CLEANLINES in Gujarati Health by Jagruti Vakil books and stories PDF | સ્વછાગ્રહ

Featured Books
Categories
Share

સ્વછાગ્રહ

સ્વચ્છાગ્રહ

સ્વચ્છ ભારત કા ઈરાદા,...ઈરાદા કર લિયા હમને....

દેશ સે અપના વાદા, એ વાદા કર લિયા હમને.....

આપણા પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી એ સ્વચ્છ ભારત અભિયાન ૫ વર્ષ માટે દેશની જનતા સમક્ષ મુક્યું હતું... સ્વચ્છતા પ્રભુને પણ પ્યારી છે એટલે જ તો વારંવાર કહેવાય છે કે ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’.જ્યાં સ્વચતા છે ત્યાં વિચારો સ્વસ્થ છે અને જ્યાં વિચારો સ્વસ્થ છે ત્યાં જ તંદુરસ્ત સમાજનું નિર્માણ થાય.એ અર્થમાં સ્વચ્છતા અભિયાન ઝુંબેશ ઘરોઘર,શેરી,ગામ,શહેર અને સમગ્ર દેશમાં ગુંજવા લાગ્યો.

“ એક કદમ સ્વચ્છતા કી ઓર...”રાષ્ટ્રપિતા પૂજ્ય બાપુને સાચા અર્થમાં અંજલિ કહી શકાય એવા આ પ્રકલ્પના મુખ્ય હેતુઓ આ મુજબ હતા :

૧)સામાન્ય જનજીવન ગુણવતા સભર બનાવવું,

૨)વર્ષ ૨૦૧૨ સુધી દરેક વ્યક્તિને ટોઇલેટની સુવિધા મળી રહે,

૩) સ્થાનિક સરકાર એટલે કે પંચાયત દ્વારા જનજાગૃતિ અને આરોગ્ય શિક્ષણના માધ્યમથી સેનિટેશનની સગવડતાઓને ટકાવી રાખવા લોકોને પ્રેરણા આપવી,

૪) શાળા-આંગણવાડીઓ સ્વચ્છતા સુવિધાથી સજ્જ કરવી અને બાળકોને આરોગ્યપ્રદ વાતાવરણ પૂરું પડવું.

૫) અસરકારક સ્વચ્છતા સુવિધાઓને પ્રોત્સાહન પૂરું પડવું.

આ સાથે નિર્મળ ગ્રામ પુરસ્કાર યોજના કે જેમાં ગ્રામ પંચાયત,તાલુકો કે જીલ્લો ૧૦૦ % સ્વચ્છતા સુવિધાથી સજ્જ હશે તેમને પુરસ્કાર આપવાની યોજના છે.

ત્યારે એ વિચારવાનો સમય જરૂર આવી ગયો છે કે સ્વચ્છતા એટલે શું ?શરીર સફાઈ સાથે ઘર,રસ્તા,મકાન,શેરી,સડક,પર્યટક સ્થળો,સરકારી ઈમારતો,પર્યાવરણ અને પાણી બધું જ સ્વચ્છ રાખવાની સાથે મન અને દ્રષ્ટિની પવિત્રતા પણ જાળવવી.સફાઈ એ માત્ર આરોગ્ય માટે જ જરૂરી ન હોતા કે માત્ર આસપાસના વાતાવરણને જ સુંદર અને શોભામય બનાવવા અનિવાર્ય નથી પણ દરેક સર્જન અને ઉન્નતી માટે અગત્યનું છે.આપના શારીરિક,માનસિક વિકાસ સાથે આધ્યાત્મિક વિકાસ માટે પણ અગત્યનું છે.જે માટે નિયમિત અને આરોગ્યપ્રદ જીવન શૈલી ખુબ અગત્યના છે.આરોગ્યપ્રદ એટલે એવી પ્રક્રિયા કે જેમાં સફાઈ અને સ્વચ્છતા બંનેનો સમાવેશ થાય છે.જીવન શૈલી આરોગ્યપ્રદ રહે તે માટે આસપાસની જગ્યામાં સ્વચ્છતા અનિવાર્ય છે. એટલે જ કહેવાયું છે કે,

જો પરિવાર હશે સ્વચ્છ,તો પર્યાવરણ પણ નિરામય,

એકબીજાની સંગાથે દેશને સુઘડ બનાવીએ....

આજના યુગમાં સ્વચ્છતા માનવના મળમૂત્ર સાથે ઘન કચરો,પ્રવાહી કચરોના નિકાલની યોગ્ય વ્યવસ્થા,ખોરાકની સ્વચ્છતા,વ્યક્તિગત સ્વચ્છતા અને પર્યાવરણીય સ્વચ્છતા સાથે જોડાયેલ છે. ગ્રામ્ય સ્વચ્છતાને ધ્યાનમાં લઈને ભારતનું સ્વચ્છતા અભિયાન પ્રકલ્પ વર્ષ ૧૯૮૬માં શરુ થયું હતું,જેને ૧૯૯૯ માં ફરી પરિણામલક્ષી બનાવવા ભારતની નવમી મૂલ્યાંકન પંચવર્ષીય યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો. આરોગ્યપ્રદ જીવન માટે ઘન કચરો અને ગંદા પાણીની નિકાલની સુનિયોજિત વ્યવસ્થા અનિવાર્ય છે.અપૂરતી સ્વચ્છતા સુવિધા રોગોના ઉપદ્રવ માટેનું એક મુખ્ય કારણ છે.તેથી ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૨માં સેનિટેશન ફોર ઓલ –સ્વચ્છતા અભિયાન પણ શરુ કરવામાં આવેલું છે.

૨૧મી સદીમાં ઉદ્યોગો-વાણિજ્યની પ્રગતિ,કુદરતી સંસાધનોનો દોહન,પર્યાવારજન્ય,પાણીજન્ય ગંદકી વગેરેના પરિણામે સફાઈ,સ્વચ્છતા અને આરોગ્યની જે સમસ્યાઓ પેદા થઇ તેના નિરાકરણ માટે પ્રયત્ન કરવા તે આપણા બધાની સહિયારી જવાબદારી છે.જનતાના સહકાર અને ભાગીદારી વગર કોઈ જ અભિયાન સફળ ન થઇ શકે.

એક એક શ્વાસ પોકારે આ અભિયાન,

શેરી રહે સ્વચ્છ અને ગામ બને સ્વર્ગ...!!

માત્ર સવારમાં ઘરમાં ઝાડું પોતા કરવાથી સ્વચ્છતાનો હેતુ ફળીભૂત થતો નથી...તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે સમગ્રતયા સ્વચ્છતા અનિવાર્ય બની છે,પણ...એ માટે માનવીની સ્વૈચ્છિક જાગૃતિકેટલી? તે વિચારવાનો સમય પણ પાકી ગયો છે.આજે લારી ગલ્લામાં વહેચતા ખોરાકનું પૃથક્કરણ કરવામાં આવે તો ખબર પડે કે અહી સ્વચ્છતા કેટલી? અને એ પ્રત્યે દુર્લક્ષ્ય સેવતા આપણે નાગરિકોની બેજવાબદારી પણ કેટલે અંશે યોગ્ય ?અ સાથે પેટીયું રળવા સહુનો અબાધિત અધિકાર છે,હક છે, તો ફાસ્ટફૂડવાળા ધંધાર્થીઓને પોતાના ધંધાથી ગંદકી ન ફેલાય તે જોવાની ફરજ પણ અનિવાર્યપણે છે.

જો કે આજે સ્વચ્છતાના નામે કેન્દ્ર અને રાજ્ય સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે,પ્રસંગોપાત કાર્યક્રમમાં પણ સ્વચ્છતા અભિયાન ઝુંબેશને પણ મહત્વ આપવામાં આવે છે એ સારી બાબત છે,લોકોમાં ઘણી જાગૃતિ આવી છે,મોટા ભાગના નાગરિકો ઘર,શેરી,મહોલ્લો,જાહેર રસ્તા સ્વચ્છ કરતા થયા છે... છતાં તાજેતરમાં દેશની આરોગ્ય સંસ્થાએ એવું સર્વેક્ષણ પણ કર્યું કે સ્વચ્છતાના અભાવે મ્રુત્યુઆક ૧૫%થી પણ વધુ છે એ સ્થિતિ દેશ માટે ચિંતાજનક છે.ખુદ કેન્દ્ર અને રાજ્ય સરકાર સ્વચ્છતા બાબતે કડક વલણ અપનાવી રહી છે,પરંતુ ગંદકી ફેલાવતા તત્વોને નાથવામાં કાયદો પોકળ પુરવાર થયો છે.૨૧મી સદી તરફ પુરપાટ દોડતા આપણે સહુ એ ખુદ એક બ્રેક મારી સ્વચ્છતા અંગે જાગૃત જરૂરી બન્યું છે. સરકાર અને સામાજિક સંસ્થાઓ દ્વારા ગંદકી અટકાવી,સ્વચ્છ ભારતના નિર્માણનું સ્વપ્ન ત્યાં સુધી અધૂરું રહેશે,જ્યાં સુધી આપને ખુદ સજાગ નહિ થઈએ અને એ નહિ સ્વીકારીએ કે સ્વચ્છતા એ દરેક વ્યક્તિની વ્યક્તિગત જવાબદારી છે..સ્વચ્છતા માત્ર વાતોથી નહિ આવે,સ્વચ્છ ભારતના નિર્માણ માટે એક કદમ ખરેખર ઉપાડવું જ પડશે.આજે કચ્છ,સૌરાષ્ટ્ર,ગુજરાતની અનેક એનજીઓ. સ્વચ્છતાની બાબતમાં નમૂનેદાર કામ કરે છે,પરંતુ અધૂરા,અપૂરતા પ્રચાર,પ્રયાસ કે અન્ય કોઈ કારણસર સ્વચ્છ ભારતનો સંપૂર્ણ હેતુ ફળીભૂત નથી થયો તે આપને સહુએ સ્વીકારવું જ રહ્યું.સિક્કાની બીજી બાજુએ જોઈએ તો રોજબરોજ સફાઈનું ભગીરથ કાર્ય કરતા સફાઈ કામદારોના સ્વાસ્થ્ય માટે આપણી ફરજ કેટલી તે સવાલ પણ યક્ષ પ્રશ્ન બન્યો છે.સેનિટેશનનું કામ કરતા સફાઈ કામદારોના નબળા સ્વાસ્થ્યના આકડા ચિંતાજનક છે.૧૦ માંથી ૩ સફાઈ કામદારો અપૂરતી સુવિધાને લીધે કષ્ટ સાધ્ય રોગના ભોગ બન્યા છે ત્યારે આવા સમાજને પણ સારું સ્વાસ્થ્ય આપવાની જવાબદારી કોની ?તે પણ વિચારવાનો સમય પાકી ગયો છે.

આખરે સરકાર કે સંસ્થાનો પ્રયાસ પ્રમાણિક છે પણ સ્વચ્છતાને સર્વાંગી રીતે ફળીભૂત કરવામાં જ્યાં સુધી જન સમુદાય વ્યક્તિગત અને સામુહિક આ પ્રવૃત્તિ નહિ કરે ત્યાં સુધી આ પ્રયાસ અધુરો જ રહેશે અને લક્ષ્યાંક સિદ્ધ નહિ થઇ શકે તે પણ હકીકત છે.

તાજેતરમાં સ્વચ્છતા અભિયાન ઝુંબેશ અંતર્ગત નવી દિલ્હીની એક ટીમ દ્વારા દેશભરના નગરપાલિકા અને મહા નગરપાલિકા વિસ્તારનું સર્વેક્ષણ કરવામાં આવ્યું એના તારણ મુજબ કચ્છના પાટનગર ભુજનો સ્વચ્છતા અભિયાનમાં ૯૮મો નંબર આવ્યો!!! ખરેખર માથું શરમથી ઝુકી જાય આવી આ બાબત પ્રત્યે ગંભીર થવાનો ને જાગૃત થવાનો સમય આવી ગયો છે.આપને જ ખુદ સ્વચ્છતાની બાબતમાં ઉણા ઉતરતા હોઈએ તેવું સ્પષ્ટ દેખાય છે.આપણું અંગનું કે શહેર જ જો સ્વચ્છ નહિ હોય તો અન્ય સ્વચ્છતાની વાત કરવી કેટલી વ્યાજબી છે?દેશના વડાપ્રધાન જયારે સ્વછાગ્રહ ઝુંબેશ વ્યાપકપણે ચલાવી રહ્યા છે ત્યારે આ કાર્યક્રમો માત્ર સરકારી પ્રચાર પ્રસાર પૂરતા જ ન બની રહે તે જોવાની જવાબદારી દરેક નાગરિક એટલે કે આપણી પોતાની છે.આવા અભિયાનો દરમ્યાન લોકભાગીદારીના અભાવે જ આ ઝુંબેશ નબળી પડે છે એમ કહેવું જરા પણ અતિશયોક્તિભર્યું નથી.લોકભાગીદારી અને આપના સહુના સહિયારા પ્રયાસથી આ અભિયાન ગતિશીલ બની, પરિણામલક્ષી બની, સાર્થક બનશે. ...

આ સાથે એટલું પણ વિચારવું રહ્યું કે બાહ્ય સ્વચ્છતા પ્રત્યે જાગૃતતા બતાવતો માનવી અનેક ભૌતિક સુખ સગવડનો ઉપયોગ કરે છે,જેના પરિણામે કદાચ બાહ્ય સ્વચ્છતામાં થોડી ઘણી પણ જાગૃતતા આવે પણ એ જ માનવી આંતરિક સ્વચ્છતા પ્રત્યે કેટલો જાગૃત છે?માનવીના મનમાં રહેલ ઈર્ષા,દ્વેષ,અદેખાઈ,કટુતા વગેરે પર પણ સ્વછ્તારુપી સાવરણો ફેરવવાની પણ જરૂર નથી લાગતી? માનવી આંતરિક સ્વચ્છતા પ્રત્યે સભાન નહિ થાય,પ્રમાણિક નહિ બને,ત્યાં સુધી બાહ્ય સ્વચ્છતાનો પણ કઈ અર્થ નથી...સ્વસ્થ સમાજના નિર્માણના પાયામાં આ બાબત રહેલી છે.

સહુ સાથે મળી સરકારના સ્વચ્છતા અભિયાન ઝુંબેશને સાકાર કરવા, સાથે મળી સંકલ્પ કરીએ કે સહુ પ્રથમ મનને સ્વચ્છ કરીશ બાદ શરીર,ઘર,મહોલ્લો,ગામ,શેરને સ્વચ્છ રાખવા શક્ય તેટલો પ્રયત્ન કરીશ. માત્ર દરેક નાગરિક સ્વયમ એટલો જ સંકલ્પ કરે કે હું કચરો કરીશ નહિ ને અમારી આજુબાજુ કરવા નહિ દઉં તો પણ બહુ જ મોટું ઉમદા કાર્ય થશે ને ત્યારે કોઈ સ્વચ્છતા અભિયાન કે ઝુંબેશ કરવાની કોઈને પણ જરૂર નહિ રહે.

સ્વચ્છતા વિષે એવું કહેવાય છે કે જ્યાં સ્વચ્છતાનો વિચાર માત્ર પણ ઉદભવે છે,તેની સાથે હકારાત્મક ઉર્જા ગતિશીલ બને છે.આમ આપણે સહુ સ્વચ્છતા અભિયાનના આ હકારાત્મક વિચારને મૂર્તિમંત બનાવવા કટિબદ્ધ બનીએ,એ સામુહિક કિસ્સાનો અહેમ ભાગ બની જશે.

એક જ હવે નારો છે

ન ગમે ત્યાં થુકનો ફુવારો છે,

ન ગમે ત્યાં શૌચનો વારો છે,

ઘડતર હવે અમારું થયું છે!!

આવી વિચારસરણી સાથે જ સ્વસ્થ ભારતના નિર્માણ સાથે સ્વચ્છતાનો સોનેરી સુરજ જરૂર ઉગી નીકળશે...સ્વચ્છતાના અભાવથી આપણે આપણા જ સ્વાસ્થ્યને નુકસાન પહોંચીએ છીએ.પરિણામે વિચારો નકારાત્મક બને છે,તન અને મન અસ્વસ્થ બને છે,

ત્યારે દરેક વ્યક્તિ આજે અને આ પળે જ સંકલ્પ લઈએ કે “હું કચરો નહિ કરું અને મારી આસપાસ કચરો નહિ કરવા દઉ !” બસ આટલું જ કરી, સ્વચ્છતાના મહાન કાર્ય માટેના સ્વછાગ્રહી બનીએ તો ચોમેરથી હકારાત્મક પરિણામ જરૂર મળશે જ....તો ચાલો આજે જ અને અત્યારે જ થાવ સાબદા....આજુબાજુ નજર નાખો અને સ્વછાગ્રહી બનવાની કરો શુભ શરૂઆત..........