MUNGU RAHASYA in Gujarati Love Stories by Sujal Patel books and stories PDF | મૂંગુ રહસ્ય

Featured Books
Categories
Share

મૂંગુ રહસ્ય

મહી નદીનાં કાંઠે સોનગઢ નામનું ગામ આવેલું છે.આમ તો આ ગામ ખોબા જેવડું પણ મહી નદીનો કાંઠો તેની શોભામાં ચાર ચાંદ સમાન શોભાયમાન છે.નદી કાંઠાના લીધે સોનગઢની ધરતીએ જાણે હરિયાળી ચાદર ઓઢી હોય તેવું ચો-ફેરનું લીલુંછમ વાતાવરણ સોનગઢની લાવણ્યતામાં વધારો કરે છે.ગામની ઢુંકડે સરિતા હોય એટલે નીરની લીલા લહેર હોય જ માટે ગામની આશરે એસી ટાકાથી વધુ વસ્તીનો મૂળ વ્યવસાય ખેતી હતો તથા અન્ય પશુપાલન કરી પોતાનું ગુજરાન ચલાવતા.
 
આ ગામમાં એક નાનકડું પરું આવેલું.આ પરું વનવગડામાં આવેલું હોવાથી અહીં પંખીઓનો કલરવ બારેમાસ રહેતો અને પશુઓની અવરજવર પણ કાયમ રહેતી.આ પરામાં સોનજી ઘેલા અને તેમનો પરિવાર વસતો.આમ તો નામ એમનું સોનજી પણ પહેલેથી જ તેમનો સ્વભાવ ખૂબ જ ઘેલો અને તેમનો સ્નેહ સૌ કોઈને સ્પર્શી જતો આ ઉપરાંત જ્યારે તેઓ હસતા ત્યારે તેમના મુખ પરની બધીજ કરચલીમાં જાણે અનોખી ઘેલછા ઉપસી આવતી માટે તેમનું નામ સોનજી ઘેલા જ પડી ગયેલું.માથે બાંધેલો રઢિયામણો ફેંટો અને અને વાંકી અણીદાર મુછ તેમની આગવી ઓળખ હતી.પરિવારમાં માત્ર પોતે અમે તેમની પત્ની એમ બે જ હતા.આમ તો હવે જીવન સંધ્યા તરફ વળેલું છતાં સોનજી ઘેલાને શેર માટીની ખોટનો વસવસો રગેરગમાં વર્ષોથી વણાયેલો હતો.
 
જયારે પણ સંતાનની ખોટની વાત વાગોળે ત્યારે તેમની પત્ની જશી કે'તી કે : "જેવી કુદરતની ઇસ્સા".
ક્યારેક ક્યારેક સોનજી ઘેલા પણ જ્યારે વાત નીકળે ત્યારે વારંવાર કહેતા કે : ".બીજું કંઈ નઈ પણ એકાદ ઓલાદ હોય તો બાપ ને અગ્નિદાહ  દે નઈ તો કુણ દે "?
ત્યારે પત્ની જશી તમેને "આવું અવળું શીદ વિચારો સો? 
એ તો સંધુય ઉપરવાળો જોશે" 
એમ કહી વાત ને ટાળી દેતી.
 
આમ બંને એકલા હળી મળી જીવનની નૈયાને ધીમે ધીમે આગળ ધપાવતા હતા.સોનજીને વ્યવસાયે ખેતી હતી પણ વધતી જતી ઉંમર અને ખાનાર બે જ હોય પત્નીએ છણકા કરી કરીને ખેતી ભાગ્યા ને ભાગ પર અપાવી દીધેલ છતાંય સાંજે એકાદ લટાર ખેતર ભણી મારી આવવાની ટેવ પડી ગયેલી.
 
એક દિવસની વાત છે સોનજી ઘેલા રોજની જેમ જ સવારના તાઢા વાયરે ખાટલો ઢાળી બેઠા હતા.ચલમના પે'લેથી જ શોખીન માટે ધીમે ધીમે હુકો ગગડાવી રહ્યા હતા.તેટલામાં જ તેમની નજર સામે ઉભેલી 
એક રૂપાળી ગાય ઉપર પડી.
 
કાળી ભમરાડી આંખો જાણે કે નીરખે આરપાર
નાના નમણા કાન ને વળી માથે નહીં શિંગડા કેરો ભાર
 
શ્વેત અને શ્યામ એવા ઊર્મિ ભર્યા રંગ 
સાથે રાતા રંગની ઉપસતી રાતી ઝાંય 
ગળામાં મધુર ઘૂંઘરીના રણકાર સાથે 
ડોલતી ચાલે શોભે મધુરી ગાય
 
આજે ત્રીજો દિવસ હતો આ ગાય ને અહીં ભાળે.આ પહેલા સોનજી ઘેલાએ કયારેય આ ગાયને ભાળી નહોંતી. છેલ્લા બે દિવસથી આ ગાય રોજ આવતી અને સોનજી ઘેલા સામે ખબર નઇ પણ કંઈક આશાથી કે ઘણા સમયથી જાણે તેમને જાણતી ન હોય તેમ ઘણી વાર સુધી ટગર ટગર જોયા કરતી.સોનજી ઘેલા ને લાગ્યું કે આ કોઈ ગામમાંથી ભૂલી પડી ગઈ લાગે સે કાતો કોઈ નરાધમ બિચારીને અહીં છોડી ને હાલ્યું ગયું લાગે સે ચોક્કસ આ ત્રણ દિવસથી ખોરાકની આશાએ આવતી લાગે સે એવું વિચારી તેમને તેમની પત્ની જશી ને સાદ પાડ્યો કે :-
"બહાર ગાય આવી સે એકાદ રોટલો દેજે કે...."
 
સોનજી ઘેલાનો અવાજ સાંભળી પત્ની એક રોટલો લઈને આવી ને સોનજી ઘેલા ને દીધો.સોનજી ઘેલા એ તેમના હાથમાં રોટલાના ટુકડા કર્યા ને પોતાના ખોબામાં  મૂકી ગાયની સામે ધર્યો.ગાયને પણ કદાચ પે'લી જ વાર કોઈએ પોતાના હાથ માંથી લાડ કરી ખાવાનો ભાવ પૂછ્યો હોય તેમ રાજી થઇ ને હોંશે હોંશે ખાઈ ગઈ ને થોડી વાર પછી ત્યાંથી ચાલી ગઈ.
 
બીજા દિવસે પણ સમયસર ગાય આવીને ઉભી થઇ ગઇ. અને સોનજી ઘેલા સામે પહેલા ત્રણ દી' ની જેમ જ કંઈક આશાએ ટગર ટગર જોવા લાગી. સોનજી ઘેલા એ આજે પણ પત્નીને સાદ પાડી રોટલો લાવવા કહ્યું.
પત્ની જશી રોટલો લઈને તો આવી પણ સાથે બોલવા લાગી કે : "એક દી' આને રોટલો શું દીધો આ મુઈ ને તો વળી ટેવ જ પડી ગઈ."
આ સાંભળી સોનજી ઘેલા બોલ્યા: "એવું ન બોલાય તેને કેટલી આશા હશે ત્યારે તે આપણા આંગણે આવતી હશે".
એમ કહી આજે પણ તેને ફરી રોજની જેમ પોતાના હાથથી જ રોટલો ખવરાવ્યો અને ગાયને પણ હવે જાણે સોનજી ઘેલાના હાથનો  રોટલો ખાવાની ટેવ પડી ગઈ. 
 
આવું હવે નિરંતર ચાલવા લાગ્યું.ગાય રોજ સમયસર આવતી ને સોનજી ઘેલાના હાથનો રોટલો ખાઈને ચાલી જતી.કોઈક દી' સોનજી ઘેલા તેના માટે ખેતરના શેઢેથી લીલી જાર પણ વાઢી લાવતા અને પોતાના હાથથી ખવરાવતા.
 
એક દિવસ તો ગાયને પગમાં ચઢેલો સોજો જોઈ તેવો આકુળ વ્યાકુળ થઈ ગયેલા અને મીઠા અને હળદર નો લેપ કરી પાટા પિંડી પણ કરી દીધેલ.આમ થોડા દિવસોમાં ગાય અને સોનજી ઘેલા બંને ને એકબીજા પ્રત્યેનો હેત વધતો જ જતો હતો.અને હવે સોનજી ઘેલા પણ ગાયને આવવાની ઘડી થાય એટલે ગાયની વાટમાં આઘા પાછા થાતા.
 
થોડા દિવસમાં તેમણે આ ગાયનું હુલામણું નામ પણ 
"સોનુ" પાડી દીધું.
પત્ની જશી એ પૂછ્યું : "ચ્યમ ઈનું નામ સોનુ પાડ્યું કે?"
ત્યારે  સોનજી ઘેલાએ કહેલુ કે : "મારું નામ મારી ફઈ એ ગામના નામ સોનગઢ પરથી સોનજી રાખેલું અને મેં આ ગાયનું નામ મારા નામ પરથી સોનુ રાખ્યું."
પત્ની જશીને પણ સોનજી ઘેલાનો સોનુ ગાય પ્રત્યેનો હેત દિવસે ને દિવસે વધતો જતો દેખાઈ રહ્યો હતો.
 
એક દિવસ સોનજી ઘેલા ને તેમની પત્ની બહાર ગામ જવાના હતા માટે સોનજી ઘેલા એ સોનુ ગાયનો રોટલો બનાવી બાજુમાં રહેતા પાડોશીને આપેલો અને કહેલું કે સોનુ આવે એટલે તેને આ રોટલો ખવરાવી દેજો.
સોનજી ઘેલા તો બહાર જઈને ગામ ને રસ્તે પાછા આવતા હતા અને રસ્તામાં જ સોનુ પેલા સોનજી ઘેલા ને જોઈ ગઈ ને રસ્તામાં જ દોડતી દોડતી સોનજી ઘેલા પાસે આવીને જાણે વ્હાલ કરવા લાગી આખું બજાર આ જોઈ ને જાણે અચંબે ચઢયું  કે એક રસ્તે રજળતી ગાય ને તે વળી આ સોનજી ઘેલા સાથે કેવો પ્રેમ સોનુ ગાય પણ સોનજી ઘેલા સાથે સાથે ચાલવા લાગી ને ઠેઠ તેમના ઘર સુધી  પાછળ - પાછળ હાલી આવી.
પાડોશી એ સોનજી ઘેલા ને જોયા કે તરતજ કહ્યું કે:- "ભઈ જબરી તમારી આ સોનુ ગાય સવારે આવી'તી તો ખરી અને રોટલો પણ નિરયો પણ કુણ જાણે કાઈ એને ખાધો નઈ અને જાણે તેમને સોધતી હોય તેમ આમ તેમ ફાંફા મારી ચાલી ગઇ લ્યો આ તમારો રોટલો"
એમ કહી સોનજી ઘેલાના હાથમાં તેમનો રોટલો પાછો દીધો ને એ જ રોટલો સોનજી ઘેલા એ જેવો સોનુને ધર્યો કે તરત જ હોંશે હોંશે ખાઈ ગઈ આવો પ્રેમ જોઈ તેમની પત્ની અને પાડોશી પણ અચરજ પામી ગયા.અને પાડોશી બોલી ઉઠ્યા: "સોનજીભાઈ આ ગાય તો જબરી અથવાર સે ને તમારી". 
આ સાંભળી સોનજી ઘેલા બોલ્યા: "કુણ જાણે કીયા જનમનો નાતો હશે આની હારે  કે પછી આ કુદરતે જે શેર માટીની ખોટ રાખી સે એ હવે છેલ્લી ઘડીમાં આ બાળક સમાં પશુનો પ્રેમ આપી પુરી કરવા આ ગાય ને મોકલી સે  ખમ્મા મારા ઉપર વાળા ધણી ને."
 
ધીમે ધીમે સોનજી ઘેલા અને સોનુ ગાયના આ પ્રેમની વાત માત્ર તેમના પરાં પૂરતી સીમિત ન રહેતા સંધાય ગામમાં સૌ જાણવા લાગ્યા અને આટલા વર્ષોથી કોઈએ આ ગાયને ગામમાં ભાળેલ નહીં માટે સૌ કોઈ જુદી જુદી વાતો વહેતી કરવા લાગ્યા. 
કોઈ કહેતું કે એ ગાય થોડે દુર બાજુના ગામ માંથી આવી સે તો વળી કોઈ કહેતું કે તેને અહીં કોઈ આવીને છોડી ગયેલ છે તો કોઈ કહેતું કે આ ગાય ધણી વગરની હરાયી સે તો વળી કેટલાક કહેતા કે ભગવાન જાણે કે ક્યાંથી આવી. 
પણ એક વાત ચોક્કસ હતી કે એ જ્યાંથી પણ આવી હોય , અહીં એક અબોલ પશુ અને માનવી વચ્ચેનો માત્ર થોડા જ સમયમાં  પાંગરેલો એક અથાગ પ્રેમ ચોક્કસ પણે 
તાદ્રશ્ય થતો હતો.
 
ધીમે ધીમે દિવસો વીતતા ગયા.સોનજી ઘેલાની વધતી જતી ઉંમરને કારણે એક દિવસ તેઓ ખૂબ જ બીમાર પડ્યા અને રોજની જેમ બહાર ખાટલામાં સુતા સુતા આરામ 
કરી રહ્યા હતા.
એટલામાં સમય થતા સોનુ ત્યાં આવી અને આજે સોનજી ઘેલાને ખાટલામાં પે'લી વાર સુતા જોઈ જાણે તેને કંઇક બનવા જોગ થવાનો અણસાર આવી ગયો હતો.
રોજ તો સોનુ રોટલો ખાઈને થોડી વાર પછી ત્યાંથી ચાલી જતી પરંતુ આજે તે સોનજી ઘેલાના ખાટલા પાસે ઘણા સમય સુધી બેસી રહી.અને સોનજી ઘેલાના પગના
 તળિયા અને હાથ ચાટી વ્હાલ કરવા લાગી.
સોનજી ઘેલાના પત્ની જશીએ આજે સોનુને રોટલો ધર્યો પણ સોનુ કાંઈ સોનજી ઘેલાના હાથ સિવાય કોઈનું ખાય ખરી? પછી ખાટલામાં સુતા સુતા ખુદ સોનજી ઘેલા એ રોટલો ધર્યો છતાં પણ સોનુ એ આજે પે'લી વાર તેમના હાથમાં મુકેલો રોટલો ખાધો નહીં.
સોનજી ઘેલાને જાણે આજે એક બીમાર બાપ ને પોતાની દીકરી મળવા ન આવી હોય તેવો અહેસાસ થવા લાગ્યો.કેમ જાણે કુદરતે રાખેલી શેર માટીની ખોટ જાણે છેલ્લી ઘડીમાં પુરાતી હોય તેવો અહેસાસ સોનજી ઘેલાને થવા લાગ્યો.
 
આ એ જમાના ની વાત છે જ્યાં માણસ, જે માણસ નું ખાઈ તેની જ ઘોર ખોદે છે. આ એ ઘોર કળિયુગની વાત છે જ્યાં મરી પરવારેલી માનવતા જ્યારે લાગણીના ચીંથરા ઉડાવી રહી હોય ત્યારે આવા અબોલ પશુ ને જો કદાચ તમે ભૂલથી પણ એક બટકું ખવડાવ્યું હોય તો તે જીંદગી ભર તમારો એ અન્નદાતા તરીકેનો ઋણ ભૂલતું નથી તેનું આ જીવતું જાગતું ઉદાહરણ નજર સમક્ષ હતું.
 
સોનજી ઘેલાની ખબર જોવા ગામ માંથી આવતા ઘણા લોક કે જેમને સંતાન હોવા છતાં પોતે નિઃસંતાન અને નિઃસહાય હતા.પોતાની સગી ઓલાદનો પ્રેમ પામવા માટે જાણે તરસ્યા રણ સમાં હતા અને જેઓ જાણે કડવી માનવતાથી હમણાં જ દાજયા ન હોય તેવા લોક સોનુ ને જોઈ બસ એક જ વાત કરી રહ્યા હતા કે..... 
 "માણસ કરતા સો ટકે જાનવર સારું".
 
અને ખરેખર આ વાક્ય માનવતાની કડવાશ અનુભવનાર ઘણા બધા લોક માટે આજે જીંદગીના સાર સમાન બની ગયું છે.
 
આજે સોનુ સવારથી લઇ મોડે સુધી સોનજી ઘેલાના ખાટલા પાસે બેસી રહી હતી.સોનજી ઘેલા પણ સોનુની લાગણી જોઈ આજે પત્ની જશીને કહેવા લાગ્યા કે મર્યા પછી મારા દેહને અગ્નિ દાહ આ સોનુ જ દેશે હો તો જ મારો દાહ ઠરશે.અને જશી ધડ ધડ આંશુ સાથે "તમે આવું ન બોલો" કહી ઘરમાં ચાલી ગઈ ને ખુણામાં બેસી પોક મેલી રડવા લાગી.ત્યાં ખબર કાઢવા આવેલા લોકે માંડ માંડ જશીને શાંતવના આપી.
 
સાંજનો સમય થયો ને સોનુ ઉભી થઈને જાણે ચાલવા લાગી.પોતે આગળ ચાલતી જાય ને વળી વળીને પાછું જોતી જાય. સોનજી ઘેલા પણ તેની સામું જોઈ રહેલા તેનો આજનો ન ખાધેલો સુકાઈ ગયેલો રોટલો જોઈને સોનજી ઘેલાના દુઃખ નો પાર ન હતો.
પણ પોતાનો અન્નદાતા બીમાર હોય તો કેમે કરી પેટમાં કોળિયો ઉતરે તે આજે એક અબોલ પશુ જાણે તેના વર્તનથી જ ઘણું બધું કહી જતું હોય તે સ્પષ્ટ પણે સૌની નજર સમક્ષ ટડવળી રહ્યું હતું.
 
સોનજી ઘેલા વિચારી રહ્યા હતા કે આ જાનવર માં પણ કેટલી  અનુકંપા હશે હે મારા પે'લા જેને ખવડાવ્યું હશે તેને કદાચ દૂધ દેવા માટે સમય થયે કેવી ચાલી ગઇ.
 
"પશુઓમાં પણ ઋણ અદા કરવાનું આ આંકડા વગરનું કુદરતનું ગણિત જાણે વણસમજ્યું હતું."
 
બીજે દિવસે સોનુ સવારે દરરોજ કરતા થોડી વહેલી આવી ગઈ અને સુતેલા સોનજી ઘેલા ના ખાટલા પાસે આવી બેસી ગઈ ને ફરી પાછી ગઈકાલની જેમ પગના તળિયા અને હાથ ચાટી વ્હાલ કરવા લાગી.સોનજી ઘેલા એ આજે પણ પોતાના હાથમાંથી સુતા સુતા રોટલો ધર્યો પણ સોનુ એ ખાધો નઈ એટલે....
સોનજી ઘેલા ધીમા સ્વરે બોલ્યા કે :- 
"ખાઈ લે ને કદાચ આ મારા હાથનો છેલ્લો રોટલો સે."
 
સોનુની આંખમાંથી નીકળતા આશુ જોઈ ત્યાં ઉભેલા પાડોશી અને ખબર કાઢવા આવેલ લોક પણ જાણે સ્તબ્ધ થઈ ગયા ને જાણે તે સોનજી ઘેલાની ભાષા સમજતી હોય તેમ તેમની છેલ્લી ઈચ્છા પૂરી કરવા પરાણે 
રોટલો ખાવા લાગી. એકબાજુ જ્યાં રોટલો પૂરો થયો ત્યાંજ સોનજી ઘેલાનો હાથ થોડો નીચો થયો ને જાણે છેલ્લી ઈચ્છા પૂરી થયાની સાથે જ સોનજી ઘેલા એ પોતાના પ્રાણ ત્યાંજ ત્યજી દીધા.
 
સોનુને જાણે પહેલેથી જ ખબર પડી ગઈ હોય તેમ સોનજી ઘેલાના દેહ પર માથું ટેકવી ધડ ધડ આશું વહાવા લાગી.થોડીવાર માં સમાચાર ગામમાં ફેલાતા સંધુય 
ગામ આ જોવા જાણે ઉમટી પડ્યું.
 
એક પશુ અને માનવી વચ્ચેનું આવું કરુણતા ભર્યું દૃશ્ય જોઈ ત્યાં આજુબાજુ ઉભેલા મક્કમ લોકોની આંખો પણ ભરાઈ ગઈ.જાણે એક દીકરી પોતાના બાપ ને વળગીને રડતી હોય તેમ સોનુ એ સોનજી ઘેલાને વળગી ને રડી રહી હતી.
 
થોડી વાર પછી બધી ક્રિયા પુરી થતા સૌ સોનજી ઘેલાનો પાર્થિવ દેહ લઈ સ્મશાન યાત્રા એ જવા નીકળ્યા, જશી પણ જાણે જોર શોર થી સોનુ ને વળગી ને રડી રહી હતી અને સાથે બોલતી જતી કે: "સોનુ હવે તને કાલ થી કુણ હાથમાં રોટલો દશે હું અને તું બેવ જોને એકલા પડી ગયા" એમ બોલતા ની સાથે જ તે ડુમે ભરાઈ ગઈ. 
બીજી બાજુ ચાલી રહેલી સ્મશાન યાત્રાની સાથે - સાથે સોનુ રડતીને - રડતી અને સાથે બુમો પાડી બોગેડતી દોડી જતી હતી.સ્મશાનમાં સોનુ  જાણે સોનજી ઘેલાના પાર્થિવ દેહની આજુબાજુ પ્રદક્ષિણા ફરતી હોય તેમ બુમો પાડી ગોળ ગોળ ફરવા લાગી.આ દ્રશ્ય જોઈ આખું ગામ જાણે હિબકે ચડ્યું.અને સૌ સોનુનો વિલાપ જોઈ જાણે 
ચકિત જ રહી ગયા.
આ જોઈ ત્યાં ઉભેલ એક વયો વૃદ્ધ વડીલ કે જેમને પોતાના જ દીકરા એ પોતાનાથી જુદા કરી તગેડી મુકેલ તે આ જોઈ બોલી ઉઠ્યા કે:-
" ધન છે સોનજી ઘેલા અને સોનુ ના હેત ને આ જમાનામાં જીવતા વેંત ખરો હેત અને મર્યા પછી ખરો વિલાપ તો કદાચ સગી ઓલાદ પણ નથી કરતી બાપ."
 
સોનજી ઘેલાની ઈચ્છા મુજબ જ સોનુના સ્પર્શથી જ તેમના પાર્થિવ દેહને અગ્નિ દાહ આપવામાં આવ્યો.સોનુ થોડી વાર બાદ શાંત થઈ બળી રહેલા સોનજી ઘેલાના દેહની સામે બેસી ગઈ. ધીમે ધીમે સૌ કોઈ ઘરે ચાલવા લાગ્યા પણ સોનુ ત્યાંની ત્યાંજ બેસી રહી તેને લઈ જવા ખૂબ પ્રયત્નો કર્યા પણ તે એક ની બે ના જ થઈ.
 
કહેવાય છે કે સોનુ બે દિવસ સુધી સોનજી ઘેલાના વિલાપમાં ખાધા પીધા વગર સ્મશાન માં જ બેસી રહેલી.
હે ઈશ્વર ! એક જાનવર અને માનવી વચ્ચેનો આ તે કેવો અદભુત અને અમર પ્રેમ.
 
આજે પણ રોજ સવારે સોનુ ગાય સોનજી ઘેલાને ઘેર આવે છે અને ઓસરીમાં ટીંગાડેલી સોનજી ઘેલાની છબી સામું  ઘણી વાર સુધી તાકી રહીને ટગર ટગર જોયા કરે છે. 
અને થોડી વાર પછી ત્યાંથી ચાલી જાય છે.
સોનજી ઘેલાની પત્ની જશી હાથમાં રોટલો લઈ  નિરંતર આવે છે. પરંતુ સોનજી ઘેલાના હાથે જ ખાતી સોનુ તે રોટલો આજે પણ ખાતી નથી. આજે પણ એ રહસ્ય જાણે રહસ્ય જ છે.
 
આજ દિન સુધી તે ગાય ક્યાંથી આવી છે તે કોઈ જાણી શક્યું નથી.
 
કોણ જાણે એક વાચાળ માનવી અને મૂંગા જાનવર વચ્ચેના અજોડ અને અમર પ્રેમનું એ "મૂંગુ રહસ્ય" આજે પણ અકબંધ છે.
 
 
 **********  સમાપ્ત  ********