fursadni shodh in Gujarati Short Stories by DinaaZZ books and stories PDF | ફુરસદની શોધ

The Author
Featured Books
Categories
Share

ફુરસદની શોધ


સુજાતાબહેન અવિનાશભાઈની છબી સામે જોઈને વિચારતા હતા.આ છબીને હાર લાગ્યાને બે વર્ષ થવા આવ્યા તો પણ હજી મગજમાંથી ખસતા નથી. હજી પણ એ જ જૂની વાતો રહી રહીને કાનમાં ગુંજ્યા કરે છે. "હવે હજી કેટલું છેટું છે? અવિનાશ? " સુજાતાની આંખ માં ઝળઝળીયા છવાયા.

"છેટુંમાં તો એવું છે.... ને સુજાતા કે મને પણ લાગે છે કે હજી કેટલુ છેટું છે!" ક્યાંકથી અવાજ આવ્યો, સુજાતાબેન ચમક્યા."અરે! આ તો એનો જ અવાજ!"

"ના ના! મને ભ્રમ થયો લાગે છે, કે પછી મને ભણકારા વાગે છે!"


"એ ગાંડી અહીંયા જો!.. તારી સામે જ છું હું.. દેખાતું નથી..આ અહીં જ તો છું."

સુજાતાબેનના હાથમાંથી છાપું સરકી ગયું.

"અરે સાંભળ! આ બાજુ જરા..."

સુજાતાબહેને અવાજની દિશામાં જોયું. "અરે ! એ પરસેવે રેબઝેબ થઈ ગયા! તમે! સાચે જ?"

એ અવિનાશભાઈ તરફ દોડ્યા, એમને ખભેથી પકડવા ગયા, ભેટવા ગયા.... પણ આ શું? સીધા જઈને દિવાલ સાથે અથડાયા!

થડ.. અવાજ થયો અને બીજા રૂમમાંથી જાનકી દોડતી આવી.

"શું થયું માસી? આટલો અવાજ...અરે! માસી તમને તો ઢીમચુ થઈ ગયું છે! પડી ગયા કે પછી ચક્કર આવ્યા?"

"એ તો કંઈ નહીં, આમ જ જરા ચાલતા ચાલતા સમજ નહિ પડી." સુજાતાબહેને બોલતા બોલતા ભાઈની તસવીર સામે જોયું એ તો મંદ મંદ હસતા બેઠા હતા!

" માસી, ઢીમડાં ઉપર બરફ ઘસી આપું છું."
જાનકી બરફ લેવા ગઈ.

"સોરી! બહુ વાગ્યું તો નથી ને?.." અવિનાશભાઈનો અવાજ આવ્યો. સુજાતાબહેન પાછા ચોંકીને ઉભા થઈ ગયા.

"અરે તું ડર નહીં, તને મારા વગર નથી ગમતું એમ મને પણ તારા વગર નથી ગમતું. તો ક્યારેક ક્યારેક થોડી વાતો કરી લઈએ તો આપણને બેઉને સારું લાગશે..."

સુજાતાબહેનનો ડર થોડો ઓછો થયો, " તમે કેમ ચાલ્યા ગયા? અને આમ સાવ અચાનક? ન વાત, ન કંઇ..."અવિનાશ..હું કેટલી એકલી થઈ ગઈ છું. કેટલું બધું કહેવું હતું! કેટલું સાથે ફરવું હતું આમ સાવ અધવચ્ચે... હવે તો જીવવાની ફૂરસત મળી છે. છોકરાઓ પોતપોતાનાં સંસાર સંભાળીને બેસી ગયા છે, હું તો સાવ નવરી ને નવરી."

સુજાતાબહેનનાં ગળે ડુમો ભરાયો.

"સુજાતા, હું પણ તો રાહ જોતા જોતા ગયોને, હું પણ તારા સાથને માટે , તારા સાહચર્ય માટે કેટલું ઝંખતો....છેલ્લા કેટલાય વર્ષોથી તને મારા સિવાય દરેક બાબત માટે સમય હતો. તારે મને સગવડ આપવી હતી, મારો સમય સાચવવો હતો,અને હું તને અને તારા સમયને ઝંખતો. જો અત્યારે મારા વગર આ ઘર, આ સંસાર અને મારો ધંધો ચાલે જ છે ને." અવિનાશભાઈ આગળ બોલ્યા.

"હું સવારની ચા તારી સાથે પીવાની રાહ જોતો, તારે હવેલી જવાનું હોય. બપોરે જમતી વખતે તને તારા પોતરાઓની પરવા વધારે હોય," સુજાતાબહેનને બોલતાં અટકાવીને એમણે કહ્યું, "હા મારા પણ, સમજાઈ ગયું.." ઠીક છે...

"મને એમ થતું કે આપણે મરીન ડ્રાઇવની પાળ પર બેસીને દરિયાની ભરતી ઓટ જોતાં જોતાં આપણી બાકી રહેલી જિંદગીને માણીએ... એમાં જીવન ભરીએ....અને તું જીવન પુરું થવાની રાહ જોવામાં પડી." અવિનાશભાઈ ઉદાસ અવાજે બોલતાં રહ્યાં. "યાદ છે? ત્યારે રવિવારે મુકેશભાઈ આવેલા... એક સોશિયલ ગ્રુપના સભ્યપદ માટે.."

"મને શું ખબર કે તમે આમ અચાનક..સાવ અચાનક જતા રહેશો... થોડી જવાબદારીઓ સાચવતા સાચવતા હું તમને અન્યાય કરી બેઠી. મને હવે યાદ આવે છે કે, તમે કાશ્મીર ફરવા જવાનું કહ્યું હતું, ને હું મુરખી કે ના પાડીને બેસી ગઈ....મને યાદ આવે છે કે તમારું મોં કેવું વિલાઈ ગયું હતું....."પણ અત્યારે તમારા મોઢા પર કેવી લાલી દેખાય છે!"

"શ..શ..શ...અમને અમારું અસલી મોં દેખાડવાનો અધિકાર નથી. આ તો જરા તું સામે આવી ગઈ એટલે ..."અવિનાશભાઈ બોલ્યા. "આતો હમણાંજ કાશ્મીર જઇ આવ્યો,અમને મજા આવી."

"અમને! એટલે બીજું કોણ?" સુજાતાબહેનનો સ્ત્રી સ્વભાવ જાગૃત થયો.

"આ મીનાક્ષી સાથે, અરે, પેલા નવ નંબર વાળા..."

"એ નખરાળીએ તમને ઉપર પણ શોધી લીધાં...ને તમે કહો છો કે તમે મારી રાહ જુઓ છો.. ફરો એકલા... હું અહી તમારી પાસે આવવાના દિવસો ગણું છું અને તમે.." સુજાતા બહેનનાં ડૂસકાં ચાલુ થયાં.

"સુજાતા! સુજાતા! સુજાતા જાગ, ઉઠ! અવિનાશ ભાઈએ એને ઢંઢોળી નાંખી..

"શું કરે છે? શું થયું...કેમ રડે છે? સવાર સવારમાં!" અવિનાશભાઈ ગભરાયેલા સ્વરે પુછ્યું.

એ દિવસે સવારે ચા પીતાં પીતાં સુજાતાબહેને અવિનાશભાઈને પૂછ્યું,"તમે કંઇ કાશ્મીર જવાનું કહેતાં હતાં ને? અને સાંભળો મુકેશભાઈને હા પાડી દીધી કે નહીં?"

અને સામે ગેલેરીમાં દેખાતા મીનાક્ષીબહેનને જોઇ હાથ હલાવ્યો અને કહ્યું, "આમને પણ પુછી જોઈએ. બહુ મળતાવડું અને આનંદી કપલ છે. કંપની પણ રહેશે......."