Sukh no Password - 39 in Gujarati Motivational Stories by Aashu Patel books and stories PDF | સુખનો પાસવર્ડ - 39

Featured Books
Categories
Share

સુખનો પાસવર્ડ - 39

અદકપાંસળી વિશ્લેષણવીરો અને પિષ્ટપેષણિયા નમૂનાઓની વાત કાને ન ધરવી જોઈએ

વિવેચનવીરો અને સલાહખોરો દાંત કચકચાવીને એક હિન્દી ફિલ્મ પર તૂટી પડ્યા ત્યારે...

સુખનો પાસવર્ડ

આશુ પટેલ

૧૫ ઑગસ્ટ, ૧૯૭૫ના દિવસે મુંબઈમાં એક હિન્દી ફિલ્મનો પ્રીમિયર શૉ યોજાયો હતો. એ ફિલ્મ જોઈને બૉલીવૂડના ‘પારખુ’ પંડિતોએ પ્રોડ્યુસર- ડાયરેકટર પર પસ્તાળ પાડી. ફિલ્મ સમીક્ષકોએ પણ એ ફિલ્મ પર અને એ ફિલ્મના સર્જક પર માછલાં જ નહીં પણ મગરમચ્છ ધોયા. એ ફિલ્મનો વિલન ચૂહા (ઉંદર) જેવો છે અને એનો તીણો અવાજ ખોફને બદલે હાસ્ય જન્માવે એવો છે અને આ આખી ફિલ્મ જ અર્થહીન છે. કોઈ દર્શકે આ ફિલ્મ જોવા માટે પૈસા અને સમય બગાડીને થિયેટર સુધી લાંબા થવાની જરૂર નથી એવી સલાહ પણ એમણે આપી હતી.

આવી પસ્તાળ વચ્ચે એ ફિલ્મના પહેલાં અઠવાડિયાના બોક્સ ઓફિસ કલેકશનના આંકડા જોઈને ડાયરેકટરની છાતીના પાટિયાં બેસી ગયા. એ ડાયરેકટરે પોતાની એ ફિલ્મનો અંત ફરીથી શૂટ કરવાની તૈયારી આદરી દીધી. પણ પહેલાં અઠવાડિયામાં જે દર્શકો એ ફિલ્મ જોવા ગયા હતા તેમની માઉથ પબ્લિસિટીને કારણે બીજા સપ્તાહના રવિવારથી થિયેટર્સમાં દર્શકોની સંખ્યા વધી અને પછીના થોડા દિવસમાં તો એ ફિલ્મ જ્યાં દર્શાવાતી હતી તે થિયેટર્સમાં હાઉસફુલનાં પાટિયાં મારવાની નોબત આવી. મુંબઈના એક થિયેટરમાં ૭૫ અઠવાડિયા સુધી એ ફિલ્મને કારણે કરંટ બુકિંગનું કાઉન્ટર જ ન ખુલ્યું! કારણ કે તેના તમામ શૉનું એડવાન્સ બુકિંગ થઈ જતું હતું.

બોક્સ ઓફિસના તમામ રેકર્ડ એ ફિલ્મે તોડી નાખ્યા.

એ ફિલ્મ હતી ‘શોલે’!

એ ફિલ્મ ૧૯૯૫માં દૂરદર્શન પર પ્રસારીત કરાઈ ત્યારે એના ટીઆરપીનો આંકડો હતો ૭૬!

(‘થ્રી ઈડિટ્સ’ ફિલ્મ ટીવી ચેનલ પર પ્રસારીત થઈ ત્યારે એના ટીઆરપીનો આંકડો ૧૧ હતો અને હાઈએસ્ટ ટીઆરપી રેટિંગ મેળવનારા અમિતાભ બચ્ચનના સંચાલનવાળા ‘કૌન બનેગા કરોડપતિ’ શૉના ટીઆરપીનો હાઈએસ્ટ આંકડો ૧૨ હતો અને નંબર વન સિરિયલ્સના ટીઆરપીનો આંકડો પણ પાંચ-છની આજુબાજુ રમતો હોય છે!)

આવી ‘શોલે ફિલ્મને વાહિયાત ગણાવનારા બૉલીવુડિયા ‘પારખુ’ પંડિતોને ચૂહા જેવો લાગ્યો હતો એ અમજદ ખાન ‘ગબ્બરસિંઘ’ તરીકે અમર થઈ ગયો. અમજદ ખાનનો અવાજ એ પંડિતોને દમ વિનાનો લાગ્યો હતો!

ટૂંક સાર એ કે પોતાની બુદ્ધિ પ્રમાણે આપણી પ્રતિભાને મૂલવતા વિશ્લેષણવીરોની વાત એક કાનેથી સાંભળીને બીજા કાને કાઢી નાખવી. અને શક્ય હોય તો આવા નમૂનાઓ સલાહ આપતા હોય કે ટીકા-ટિપ્પણી કરતા હોય ત્યારે કાનમાં રૂનાં પૂમડાં ભરાવી દેવા અને એ હાથવગા ના હોય તો ઈયર ફોન ભરાવીને કોઈ સરસ મજાનું ગીત સાંભળવા માંડવું!

***