mrutyu pachhinu jivan - 23 in Gujarati Fiction Stories by Amisha Rawal books and stories PDF | મૃત્યુ પછીનું જીવન - 23

Featured Books
Categories
Share

મૃત્યુ પછીનું જીવન - 23

મૃત્યુ પછીનું જીવન—૨૩

રાઘવ રાશીદનાં બંગલા પર જઇ રહ્યો હતો , બાકી હિસાબ ચુકતે કરવાં, એટલામાં એને લાગ્યું કે કોઈ ખુબ જ તીવ્રતાથી એને યાદ કરી રહ્યું છે...અને એનું મનોમય શરીર જાણે ભારે ભારે થઇ રહ્યું છે...એનાં મનોમય શરીરને જાણે કોઈ ખેંચી રહ્યું છે ..પછી એને ખ્યાલ આવ્યો કે એનું ફેમિલી એને યાદ કરી રહ્યું છે...એ ફરી એનાં ઘર તરફ ભાગ્યો અને ઘરે જતા જોયું કે ઓફિસ રૂમમાં ૩ માણસો ગોમતીને ધમકાવી રહ્યાં છે અને સાત દિવસમાં ઘર ખાલી કરવાની ધમકી આપી રહ્યાં છે...હવે આગળ વાંચો...

પેલા ત્રણેય જતાં રહ્યાં રુમ છોડીને...અને રહી ગયું ગોમતીનું કાંપતું શરીર, થરથરતાં હોઠ, પ્રયત્નપૂર્વક અટકાવી રાખેલાં આંસુઓ અને કપાળની રેખાઓ પરથી બહાર આવવા તત્પર પેલો અજ્ઞાત ડર...એક સેકન્ડ એને લાગ્યું કે હ્રદય એકાદ ધબકારો ચુકી ગયું કે શું? એણે જરા ઊંડો શ્વાસ લીધો, થુંક ગળી ગઈ, ત્યારે એના ગળા ની અંદરની હલચલ દેખાઈ રહી ...એનાં ગળા પર થોડી કરચલીઓ દેખાઈ રહી...બોખલાયેલી અને સંદિગ્ધ ,આમ તેમ ફરતી આંખોની કીકીઓ જમણી બાજુનાં ઉપરનાં ખુણે જઈને સ્થિર થઇ, પરિસ્થિતિનો તાગ મેળવવાં....પછી એ બોલવા લાગી ,

“ આ બધું શું છે? શું રાઘવે કંઈ છુપાવ્યું હતું અમારાથી? કે પછી કોઈ બીજી વાત છે? પણ સાત દિવસમાં આ ઘર ખાલી કરીને જવાનું? મારુ લોહી શીંચીને વસાવેલું આ ઘર....! મારા કુટુંબને લઈને ક્યાં જઈશ? મારા કુટુંબને કેમ કરીને સાચવીશ? અરે, સમાજમાં કેવું લાગશે? ”

સમાજનો વિચાર આવતાં જ ગોમતીએ પહેલાં ઉભા થઈને , મક્કમ પગલે દરવાજા સુધી જઈને ઓફિસરુમનો અધખુલો દરવાજો બંધ કર્યો... બહાર ઊભી રહીને ડોકિયા કરતી સ્ત્રીઓ ભોંઠી પડી ગઈ અને બે ડગલાં પાછળ હટી ગઈ.

ગોમતી ફરી ઓફીસરુમ માં રાઘવની ચેર પર જઈને બેઠી...બે–ચાર આંસુઓ સંયમ તોડીને આંખોની બહાર ધસી આવ્યાં; બે મિનિટ સુધી ગોમતી રડતી રહી. એની આંખો અનિમેષ નયને સામેની બારીમાંથી દેખાતાં ફુલોથી લચી પડેલાં સુંદર હરિયાળા બાગને તાકતી રહી. ઝુલા પર મસ્તી કરતી ગુડિયા અને બાજુમાં બેઠેલી એની મા, એની બીજી બાજુ બેઠેલી અંશની નવપરિણીતા; અંશનાં લગ્નને એક વર્ષ પણ પૂરું થયું નહોતું ...બંને વહુઓ આખા દિવસનાં કામ પછી થોડી વાર હીંચકે બેઠી હતી.

રાઘવ ગોમતીને જોઈ રહ્યો , ‘આ એ જ ગોમતી છે કે જે હું જરા જોરથી બોલું , તો પણ રડવા માંડે...અને આજે મારી ગેરહાજરીમાં કેટલો મોટો આઘાત સહી રહી છે ?’

રાઘવને માટે હમણાં ગોમતીનાં આંસુઓથી વધારે મહત્વનું કંઈ જ નહોતું; કોણે શું કર્યું ,એ બધું પછી જોયું જશે. પણ જે ગોમતીએ મારા સિવાય કંઈ જ જોયું નથી , એનું શું ? એનો શું વાંક છે ? એને કયા વાંકની સજા મળી રહી છે , મારી સાથે લગ્ન કરવાની? એને મારા પર કેટલો વિશ્વાસ હતો ? એ હંમેશા બોલતી રહેતી , તમે છો , એટલે મારે માટે બધું જ છે...બીજું મારે કંઈ જાણવું ય નથી ને સમજવું ય નથી. હવે એને કઈ રીતે સમજાવું કે આમાં મારો કોઈ વાંક નથી અને તારો પણ ...બસ મારા કર્મોની સજા તમને સૌને મળી રહી છે...'

ગોમતી ચોધાર આંસુએ રડવા લાગી. રાઘવ ગોમતી પાસે ગયો. એકદમ નજીક… ગોમતીનાં આંસુ જોઇને ખુબ જ વ્યથિત થઇ ગયો. રડીને હલકાં થઇ જવું સહેલું છે, પણ બહાર નહી આવેલાં આંસુઓનો બોજ લઈને ફરતાં રહેવું વધું કઠિન છે. એમ પણ રાઘવને ક્યારેક જ આંસુ આવતાં. પણ એ બહાર નહીં આવેલ આંસુઓનો બોજ આજે જાણે બમણો થઇ ગયો...! રાઘવ એનાં ભારે થયેલાં મનોમય શરીરનો વધતો બોજ મહેસુસ કરી રહ્યો, જો આજે એ જીવતો હોત તો રડી રડીને બધો બોજ ઉતારી દેત..

એને યાદ આવ્યું, ‘હજું ૪૮ કલાક પહેલાં તો અમે બંને એ સાથે ડીનર લીધું હતું, જીવનનું આખરી ડીનર પત્ની સાથે; જે કોઈ દિવસ મારી સાથે જમવા બેસતી જ નહીં , તે દિવસે ખેંચીને બેસાડી દીધી મેં , અને એ બેસી પણ ગઇ; જાણે એને ખબર હોય કે આ મારું આખરી ડીનર છે..!

આમ જ સામે બેઠેલી તે દિવસે . અમે બે ક્યારેય સાથે બેસી વાતો કરતાં નહીં , બીજા પતિ-પત્ની ની જેમ . પણ તોય અમારી વચ્ચે સંવાદ તો થતો. કોઈ અલગ જ સંવાદ; જેમાં પ્રેમની માર્દવતા તો ક્યાંય નહોતી, હા પરસ્પર વિશ્વાસની મધુરતા કહી શકાય કદાચ એને...એને વિશ્વાસ હતો , આ માણસ મારા સંસારને સંભાળશે અને મને વિશ્વાસ કે હું ન હોઉં ત્યારે આ સ્ત્રી મારા બાળકોને જરૂર સંભાળશે..

હું એને ક્યારેય પ્રેમ ન કરી શક્યો, જીવનભર...પણ મારી નફરત પણ એ સ્વીકારતી રહી , કોઈ ફરિયાદ વિના, કોઈ પ્રતિકાર વિના ! હું હાથ ઉપાડું કે ગુસ્સો કરું , બીજે દિવસે ફરી આજુ બાજુ મારી ફરવા માંડે, જેમ પૃથ્વી સૂર્યની ચોતરફ ફરતી રહે...

તે દિવસે ડીનર ટેબલ પર પણ એ કંઈ જ ન બોલી, જીવનથી એને કોઈ ફરિયાદ નહી હોય કે હોઠ પર આવવા ન દેતી હોય? મેં ક્યારે એ જાણવાની પરવા પણ ન કરી કે આટલી ચુપ કેમ છે? આપણા દેશની મોટા ભાગની સ્ત્રીઓ આવી જ હશે કદાચ, ચુપચાપ સહેતી જતી સ્ત્રીઓ ! જે શાંત અને સ્થિર પાયા પર આપણા દેશના મહતમ ઘરો ટકેલાં છે, એ પાયાની ઇંટો વર્ષોથી કંઈ બોલતી જ નથી; સીતા, સત્યવતી, મારી બા, સુજ્જુની બા, હીના, ગોમતી...! પણ એમને ખબર છે કદાચ , કે જયારે એ બધા બોલશે, ત્યારે એમનાં દર્દના ચિત્કારથી એક એક ઘર હલી ઉઠશે..

જીવતે જીવ તો એની ક્યારેય કદર ન કરી મેં , હવે એમ થાય છે કે એક વાર એને કહેવું જોઈતું’તું મારે ;કે તું જેવી છે એવી પણ મારી સાથે રહી તું , પડછાયાની જેમ ,હું જે છું એ સ્વીકારીને ! થેંક યુ દોસ્ત..!

રાઘવ એની નજીક ગયો, કદાચ પહેલી વાર ગોમતી એને આકર્ષી રહી હતી.

રાઘવ એની નજીક ગયો, કદાચ પહેલી વાર ગોમતી એને આકર્ષી રહી હતી. પાસે જઈને એને માથે હાથ ફેરવ્યો. ગોમતીને એનાં હોવાનો અહેસાસ થયો. એને થયું કે રાઘવ મારી આસપાસ જ છે. એ જરા હળવી થઇ. રાઘવ સાથે વાત કરતી હોય એમ બોલી,

“તમે અહી છોને , મને ખબર જ હતી , તમે અમને સંભાળી લેશો, હંમેશાની જેમ.” એનાં ચહેરા પર હળવું સ્મિત પથરાઈ ગયું.

“વિશ્વાસ કર હું જરૂર સંભાળી લઈશ.” રાઘવ બોલ્યો, અને ગોમતીને સંભળાયુ નહી પણ મનમાં ઝીલાયાં જરૂર, રાઘવના બોલ..

“મેં તને જીવનભર આંસુ આપ્યાં, નફરત આપી, ગુસ્સો આપ્યો અને છતાયે તું મને પ્રેમ કરતી રહી... કેમ?”

“એ તમને નહીં સમજાય”

“તો સમજાવ ને , આજે મારે સમજવી છે તને ”

“એક સ્ત્રીને હંમેશા એક એવો મજબુત ખભો જોઈએ છે, જે ખભે માથું મુકીને એ સ્ત્રી નિશ્ચિંત થઈ જાય ,એ બધું ય સંભાળી લે અને ,જ્યાં એ પોતાની જાતને સુરક્ષિત મહેસુસ કરે. જો આટલું એને મળી જાય , તો એને માટે એ કોઈ પણ ભોગ આપવાં તૈયાર થઇ જાય. ”

“સાચે જ ?”

“હા, આજે મેં સ્ત્રીનું એવું રહસ્ય જણાવ્યું છે જે કોઈ સ્ત્રી ક્યારેય કહેતી નથી. ”

રાઘવ સાંભળતો રહ્યો, ગોમતી બોલતી રહી, બંને વચ્ચે આમ જ અશાબ્દિક સંવાદો થતાં રહ્યાં...