-----------------------------------------------। એકલો જાને રે ...।----------------------------------------
--- અર્જુનસિંહ.કે.રાઉલજી.
વારંવાર એક જ નામ તમારા મગજમાં ઘુમરાયા કરતું હતું નાનજી નાડાવાલા ...” ધ્રુવા ..” ક્યાંક આ ધ્રુવા એ તમારી ધ્રુવા તો નથીને ? જેને તેની મા તમારી પાસેથી છીનવીને લઇ ગઇ હતી ..! બસ , આ એક જ વિચાર તમને શાંતિથી સૂવા દેતો નહોતો કે નહોતો બેસવા દેતો ..! તમે વારંવાર તમારા મગજને ટપારવાનો , ટકોરવાનો પ્રયત્ન કર્યો કે –એ ધ્રુવા ,તમારી ધ્રુવા –તમારા દિકરાની દિકરી હોય તો પણ શું ફેર પડે છે ? અને ... એ તમારી ધ્રુવા કઇ રીતે હોઇ શકે ? તમારી ધ્રુવા તો અપંગ નહોતી , તે તો સાજી સારી હતી , તેનાં બધાંજ અંગો સંપૂર્ણ હતાં , પૂરેપૂરાં કાર્યરત હતાં જ્યારે આ ધ્રુવા તો અપંગ છે ,તેના બંને પગ જ કામ કરતા નથી ,નિશ્ચેતન બની ગયેલા છે , તે ઉંચા ટેબલ ઉપર બેસીને તો ઓપરેશન કરે છે –એવું શશી કહેતો હતો .શશી તમારા આ કેન્સર હીલર સેન્ટરનો કર્લાક .દવાખાનામાં ફુલ ટાઇમ આસિસ્ટન્ટ ઓંન્કોલોજીસ્ટ ડોક્ટરોની ભરતી કરવાની હતી .આમ તો તમારા આ દવાખાનામાં બધાજ ડોક્ટરો ઓન્કોલોજિસ્ટ જ હતા , આખી ટીમ હતી , તો પણ પેશન્ટોનો ધસારો જ એટલો બધો હતો કે આટલા બધા ડોક્ટરો હોવા છતાં પહોંચી વળતા નહોતા . ચૌહાણ કેન્સર હીલર સેન્ટરનું એક નામ થઇ ગયું હતું સમાજમાં , માત્ર ગુજરાત જ નહીં પણ દેશ વિદેશથી દરદીઓ અહીં કેન્સરની ટ્રીટમેન્ટ માટે આવતા હતા .અહીં બધી જ દવા માત્ર પડતર કિંમતે જ મળતી હતી . દવાખાનું કોમર્શિયલ નહોતું .અહીં ડોક્ટરો પણ સેવાભાવી હતા , કોઇની કમાવાની કે દરદીઓને લૂંટવાની દાનત નહોતી . મોટાભાગે તો જે કમાઇ ચૂકેલા છે , નિવ્રુત થઇ ગયા છે અને દરદીઓની સેવા જેનો શોખ છે , માત્ર શોખ ખાતર અને ટાઇમ પાસ કરવા પ્રવ્રુતિમય રહેવા માગે છે ,તેવા જ ડોક્ટરોની ટીમ તમે ઉભી કરી હતી આ દવાખાના માટે ..! તમારૂં એક વખતનું સ્વપ્ન હવે પૂરૂં થઇ ગયું હતું ,અને તમને લાગતું હતું કે તમારો એકનો એક દિકરો રાજદીપ ઉર્ફે રાજ ..તેનો આત્મા જ્યાં હશે ત્યાં તેને અવશ્ય શાંતિ મળશે , તેના જેવા જ દરદીઓની વિનામૂલ્યે સારવાર થતી જોઇ તે અને તેનો આત્મા અવશ્ય ખુશ થતા હશે ..! અને કેમ ખુશ ના થાય ? તમારી આંખો સમક્ષ ભૂતકાળનાં ભૂતો તાંડવ કરવા માંડ્યાં.
હા.. આજ એ હીંચકો છે જ્યાં તમે તમારા રાજને વળાવીને આવ્યા પછી ધબ કરતાકને પછડાયા હતા .કેટલું મોટું કુટુંબ હતું તમારૂં ..?! પાંચ તો બહેનો હતી , તમે બે ભાઇ હતા , તમારા નવ તો સાળા અને ત્રણ સાળીઓ હતી . પૈસા નહોતા છતાં બધાં ભેગાં મળીને સુખનો રોટલો ખાતા હતા ..! પાંચ બહેનો અને બંને ભાઇઓમાં કોઇ વિખવાદ નહોતો.બાપદાદાનો જથ્થાબંધ નાડાંનો ધંધો હતો ,હવે તો નાડાનું નામ પણ નથી રહ્યું ..! બાકી એ યુગ તો નાડાનો યુગ હતો , દરેક વસ્તુમાં નાડું જોઇએ –ચડ્ડી હોય , લેંઘો હોય , પાટલુન હોય ,ચણિયો હોય , નાડા વગર ના ચાલે ..! ઉતરી જાય .જોકે તેમાં ઝાઝી કમાણી નહોતી ..! પણ ઘરનું ગાડું ગબડ્યા કરતું હતું .
તમારૂં પોતાનું મગજ પણ બરાબર ચાલતું નહોતું , બાપાએ તમને ભણાવવા માટે ખૂબ પ્રયત્નો કર્યા , પણ તમારા કિસ્મતમાં જ જ્યાં ભણતર ના હોય ત્યાં કોઇ શું કરે ? તમે ચાર ચાર ટ્રાયલ આપવા છતાં મેટ્રીકના બે વિષય પણ પાસ કરી શક્યા નહોતા , આથી છેવટે બાપાના ધંધામાં બેસી ગયા હતા .તમે ભણેલા નહોતા એટલે તમને કોણ નોકરી આપે ? બધી જ જાતના હુન્નર તમે અપનાવી ચૂક્યા હતા .ઘડીયાળ રીપેરીંગનો કોર્સ કર્યો પણ કશો ભલીવાર આવ્યો નહીં , રેડિયો રીપેરીંગ , ટીવી રીપેરીંગ અને ટેપ રીપેરીંગ શીખી આવ્યા પણ એ ધંધામાં પણ કોઇ નોકરી ના મળી ,કોઇ કામ ના મળ્યું , ડ્રાઇવીંગ શીખ્યા અને એક શેઠિયાને ત્યાં ડ્રાઇવર તરીકે નોકરીમાં જોડાયા પણ આઠમા દિવસે જ એક્સીડન્ટ કર્યો એટલે શેઠે છૂટા કરી દીધા ,છેવટે બાપાએ પોતાના ધંધામાં જ પલોટવા માંડ્યા .ધીરે ધીરે ધંધામાં સેટ થવા માંડ્યા .બાપાએ લગ્ન કરી દીધાં .લગ્નના બીજા વરસે જ રાજદીપનો જન્મ થયો . જવાબદારીઓ વધી ,એટલે આવક વધારવાના પ્રયત્નો કરવા માંડ્યા . બીજા સાઇડ બિઝનેસ પણ ચાલુ કર્યા . દસ બાર લારીવાળા શોધી કાઢ્યા ,એ લોકો આખો દિવસ ગામમાં લારી લઇને પસ્તી અને ભંગાર ભેગો કરે , સાંજ પડ્યે , બધો માલ તમારા ગોડાઉનમાં ઠલવાય ,તમે તેનો જથ્થાબંધ વેપાર કરો ,તેમાંથી થોડી આવક ઉભી થાય , સાથે સાથે લેબર કોન્ટ્રાકટનો ધંધો વિકસાવ્યો . નાની મોટી કંપનીઓમાં લેબર કોન્ટ્રાકટ રાખો ,આજુબાજુનાં ગામડામાં ફરી ફરીને જરૂરિયાત વાળા અને નોકરીની શોધમાં હોય તેવા છોકરાઓ રાખવા માંડ્યા , અને કંપનીમાં મૂકવા માંડ્યા ,તેમાં સારી ફાવટ આવી ગઇ .
દરમ્યાન જ બાપાનું અવસાન થયું એટલે પરીવારની બધીજ જવાબદારી તમારા માથે આવી ગઇ નાનજી ..! માંડ માંડ રોટલા નીકળતા . બાપા મરી ગયા તેના બીજા જ વરસે તમારી પત્નીનું પણ અવસાન થયું . રાજદીપની જવાબદારીઓ પણ વધતી જતી હતી .નાડાના ધંધામાં હવે કોઇ બરકત રહી નહોતી .કોઇ નાડાં વાપરતું નહોતું .એટલે નાડાનો ધંધો બંધ કરવો પડ્યો હતો .લેબર કોન્ટ્રાકટમાં અને ભંગાર-પસ્તીના ધંધામાં પણ સરકારી લફરાં ઘણાં બધાં પેસી ગયાં હતાં એટલે તેમાં પણ બરકત રહી નહોતી પણ હવે બીજો કોઇ ધંધો ફાવે એમ નહોતો એટલે તેમાંથી જ જે મળે તેમાં ચલાવવું પડતું હતું . બહેનોને પરણાવી અને છેવટે સૌથી નાના ભાઇના લગ્ન વખતે તો બાપદાદાના વખતનું ઘર ગીરો મૂકવું પડ્યું હતું .
રાજદીપ ભણવામાં હોંશિયાર હતો એટલે દેવું કરીને પણ તેને ભણાવ્યો .પરણાવ્યો .માથાના વાળ જેટલું તો દેવું થઇ ગયું હતું .પણ દિકરો કમાઇને બધું દેવું ઉતારી આપશે એવી આશા રાખી હતી પણ એ આશા પણ ઠગારી નીકળી . રાજદીપની પત્ની કમજાત નીકળી .ઘરમાં તેમનો બધો પગાર વપરાય જાય એ બીકે , ધ્રુવાના જન્મ પછી એ લોકો જુદાં થઇ ગયાં .તમારી હાલત તો એની એજ રહી નાનજી .કાલે સુખના દિવસો આવશે એ સપનાં માત્ર સપનાં જ રહ્યાં . તમારી ઉંમર થઇ હતી છતાં પણ તમે દોડાદોડ કરતા હતા , ધંધો કરતા હતા .આમને આમ બીજાં પાંચેક વરસ પસાર થઇ ગયાં .તમે પાઇ પાઇ કરીને બધું દેવું ચૂકવી દીધું .બીજાં બે વરસ પણ નિર્વિઘ્ને પસાર થઇ ગયાં ,આ દરમ્યાન પણ જુદા થઇ ગયેલા રાજદીપે ન તો તમને પાંચ પૈસાની મદદ કરી હતી કે ના તો તમારી ખબર પણ લીધી હતી . રાજદીપની દિકરી ધ્રુવા ભણવામાં ખૂબ હોંશિયાર છે એવા સમાચાર ઉડતા ઉડતા આવ્યા હતા . અને પછી તો .... તમારા ઉપર જાણે કે આભ જ તૂટી પડ્યું .રાજદીપને કોઇ વ્યસન નહોતું ,છતાં જીભનું કેન્સર થયું , તેની પત્નીનો ફોન આવ્યો પછી ક્યા બાપનું હૈયું ઝાલ્યું રહે .તમે તેના ઘેર ઉપડી ગયા . તેને લઇને જુદાં જુદાં દવાખાનાઓમાં ફર્યા ,બે બે વખત ઓપરેશનો કરાવ્યાં ,ઘરમાં પૈસા નહોતા તો પણ દેવું કર્યું .બહેનોએ થોડી ઘણી મદદ કરી , ઘર ગીરો મૂક્યું ...પણ પરીણામ શુન્ય ..! રાજદીપની પોતાની પણ જીવવાની ઇચ્છા હતી છતાં પણ કુદરત પાસે કોઇનું કાંઇ ચાલતું નથી .તમે પંદર –વીસ લાખ રૂપિયા દેવું કરીને પણ તેની પાછળ દવામાં ખર્ચ્યા હતા પણ તે પૈસા ના ઉગ્યા ..! રાજ તમને લોકોને છોડીને જતો જ રહ્યો . તેને વળાવીને આવ્યા પછી તમે આજ હીંચકામાં ધબ દઇને બેસી પડ્યા હતા .હવે તમે એકલા પડી ગયા હતા ,સામે આખો દરિયો હતો સંસારનો-જેમાં માનવ મહેરામણ ઉભરાતો હતો ,પણ તમારૂં કોઇ નહોતું .કોઇને તમારી લાગણી નહોતી , કોઇને તમારી ચિંતા નહોતી .તમે લગભગ ત્રણ દિવસ સુધી તો ખાધાપીધા વિના જ પડી રહ્યા હતા ,રડ્યા કરતા હતા ,કોઇ તમારા માથે હાથ ફેરવનાર પણ નહોતું .આ વિરાટ સાગરમાં તમે એકલા પડી ગયા હતા અને ભગવાનને પ્રાર્થના કરતા હતા કે – હે પ્રભુ ,હવે તો તું જ મને આ મુસીબતમાંથી છોડાવી શકે છે .તમને લાગતું હતું કે હવે તો આમાંથી છૂટાય તો સારૂં ..પણ જો એમ માગ્યું મોત મળતું હોત તો લોકો દુ:ખી શા માટે થાત ?
ચોથા દિવસે રાત્રે તમારો મ્રુત દિકરો રાજ તમારા સપનામાં આવ્યો – પપ્પા , તમે આમ નિરાશ થઇ જાવ તો કેમ ચાલે ? તમારે તો મારા જેવા દરદીઓ માટે ગમે તેમ કરીને પણ કેન્સર હોસ્પીટલ ઉભી કરવાની છે .સેવાભાવી ટ્રસ્ટ ઉભું કરવાનું છે , જેથી સગવડ ના હોય તેવા દરદીઓના જીવ પણ બચાવી શકાય..! તમે સપનામાં તો તેને વચન આપ્યું પણ એ કાંઇ સહેલી વાત થોડી હતી ? આખો દિવસ તમે એ બાબતમાં વિચાર કરતા જ રહ્યા પણ ..! કોઇ માર્ગ મળતો નહોતો . અધૂરામાં પૂરૂં રાજની પત્નીને ઘર જોઇતું હતું .તમને ઘરની બહાર કાઢી મૂકવા હતા .તમે ના પાડી એટલે તમારા ઉપર કેસ કર્યો હતો . દિકરી ધ્રુવાને પણ તમે તમારી પાસે રાખવા માગતા હતા તો તેની પણ ઘસીને ના પાડી દીધી . તમે પૌત્રી માટે ટળવળતા હતા અને તેને મજા પડતી હતી .
તેજ અરસામાં બહેનનો ભાણો નૈતિક આવ્યો હતો , જે સામાજિક કાર્યકર હતો , પ્રધાનો અને નેતાઓ સાથે તેને સારો ઘરોબો હતો .તમને ચિંતામાં જોઇ તેણે ચિંતાનું કારણ પૂછ્યું .તમારો જવાબ સાંભળી તે ઘડીભર તો વિચારતો થઇ ગયો .પછી તમારા સામે તાળી લેવા માટે હાથ ધરતાં બોલ્યો ,” મામા, ડન ..તમારી અને રાજદીપની ઇચ્છા અવશ્ય પૂરી થશે , ચૌહાણ સાહેબ , જે કેંદ્રમાં મંત્રી છે –કદાચ આરોગ્ય ખાતું જ તેમની પાસે છે આપણને અવશ્ય મદદ કરશે ..’ તમને પેલી કહેવત યાદ આવી –મન હોય તો માળવે જવાય .એવું જ થયું . ચૌહાણ સાહેબે બધી જ મદદ કરી –આર્થિક મદદ તો હદ વગરની..! માત્ર હોસ્પીટલનું નામ “ ચૌહાણ કેન્સર હીલિંગ સેન્ટર “ આપવું પડ્યું .બાકી બધો જ વહીવટ તમારી પાસે રહ્યો . તમારા અને તમારા ભાણેજના પ્રયત્નોથી આ હોસ્પીટલ દુનિયાની નંબર વન હોસ્પીટલ બની ગઇ .હવે તેમાં ઓનકોલોજીસ્ટ ડોક્ટરોની નિમણુંક ફુલ ટાઇમ માટે કરવાની હતી .
શશીનો ફોન આવ્યો કે –હવે ઇન્ટરવ્યુ શરૂ કરવાનાં છે તમે આવી જાવ .આમ તો તમને આમાં કશી ગતાગમ પડે નહીં પણ દવાખાનાના માલિક તરીકે તમારે હાજર રહેવું જરૂરી હતું એટલે તમે ઉભા થયા . ઓફિસની બહાર આવ્યા ... તો દવાખાનાના પ્રવેશદ્વાર પાસે બંને હાથમાં કાખઘોડી લઇને એક યુવતી તમારા રાજના આદમકદના ફોટા સામે ઉભી હતી ,બંને ઘોડી બગલમાં દબાવી તેણે બે હાથ ભેગા કરી રાજના ફોટાને નમન કર્યું .તમે જોતા જ રહી ગયા.ઝડપથી ડગલાં ભરતાં તમે તેની નજીક પહોંચી ગયા અને બોલ્યા ,” ધ્રુવા તો નહીં ..?” તે ઘડીક તમારી સામે તાકી રહી અને પછી તમને પગે પડી , બાઝી પડી ,” દાદા”ના નામનો રૂદન ધ્વનિ આખી હોસ્પીટલમાં ગુંજી ઉઠ્યો .
--- અર્જુનસિંહ.કે.રાઉલજી.
42 , ક્રુષ્ણશાંતિ સોસાયટી-2 , મુજમહુડા ,અકોટા રોડ ,
વડોદરા-390020.(મો) 9974064991.
E.Mail: a.k.raulji@gmail.com