Sukh no Password - 45 in Gujarati Motivational Stories by Aashu Patel books and stories PDF | સુખનો પાસવર્ડ - 45

Featured Books
Categories
Share

સુખનો પાસવર્ડ - 45

કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો

અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો

અંધ અને બધિર ટોની ગિલ્સ દુનિયાના ૬૦થી વધુ દેશોમાં ફરી વળ્યો!

સુખનો પાસવર્ડ

આશુ પટેલ

૨૯ એપ્રિલ, ૨૦૧૯ના દિવસે અમેરિકન ન્યુઝ સ્ટોરી આઉટલેટના ફેસબુક પેજ પર વિડિયો જોયો જેમાં એક એવા અનોખા ટ્રાવેલર એન્થની ગિલ્સ (જે ટોની ગિલ્સ તરીકે જાણીતો છે)ની જીવનકથા જાણવા મળી જે અંધ અને બધિર હોવા છતાં દુનિયાના ૬૦થી વધુ દેશોનો પ્રવાસ કરી ચૂક્યો છે. જગતની મોટા ભાગની પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓએ તો એક પણ વિદેશપ્રવાસ કર્યો નથી હોતો. ટોની ગિલ્સે ‘સીઈંગ વર્લ્ડ માય વે’ નામનું પુસ્તક લખ્યું છે, જેની પ્રતો મોટી સંખ્યામાં વેચાઈ છે. એ પુસ્તક બ્રેઇલ લિપિમાં પણ ઉપલબ્ધ છે, જેથી પ્રજ્ઞાચક્ષુ લોકો પણ ટોનીના પ્રેરણાદાયી જીવનની વાતો વાંચી શકે.

ટોનીનો જન્મ ૬ સપ્ટેમ્બર, ૧૯૭૮ના દિવસે ઇંગ્લેન્ડના બ્રિસ્ટલ શહેર નજીકના નાનકડા ટાઉન વેસ્ટન-સુપર- મેર શહેરમાં થયો હતો. તેને માતા-પિતા ટોનીના હુલામણા નામથી બોલાવતા હતા. તે જન્મ સમયે એકદમ તંદુરસ્ત હતો, પરંતુ તે નવ મહિનાનો થયો એ વખતે તેને અચાનક બધું ઝાંખું દેખાવા લાગ્યું. ડૉકટરોએ તેનું નિદાન કર્યું ત્યારે ખબર પડી કે તેને ‘ફોટોફોબિયા’ અને એકોન ડિસ્ટ્રોફી’ નામની રેર બીમારી લાગુ પડી છે, જેમાં વ્યક્તિ દૃષ્ટિ ગુમાવી દે છે. આ બીમારી વ્યક્તિને ઉજાસ પ્રત્યે અત્યંત સંવેદનશીલ બનાવી મૂકે છે. નાનકડા ટોનીની આંખોમાં પ્રકાશ આવે તો તેને ભયંકર દુખાવો થતો હતો. ડૉકટર્સે તેની બીમારીનું નિદાન કર્યું ત્યારથી તેણે બ્લેક ગોગલ્સ પહેરવાનું શરૂ કરવું પડ્યું. અને તેની બીમારીને કારણે તેણે ઘરમાં જ પુરાઈ રહેવું પડતું. ટોની સમજણો થયો એ પછી ઘરની બહાર અન્ય બાળકો સાથે રમવા જવા લાગ્યો, પણ તેના માતા-પિતા સતત ચિંતિત રહેતા હતા. ટોનીની દૃષ્ટિ નબળી થતી ગઈ અને દસ વર્ષની વયે તો તેને સંપૂર્ણપણે દેખાતું બંધ થઈ ગયું. ટોની અને તેના માતા-પિતા હજી એ આઘાત પચાવે એ પહેલા તેની શ્રવણશક્તિ નબળી પડવા લાગી. તેના બંને કાનમાં બહેરાશ આવી ગઈ અને તેને દસ વર્ષની ઉંમરથી હિયરીંગ મશીન એટલે કે અવાજ સાંભળવાનું મશીન લગાવીને જીવવાની શરૂઆત કરવી પડી.

ટોનીના નાનકડા ટાઉનમાં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે સ્કૂલ નહોતી એટલે તેના પેરેન્ટ્સે તેને સામાન્ય સ્કૂલમાં ભણવા મૂક્યો. તેણે દરરોજ એક કલાકનો પ્રવાસ કરીને સ્કૂલે જવું પડતું. તેને એ મુસાફરી આકરી પડતી હતી એટલે તેના પેરેન્ટસે તેને એ સ્કૂલમાંથી ઉઠાડી લીધો. જોકે તેના માતા-પિતાએ તેને સમજાવીને તેમના ઘરથી પોણા બસો કિલોમીટર દૂરની એક બ્લાઈન્ડ સ્ટુડન્ટ માટેની સ્કૂલમાં પ્રવેશ અપાવ્યો. એ સ્કૂલની હોસ્ટેલમાં જ તે રહેતો હતો. ત્યાં તેને સ્વાવલંબી બનવાની તક મળી. તેને રસ્તો ક્રોસ કરવાની, બસ-ટેક્સી જેવા પબ્લિક ટ્રાન્સપોર્ટ વાહનોનો ઉપયોગ કરવાની તાલીમ મળી. ત્યાં તે બ્રેઈલ લિપિમાં વાંચતા પણ શીખ્યો. એ સ્કૂલમાં છ વર્ષના અભ્યાસ દરમિયાન તે સ્વાવલંબી બની ગયો. એ પછી તેણે કોલેજમાં પ્રવેશ મેળવ્યો અને ગ્રેજ્યુએશન કર્યું. તેને ફિઝિયોથેરાપિસ્ટ બનવું હતું, પણ તેની શ્રવણશક્તિ ન હોવાથી અને દૃષ્ટિ ન હોવાથી તેને કોઈ પણ મેડિકલ કોલેજે પ્રવેશ ન આપ્યો.

અભ્યાસ પૂરો કર્યા પછી ૨૨ વર્ષની ઉંમરે ટોનીને થયું કે આ રીતે જિંદગી વિતાવી દેવા કરતા કંઈક જુદી જિંદગી જીવવી જોઈએ. તેણે તેના પેરેન્ટ્સને કહ્યું કે મારે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના પ્રવાસે જવું છે. તેના માતા-પિતાને ચિંતા થઈ કે તે એકલો કઈ રીતે ફરી શકશે, પણ તેઓ ટોનીને સ્વતંત્ર રીતે જીવન જીવવાની આદત પાડવા માગતા હતા. તે જો કે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના પ્રવાસે ગયો ત્યારે તેના મિત્રો સાથે હતો. એ પછી તેણે મિત્રો સાથે વિયેતનામ અને થાઈલેન્ડની મુલાકાત પણ લીધી હતી. તે જોઈ નહોતો શકતો, પણ પ્રવાસ દરમિયાન સ્પર્શ દ્વારા એ દરેક સ્થળે વસ્તુઓને સ્પર્શીને જ તેની અનુભૂતિ કરી લેતો હતો. મિત્રો સાથે ચાર દેશોના પ્રવાસ પછી તેણે નક્કી કર્યું કે હવે હું એકલો જ ફરીશ. એ પછી ૨૦૦૪માં તે અમેરિકા, કેનેડા, મેક્સિકો, ક્યુબા અને દક્ષિણ અમેરિકન દેશોની મુલાકાતે ગયો. એ વખતે તેણે એક વર્ષ સુધી સળંગ પ્રવાસ કર્યો. એ દરમિયાન તેણે તેના પ્રવાસની ઝીણી-ઝીણી વિગતોની અને અનુભવોની નોંધ કરી હતી, જેના આધારે પછી તેણે ‘સીઈંગ અમેરિકા માય વે’ નામનું પુસ્તક લખ્યું, જેને ખૂબ સફળતા મળી.

૨૦૦૫માં ટોની ફરી વાર પ્રવાસે ઊપડી ગયો. જર્મની અને ઈટલીના પ્રવાસે ઊપડી ગયો. એ પછી વળી વધુ એક વાર તેણે અમેરિકા અને કેનેડાનો પ્રવાસ કર્યો. તેણે અગાઉના પ્રવાસમાં આખું અમેરિકા અને આખું કેનેડા નહોતું જોયું.

૨૦૦૬માં તેણે અમેરિકા અને કેનેડાના તમામ રાજ્યોનો પ્રવાસ કર્યો. એ પ્રવાસમાં તેણે ખૂબ આનંદ માણ્યો, પણ એ પ્રવાસ દરમિયાન તેની તબિયત લથડી ગઈ. તેને કિડનીની તકલીફ ઊભી થઈ અને તેની કિડની ફેઈલ થઈ ગઈ.

તેણે નિયમિત ડાયાલિસીસ કરાવવું પડતું એટલે તેની જુદા-જુદા દેશોમાં ફરવાની ઇચ્છા પર બ્રેક લાગી ગઈ. જોકે એ વખતે તેના સાવકા પિતાએ તેને પોતાની કિડની આપી.

કિડની પ્રત્યારોપણ બાદ ફરી વાર ટોની સામાન્ય જીવન જીવતો થઈ ગયો. તેણે ૨૦૦૮માં બોટ ભાડે લઈને નોર્વેથી આર્કટિક મહાસાગરનો લાંબો પ્રવાસ કર્યો. અત્યાર સુધીમાં તે દુનિયાના તમામ ખંડોમાં-ડઝનબંધ દેશોમાં પ્રવાસ કરી ચૂક્યો છે. તેણે અનેક વખત બંજી જમ્પિંગ અને સ્કાય ડાઈવિંગનું સાહસ પણ ખેડ્યું છે. ટોનીને સંગીત સાંભળવાનો, સેઈલિંગ કરવાનો અને જુદા-જુદા સંગીત વાદ્યો વગાડવાનો તથા માટીકામ અને સ્વિમિંગનો પણ શોખ છે.

હવે ટોનીની મહેચ્છા એવરેસ્ટ સર કરવાની છે! ટોની જેવી વ્યક્તિ માટે શૂન્ય પાલનપુરીની પંક્તિઓ બરાબર લાગુ પડે છે: કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો, અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો!

શારીરિક અક્ષમતાઓ હોવા છતાં પણ મન સક્ષમ હોય તો માણસ પોતાને મનગમતી જિંદગી જીવી શકે છે એનો પુરાવો એન્થની ગિલ્સ એટલે કે ટોની છે. ટોનીના અનેક પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે અને એ બધાનું ખૂબ વેચાણ થયું છે. તે જગતના જુદા-જુદા વિસ્તારોમાં ફરવા જાય છે અને દેશ-વિદેશોમાં પ્રેરણાત્મક પ્રવચનો આપવા માટે જાય છે. અડધું જગત ફરી વળેલા પ્રજ્ઞાચક્ષુ ટ્રાવેલર ટોની ગિલ્સની આંખો સામે અંધકાર છવાયેલો રહે છે, પરંતુ તેણે પોતાના જીવનના અનુભવોના આધારે અને પોતાના પ્રવાસના અનુભવોના આધારે લખેલ પુસ્તકો થકી અને પ્રેરણાત્મક પ્રવચનો થકી તેણે સંખ્યાબંધ લોકોના જીવનમાં ઉજાસ પાથર્યો છે.

***