મેં સરસ્વતી હાઈસ્કુલમાં અભ્યાસ પૂર્ણ કર્યો અે વાતને આજે વીસ વર્ષ થઈ ગયાં. અત્યારે મારી પોતાની ત્રણ ફેક્ટરી છે. 'વેલસેટ' છું. થયું કે લાવ ને મારી હાઈસ્કૂલમાં આંટો મારું. અેક દિવસ મુલાકાત લીધી. શિક્ષકોમાં તો બધાં જ ચહેરાં બદલાઈ ગયાં હતાં. અમારાં સમયનાં તો અેક પણ નહી. ના જ હોય ને ! પણ મારી આ મુલાકાત વખતે કોણ જાણે પણ મનમાં અેક વિચાર આવ્યો કે લાવને મારાં અે વખતનાં શિક્ષકોની કશી ભાળ મળે તો અેમને મળવાં જાઉં ! અને... અને અેમને કહું કે "સર !, બહેન !, અમે વિધ્યાર્થીઓ અંદરો-અંદર તમને ફલાણાં-ફલાણાં નામથી ખીજવતાં-બોલાવતાં." જો કે તેમનું હ્રદય દુભાવવાનો આશય તો નહોતો જ. પણ છતાં આ મુદ્દે તેમની સાથે હળવાશથી વાત થાય અે આશય હતો.
અેકાદ વર્ષ પહેલાં સૌપ્રથમ ભાળ મળી અમારાં તે સમયનાં હિન્દીનાં શિક્ષક નાનજીભાઈની. તેમનાં ઘેર ગયો. ઘરમાં બે જ વ્યક્તિ. અે અને તેમનાં પત્નિ. વાત-વાતમાં જાણ્યું કે તેમની ઉંમર અત્યારે ૭૮ વર્ષ. છતાં મને જોતાં જ અોળખી ગયાં અને બોલ્યાં, "અરે વિજય ! આવ-આવ બેટાં !"
"સર તમને હજુ યાદ છે ?" મને સુખદ આશ્ચર્ય થયું.
"હા બેટાં, તારો ચહેરો બહુ બદલાયો નથી."
ખબર-અંતર અને પ્રાથમિક વાત-ચીત પછી મેં મૂળ મુદ્દો પકડ્યો. જરા હળવાશ માટે જ તો.
"સર, તમને ખબર છે અમે પેલાં રમેશસરનું નામ શું પાડ્યું હતું ?"
"નાના પાટેકર" નાનજીસર તરત જ બોલ્યાં. "અે ચિડિયો સ્વભાવ અેમની વ્યથાઅોનું પ્રતિબિંબ હતું બેટાં. તમે ભણતાં અે જ અરસામાં અેમનાં બન્ને યુવાન પુત્રો અેક અકસ્માતમાં ગુજરી ગયેલાં !"
હું સ્તબ્ધ. આગળ કશું બોલી જ ના શક્યો. ગળામાં ખરેડી બાઝી ગઈ. ખોંખારો ખાઈ જરા સ્વસ્થ થતાં હું બોલ્યો, "અને સર, પેલાં મહિપતસર..."
"હા, જેને તમે લઘર-વઘર કહેતાં." સર જરા હસી પડ્યાં. અને બોલ્યાં, "અેમણે પણ બહુ સહન કર્યું બેટાં. અેમનાં લગ્નનાં અેકાદ વર્ષમાં જ પત્નિનું અવસાન થયું. ઘરમાં બે જ જણ. અે અને અેમનાં પથારીવશ પિતાજી, કે જેમને 'પેરેલિસિસ' થયેલો. નવી-નવી નોકરી, પગાર પણ અોછો, પત્નિનું અવસાન. બિચારો પોતે જ રાંધે, પિતાની સેવા કરે અને તમને તોફાનીઅોને સ્કુલમાં ભણાવે. પોતાની જાત વિશે વિચારવાનો અેને સમય જ ક્યાં હતો ? અેટલે જ પહેરવેશ અત્યંત સાદો. પગમાં સ્લિપર. પણ તમે અેમનું નામ સરસ શોધ્યું'તું હો... લઘર-વઘર." સર ફરીથી હસી પડ્યાં.
મને સમજાયું નહી કે હું હસું કે ચોધાર આંસુડે રડું ? સાલું અમે તો માત્ર શિક્ષકોનાં નામ પાડવામાં જ રહ્યાં. અને અે ઉંમરમાં તો સમજણ પણ શું હોય ! છતાં રહી-રહીને મનમાં થયું કે અે શિક્ષકનાં જીવનમાં અેકાદ ડોકિયું અે સમયમાં કરી લીધું હોત તો અત્યારે પસ્તાવો થાય છે અેટલો ન થાત. તેમને કંઈક મદદ પણ કરી શક્યાં હોત. બે ઘડી વિચારમાં સરી પડ્યો. તે દરમિયાન નાનજીસર કશુંક બોલી રહ્યાં હતાં પણ હું કદાચ સાંભળી નહોતો રહ્યો. હું અંદર ને અંદર રડી રહ્યો હતો.
"અે ભાઈ, ક્યાં ખોવાઈ ગયો ?" નાનજીસર બોલ્યાં.
" કંઈ નહી સર... અે તો જરા..." હું સ્વસ્થ થતાં બોલ્યો.
જરાં-તરાં હિંમત અેકઠી કરીને મેં કહ્યું, "અને સર, તે સમયે અમે તમારું નામ..."
"દેવલો... દેવ આનંદ પાડેલું ને !" અે સસ્મિત બોલ્યાં.
"અરે હા સર. તમે દેવ આનંદની જેમ દોડતાં, ચાલતાં, હંમેશા મોજમાં રહેતાં. અેટલે અમે તમારું નામ સદાબહાર દેવ આનંદ પાડેલું."
હું જરા અટકીને બોલ્યો, "સર, શું તમને બધાં જ શિક્ષકોને જાણ હોય છે કે અમે તમારાં શું નામ પાડ્યાં છે ?"
"અરે ગાંડાભાઈ, ખબર જ હોય ને ! તમારાંમાંથી જ કોઈ વિધ્યાર્થી અમારી પાસે ફૂટી ગયો હોય. પણ વિધ્યાર્થીઓઅે અમને આપેલાં નામને તો અમે અમારું ઈનામ સમજીઅે. અમે બહુ હળવાશથી લઈઅે બેટાં. અને અે તો તમારી ઉંમર છે મસ્તી-મજાક કરવાની. તમારી સામે અમે કદાચેય ગુસ્સે થઈઅે પણ સ્ટાફરુમમાં તો અમે પણ અેક-બીજાંને અે નામથી બોલાવી લઈઅે ક્યારેક."
ત્યાર પછી અેમણે જે વાત કરી અે હું જીંદગીભર નહી ભૂલી શકું.
અેમણે કહ્યું,"જો બેટાં, 'મેરા નામ જોકર' ફિલમ તેં જોઈ છે ?"
મેં કહ્યું,"હા, સર."
તે બોલ્યાં,"તો સમજ કે અમારું શિક્ષકોનું જીવન આવું જ છે. ઘર-પરીવાર, શારિરિક, માનસિક ગમે તેટલી પીડાં હોય પણ રોજ વિધ્યાર્થીઓ સામે તો ફરજીયાત હસવાનું જ. તેમને મજા પડે અે રીતે જ ભણાવવાનાં અને વર્તવાનું. અઘરું છે બેટાં પણ આદત પડી જાય છે. અન્ય કોઈ વ્યવસાયમાં તો કદાચ આ સરળ હોય પણ અહીં તો સતત તમારી સામે જીવંત રહેવાનું, વિચારવાનું, શબ્દો-વાક્યો ગોઠવીને બોલતાં રહેવાનું. તમને વિધ્યાર્થીઓને અમારાં દુ:ખ કે પીડાંનો અહેસાસ પણ થવાં દીધાં વિના અેક નવી જ દુનિયામાં રોજ લઈ જવાનાં. છતાં સુખી છીઅે તમ સૌ 'બાલદેવો'નાં આશિર્વાદથી."
સર બોલતાં રહ્યાં. હું થીજી ગયો. થંભી ગયો. મનમાં થયું "સર, હજુ અેક વાર ચાલો, તમે સૌ શિક્ષક અને અમે વિધ્યાર્થીઓ ફરીથી અે સમયમાં જઈઅે. અમારે અમારી ભૂલ સુધારવી છે. અમારે તમારાં જીવનમાં ડોકિયું કરવું છે. તમને શક્ય અેટલી મદદ કરવી છે. અમારે..."
ત્યાં જ અંદરનાં અોરડાંમાંથી સખત ખાંસીનો અવાજ આવ્યો. નાનજીસર તરત જ પાણી લઈને અંદર ગયાં. તેમનાં પત્નિની તબિયત ખૂબ જ ખરાબ. દિકરો-દિકરી બન્ને વિદેશમાં સ્થાઈ. બે-ત્રણ વર્ષે અેકાદ વખત આવે.
"બેસજે વિજય, હું જરા દવા લઈ આવું હો મેડિકલમાંથી." સર બોલ્યાં.
"ના સર, તમે બેસો. લાવો, હું દવા લઈ આવું છું." માંડ-માંડ મારાંથી આટલું બોલાયું. હું ઉભો થયો.
હું ઉંબરાની બહાર પગ મૂકું તે પહેલાં તો મારી અાંખમાંથી આંસુ ટપકી પડ્યાં. ને મનમાં નાનજીસરનાં અે જ શબ્દો પડઘાયાં,"છતાં સુખી છીઅે તમ સૌ 'બાલદેવો'નાં આશિર્વાદથી."
- રચના : ધર્મિન મહેતા