કેમ છો..?
સંસર્ગનિષેધ ને માણી રહ્યા છો ને...?
તમને લાગતું હશે કે આ શું કહેવા માંગે છે તો તમને કહું કે આમ જ સાવ નવરા નવરા Google સાથે ગોટાળે ચડવાનું મન થયું એટલે Google Translate પર જઈ *quarantine* શબ્દ જે આજકાલ દરેક મોઢે આવતો થયો છે તેને આપણી માતૃભાષામાં ભાષાંતર કરું..
જોયું તો જવાબ મળ્યો સંસર્ગનિષેધ..
એટલે સાદી અને સમજાઈ એવી ભાષામાં કહું તો ફરજીયાત વણ જોઈતો અજ્ઞાતવાસ, એકાંતવાસ, કંટાળાવાસ, વગેરે વગેરે....
આજકાલ સોશ્યલ મીડિયામાં તમામ પ્લેટફોર્મ પર આ જ ચર્ચાનો વિષય છે.. સોશ્યલ મીડિયાના સલાહકારોના અભૂતપૂર્વ પ્રયાસો થકી હવે તો સોશ્યલ મીડિયાથી પણ સંસર્ગનિષેધ થવું પડે તેવી સ્થિતિ ઉદભવી છે....
ઘણા તો Corona અને Quarantine બંને શબ્દોને સગા ભાઈઓ સમજી બેઠા છે, પ્રાસ અને શબ્દોની રચના મળતી આવે છે ને એટલે ....
મારા માટે તો આ સંસર્ગનિષેધ દુકાળમાં અધિકમાસ થઈ બેઠો છે ત્યારે આજે આપને આ સંસર્ગનિષેધના નવા દિશાનિર્દેશ તરફ લઈ જવા છે..
ફરજીયાત જ્યારે આપણે સૌએ સંસર્ગનિષેધ અવસ્થામાં જ રેહવાનું છે ત્યારે અચાનક ચાની ચુસ્કી લેતા લેતા ને સાથે સાથે ગીતો સાંભળતા સાંભળતા વિચારોમાં ખોવાઈ ગયો.. આમ તો જ્યારે માણસ વિચારો માં ખોવાઈ જાય ત્યારે સૌ પેલા એને તાજેતરનું જ સૌથી વધુ યાદ આવે અથવા તો એ યાદ આવે જે પળ હાલ સુધીમાં જીવેલ બેસ્ટ પળો હોય.. મારી સાથે પણ એવું જ થયું.. મને પણ મારી અત્યાર સુધીની સફરમાં જીવેલ બેસ્ટ પળો યાદ કરવાનો મોકો મળ્યો..
યાદ કરતા કરતા એ પળોના સાક્ષી હતા એ સૌ પણ યાદ આવ્યાં. જેમની સાથે અત્યાર સુધીની બેસ્ટ ક્ષણો વિતાવી... વિચારોના દરિયામાં મસ્ત તરતા તરતા અચાનક જ મનમાં ઉપાડેલા વહેણે મારા વિચારોને ઉંધે માથે પછાડ્યા અને મનમાં એક પ્રશ્ન પણ રોપ્યો કે જે લોકો સાથે હું આ સોશ્યલ મીડિયા થકી રોજબરોજ જોડાયેલો રહું છુ એ સિવાયના વિશે પણ આજે નવરાશની પળોમાં થોડું જાણું અથવા તેઓને પણ એ બેસ્ટ ક્ષણો તાજી કરાવું...
બસ અને પછી શું મને સંસર્ગનિષેધ માં પણ જાણે દરિયામાં ડૂબતાં ને તાંતણા નો સહારો મળ્યો એમ આ સહારો મળ્યો..
બસ અને પછી શું હું નીકળી પડ્યો મારી અનોખી યાત્રામાં.. સ્કૂલમાં ભણતો હતો ત્યારે ભાઈબંધો સાથે વિતાવેલી એ અણમોલ ક્ષણો, ગણિતના ક્લાસમાં કરેલી ગમ્મતો, હથેળીમાં ખાધેલી ફૂટપટ્ટી, સમૂહ સજા, પીટી ના ક્લાસમાં કરેલ મજા, વગેરે વાગોળી અને સાથે સાથે સાથે જે મારી આ પળોના સાક્ષી હતા એ સૌને પણ વણાવી..
ત્યારબાદ કોલેજકાળ..
નવો સમયે, થોડા જૂના થોડા નવા મિત્રો..
એને પણ માં ભરીને માણ્યો. કોલેજ કાળના સંસ્મરણો માં તો અમોને ભણાવતા પ્રોફેસરોને પણ જોડ્યા. ઘણા સમય બાદ યાદ કરતા ફરી એ સમયે જીવવાનો આનંદ થયો..
અને છેલ્લે, જિંદગીની હૈયહોડમાં ટકી રેહવાં નોકરીમાં જોડાયા ત્યારથી નોકરીના સંસ્મરણો વાગોળ્યા..
સમયની આ હોડમાં આગળ રહેવાની તાલાવેલીમાં જે લોકોના રસ્તા આપણા થી અલગ પડયા છે એવા તમામ ને ફરી એક વાર ખાલી નિરાંતની પળોમાં યાદ કરવાનું સાહસ એટલે સંસર્ગનિષેધ... એમની સાથે વિતાવેલ પળોને ફરી જીવંત કરવાની તક એટલે સંસર્ગનિષેધ... એમની સાથે ફરી જોડાવાની એક અમૂલ્ય તક એટલે સંસર્ગનિષેધ.... એમને પણ આ કપરી પરિસ્થિતિમાં મદદ કરવાની તક એટલે સંસર્ગનિષેધ....
આ કંટાળાજનક સંસર્ગનિષેધ ને જીવનની યાદગાર પળોમાં સંગ્રહી શકાય એવો સંસર્ગનિષેધ બનાવવાની અમૂલ્ય તક આપણને સૌને મળી છે. આ તક જીલી તકવાદી બની સંસર્ગનિષેધને પણ યાદોના ફૂલોથી શણગારો એવી એક વિનંતી...
વધુ નહીં કહું, નહિતર ફરી મને પણ સોશ્યલ મીડિયાના સલાહકારનું બિરુદ મળવાની ભીતિ રહેશે...
યશ પારુલ વાઘેલા