Marine-Story-Khara-Paani-nu-Khamir - 1 in Gujarati Magazine by Khajano Magazine books and stories PDF | દરિયાઈ વાર્તા : ખારાં પાણીનું ખમીર (ભાગ ૧)

Featured Books
Categories
Share

દરિયાઈ વાર્તા : ખારાં પાણીનું ખમીર (ભાગ ૧)

લહેરખી ● વિષ્ણુ ભાલિયા

---------------------

ભરતીનાં પાણી જાણે ખાડીને કિનારે ઊભેલા સ્મશાનની સળગતી ચિતાને આંબવા જતાં હોય એમ ઉતાવળાં ઊભરાતાં હતાં. ખાડીનો સાંકડો પટ હમણાં વીળના પાણીથી એકાએક મોટો લાગવા માંડ્યો હતો. દૂર દૂર પશ્ચિમમાં સ્થિત કામનાથ મંદિરના શિખર પરથી સરકતો લાલચટક સૂર્ય પોતાના ઘર તરફ જતો દેખાયો. પવન ડરીને સૂન બની, છૂપાઈ જવા લાગ્યો. સામે કિનારે ડાઘુઓ ચિતાની આસપાસ ગમગીન બની બેઠા હતા, જ્યારે આ કિનારે દરિયાના પાણીમાં અડધે સુધી ડૂબેલા વહાણને અસંખ્ય ખારવાઓ એક સાથે ઉપર ખેંચી રહ્યા હતા. ગોઠણભર પાણીમાં કતારબંધ બીડાયેલી તેમની મુઠ્ઠીઓ રાક્ષસી બળ કરતી હતી. પાણીથી ભરાયેલું વહાણ ધીરે ધીરે ઉપર ચઢતું જોઈ તેમનો જુસ્સો વધી જતો. આમતેમ આટોફેરો કરતા બીજા ખારવાઓ પણ હોંશે હોંશે મદદમાં જોડાઈ જવા લાગ્યા. સામેના વાતાવરણમાં ગમગીન ભીનાશ તો આ તરફ કસાયેલા કાંડાનો અનેરો ઉત્સાહ અને વચ્ચે ખાડી પર વહેતી ખારી ખુશબૂ !

મારા પગમાં પણ જોશ ઊમટ્યું. બૂમલાની કાઠીમાં કેટલીક ખારવણો વહાણને જોવા ટોળે વળી હતી. તેમના ચહેરા પરના શૂન્યવત્ ભાવ અત્યારે દરિયાનું કાળજું કંપાવી જવા લાગ્યા. જોર અજમાવતો એક વૃદ્ધ ખારવો મોટા સાદે રસ્સો પકડી અવાજ દેતો હતો:

“એ... હેલામ... હે... હેલે... માલિક... જુમસાં...” અને વળતા “હેલેસાં... હેલેસાં...”ના પડકારા સાથે ખેંચતા રસ્સાથી વહાણ બે ડગલા ઉપર આવી ગયું.

“કિનું વા’ણ શે આ ?” મેં કુતૂહલ દાખવતાં મિત્ર રાજેશને પૂછ્યું.

“સાત-આઠ દિ’ પે’લા નો’તું ડૂબી ગયું લખમવાળાનું ? ઈ શે આ.” રાજેશે કહ્યું.

મને નવાઈ લાગી. આટલા દિવસની મહેનત પછી પણ વહાણને બંદરમાં લઈ આવ્યા ખરા ! ચોમેર ઊઠતા હોકારા-પડકારા વચ્ચે મેં જરા ઊંચા અવાજમાં રાજેશને પૂછ્યું:

“હારું કે’વાય, નીં ? આટલા દિ’ પછી પન વા’ણને લઈ આવ્યા તી !”

“અલા... આપણા ખારવા મૂકે નીં... ખાલી ખબર હોય ને કે વા’ણ કાંશે, તો ગમે એમ કરીને લઈ આવે !” રાજેશના શબ્દોમાં ખુમારી ભરી હતી. થોડીવાર અટકીને તે ફરી ભાવહીન અવાજે બોલ્યો:

“પછી કદાચ વા’ણની જ મરજી ન હોય તો ઈ બંદર હુધી પૂગે નીં.” તે વહાણ ખેંચતા ખારવાને જોતાં બોલતો હતો.

“એટલે ?” મને તેનું છેલ્લુ વાક્ય થોડું રહસ્યમય લાગ્યું એટલે અધીરાઈથી પૂછ્યું.

તેણે દૂર ખાડી તરફ આંગળી ચીંધતા કહ્યું, “જો, હામે... ઓલી હોડી જાય. ઈમાં ઓલો રાવોઆતો દેખાઈશ ? ડોહાં જેવો...”

“હમમમ...” મેં હોડીમાં દેખાતા એક વૃદ્ધ તરફ જોતા માથું હલાવ્યું.

“ઈને એકવાર મળી લે, બધી હમજાઈ જાહે.” તે થોડો ગંભીર લાગ્યો.

“કેમ ? ઈની હારે હું થીયું’તું ?” મારી ઉત્સુકતા ખૂબ વધી ગઈ.

રાવોઆતો નાનકડી હોડીમાં થોડી જાળ લઈ એકલો દરિયે જતો દેખાયો. તેની વૃદ્ધ નજર બંદરમાં પરત લાવેલા વહાણ પર મંડાઈ હતી. એક હાથમાં હોડીનું સુકાન અને બીજા હાથે બીડી ફૂંકતો તે પસાર થઈ ગયો. તે જે રીતે વહાણને જોતો હતો એ શૂન્યહૃદયના ભાવ હું સમજી ન શક્યો. રાજેશ મારા સવાલનો જવાબ આપ્યા વગર દોડીને ખારા પાણીમાં વહાણ ખેંચતા ખારવા સાથે ભળી ગયો. હું સંકોચ સાથે તેમના જોશીલા શબ્દો સાંભળતો રહ્યો.

“એ... હેલામ હે. હેલે માલિક... જુમસાં.”

અને કાંડાની તાકાત જાણે મોંમાંથી નીકળી હોય એમ ખલાસી ગરજી ઊઠતા:

“હેલેસાં... હેલેસાં...”

હું, જાતે ખારવો. પણ મોટે ભાગે બહાર ‘હોસ્ટેલ’માં જ રહેતો. રજાઓમાં ગામમાં આવતો ત્યારે જૂના મિત્રો મળતા, દરિયો દેખાતો; ખલાસી, વહાણ, મચ્છી, દોરડાં આ બધું પછી થોડા દિવસોમાં જ પોતાનું લગવા માંડતું. ગમે તેમ તોય ખારવાનું ખૂન ખરું ને !

રાજેશ મારા કરતાં ઉંમરમાં પાંચેક વર્ષ મોટો. દરિયામાં જતો ખલાસી તરીકે. મને હંમેશા તેની દરિયાઈ વાતો સાંભળવાની તાલાવેલી જાગતી. અત્યારે પણ તેની વાત મનમાં ઘૂમરાતી હતી: “ઈને એકવાર મળી લીજે, બધી હમજાઈ જાહે !”

તેની એ વાતમાં જરૂર એવું ‘કંઈક’ હતું જે મનને ખેંચતું રહ્યું. આમ તો રાવાઆતાને હું પહેલીવાર જ જોતો હતો. તેમના વિશે ખાસ કાંઈ સાંભળેલું પણ નહિ. તે છતાં મેં નિરધાર કરી લીધો – તેમને એકવાર મળવું તો છે જ. એવું કંઈ એમની પાસેથી જાણવું હતું જેનો સંબંધ આ ડૂબેલા વહાણ સાથે અથવા એવી ઘટના સાથે સામ્યતા ધરાવતો હતો.

સવારે ઊઠ્યો ત્યારે સૂર્યનાં સોનેરી કિરણો મોજાં પર ચમકતાં હતાં. હું ચાલી નીકળ્યો. મારા પગ એક ફાટેલા-તૂટેલા ઝૂપડાં જેવા ઘર આગળ થંભી ગયા. સામે રાવોઆતો ફાટેલી જાળ સીવતો દેખાયો. ખારા પાણીનો કોઈ ખવીસ બેઠો હોય એવું પહેલી નજરમાં લાગ્યું. હાડમહેનતથી કસાયેલું ખડતલ શરીર હવે થોડું કમજોર લાગ્યું. વૃદ્ધાવસ્થાના ચિહ્નો તો ચહેરા પર સ્પષ્ટ દેખાતા હતા. તાડ જેવો ઊંચો, ખારા પાણીના સતત સહવાસથી ભૂખરા બનેલા વાળ વધીને માથામાં વિખરાઈ ગયા હતા. આછી દાઢીથી ચહેરો ભરાયેલો લાગી રહ્યો. આંખ નીચે વળેલા કાળાં કૂંડાળાં, લલાટની કરચલીઓ નીચે લચી પડેલાં પોપચાં અને સીસમ જેવો કાળો ડિબાંગ વાન.

મને એકાએક આટલો નજીક આવી ગયેલો જોઈ તેઓ ક્ષણભર ઝંખવાણા પડી ગયા. મેં ચહેરા પર મંદ સ્મિત કરતાં કહ્યું, “હું તમારી હારે થોડીક વાત કરી શકું ?”

“હાં, હાં. જરૂર દીકરા. આ પા આવીજા.” કહેતાં તેમણે કાન પાસે ખોસેલી બીડી સળગાવી એક – બે દમ ખેંચી કાઢ્યા.

“હાં, બોલ, દીકરા. હું કામ શે ? ઓલા રામજી ટંડેલનો દીકરો શે ને ?”

મેં માથું નમાવીને ‘હા’ પાડી. દૂર દૂર ખડકાયેલા રેતીના ઢૂવાઓમાંથી ઉડતી ડમરીઓ હવા સાથે ભળીને વસાહત તરફ ધસી જવા લાગી. ક્ષણભર ખાલીપો છવાયો. હું મનોમન થોડી ગડમથલ વચ્ચે અટવાયો: વાત કેમ શરૂ કરવી ? શું પૂછું ? મારા ધબકારા મને સ્પષ્ટ સંભળાયા. ત્યાં પડેલા જાળના ઢગલા પર બેસતાં મેં ઊંડો શ્વાસ લીધો અને પૂછી નાખ્યું.

“કાલે સાંજે લખમવાળાનું વા’ણ ચઢાવતા’તા તવાર તમી ના, હોડીમાંથી જોતા’તા... તો મારા દોસ્તારે કીધું કે તમારી હારે પણ ઈવું જ કીક બન્યું’તુ. પે’લા...”

એકાએક તેમના ચહેરાની કરચલીઓમાં લોહી ઊપસી આવ્યું. માથામાં સણકા ઊઠ્યા. ઊંડી ઊતરી ગયેલી આંખો ફફડાટ કરી રહી. બીજી જ ક્ષણે તેઓ ગંભીર બની ગયા. તેમની એ વૃદ્ધ આંખોમાં જાણે આખો દરિયો સમાણો હોય એમ મને ધડીભર લાગી આવ્યું. મારી ભીતર પણ ખાલીપો છવાયો. પછી થયું – મેં કાંઈક ઊંધું તો નથી પૂછી લીધુંને !

મારી સ્કૂલે હોઉં ત્યારે હું મોટેભાગે શુદ્ધ ઉચ્ચાર કરતો, પણ ગામમાં આવું ત્યારે અમારી બોલી, અમારા શબ્દો, તેનો વિશિષ્ટ લહેકો, લઢણ વગેરે છૂટથી અપનાવી લેતો. એક રીતે અંદરથી આનંદ આવતો, પોતાપણું લાગતું.

“તો, તારે મારા જીવતરની જૂની વાતું જાણવી શ, એમને ?” તેમના કસાયેલા કંઠમાંથી પડઘો ઊઠ્યો. તેમાં હૂંફ, વાત્સલ્ય અને સંવેદના ભરી હતી.

મારી બિલકુલ સામે જ કિનારે ભીની રેતીમાં પડેલી તેમની નાનકડી હોડી સરકતી રેતી સાથે ધીરેધીરે ડોલતી જણાઈ. તેમની નજર સમક્ષ એક પછી એક ચિત્રો સજીવ થઈને ઊપસી આવ્યાં હોય એમ તેઓ ભીતરના ભેંકાર ખાલીપા વચ્ચે સૂન બની ગયા. ફાટેલી જાળ પર ફરતો હાથ અનાયાસે અટકી ગયો. દૂર ખડકો પાછળ અથડાતાં મહેરામણનાં મોજાં પણ અત્યારે મૌન બની ગયાં.

તેમણે ફરી એક બીડી સળગાવી. ધુમાડાના ગોટેગોટા દિલ દઝાડતા આકાશમાર્ગે જતા રહ્યા. ઊંડો દમ લેતાં અચાનક તેઓ બોલ્યા:

“આ હામે ઓલો... લખમવાળાનો બંગલો દેખાઈ શ ને ? જીનું ડૂબેલું વા’ણ અમણાં કોરમાં લાવ્યાશ !” કહેતાં તેમણે એકવાર મારી સામે જોયું. એ અવાજમાં જુસ્સાદાર સ્વમાન ભર્યું હતું. હું એકદમ સતેજ થઈ ગયો.

“હા ! ઈનું હું થયું’તું.” મારી અધીરાઈ એકદમ વધી ગઈ.

“ઈ જગ્યામાં પે’લા અમારો માંડવો પડતો.” તેમનાથી એક નિસાસો નખાઈ ગયો.

“બંદર આખામાં જવાર માલની તંગી હોય તવારનાં અમારી કાઠી બૂમલાની ભરી હોય ! બાયું થાકી જાય વગરાવી વગરાવીને. મારા બાપની બંદર આખામાં આબરૂ પન ઈવી જ ! ગામ આંખુ ઈનું માને. કો’કને નવું વા’ણ બનાવું હોય કે વા’ણમાં કંઈ વાંધો હોય તો મા’ણા ઈ ખોરડે તગડીને આવતા. મારો બાપ દરિયાના પાણીનો રંગ પારખીને કહી દેતો કે માલ પડીએ કે નીં. અરે ! વાવડો નીકળે ઈના પરથી તાગ કાઢી દેય કે તૂફાન આવિયે કે નીં. અતારે તો આ બધી સાધનુ આવી ગીંયા. નીંતર અમીએ જે ધંધો કરીયોશ ને એવું આ નવી પેઢી કરી પન નીં હીખે !” ગળું ઝલાઈ ગયું હોય એમ તેઓ બોલતા અટકી ગયા. હળવો ખોખારો તેમણે ખાઈ લીધો.

હું રસપૂર્વક તેમની વાત સાંભળતો રહ્યો. તેમના ભવ્ય ભૂતકાળનો આજના વર્તમાન સાથે જરા સરખો પણ મેળ નહોતો બેસતો. મારા રોમે રોમમાં ઝણઝણાટી વ્યાપી ગઈ. સવાલો મારા લમણાંમાં ઝીંકાયા – એક સમયનો આટલો સમૃદ્ધ અને સક્ષમ પરિવાર આજે કેમ કંગાળ બની ગયો હશે ? એવું તો શું થયું હશે ?

સામે ઊભેલું તેમનું ઝૂપડું પણ સાવ નિર્જન ભાસતું હતું. અંદર કોઈ સ્ત્રી હોય એવા કોઈ પણ સંકેત મને ન મળ્યા. કદાચ તેમની પત્ની મૃત્યુ પામી હશે એમ વિચારી મેં મન વાળ્યું. આમેય રાવાઆતાની ઉંમર હવે સિત્તેરક વટાવી ચૂકી હશે. હું ત્યાં આસપાસ સુકવેલી માછલીની નમકીન ગંધ નાકમાં ભરતો રહ્યો.

તેમની આંખો થોડી નમ બની હોવાથી તેઓ પળભર મોઢું ફેરવી ગયા. ક્ષણભર હું કાંઈ ન બોલ્યો. ફાટેલી જાળ પર તેમના આંગળા ફરતા રહ્યા અને જાળ સંધાતી ગઈ. પવનના એકાદ ફૂંકારાથી સ્તબ્ધતા ભેદાઈ. મેં તેમના જીર્ણ અને મેલાદાટ કપડાને તાકતા ધીમેથી પૂછ્યું...

(ક્રમશઃ)