયંકર સંઘર્ષનો સામનો કરી રહ્યું હતું. તેના પિતાની સુલભ શૌચાલયની નોકરી જતી રહી હતી અને તેમણે સુલભ શૌચાલયમાં મળેલું ક્વાર્ટર છોડી દેવું પડ્યું હતું અને ઝૂંપડપટ્ટીમાં રહેવા જવાની ફરજ પડી હતી. જુહી એક બાજુ દેશ માટે વિદેશમાં રમી રહી હતી ત્યારે તેના કુટુંબ પાસે આવકનું કોઈ સાધન નહોતું એટલે તેની માતાએ દરજી તરીકે કામ શરૂ કર્યું હતું. એમાંથી થોડી આવક થતી હતી એમાંથી તેના કુટુંબનું ગુજરાન માંડ ચાલતું હતું.
આ દરમિયાન જુહી ખો-ખો ખેલાડી તરીકે સતત આગળ વધી રહી હતી. છેવટે ઓક્ટોબર, 2018ના પ્રથમ સપ્તાહમાં મધ્ય પ્રદેશ સરકારે જુહીની પ્રતિભાની કદર કરી અને રમતવીરો માટેનો રાજ્યનો સર્વોચ્ચ વિક્રમ એવોર્ડ જુહીને એનાયત કર્યો. મધ્ય પ્રદેશ સરકાર વિક્રમ એવોર્ડ વિજેતાઓને નોકરી પણ આપે છે. એ નિયમ પ્રમાણે મધ્ય પ્રદેશ સરકારે જુહીને શિક્ષિકા તરીકે નોકરી પણ આપી. એ નોકરીને કારણે જુહીના કુટુંબનો આર્થિક સંઘર્ષ પૂરો થઈ ગયો.
20 વર્ષીય જુહી અત્યારે કોમર્સ પ્રવાહમાં કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરી રહી છે. તે નવા-નવા રેકોર્ડ કરવા થનગની રહી છે. તેના પિતા ગૌરવથી કહે છે કે અમારી દીકરીએ અમને ગરીબીમાંથી બહાર કાઢ્યાં અને અમારું નામ રોશન કર્યું.
જુહી ઝાના જીવન પરથી એ પ્રેરણા લેવા જેવી છે કે અત્યંત વિષમ સંજોગોમાં પણ વ્યક્તિ આગળ વધી શકે છે.
***