Sukh no Password - 37 in Gujarati Motivational Stories by Aashu Patel books and stories PDF | સુખનો પાસવર્ડ - 37

Featured Books
Categories
Share

સુખનો પાસવર્ડ - 37

એક ગાયક-સંગીતકાર અને એક ફોટોગ્રાફરે નાઈજીરિયાના લાગોસ શહેરમાં બ્રેડ વેચીને પૈસા રળતી એક યુવતીની જિંદગી બદલી નાખી!

સુખનો પાસવર્ડ

આશુ પટેલ

નાઈજીરિયાના લાગોસ શહેરમાં રસ્તા પર ફરીને બ્રેડ વેચતી એક યુવતી ઓલાજુમોક ઓરિસાગનાના લગ્ન નાની ઉંમરે થઈ ગયા હતા. અને બે બાળકોની માતા પણ બની ગઈ હતી. ૨૭ વર્ષની ઓલાજુમોક ઓરિસાગના તેના પતિ સન્દે ઓરિસાગના અને બે બાળકો સાથે, સંખ્યાબંધ નાઈજીરિયન મહિલાઓની જેમ જ, બીબાંઢાળ જિંદગી જીવી રહી હતી. તેના કોઈ સપનાં નહોતાં. દરરોજ બ્રેડ વેચીને થોડા પૈસા કમાવા અને રસોઈ કરીને પતિ તથા બાળકોને જમાડવા એ તેનો નિત્યક્રમ હતો. તે દરરોજ માથા પર બ્રેડ ભરેલું પ્લાસ્ટિકનું પોટલું લઈને બજારમાં નીકળી પડતી હતી. અને નિશ્ચિત સમયે ઘરે પાછી પહોંચી જતી હતી.

પરંતુ એક દિવસ તે બ્રેડનું પારદર્શક પોટલું લઈને બજારમાં ફરી રહી હતી ત્યારે અજાણતા એક તસવીરમાં કંડારાઈ ગઈ. અને એ એક તસવીરને કારણે તેની જિંદગી એકસો એંસી ડિગ્રી પર બદલાઈ ગઈ. એ તસવીર અને એ તસવીર ખેંચનારી સફળ વ્યક્તિને કારણે, ઓલાજુમોકે ક્યારેય કલ્પના પણ નહોતી કરી એવો, વળાંક તેની જિંદગીમાં આવી ગયો.

બન્યું હતું એવું કે નાઈજીરિયાના વિખ્યાત ફોટોગ્રાફર ટી બેલો પ્રખ્યાત ફેશન મૅગેઝિન ‘ધિસ ડે સ્ટાઈલ’ માટે નાઈજીરિયાના લાગોસ શહેરના એક વિસ્તારમાં નામાંકિત બ્રિટિશ ગાયક-સંગીતકાર ટિની ટેમ્પાનું ફોટો શૂટ સેશન કરી રહ્યા હતા. તેમણે ઢગલાબંધ તસવીરો ખેંચી. તે બન્ને ફોટો શૂટ માટે જે વિસ્તારમાં ગયા હતા ત્યા ઓલાજુમક બ્રેડ વેચવા માટે માથે પોટલું લઈને જઈ રહી હતી. તસવીરો ખેંચતી વખતે ટીવાય બેલોએ લીધેલી તસવીરમાં ઓલાજુમોક પણ આવી ગઈ.

એ ફોટો શૂટ પછી ફોટોગ્રાફર ટી બેલો અને સંગીતકાર ટિની ટેમ્પા બધી તસવીરો જોવા બેઠા હતા એ વખતે તેમની નજર ઓલાજુમોકના ફોટો પર ગઈ. તેમને થયું કે આ યુવતીનો ચહેરો તો મોડેલ બનવાને લાયક છે. તે જો અનાયાસે ખેંચાયેલા ફોટોમાં આવી આકર્ષક લાગતી હોય તો તેનો ચહેરો કેટલો ફોટોજેનિક હશે.

વળી એ ફોટોમાં ઓલાજુમોકનો જે પોઝ હતો એના પરથી તો તે બન્નેને વધુ ખાતરી થઈ ગઈ કે આ યુવતી અદ્ભુત મોડેલ બની શકશે.

ટિની ટેમ્પા અને ટી બેલો ફરી એ વિસ્તારમાં ગયા જ્યાં ટી બેલોએ ઓલાજુમોકની તસવીર અનાયાસે ખેંચી લીધી હતી. તેમણે ઓલાજુમકની શોધ આદરી. ઓલાજુમોક તરત તો ન મળી, પણ ટિની ટેમ્પા અને ટી બેલોએ તેની શોધ જારી રાખી. અંતે ઓલાજુમક તેમને મળી ગઈ.

સંગીતકાર ટિની ટેમ્પા અને ટી બેલોએ ઓલજુમોકને કહ્યું કે તું બ્રેડ વેચવા માટે નથી જન્મી. તું તો મોડેલ બનવા સર્જાઈ છે. તારો ફોટો અત્યંત ફોટોજેનિક છે. તને આજ સુધી કોઈએ ન કહ્યું કે તારે મોડેલિંગ કરવું જોઈએ?

ઓલાજુમોક તો તે બન્ને ખ્યાતનામ ફોટોગ્રાફર-સંગીતકારની વાત સાંભળીને દિગ્મૂઢ બની ગઈ.

ટિની ટેમ્પા અને ટી બેલોએ કહ્યું કે અમે તને મોડેલ બનાવવા માગીએ છીએ.

એ દિવસથી ઓલાજુમોકની દુનિયા બદલાઈ ગઈ. ટિની ટેમ્પા અને ટી બેલોએ ઓલાજુમોકનો પોર્ટફોલિયો તૈયાર કરાવ્યો. તેમણે તેને મોડેલ બનવા માટે તાલીમ અપાવી. થોડા સમયમાં તો તેનામાં અદ્ભુત આત્મવિશ્વાસનો સંચાર થયો.

ટિની ટેમ્પા અને ટી બેલોએ ઓલાજુમકને તાલીમ અને તક આપીને મોડેલ બનાવી દીધી. તે બન્નેની પ્રતિભાપારખું નજરને કારણે બે બાળકોની માતા પ્રખ્યાત મોડેલ બની ગઈ. રસ્તાઓ પર બ્રેડનું પોટલું લઈને ફરતી ઓલાજુમોક મોડેલ બનીને આત્મવિશ્વાસ સાથે રેમ્પ વોક કરતી થઈ ગઈ. તેના વિશે અખબારોમાં સમાચાર અને ફીચર છપાવા લાગ્યા અને પ્રખ્યાત ફેશન મૅગેઝિન ‘ધિસ ડે સ્ટાઈલ’ના કવર પેજ પર પણ તે ચમકી ગઈ. ત્યાર બાદ તો તેને ધડાધડ મોડેલિંગ અસાઈનમેન્ટ્સ મળવા લાગ્યા. અને તે મશહૂર મોડેલ બની ગઈ.

પ્રતિભાપારખું સફળ વ્યક્તિ કોઈનું જીવન બદલી શકે છે એનો પુરાવો મોડેલ ઓલાજુમોક ઓરિસાગના છે.

***