મારુ સપનું....
શાંત વાતાવરણ.. નીરવ હલચલ...થોડી અવરજવર...એવામાં એક મધુર કર્ણપ્રિય સંગીત ક્યાંકથી સંભળાય રહ્યું હતું....આજનો દિવસ કંઈક અલગ લાગતો હતો કારણ કે સામાન્ય રીતે જોઈએ તો કોલેજનું વાતાવરણ શાંત હોય નહીં. પરંતુ આજે બધા મિત્રો એકબીજાની રાહ જોઈ રહ્યા હતા. આથી કેટલા પોતાના મોબાઈલમાં ગીત સાંભળતા હતા તો કેટલાક આમતેમ આંટા મારતા હતા. બસ બધા એક વાર ભેગા થઈ જાય એટલી જ વાર હતી.
આખરે બધાની પ્રતીક્ષા પુરી થઈ..બધા ભેગા થયા. વીનિત સર, આસીત સર, કવીત સર અને સ્વીકૃતિ મેડમ બધા વિદ્યાર્થી માટે વ્યવસ્થા પુરી પાડે છે. આશરે વીસ વિદ્યાર્થીઓ જે છેલ્લા વર્ષની પરીક્ષા બાદ ફરવા જવાની છૂટ આચાર્ય પાસે થી લે છે અને સર તથા મેડમ સાથે એક નાનકડા પીકનીક પર જવાની તૈયારી કરે છે. બસમાં બધા બેઠા. રમત-ગમ્મત કરતા જતા હતા. આશરે બે દિવસે બધા એ જગ્યાએ પહોંચ્યા જ્યાં તેમને જવાનું નક્કી કર્યું હતું.
આ જગ્યા એટલે આશરે ઈ. સ. 1739 ના સમય નું પ્રાચીન ગામ. વેલાતાનજૂર જિલ્લામાં આવેલું તુમ્બાડપુર. ગામમાં પહોંચતા જ ગામ ના સરપંચ છવિ રાજવતે ખૂબ ધામધૂમ થઈ સ્વાગત કર્યું. સાંજનો સમય હતો તેથી બધા આરામ ફરમાવતા હતા. થોડા સમયમાં તો જમવાનું આવી ગયું. બધા એ જમી લીધું અને એકબીજા સાથે વાતો કરવા બેઠા.
ત્યાં તો સરપંચ આવ્યા અને કીધું કે " બધા માટે એક નાનકડી મહેફિલ રાખી છે ગામ માં ત્યાં આવવા વિનંતી. "
બધા ખુશ થઈ ગયા અને મહેફિલમાં આનંદ માણવા ગયા. સુંદર મધુર સંગીતમાં બધા મસ્ત મગન થઈ ઝૂમી રહ્યા હતા. બસ એક છોકરી જેને માત્ર સંગીત સાંભળવું જ ગમતું. સંગીત માં નાચવાનું ફાવે નહીં તેથી તે બધાથી દુર એક ખૂણામાં ગામના ઓટલા પર બેઠી હતી અને સંગીત માણતી હતી. આ છોકરીનું નામ હતું કસક.
કસક તેની બેન ન્વિતા સાથે આ પીકનીક માં આવી હતી. ન્વિતા કસકની સહેલી ઈદ સાથે મહેફિલમાં ડાન્સ કરી રહી હતી. આ મહેફિલ દરેક વિધ્યાર્થીને કઈ મુસીબત સુધી લઈ જશે એ કોઈને ખબર ન હતી. અચાનક ગામના કેટલાક માણસો પણ આ વિદ્યાર્થીઓ સાથે ડાન્સ કરવા આવ્યા. અને જોતજોતામાં એ બધા માણસો એ પોતાના હાથની સાંકળ બનાવી અને બધા વિદ્યાર્થીઓને ઘેરામાં લઇ લીધા. અને કોઈને કઈ સુજે એ પહેલાં જ બધા જ વિદ્યાર્થીને કેદ કરવા લાગ્યા. આ બધું જોઈને કસક ગભરાય ગઈ અને એ એની બેન ન્વિતા અને બીજા વિધાર્થીઓને બચવાની કોશિશ કરે છે પણ તે બધાને બચાવી ન શકી. પણ બેન ન્વિતા અને ઈદ ને ખેંચી લે છે. કદાચ બે-ત્રણ માટે એ માણસો બધા વિદ્યાર્થીને છોડવા નહતા માંગતા તેથી જેટલા પકડાય ગયા એ બધાને લઈને જતા રહ્યા. આ બાજુ કસક ન્વિતા અને ઈદ રડવા લાગ્યા. દોડીને પોતાના અધ્યાપક સર અને મેડમ પાસે ગયા. પણ ત્યાં પહોંચતા જોયું કે ત્યાં તો ખાલી વિનીત સર, કવીત સર અને સરપંચ છવિ રાજવત સિવાય કોઈ હતું નહીં.
કસક અસીત સર અને સ્વીકૃતિ મેડમ ક્યાં ગયા એ પૂછે છે પણ કોઈ જવાબ મળતો નથી. વિનીત સર કે કવિત સર કઈ બોલતા જ નહતા.
આથી તે સરપંચને પૂછે છે, " શુ થઈ રહ્યું છે અહીંયા ? કેમ સર કઈ બોલતા નથી ? મેડમ ક્યાં છે ?" એકશ્વાસે બે-ત્રણ સવાલ પૂછી લે છે. અને ત્યારે સરપંચ અચાનક હસવા લાગ્યા. આ જોય કસકને નવાઈ લાગી. તે ફરીથી એક જ સવાલ કરે છે. ત્યારે જે જવાબ સરપંચ આપે છે એ સાંભળીને કસકને તો હોશ જ ઉડી ગયા.
સરપંચ કહે છે કે, " તું જે વિદ્યાર્થીઓને શોધે છે એ ક્યારેય નહિ મળે. આ જે અહીં બેઠા એ તારા સર પણ તારી મદદ નહિ કરી શકે કેમ કે એમને અમે ધમકાવ્યા છે." હાહાહાહાહા(હસવાનો અવાજ).
સરપંચ કસક ન્વિતા અને ઈદ ને પકડવા જાય છે પણ કસક ન્વિતા અને ઈદ હિમ્મતથી એને મારીને ભાગી જાય છે. ગામમાં ખૂબ દોડે છે પણ બહાર જવાનો કોઈ રસ્તો મળતો નથી. જાણે કોઈ ભૂલ ભુલૈયામાં આવી ગયા હોય એમ લાગ્યું. ખૂબ દોડ્યા અને અચાનક તેમને એક વાહન દેખાય છે. આથી મદદ માટે હાથ બતાવે છે. વાહન વાળાએ ગાડી રોકી અને ત્રણેયને લિફ્ટ આપી.
કસક હજી પણ એના સાથી મિત્રોને કઈ રીતે બચાવવા એ વિચારતી હતી. ત્યાં ગાડી વાળાએ ગાડી રોકી અને ઉતર્યા. આજુબાજુમાં જોતા લાગ્યું કે કોઈ ગામ હશે. કસકે ગાડીવાળાને પૂછયું, " આ કઈ જગ્યા છે?" તો ગાડીવાળાએ કીધું કે, " સરપંચ છવિ રાજવતનું આ ઇડુક્કી નગર છે."
કસક ફરી પૂછે છે, " સરપંચ છવિ રાજવત એ જ જે તુમ્બાડપુરના સરપંચ છે?"
ગાડીવાળો કહે છે, "હા.."
ત્રણેય ગભરાય ગઈ કે હવે તો પાક્કું નહિ બચી શકીએ. ત્યાંથી પણ દૂર જવાની કોશિશ કરી અને ભાગી ગયા. દોડીને થાક્યા પછી એક સુમસાન જગ્યાએ આવ્યા ગામ નો જાણે જંગલનો વિસ્તાર હતો. અજીબાજુમાંથી જંગલી પક્ષી અને પ્રાણીના અવાજ સંભળાતા હતા. પણ હિંમત રાખે છે અને એક વૃક્ષ પાસે બેઠા. ત્રણેય વાત કરતા હતા ત્યાં એક ગામનો છોકરો લગભગ જંગલમાં લાકડા લેવા આવ્યો હશે એ જોય ગયો. આથી ત્રણેય ડરી જાય છે. અને કસક હિમ્મત કરીને તેને કહે છે કે, " ભાઈ અમે ખાલી ફરવા આવ્યા છીએ અમને શુ કામ મારવા માંગો છો? તમારા સરપંચને કહો કે અમારા મિત્રોને છોડી દે અમે હંમેશા માટે આ જગ્યા છોડીને જતા રહીશું..મહેરબાની કરો અમને છોડી દો.." આટલું બોલતા તે રડી પડે છે. પરંતુ ભગવાન પણ સાથ આપવા માંગતો હોય એવું લાગે છે. એ છોકરો કસક પાસે આવ્યો અને ધીરેથી બોલ્યો, " મેડમ.., તમે રડો નહિ. મને ખબર છે સરપંચ કેટલો ક્રૂર છે તે. હું તમારા મિત્રોને બચાવવામાં મદદ કરીશ."
એટલું સાંભળતા કસક વિચારમાં પડી ગઈ. આશ્ચર્ય સાથે બોલી, " તું કેમ અમારી મદદ કરશે! કોણ છે તું..?"
" મારુ નામ તરંગ છે. હું આ જ ગામનો રહેવાસી છું. ઘણા વર્ષોથી અહીંયા સરપંચ છવિ રાજવતનું શાસન ચાલે છે. એ એક વૈશ્યી જાનવર છે. એ પોતાની હવસની ભૂખ મટાડવા ગામની છોકરીઓના અપહરણ કરે અને બહારથી આવતા પ્રવાસીઓમાં જો કોઈ છોકરી આવે તો એનું પણ અપહરણ કરીને પોતાની હવસનો શિકાર બનાવે. એને મારી બેન સાથે જે દુષ્કૃત્ય કર્યું છે એની સજા આપવા માટે જ હું અહીંયા રોકાયો છું. એ જાનવરને તો હું એવી મોત આપીશ કે એની આવનારી પેઢી પણ યાદ રાખશે."
" તો એણે અમારા મિત્રોમાંથી ખાલી છોકરીઓના અપહરણ કરવાને બદલે કેટલાક છોકરાઓને પણ પકડ્યા છે એનું શું કારણ હશે..?" કસક પૂછે છે.
" એ છોકરાઓને પોતાના જલ્લાદ જેવા માણસો પાસે મોકલીને એમને પણ એવા જ બનાવશે અને પોતાના કામ માટે રાખશે." તરંગ જવાબ આપે છે.
"મારે ગમે એ રીતે મારા મિત્રોને બચાવવા છે. ભલે પછી સરપંચને મોતને ઘાટ કેમ ન ઉતારવો પડે.." કસક ગુસ્સામાં બોલે છે.
કસક ન્વિતા ઈદ અને તરંગ જંગલમાંથી ઇડુક્કી નગરમાં આવે છે. ત્યાં સરપંચ પણ આવ્યો હોય છે જે કસક સાથે તરંગને જોય લે છે. સરપંચ ઈશારાથી પોતાના આદમીઓને આ ચારેયને પકડવા મોકલે છે. પણ ચારેય ભાગી નીકળે છે. દોડી દોડીને તેઓ એક મંદિર પાસે આવી પહોંચે છે.
મંદિર જોઈને તો કસક ન્વિતા અને ઈદ તો ચોકી જ ગયા. કારણ કે આવું મંદિર તેઓએ ક્યારેય જોયું નહતું. ના આવા મંદિર વિશે સાંભળ્યું હતું. એકદમ લાલ અંગારાથી ભડકતું...અગ્નિની જ્વાળા આકાશ સુધી પહોંચતી....લાવા તો જાણે દૂર હોવા છતાં તનને બાળતી હતી..પગથિયાં પર સળગતા લાલ અંગારા હતા...મંદિરમાં ના કોઈ મૂર્તિ હતી કે ના કોઈ ભગવાનનો ફોટો..માત્ર એક જ્યોતિ હતી જે ખૂબ જ વિશાળ અને પ્રજ્વલિત જ્વાળા....આટલી જ્વાળા અને તાપ હોવા છતાં એક પંડિત ત્યાં કોઈ પણ વિઘ્ન વગર પૂજા કરતો હતો.
પંડિત આ ચારેયને જોય છે અને મંદિર માં આવવા ઈશારો કરે છે. પણ ઈદ અને ન્વિતા ગભરાય જાય છે અને ઈદ કસક ને કહે છે, " કસક અહીંયા કંઈ ઠીક નથી લાગતું, ચાલ અહીંયાથી જ આપણે ત્રણેય પાછા આપણા શહેર જતા રહીએ."
"હા, કસક ચાલ ને પાછા જતા રહીએ..મને ડર લાગે છે." ઈદની વાતમાં હામી પૂરતા ન્વિતા બોલે છે.
"ચિંતા ના કરો આ મંદિરની ખૂબ માન્યતા છે કે અહીંયા જે આ અંગારાના પગથિયાં ચડીને મંદિરે જાય એની ઈચ્છા પૂર્ણ થાય." તરંગ બોલે છે.
" પણ આ અંગારામાં ચાલવા જાય કોણ...?" ન્વિતા પૂછે છે.
" હું જઈશ.." કસક તરંગની વાત સાચી માની ને જવાનો નિર્ણય લે છે.
" ના. નથી જવું, જીવતા રહીશું તો પાછા જાવશે બેન. અહીંયા તો મોત દેખાય છે મને. " ન્વિતા કહે છે.
" હા, કસક તું તારો ફેંસલો બદલ અને ચાલ નીકળી જઈએ." ઈદ કહે છે.
" અહીંયા સુધી આવીને મારે પાછા નથી ફરવું. જો આ મંદિરમાં એટલું સત છે તો હું મારા મિત્રોને અહીંયાથી સહીસલામત લઈ જવાની પ્રાથના કરીને જ નીકળીશ." કસક બોલે છે.
કસક મંદિરના અંગારા વાળા પગથિયે ચાલવા લાગે છે. તેની સાથે તરંગ પણ જાય છે. આ જોઈને ઈદ અમે ન્વિતા બંને હિંમત કરે છે અને ડરતા ડરતા ધીમે પગલે આગળ વધે છે. આશરે મંદિરના આ અંગારા વાળા ત્રીસ થઈ ચાલીસ જેટલા હશે. અથાક પરિશ્રમ અને વિશ્વાસ સાથે હિમ્મત રાખીને તેઓ મંદિર સુધી પહોંચી જાય છે. ચારેયના પગમાં ઘણી ઇજા થાય છે. દાઝે છે. પણ મંદિરે પહોંચી ગયાનો સંતોષ મેળવે છે અને હાશકારો લેય છે. પંડિત ચારેયના આવી ગયા બાદ પૂજાની તૈયારી કરે છે. પૂજા થઈ ગયા બાદ કસક પોતાની ઈચ્છા વ્યક્ત કરે છે.
" મારા મિત્રોને બચાવી લો ભલે મારા પ્રાણ લેવા હોય તો લઈ લો પણ મારા મિત્રો અને મેડમ અને સરને બચાવી લો."
" દીકરા, અહીંયા આ મંદિરમાં અંગારા પર ચાલીને તમે જ પહેલી વાર આવ્યા છો. કારણ કે અહીંયા આવવા માટે મનમાં સંપૂર્ણ શ્રદ્ધા અને સમર્પણનો ભાવ હોય તે જ આવી શકે. તારી ઈચ્છા જરૂર પુરી થશે." પંડિત કસકને આશીર્વાદ આપતા કહે છે.
કસકને આશાની કિરણ દેખાય છે. કસક તરંગ સાથે વાર્તાલાપ કરે છે અને સરપંચ છવિ રાજવતને મારવાનો પ્લાન બનાવે છે. ઈદ અને ન્વિતા પર કોઈ મુસીબત ના આવે એ માટે બંને ને ત્યાં જ્વાળા મંદિરે જ રહેવા કહે છે. અને કસક સાથે તરંગ ઇડુક્કી નગરમાં જવા નીકળે છે.
"કસક તું આમ કોઈ ગામવાળા પર ઓળખાણ વગર ભરોસો કરીને એકલી ના જા. અમે પણ તારી સાથે આવીએ તો ના ચાલે...?" ઈદ કહે છે.
" ના. હું એના પર વિશ્વાસ કરું છું એથી વધારે મારી પ્રાથના પર કરું છું. તમે ચિંતા ના કરો. હું બધાને બચાવીને જ આવીશ અને તમે અહીંયાથી બિલકુલ બહાર ન નીકળતા. હું આવું પછી જ અહીંયાંથી બધા સાથે જઈશું." કસક કહે છે.
બંને જણ ગયા ગામમાં અને સરપંચના માણસો ને દેખાય એ રીતે તરંગ સામે આવ્યો અને કસક છુપાઈને સરપંચ પાસે જાય છે અને મિત્રોને ક્યાં રાખ્યા છે એની જાણ કરે છે. સરપંચ એના મિત્ર સાથે વાત કરતો હતો એના પરથી લાગ્યું કે ગામની કોઈ એવી જગ્યા છે જ્યાં સૌથી વધારે ઠંડક છે. એટલું જ જાણ કરી શકી અને ત્યાંથી ફરી તે તરંગ પાસે આવે છે પણ તરંગ પાછળ તો પેલા માણસો પડ્યા હતા. કસક તરંગ બચાવવા ઉપાય શોધે છે પણ કઈ સમજાતું નથી શું કરી શકાય. પણ તરંગ પાછો ફરીને અચાનક પેલા માણસો પર હુમલો કરે છે. આ જોઈને કસક મનોમન હાશકારો લે છે. થોડા જ સમયમાં તો તરંગ પેલા માણસોને મારીને ઠાર કરીને દે છે.
" તરંગ તું આટલો બહાદુર છે. અત્યારે ખબર પડી દોસ્ત. તારો ખૂબ ખૂબ આભાર." કસક કહે છે.
" આ માણસો સાથે લડવા માટે મેં આ કુસ્તી અને મલ્લયુદ્ધ શીખ્યું છે.. આ બધું છોડ, બોલ કઈ વાત જાણવા મળી..?" તરંગ પૂછે છે.
" હા, કોઈ એવી જગ્યા છે જ્યાં સૌથી વધારે ઠંડક હોય ત્યાં મારા બધા મિત્રોને કેદ કરી રાખ્યા છે." કસક જણાવે છે.
"એ તો કદાચ એક જ જગ્યા હોય શકે." તરંગ ઉત્તેજિત થતા બોલ્યો.
" કઈ જગ્યા...? " આશ્ચર્ય સાથે કસક પૂછે છે.
" અહીંયાંથી થોડે દુર બરફની મિલ છે. કદાચ એ જ હોય શકે." તરંગે કહ્યું.
" ચાલ તો જલ્દી આપણે ત્યાં જઈએ અને બધાને છોડાવી લાવીએ." કસક અધીરી થઈને બોલી.
બંને ત્યાંથી બરફની મિલ તરફ જાય છે. પણ તરંગ અને કસકની આ વાતચીત સરપંચનો એક માણસ સાંભળી જાય છે. અને તરત સરપંચને જઈને કહી દે છે. આથી સરપંચ પોતાના બીજા ઘણા માણસોને લઈ બરફની મિલ તરફ કસક અને તરંગને મારવા જાય છે. તેના માણસો પાસે ઘણા હથિયાર પણ હતા. આ બાજુ કસક અને તરંગ બરફવાળી ઠંડી જગ્યા એ પહોંચી જાય છે. અને બધા મિત્રોને જ્યાં કેદ રાખ્યા હતા એ જગ્યા શોધે છે. અને આ બાજુ સરપંચ પણ આવી પહોંચે છે. પરંતુ કસક અને તરંગ જલ્દી પહોંચી ગયા હોવાથી બધા મિત્રો સુધી પહોંચી જાય છે. બધાને એક રૂમમાં એકદમ ઠંડા ટેમ્પરેચરની વચ્ચે બાંધીને પકડી રાખ્યા હતા. આશરે બે દિવસ ત્યાં રહ્યા હોવાથી કોઈ પણ પોતાની શક્તિથી હલી પણ શકતા ન હતા. તરંગ ફટાફટ રૂમનું ટેમ્પરેચર વધારે છે અને ગરમ વાતાવરણ કરવાની કોશિશ કરે છે. એટલામાં સરપંચ ત્યાં આવી જાય છે. અને એના માણસો બધાને ફરીથી પકડવાની કોશિશ કરે છે. પણ સમયસર કસક અને તરંગ ત્યાં પહોચી ગયા હોવાથી બધા પોતાની તાકાત સાથે લડે છે અને ત્યાંથી નિકળવાની કોશિશ કરે છે. કસક બધાને બહાર નિકળવામાં મદદ કરે છે અને તરંગ સરપંચના માણસો સામે જંપલાવે છે. લગભગ તો બધા નીકળી ગયા પણ તરંગ પેલા માણસો વચ્ચે ફસાય જાય છે. તેથી તરંગને બચાવવા કસક અંદર જાય છે અને સરપંચ કસકને પકડી લે છે અને તરંગને કહે છે કે, " જો તે મારવાનું બંધ નહિ કરે તો તે કસકને મારી નાખશે."
આ સાંભળીને તરંગ કમજોર થઈ જાય છે. થોડી ક્ષણો માટે તે બેસુધ બની જાય છે. તેના મનમાં કસક માટે કંઈક લાગણીઓ વહેતી થાય છે. તેના હાથ થંભી ગયા અને સરપંચના માણસો તેને મારવા લાગ્યા. આ જોઈને કસકને ખૂબ દુઃખ થાય છે.
" તરંગ તું મારી ચિંતા ના કર. તું બધાને મારી નાખ. મારા એકના મરવાથી જો બધા બચી જતા હોય તો તું પોતાનો જીવ ન આપ અને મારા મિત્રોને બચાવી લે. હું તારો ઉપકાર મર્યા પછી પણ નહીં ભૂલીશ." કસક રડતા રડતા તરંગને કહે છે. પણ તરંગ કસકને બચાવવા માર ખાય છે.
તરંગને બચાવવા કસક સરપંચ પર હુમલો કરે છે પણ પોતે સરપંચને મારી શકતી નથી બલ્કે સરપંચે કસકના હુમલાથી બચવા પોતે કસક પર ચપ્પુથી પ્રાણઘાતક હુમલો કર્યો અને કસકને નિર્દયતાથી મોતને ઘાટ ઉતારી દે છે. આ જોઈને તરંગનો ગુસ્સો સાતમા આસમાને પહોંચે છે અને જુસ્સામાં તે સરપંચના માણસો પાસેથી જ તલવાર લઈને સરપંચ પર જ સીધો હુમલો કરીને એક ઝાટકે જ સરપંચનું ગળું વાઢી નાખે છે. ત્યાર બાદ કસકને ભેટીને ખૂબ રડે છે.
થોડી વાર પછી બધું શાંત થયું અને તરંગ કસકની લાશને ઉંચકીને બહાર આવ્યો અને બધાને લઈને મંદિર તરફ જાય છે અને મંદિરે ઈદ અને ન્વિતા મિત માંડીને કસક અને બધા મિત્રો સાથે તરંગની રાહ જોતા બેઠા હતા. થોડો અવાજ આવ્યો. દૂરથી ઘણા બધા લોકોને આવતા જોયા. કોઈ વિપત્તિ નહિ પણ જાણે ઘણા સમય પછી કોઈ આઝાદ થયું હોય એવી પરિસ્થિતિ દેખાય.
" ઈદ જો ને પેલા બધા આવે તે આપણા મિત્રો જ છે કે શું...?" ન્વિતા ઈદને પૂછે છે.
ઈદ ધ્યાનથી જોવાનો પ્રયત્ન કરે છે અને એ ભીડમાં પોતાના મિત્રોને અને આસીત સર સાથે સ્વીકૃત મેડમ દેખાય છે. એ જોઈને ઈદ બોલી ઉઠે છે, " ન્વિતા... બધા આવી ગયા. બધા બચી ગયા જો મેડમ અને સર પણ સાથે જ છે. " બંને એકબીજાને ભેટીને ખૂબ ખુશ થાય છે.
પણ સાવ સન્નાટો છવાયેલો અનુભૂત થતા તેઓનું ધ્યાન તરંગના હાથમાં રહેલી કસક પર જાય છે. અને કસકને આમ બેહોશ હાલતમાં જોય ન્વિતા ડરી જાય છે. દોડીને કસક પાસે જાય છે અને જોય છે તો કસકને શરીરમાંથી લોહીની ધારા વહેતી હતી. અને શ્વાસ બંધ હતા. ન્વિતા સાવ સ્તબ્ધ થઈ જાય છે અને ખૂબ રડે છે. ઈદ પણ પોતે હિંમત ખોઈ બેસે છે. પણ હવે કઈ રીતે કસકને પાછી લાવી શકાય. ન્વિતાને ઈદ અને મેડમ મળીને શાંત કરાવે છે પણ તે રડવાનું બંધ કરતી નથી. પણ અહીંયાંથી પાછા પોતાના શહેર જવા માટે બધા ન્વિતા અને ઈદને સાથસહકાર આપે છે. બધા ભેગા મળી કવીત સર અને વિનીત સર પાસે આવ્યા અને પરત પોતાના શહેર જાવા નીકળ્યા. શહેર આવીને કસકને પરિવારે કસકના અંતિમ સંસ્કાર કર્યા. શોકનો માહોલ છવાયો.
દુઃખદ અંત સાથે બધા બચી ગયા એનો સંતોષ પણ વ્યાપી રહ્યો હતો.
આ તરફ તરંગ જાણે ફરીથી કોઈ પોતાનું ખોઈ બેસ્યો હોય એવી સ્થિતિમાં એકલો અટૂલો રહેવા લાગ્યો.
★ સમાપ્ત ★