એક ભમરાને એક ફૂલ ના મધુ-રસ ની લત લાગી છે...
હવે નજીક ના ફૂલો ને શંકા છે કે આ ભમરા નો ભમરી પ્રત્યે નો વિશ્વાસઘાત છે !! - Ronak maheta
હમણાં જ twitter scroll કરતો હતો અને એક સરસ મજાનો મેસેજ ધ્યાને આવ્યો જે કંઈક આ મુજબ હતો : એક વૃક્ષ ની કબૂલાત , દરરોજ મારા પાંદડા ખરે છે છતાંય પવન સાથે મેં સંબંધ બગાડ્યા નથી !!!
એક માણસ ને જીવન માં કેટલી વસ્તુ અને કેટલા વ્યક્તિ નો ભેટો થાય છે ?? કોઈ ને વસ્તુ પ્રત્યે તો કોઈ ને વળી માણસ પ્રત્યે લગાવ થઇ જતો હોય છે. કેટલો લગાવ હોય છે એ ભમરા ને જે સતત ફૂલ ની આસપાસ ભમ્યા કરે છે ! કેટલો લગાવ હોય છે એ પાંદડા ને હવા સાથે, જે સતત ડોલ્યા કરે છે ! કેટલો લગાવ હોય છે એ મોજા ને કિનારા સાથે જે સતત ઉછળ્યા કરે છે !
લગાવ અથવા તો Attachment જે કહો તે - બોલવામાં જેટલું સહેલું લાગતું હોય એટલું અનુભવ માં હોતું નથી સાચુ ને ? લગાવ હોય તો દરિયો મને મોટો લાગે અને લગાવ ના હોય તો દરિયો મને ખારો પણ લાગે !!
કોઈ ને પૈસા પ્રત્યે તો વળી કોઈ ને શરીર પ્રત્યે તો કેટલાક ને કીર્તિ પ્રત્યે તો કેટલાક ને આખે આખી વ્યક્તિ પ્રત્યે લગાવ હોય છે. પ્રેમ અને લગાવ બંને એક જ માં ના સંતાનો ની જેમ હોય છે. જ્યાં પ્રેમ હોય ત્યાં લગાવ હોય જ અને જ્યાં લગાવ હોય ત્યાં પ્રેમ હોય. હા, પ્રેમ ને કોઈ દુશ્મન હોતો નથી જયારે લગાવ નો સૌથી મોટો દુશ્મન છે - અપેક્ષા !!
આપણે 2 પ્રકાર ના સંબંધો થી જીવીએ છે; એક એવા સંબંધો જેને સૌ કોઈ જાણતા હોય અને બીજા પડદા પાછળ ના સંબંધો જે ગોડ ગિફ્ટેડ હોય છે. જેનું કોઈ નામ તો નથી હોતું પણ દિલ થી જીવાતા હોય છે !!
આપણે સાંભળ્યું જ છે કે જિંદગી હદયના ર્કાડિયોગ્રામ જેવી હોય છે જે સતત ઉપર નીચે થયા કરે. જયારે કોઈ લગાવ વાળી વસ્તુ કે વ્યક્તિ આપણાથી દૂર થાય ત્યારે થોડો ખાલીપો સર્જાય અને વળી પાછા જીવનની એ જ ધૂન માં બીજી કોઈ વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે લગાવ થઇ જાય અને પહેલા ની યાદો પિટારા માં સમાઈ જાય !! કયારેક લગાવ એટલો તીવ્ર હોય છે કે આખી જિંદગી સુધી દિલ પર ભાર રહે અને ક્યારેક લગાવ એટલો ક્ષણિક હોય કે વ્યક્તિ એ પણ ભૂલી જાય કે એ વસ્તુ કે વ્યક્તિ જેની તરફ એનો લગાવ હતો એનું શું સ્થાન હતું !! જેને આજ ની પેઢી move on કહે છે….
લગાવ ફક્ત ત્યાં સુધી અજરામર છે જ્યાં સુધી વસ્તુ કે વ્યક્તિ તરફ એક જ લાગણી છે પણ જે સમયે આપણી મનોવૃત્તિ બદલાવવા માંડે અને બે અલગ અલગ લાગણી ભેગી થાય ત્યારે લગાવ ની તીવ્રતા ઘટવા માંડે. એ પછી નવી વસ્તુ કે વ્યક્તિ ના આવવાથી હોય કે પછી પહેલા ની વસ્તુ કે વ્યક્તિ તરફ આપણી બદલાયેલી મનોવૃત્તિ !!
ક્યારેક આપણે કોઈ વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે એટલો લગાવ રાખીએ છે કે એને જ સર્વસ્વ માની લઈએ છે. એના સિવાય બીજું કાંઈ દેખાતું નથી ત્યારે ઘણી સમસ્યા સર્જાતી હોય છે કારણકે, જયારે એ વસ્તુ કે વ્યક્તિ ના હોય ત્યારે આપણી દુનિયા હચમચી જાય છે આપણું વ્યક્તિત્વ જ સમાપ્ત થઇ ગયું હોય એવું લાગવા માંડે છે કારણકે આપણે તે તરફ વધુ સંવેદનશીલ હોઈએ છે. તમારા જીવન માં આવેલા દરેક ભૂકંપ નું કેન્દ્ર માત્ર ને માત્ર તમારું મન જ છે !!
અને અંતે,
જયારે બંને પક્ષ તરફથી પ્રેમ હોય ત્યારે એ સબંધ ક્યારેય તૂટતો નથી પણ એક પક્ષ તરફથી પ્રેમ અને બીજા પક્ષ તરફથી લગાવ હોય એ સબંધ તૂટવાની શક્યતા વધુ હોય છે કારણકે વ્યક્તિ પ્રેમ માં બાંધછોડ કરી શકે પણ લગાવ માં નહીં !!