Sukh no Password - 44 in Gujarati Motivational Stories by Aashu Patel books and stories PDF | સુખનો પાસવર્ડ - 44

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

સુખનો પાસવર્ડ - 44

મારા માટે તો દરેક દિવસ મધર્સ ડૅ છે!

રિયલ સુખનો પાસવર્ડ!

આશુ પટેલ

‘મુંબઈ સમાચાર’ના તંત્રી નીલેશ દવેએ મધર્સ ડૅ નિમિત્તે મારી માતા પર આર્ટિકલ લખવાનું કહ્યું. એ આર્ટિકલ આજે ‘મુંબઈ સમાચાર’માં પ્રકાશિત થયો છે. એ આર્ટિકલ ઉપરાંત મારી બા વિશેની થોડી વધુ વાતો એફબી ફ્રેન્ડ્સ સાથે શૅર કરી રહ્યો છું.

પ્રુથ્વી પરની દરેક વ્યક્તિ એમ કહી શકે કે મારી માતાને કારણે હુ આ દુનિયામાં છું. પણ કેટલીક માતાઓ એવી હોય છે કે જેમના માટે સંતાનો એવું કહી શકે કે આજે હુ જે છું એ મારી માને કારણે છું. હું મારી બા માટે એવું કહી શકું છું. ગમે એવી સ્થિતિમાં હાર ન માની લેવી એ હું તેની પાસેથી શીખ્યો છું.

હું પંદર-સત્તર વર્ષની ઉંમરે બે હજારની વસતિવાળા ગામમાં મોડી રાત સુધી જાગીને વાંચતો-લખતો હોઉં ત્યારે મારી બાએ મને ક્યારેય ટોક્યો નહોતો. ક્યારેક વહેલી સવાર સુધી મને લખતા-વાંચતા જુએ અને મારી તબિયતને કારણે ચિંતા થાય તો મમતાભર્યા અવાજે તે એટલું જ કહે કે હવે સૂઈ જા, કાલે લખવા બેસજે. આજે પણ ઘણી વાર એ જ શબ્દો તેની પાસેથી સાંભળવા મળે છે.

2014માં મુંબઈના ભાઈદાસ હૉલમાં મારા બુક લૉન્ચ ઈવેન્ટમાં મારા સાત પુસ્તકો વાચકો સામે મુકાયાં એ વખતે અનેક સેલિબ્રિટી દોસ્તો ઉપસ્થિત હતા, પણ એ સાત પુસ્તકોમાંથી પહેલાં પુસ્તકની

પહેલી કોપી મેં મારી બાને આપી હતી. એ ખુશીની પળે અમારા માનસપટ પર જીવનના સંઘર્ષભર્યા સમયની અને મારા પિતાની યાદ ઊભરી આવી હતી. આંખોમા આંસુ હોય અને હોઠ પર હાસ્ય હોય એવી પળો જીવનમાં ભાગ્યે જ આવતી હોય છે. એવી એ પળ હતી. એવી વધુ એક પળની તસવીર મધર્સ ડે નિમિત્તે મિત્રો સામે મૂકું છુ.

આ તસવીર મુંબઈનાં ઍરપોર્ટની છે. 4 મેના દિવસે મારી નાની બહેન ડૉક્ટર પારુલ પટેલ બાને પ્લૅનમાં લઈને ગામથી મુંબઈ આવી અને અરાઈવલ ગૅટની બહાર અમે મળ્યાં એ ક્ષણે અમારી બધાની આંખો ભીની થઈ હતી. એ વખતે એકસાથે સંખ્યાબંધ યાદો સાઈક્લોનની જેમ માનસપટ પરથી પસાર થઈ ગઈ હતી.

ઘણા મિત્રો મને પૂછતા હોય છે કે મુશ્કેલીઓ વચ્ચે પણ કઈ રીતે મોકળા મને હસી શકાય? અને પોતે મુશ્કેલીમાં હોવા છતાં બીજાઓને મદદ કરવા માટે કઈ રીતે દોડી શકાય? એમને અને બીજા બધા મિત્રોને આજે કહેવું છે કે હજારો પુસ્તકો વાંચવાથી અને અનેક કપરા સંજોગોમાંથી મળેલા અનુભવો કરતા પણ વધુ તમારા જીવનમાં માતાપિતાએ કરેલો ઉછેર ભાગ ભજવતો હોય છે.

આવો જ એક કિસ્સો શૅર કરવો છે. હું નાનો હતો ત્યારે દુકાળના વર્ષોમાં એવી સ્થિતિ હતી કે ચાર કિલોમીટર દૂર ચાલીને કે સાઈકલ પર નજીકના ગામમાં જઈને, રેશનની દુકાનની બહાર લાઈનમાં ઊભા રહીને કેરોસીન અને ખાંડ લાવવા પડતા. એ સમયમાં છાશ અને દૂધ લેવા માટે બીજી દિશામાં ત્રણ કિલોમીટર દૂરના ગામમાં મામાના ઘરે જવું પડતું હતું. ક્યારેક મારા પિતાના એક મિત્રની વાડીએથી પણ છાશ કે દૂધ લેવા જતો. એ રીતે એક વાર દૂધ લઈને આવતો હતો ત્યારે મારા ગામના એક ગાંડા માણસે મારા હાથમાંથી દૂધ આંચકી લીધું. તે થોડું દૂધ પી ગયો અને બાકીનું દૂધ તેણે ઢોળી નાખ્યું.

હું તો રડતો-રડતો ઘરે પહોંચ્યો. મારી બાએ કહ્યું કે ‘કંઈ વાંધો નહીં. તેણે તને માર્યો તો નથી ને’

મેં કહ્યું કે ‘ના તેણે મને માર્યો નથી.’ મારી બાએ કહ્યું, ‘તેણે દૂધ પીધું તો વાંધો નહીં! તે બિચારાના પેટમાં દૂધ ગયું ને? પણ તેણે તને માર્યો તો નથી ને! એ ગાંડો તો ગામના બધા છોકરાઓને હેરાન કરે છે. અને બધાને મારે છે!’

‘મેં કહ્યું કે ‘પણ તેણે બાકીનું દૂધ ઢોળી નાખ્યું!’ તો મારી બાએ કહ્યું, ‘એ બિચારા ગાંડા માણસને ખબર ન પડે કે દૂધ ઢોળી ન નખાય!’

દુકાળના વર્ષમાં દૂધ ઢોળાઈ ગયું એનો અફસોસ તો તેને થયો જ હશે, પણ તેણે મને જે જવાબ આપ્યો એમાં કેટલી બધી વાત હતી! દૂધ ભલે ગયું, પણ મને માર પડ્યો નહીં એ તેણે વિચાર્યું. એટલે કે ઘટના ખરાબ હતી, પણ એમાંય તેણે સારું વિચાર્યું. બીજી બાજુ તેને પેલા ગાંડા માણસ પ્રત્યે ગુસ્સો નહોતો આવ્યો, પણ તેની દયા આવી હતી કે તે બિચારાને ખબર ન પડે કે દૂધ ઢોળી ન નખાય!’

ત્યારે તો બહુ નાની ઉંમર હતી એટલે બહુ સમજાયું નહીં હોય, પણ હવે હું સમજી શકું છું કે એ વખતે મારી બાના એ શબ્દો થકી હું જીવનનો સૌથી મોટો પાઠ શીખ્યો હતો કે ખરાબ સ્થિતિમાંથી પણ કશુંક સારું શોધવું જોઈએ! એલિનોર પોર્ટરની બેસ્ટસેલર બનેલી ‘પોલિયેના’ નોવેલ (એનો વિશ્વની અનેક ભાષાઓમાં –ગુજરાતી ભાષામાં પણ - અનુવાદ થયો છે) મેં ઘણા ફ્રૅન્ડ્સને ભેટ આપી છે. એમાં પોલિયેના નામની છોકરી ખરાબમાં ખરાબ સ્થિતિમાંથી પણ કશુંક સારું શોધતી રહે છે. એ બુક જ્યારે-જ્યારે નજર સામે આવે એ વખતે મને મારી બા યાદ આવે છે. સંઘર્ષના વર્ષોમાં ખેતરમાં ધોમ તડકામાં કામ કરતી વખતે પણ મેં તેના ચહેરા પર સ્મિત ફરકતું જોયું છે. એ વખતે એ કહે કે ‘ઘણા લોકોએ તો બીજાઓની વાડીઓમાં મજૂરી કરવા જવું પડે છે. આપણી પોતાની વાડી તો છે!’

આમ ખરાબમાંથી પણ કશુંક સારું શોધવાનું તેણે શીખવ્યું.

અને બીજાઓને મદદરૂપ થવાની ભાવના પણ તેને કારણે મારામાં આવી.

અમારા ઘરની પાછળના ભાગમાં કે ઘરની બહાર શેરીમાં કોઈ કૂતરી વિયાઈ હોય તો તે તેના માટે શીરો બનાવીને એને ખવડાવે! હજી પણ તેની એ પ્રવ્રુત્તિ ચાલુ જ છે. દિવાળીના દિવસોમાં મારા ગામમાં ગયો હતો ત્યારે મારો ભત્રીજો પ્રસન્ન એક રાતે મોટરસાઈકલ પર વાડીએ જતો હતો. મેં તેને પૂછ્યું કે ‘અત્યારે વળી ક્યાં વાડીએ ઉપડ્યો!’ તો તેણે હસતા-હસતા કહ્યું કે ‘બાના કામે જાઉં છું, ભાતું લઈને!’ મને નવાઈ લાગી. દિવસે ખેતરમાં લોકો કામ કરતા હોય તો એમના માટે ‘ભાતું’ એટલે કે ખાવાનું મોકલવાનું હોય, રાતે વળી કોને ભાતું આપવા જવાનું હોય! મારા ચહેરા પર આશ્ચર્યનો ભાવ જોઈને તેણે ફોડ પાડ્યો કે ‘વાડીએ આપણી ઓરડીની બાજુમાં જ એક કૂતરીએ ગલુડિયાઓને જન્મ આપ્યો છે એના માટે શીરો લઈને જઈ રહ્યો છું!’

હમણા બા મુંબઈ રોકાવા આવ્યા છે. પણ તે અવારનવાર મારા ભાઈ-ભાભી સાથે ફોન પર વાતો કરે. બે-ત્રણ દિવસ અગાઉ મારા મોટા ભાઈ પ્રવીણભાઈ સાથે વાત કરતી વખતે તેણે પૂછ્યું કે બકરીના દૂધનું લગવું બંધાવ્યું છે (એટલે કે રોજ નિશ્ચિત માત્રામાં દૂધ વેચાતું આપવા માટે –ઘરે પહોંચાડવા માટે કોઈને કહી રાખ્યું હોય) તો ઓલો છોકરો દરરોજ દૂધ આપી જય છે ને?

મને આશ્ચર્ય થયું. મેં પૂછ્યું કે ‘બા, આ બકરીનું દૂધ તો ગાંધીજી પછી કોઈ પીતું હોય એવું મારા ધ્યાનમાં નથી આવ્યું! આપણે ત્યાં તો મને યાદ છે ત્યારથી ગાય-ભેંસનું દૂધ જ આવે છે!’ બાએ કહ્યું, ‘ના. ના. આપણા માટે નહીં, બિલાડીનાં બચ્ચાંઓ માટે બકરીનાં દૂધનું લગવું બંધાવ્યું છે.’

પછી મારી નાની બહેન પારુલે માંડીને વાત કરી કે આપણા ગામમાં એક બિલાડી બચ્ચાંઓને જન્મ આપ્યો છે. એ છ ઘર બદલાવીને સાતમા ઘરે – આપણા વરંડામાં - રહેવા આવી છે (બિલાડી બચ્ચાંઓને જન્મ આપે એ પછી તેને કે જગ્યાએ ન રાખે, એ છ જગ્યા બદલે અને સાતમા ઘરે બચ્ચાંઓ મોટા થાય ત્યાં સુધી રહે! આ વાત ગામડાંઓના લોકો માટે નવાઈજનક નથી). એ બચ્ચાઓને ભેંસનું દૂધ પચવામાં ભારે પડે એટલે બાએ તેના માટે ખાસ બકરીના દૂધની વ્યવસ્થા કરવી છે અને તે ભાઈ અને ભાભીને કહી આવ્યા છે કે બિલાડીનાં બચ્ચાઓ મોટા થઈને વરંડામાંથી જતાં ન રહે ત્યાં સુધી તેને દૂધ પાવાનું ભૂલતાં નહીં!’

ગલુડિયાંઓને માટે, એમને જન્મ આપનારી કૂતરી માટે અને બિલાડીઓના બચ્ચાં માટે આટલી કાળજી લેનારી માતા કશું જ કહ્યા વિના ઘણું બધું શીખવતી હોય છે.

મારી બા અભણ છે, પણ હું તેને વર્ષો અગાઉ ઘણી વાર તેને ગમે એવાં પુસ્તકો વાંચી સંભળાવતો. હજી એવી તક શોધતો હોઉં છું. (વર્ષો અગાઉ મેં એક વાર તેને કહ્યું હતું કે હું સંસદસભ્ય કે વડો પ્રધાન બનીશ તો પણ તને પુસ્તકો વાંચી સંભળાવીશ! જો કે પછી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મિત્ર ગીતા માણેકના કહેવાથી મુંબઈના જાંબાઝ ડૅપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગોવિંદ રાઘો ખૈરનાર મારા ચૂંટણી પ્રચાર માટે આવ્યા છતાં અપક્ષ ઉમેદવાર તરીકે મને રોકડા 232 મતો મળ્યા એ પછી રાજકારણની ખો ભૂલી ગયો! થોડા સમય અગાઉ એ વાત યાદ કરીને હું આક્રોશ ઠાલવતો હતો ત્યારે મારી બાએ કહ્યું હતું કે એમાંથી પણ શીખવા તો મળ્યું ને કે રાજકારણમાં તારું કામ નહીં!) કનૈયાલાલ મુનશીના ‘ક્રુષ્ણાવતાર’ના ત્રણ ભાગ મેં તેને વાંચી સંભળાવ્યા હતા, પણ પછી તેણે બાકીના ભાગ જાતે વાંચ્યા. અને ત્રણ દિવસ અગાઉ મેં ધ્રુવ ભટ્ટની ‘સમુદ્રાન્તિકે’ અને ‘અગ્નિકન્યા’ બુક્સ લાઇબ્રૅરીની બહાર પડેલી જોઈ એટલે મને નવાઈ લાગી. મારા ચહેરા પર પ્રશ્નાર્થચિહ્ન અંકિત થયેલ જોઈને પારુલે કહ્યું, ‘આમાંની એક બૂક હું વાંચી રહી છું અને બીજી બુક બાએ વાંચવા લીધી છે!’

મારી બાને ખબર નથી કે આજે મધર્સ ડૅ છે. પણ મારા માટે તો દરેક દિવસ મધર્સ ડૅ છે!

એટલે અગાઉ મધર્સ ડૅ સિવાય પણ મારી બા સાથેની તસવીરો શૅર કરતો રહ્યો છું.

***