Sukh no Password - 42 in Gujarati Motivational Stories by Aashu Patel books and stories PDF | સુખનો પાસવર્ડ - 42

Featured Books
Categories
Share

સુખનો પાસવર્ડ - 42

કોઈ સફળ વ્યક્તિ હાથ પકડી લે તો નવોદિતનો સંઘર્ષ ઓછો થઈ જતો હોય છે

વિખ્યાત અભિનેતા નાના પાટેકરે તેમના મૅનેજર બિપિન ચુનાવાલાના દીકરાને ડ્રમ વગાડતા સાંભળ્યો ત્યારે...

સુખનો પાસવર્ડ

આશુ પટેલ

યુ ટ્યુબ પર વિખ્યાત અમેરિકન કમ્પોઝર અને ગિટારિસ્ટ માર્કસ મિલર લોસ એન્જલસની પ્રખ્યાત (એમઆઈ ઇન્સ્ટિટ્યૂટ તરીકે જાણીતી) મ્યુઝિશિયન ઇન્સ્ટિટ્યૂટમાં મન બિપિન નામના એક યુવાન ભારતીય યુવાન સાથે જુગલબંધી કરતા હોય એવો વિડિયો જોવા મળે છે, જે એમઆઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા અપલોડ થયેલો છે. મિલર ગિટાર વગાડી રહ્યા છે અને મન બિપિન ડ્રમ વગાડીને તેમને સાથ આપી રહ્યો છે. માર્કસ મિલર જેવા નામાંકિત અમેરિકન સંગીતકાર સાથે જુગલબંધી કરવાનું જગતભરના કેટલાય સંગીતકારોનું સપનું હોય છે. તેમની સાથે લોસ એન્જલસની મ્યુઝિશિયન ઈન્સ્ટિટ્યુટમાં જુગલબંધી કરનારો મન બિપિન ભારતીય યુવાન છે એ જાણીને ગૌરવ થાય પણ તે ગુજરાતી છે અને મુંબઈ નો વતની છે એ જાણીને સુખદ આશ્ચર્ય થાય.

મન બિપિન મ્યુઝિશિયન ઈન્સટિટ્યુટ અને પછી માર્કસ મિલર સુધી કઈ રીતે પહોંચ્યો એ રસપ્રદ વાત જાણવા જેવી છે. મન બે વર્ષનો હતો ત્યારે તેના હાથમાં એક વાર ડ્રમ સ્ટિક આવી ગઈ અને તે કિચનમાં જઈને તપેલા પર સ્ટિક પછાડીને ડ્રમની જેમ વગાડતો હતો. એ જોઈને તેના પિતાએ તેને નાનાં ડ્રમ લાવી આપ્યાં હતાં. મન બિપિને 12 વર્ષની ઉંમરે પંકજ શર્મા નામના સંગીત શિક્ષક પાસે પદ્ધતિસર તાલીમ લેવાનું શરૂ કર્યું. મનના પિતાનું મ્યુઝિકલ બૅન્ડ હોવાથી તેને ડ્રમ વગાડવાની તક મળવા લાગી. તે સ્ટાઇલિશ ડ્રમર હોવાને કારણે તે ડ્રમ વગાડતો હોય ત્યારે લોકો તેને જોવા ઊભા રહી જતા. કિશોરાવસ્થામાં જ તે તેના પિતાના મ્યુઝિકલ બૅન્ડમાં મેઈન ડ્રમર બની ગયો.

મન ભવન્સ કોલેજમાં ભણતો હતો એ વખતે તેણે ‘કર્ણપ્રિય’ નામનું બેન્ડ શરૂ કર્યું હતું અને ‘ઓ સજના’ નામનું પોતાનું મ્યુઝિક આલબમ પણ લોન્ચ કર્યું હતું. તેણે દૂરદર્શનના ‘સુરસાગર’ રિયાલિટી શોમાં પણ ત ભાગ લીધો હતો.

મુંબઈમાં નવરાત્રિમાં ડ્રમ વગાડતા-વગાડતા અને પોતાનું મ્યુઝિકલ બૅન્ડ ચલાવતા-ચલાવતા મન લોસ એન્જલસ સુધી કઈ રીતે પહોંચી ગયો?

વિખ્યાત ફિલ્મ અભિનેતા નાના પાટેકરે એક વાર મનને ડ્રમ વગાડતા જોયો અને તેઓ ખુશ થઈ ગયા. મનના પિતા બિપિન ચુનાવાલા બે દાયકાથી નાના પાટેકરના મૅનેજર તરીકે ફરજ બજાવે છે. એટલે મન નાનો હતો ત્યારે નાના પાટેકરના ખોળામાં રમ્યો છે. નાના પાટેકરે મનના પિતાને કહ્યું કે ‘બિપિન ઈસકો બહાર ભેજો. યે લડકા તુમ્હારા નામ રોશન કરેગા.’

નાના પાટેકર માત્ર ખાલી સલાહ આપીને બેસી ન રહ્યા. બિપિન ચુનાવાલા એવું કહે કે સર, હું કઈ રીતે મારા દીકરાને વિદેશમાં ભણવા મોકલી શકું એ પહેલા જ નાના પાટેકરે કહ્યું કે તારા દીકરાને વિદેશમાં સંગીતની તાલીમ લેવા મોકલવા માટે ખર્ચ થાય એની પરવા ન કરતો. એ બધી જવાબદારી હું સંભાળી લઈશ. એમ સમજી લે કે હું તારા દીકરાને દત્તક લઈ લઉં છું! હું તેના માટે બધું જ કરીશ.

મનના પિતાએ વિદેશોની ઘણી બધી ઈન્સ્ટિટ્યુટમાં તપાસ કર્યા પછી લોસ એન્જેલસની મ્યુઝિશિયન ઈન્સ્ટિટ્યુટ પર પસંદગી ઉતારી. મનને એ ઈન્સ્ટિટ્યુટમાં એડમિશન મળી ગયું અને તે ડિસેમ્બર, 2015માં અમેરિકા જતો રહ્યો. એ ઈન્સ્ટિટ્યુટમાં તેને પ્રથમ વર્ષે જ ‘પ્લૅયર ઓફ ધ યર’નો એવોર્ડ મળ્યો. એ પછી તેને માર્કસ મિલરથી માંડીને બે વખત એમી એવોર્ડ જીતેલા અને ઓસ્કારમાં નોમિનેશન મેળવનારા લૉર્સ ડ્યોચ સહિત અનેક મશહૂર સંગીતકારો સાથે જુગલબંધી કરવાની તક મળી હતી. મન કહે છે કે હું અમેરિકામાં સ્થિર થઈને, સંગીતક્ષેત્રે ખૂબ આગળ વધીને ભારતનું નામ રોશન કરવા ઈચ્છું છું.

નાના પાટેકરે પોતાના મૅનેજરના દીકરાની પ્રતિભા પારખી લીધી અને તેને વિશ્વવિખ્યાત મ્યુઝિશિયન ઈન્સ્ટિટ્યુટમાં અભ્યાસની તક મળે એ માટે મદદ કરી એથી મન બિપિન માટે સફળતાનો રાજમાર્ગ ખૂલી ગયો.

જ્યારે કોઈ સફળ વ્યક્તિ કોઈ પ્રતિભાશાળી નવોદિતની પ્રતિભા પારખીને તેનો હાથ પકડી લે તો તેનો સંઘર્ષ ઓછો થઈ જતો હોય છે અને તેની સફળ થવાની સફર ઝડપી બની જતી હોય છે.

***