Discovery - the story of rebirth - 4 in Gujarati Fiction Stories by Chintan Madhu books and stories PDF | શોધ – પુર્નજન્મની ગાથા - ૪

Featured Books
Categories
Share

શોધ – પુર્નજન્મની ગાથા - ૪

‘શું બફાટ કરે છે?’, ઇશાન નીરજ દ્વારા લેવાયલા શ્વેતાના નામથી ગુસ્સે થયો.

‘બફાટ નથી કરતો. મારા મિત્ર એ આપેલ માહિતી ખોટી ન હોય’, નીરજે શાંતિથી જણાવ્યું.

બન્ને ઇશાનના ઘર તરફ ચાલતા ચાલતા જઇ રહ્યા હતા. ઇશાનના ચહેરા પર થાક દેખાઇ રહેલો. જ્યારે નીરજ, ઇશાન અને શ્વેતાના વિચારમાં હતો. તેને એક વાત પર વધુ શંકા ગઇ, ‘શ્વેતાના નામથી નંબર રજીસ્ટર કેવી રીતે હોય?

ઘરે પહોંચતા જ ઇશાને સોફા પર લંબાવ્યું.

‘તું શ્વેતાને ક્યારથી ઓળખે છે?’, નીરજે ફ્રીજનો દરવાજો પાણીની બોટલ લેવા ખોલ્યો.

‘તને ખબર તો છે યાર.’

‘તો પણ...’

‘ચાર વર્ષથી...’

‘જો. હું શ્વેતાના કોઇ ખાસ સંપર્કમાં છું નહિ. એટલે મને થોડું જણાવ.’, નીરજે બોટલ ઇશાનને આપી.

‘તું મને ઓળખે છે ને. મારી પસંદ પર તને શંકા છે?’, ઇશાને બોટલ માટે ના પાડી.

‘ના દોસ્ત. મને તારી પસંદ પર કોઇ શંકા નથી. પણ મારે થોડું શ્વેતા વિષે જાણવું છે. પછી હું નક્કી કરીશ કે પોલીસને જાણ કરવી કે નહિ.’, નીરજ રસોડામાં ખોરાકની શોધમાં લાગ્યો.

‘પ્લેટફોર્મ નીચે...મોટા ડબ્બામાં નાસ્તો છે. વારેઘડીયે ભૂખ્યો થઇ જાય છે. અને હા... પોલીસને જાણ કરવાની નથી.’, ઇશાને રેકોર્ડીંગ યાદ કર્યું.

‘સારૂં...નહિ કરીએ...પોલીસને જાણ.’, નીરજ નાસ્તાના ડબ્બાને લઇ ઇશાન પાસે આવ્યો.

નીરજે ટીપોઇ પર જ ડબ્બાના ઢાંકણામાં જ ચવાણું અને ગાંઠીયા કાઢ્યા. ઇશાનના કિનાયથી તે રસોડામાંથી બે ચમચીઓ લઇ આવ્યો. પાણીની બોટલ બાજુ પર મૂકી નીરજ નાસ્તો કરવા લાગ્યો. તેણે ઇશાનને પણ એક ચમચી આપી. ઇશાને નાસ્તો કરવાની આનાકાની કરી.

‘નાસ્તો કરીલે...અલ્યા! શરીરમાં રક્તરૂપી તાકાત હશે તો લડી શકીશું અને શ્વેતાને શોધી શકીશું.’, નીરજે જબરદસ્તીથી ચમચી ઇશાનના હાથમાં પકડાવી.

‘મારે તાકાતની જરૂર નથી. હું મારા મનોબળથી જ શોધી નાખીશ.’, ઇશાને ચમચી ટીપોઇ પર મૂકી.

‘શું કીધું..? મનો... મનોબળ...’, નીરજે ખડખડાટ હસવા લાગ્યો.

‘શું દાંત કાઢે છે?’

‘જેનું ઉદરબળ મજબૂત હોય તેનું જ મનોબળ મજબૂત હોય...ભાઇ.’, નીરજે ચવાણાની ચમચી ઇશાનના મોંઢામાં ઘોસી દીધી.

ઇશાનની હઠ નીરજની જીદ આગળ હારી. તેણે થોડો નાસ્તો કર્યો. નીરજની પીઠ પર હાથ મૂકતાં જ તેની આંખો ભીની થઇ ગઇ. તેણે નીરજને ઘરે જવાની સલાહ આપી. પરંતુ નીરજ તેને આવી અવસ્થામાં એકલો મૂકીને જવા માંગતો નહોતો.

‘ચાલ... હવે, મને શ્વેતા વિષે સંપૂર્ણ માહિતી આપ.’, નીરજ બેડરૂમમાંથી શરીરને આરામ આપવા બે ઓશીકા લઇ આવ્યો.

‘હમણાં નહિ.’, ઇશાને વાત ટાળવાનો પ્રયત્ન કર્યો.

‘હમણાં જ...’

‘સારૂં...તો સાંભળ...’

*****

ચાર વર્ષ પહેલાં

નોકરીનો પહેલો દિવસ, સોમવાર, સવારના ૦૭:૦૦ કલાક અને બોરીવલી વિષે કંઇ પણ ન જાણનાર ઇશાન લોકલ ટ્રેન માટે પ્લેટફોર્મ પર ફાંફાં મારી રહ્યો હતો. સફેદ નાની કાળા રંગની ચોકડીવાળો શર્ટ અને શ્યામ રંગનું પેંટ પહેરી તે લોકલમાં બેસવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. એક...બે...ત્રણ એમ એક પર એક પ્રયાસ અને દરેક વખતે નિષ્ફળતા. લોકોના ધક્કાઓને કારણે ઇશાન ટ્રેનથી દૂર ને દૂર ફેંકાતો જતો હતો. આ અથાગ પરિશ્રમોમાં જ તે બે ટ્રેનમાં સવાર થતા થતા પાછો પ્લેટફોર્મ પર પટકાયો. ઇશાન તેમ હાર માને તેવો નહોતો. ત્રીજી ટ્રેનના પ્લેટફોર્મ પર આગમનનો પડઘો સંભળાયો. તેણે જમણા ખભાનો આશરો આપેલી બેગને છાતી સરસી ચાંપી. બેગ પર હાથની પકડ મજબૂત કરી. મનનાં ગભરામણ સાથે જમણો પગ ટ્રેન તરફ આગળ કર્યો અને પાછળથી જોરદાર ધક્કો વાગ્યો, ઇશાન ડાબી તરફ ધકેલાયો. પ્લેટફોર્મ પર પટકાયો. હજી ટ્રેન પ્લેટફોર્મ પર આવી નહોતી. ચશ્મા સરખા કરી ઊભો થયો અને ફરીથી તૈયાર હતો ટ્રેન પકડવા માટે. આ વખતે ઇશાનનો ડાબો હાથ પાછળથી અચાનક કોઇએ પકડ્યો. ઇશાન કંઇ સમજી શકે તે પહેલાં તો તે ટ્રેનની અંદર દાખલ થઇ ગયો હતો. તેણે હાથના સ્પર્શને અનુભવ્યો. એકદમ મૃદુ અને નાજુક હાથ, તુરત જ તે તરફ નજર કરી, પણ હાથે તો ટ્રેનમાં સવાર થતાંની સાથે જ સાથ છોડી દીધો હતો. ઇશાન એટલું જાણી ચૂક્યો હતો કે તે કોઇ સ્ત્રી જ હતી જેણે તેને ટ્રેનમાં સવાર થવા માટે મદદ કરેલી.

બીજો દિવસ, તે જ સમયે ઇશાનને ફરી આગળના દિવસ જેવો જ ભીડનો અનુભવ થયો. ફરી એક હાથે તેનો હાથ ઝાલ્યો અને ટ્રેનમાં સવાર થઇ ગયા. ફરી તે હાથ છુટી ગયો અને તે સ્ત્રીને ઇશાન જોઇ શક્યો નહિ. આમ જ પાંચ દિવસ સુધી ઇશાને ટ્રેન પકડી. હવે તેને પણ થોડી ફાવટ આવવા લાગી હતી. આઇ.ટી. સેક્ટરમાં પાંચ દિવસનું કાર્ય રહેતું. પાંચ દિવસ કામ અને બે દિવસ રજા. ઇશાનને બે રજા પછીના સોમવારની પ્રતીક્ષા હતી. બે દિવસ તેણે વિચારોમાં ગાળ્યા.

આખરે સોમવાર, સવાર અને ૦૭:૦૦ કલાક. આ વખતે ઇશાને નક્કી કરેલું કે ગમે તેમ કરી તે સ્ત્રી વિષે ભાળ મેળવી લેવી. ઇશાન તૈયાર હતો. તેના નિત્યક્રમ મુજબ તે ડબ્બો જ્યાં રોકાતો તેની બરોબર સામે ગોઠવાઇ ગયેલો. બ્લુ ડેનીમ અને ગ્રે શર્ટ સાથે ઇશાન છેલ્લાં પાંચ દિવસ કરતા અલગ દેખાવમાં આવેલો. ટ્રેન આવવાનો સમય થઇ ગયો. સીટીનો અવાજ કાન સાથે અથડાયો. ભીડ ડબ્બાના દરવાજા આવવાની જગા તરફ ધીમે ધીમે આગળ વધવા લાગી. ઇશાને પણ પગ દરવાજા તરફ માંડ્યા અને પાછળ પડવાનું નાટક કર્યું. ફરી તે હાથ આવ્યો અને ઇશાનનો ડાબો હાથ પકડ્યો. આ વખતે ઇશાન થોભી ગયો. જેના કારણે તે સ્ત્રીની ઝડપ અટકી અને તે ઇશાન તરફ ખેંચાઇ. તેણે સફેદ રંગમાં આછા ગુલાબી રંગના કમળોની ભાત વાળો ડ્રેસ ધારણ કરેલો હતો. ચહેરો દુપટ્ટો બાંધી ઢાંકેલો હતો. પરંતુ તેની મારકણી આંખોએ ઇશાનના ધબકારાને પળવાર માટે રોકી દીધા. તેના કાળા ભમ્મર ગોળ નયનોમાં ઇશાન ખોવાઇ ગયો. ઇશાનના જમણા ખભા પરથી બેગ સરકી ગઇ. ઇશાનની આંખો તે સ્ત્રીની આંખો સાથે જોડાઇ ગઇ. ઝડપથી પાછી પડવાને કારણે તે સ્ત્રીનું નિયંત્રણ રહ્યું નહિ અને ઇશાન સાથે અથડાઇ અને ધક્કો વાગવાને કારણે ઇશાન સ્ત્રી તરફ ધકેલાયો. બન્ને એકબીજાની ખૂબ જ નજીક આવી ગયા. આસપાસ થતો કોલાહલ ઇશાનના કાન સાથે ટકરાતો નહોતો. ટ્રેન ઉપડવા લાગી. બન્ને જણા માટે ટ્રેન પકડવી અશક્ય બન્યું.

‘ડફોળ...તારી મદદ કરવામાં, મારી ટ્રેન છુટી ગઇ.’, સ્ત્રીએ ઇશાનનો હાથ છોડાવ્યો.

‘માફ કરશો... હું તો ફક્ત જાણવા માંગતો હતો કે મને મદદ કરનાર કોણ છે?’, ઇશાને બેગ ઉપાડી ખભા પર લટકાવી.

‘હા...હા... જાણી લીધું ને...’

‘હજી ક્યાં?.. આપનું નામ?’

‘શ્વેતા...’

‘હું...હું ઇ...ઇ...ઇશાન...ગયા સપ્તાહમાં જ આવ્યો છું મુંબઇ. સેક્ટરમાં નોકરી કરૂં છું આઇ.ટી. સેક્ટર’, ઇશાન ગભરામણમાં બોલવા લાગ્યો. તેના પગ જમીન પર સ્થાયી નહોતા.

‘હા...’

‘શું હા? તમારા વિષે કંઇ કહો...?’

‘નામ તો તને કહ્યું ને. સ્કૂલમાં ઇતિહાસ ભણાવું છું. બસ.’, શ્વેતાએ ગુસ્સામાં જવાબ આપ્યો.

‘કાલે મળીશું.’, ઇશાને શ્વેતાની આંખોમાં આંખો પરોવી.

‘હા, મળીશું.’, શ્વેતા ઇશાનની સામે જોયા વિના જ નીકળી ગઇ.

ઇશાન શ્વેતાને ત્યાંથી જતા જોઇ જ રહ્યો.

*****

બીજા દિવસે સવારે ઇશાન તે જ જગા પર પ્લેટફોર્મ પર શ્વેતાની પ્રતીક્ષામાં હતો. પણ તે આવી જ નહિ. ત્રીજો દિવસ...ચોથો દિવસ...તે આવી નહિ. ઇશાન વ્યાકુળ હતો. તેની આંખોએ ઇશાનને વિચલીત કરી દીધેલો. ઇશાનની ઊંઘ તેની આંખોમાં અટકી ગઇ હતી. શ્વેતાને જોયા વગર ત્રણ દિવસ ઇશાન જેમતેમ કરીને વીતાવ્યા હતા. પાંચમાં દિવસે, ઇશાન ફરી નિત્ય જગાએ શ્વેતાની પ્રતીક્ષામાં ગોઠવાઇ ગયો હતો. તે દિવસે ભીડમાં ઇશાનને તેની તરફ કોઇ આંખો અટકી હોય તેવું પ્રતીત થયું. ઇશાને તે તરફ મીટ માંડી. નિહાળ્યું કે તે જ આંખો...એટલે કે શ્વેતા તેની તરફ જ જોઇ રહી હતી. તુરત જ ઇશાન તે તરફ ચાલવા લાગ્યો. તે આંખો અલોપ થઇ ગઇ. ઇશાન પ્લેટફોર્મ પર આમતેમ શ્વેતાની શોધમાં દોડવા લાગ્યો. આખરે તેણે તેની નિત્ય જગા પર શ્વેતાને ઊભેલી જોઇ.

સંપૂર્ણ શ્યામ રંગનો, જેમાં શ્વેત ઝીણા ઝીણા ટપકાંની ભાત ઉપસાવેલી એવો ડ્રેસ ધારણ કરેલી શ્વેતાનો ચહેરો તે દિવસે દુપટ્ટાથી ઢાંકેલો નહોતો. ડાબા ખભા પર લટકાવેલું પર્સ અને પર્સની પટ્ટી જમણા હાથ વડે પકડેલી. પ્લેટફોર્મ તરફ ઝુકાવેલી આંખો, અને ત્રાંસી નજરે ઇશાન તરફ નિહાળતી. ઇશાન ધીરે ધીરે તેની તરફ આગળ વધ્યો. જેમ નજીક આવતો તેમ શ્વેતાની સુંદરતા વધતી જતી હતી. તેના ખભા પરથી સરકી વક્ષ:સ્થળો પર વિરામતા કાળા ભમ્મર વાંકડીયા વાળ, ચહેરાને વધુ આકર્ષક બનાવતા હતા. નાનું અણીદાર નાક તેના ગોળ ચહેરાને કિંમતી બનાવતું. ઇશાને શ્વેતાની નજીક આવી ગયો હતો. જમણો હાથ ખીસ્સામાં અને ડાબા હાથથી જમણા ખભા પર ટીંગાળેલી બેગને સરખી કરવા લાગ્યો. શ્વેતાના ડાબા હાથની આંગળીઓ પર્સની દોરીને કોતરવામાં અને જમણો હાથ વારંવાર ચહેરા પર આવતી લટને સરખી કરવામાં વ્યસ્ત હતો.

‘હેલો! કેમ છો?’, ઇશાને શ્વેતાની સામે જોયું.

‘મજામાં! અને તમે?’

‘મજામાં...’

થોડી વાર ચૂપકી જળવાઇ રહી. આખરે ઇશાને પૂછ્યું, ‘ત્રણ દિવસ...ક્યાં હતા?’

‘બસ... અહીં જ હતી.’

‘દેખાયા નહિ.’

શ્વેતા કંઇ બોલે તે પહેલાં ટ્રેનનો અવાજ સંભળાયો. ટ્રેન પ્લેટફોર્મ પર આવી ચૂકેલી. શ્વેતા ટ્રેન તરફ ચાલવા લાગી. ઇશાને શ્વેતાનો હાથ પકડી લીધો અને આગળ વધતી અટકાવી દીધી.

‘મોડું થાય છે.’, શ્વેતા એટલું જ બોલી શકી.

‘આજે રજા. મારી સાથે દિવસ વીતાવો.’, ઇશાને પકડ થોડી મજબૂત કરી.

શ્વેતા પણ મનોમન તો ટ્રેન ચૂકવા માંગતી જ હતી. પણ સ્ત્રી, પહેલ તો હંમેશા પુરુષ કરે તેવું જ ઇચ્છતી હોય. તેથી જ શ્વેતા પણ ઇશાન તરફથી પહેલની આશામાં હતી અને ઇશાને પહેલ કરી. શ્વેતાનું મન મોર બની થનગનાટ કરવા લાગ્યું. તેણે દિવસ ઇશાન સાથે વીતાવવા હકારાત્મક પ્રતિભાવ આપ્યો.

સંપૂર્ણ સમય એકબીજા સાથે વીતાવ્યા પછી તેઓ નિયમીતરીતે પ્લેટફોર્મ પર મળવા લાગ્યા. તે જ ડબ્બો, અને ડબ્બામાં ચોક્કસ જગા પર જ બેસવાનું. દિવસો, મહિનાઓ, પસાર થયા અને આઠ મહિનાને અંતે ઇશાને શ્વેતા સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. શ્વેતાએ પ્રસ્તાવ સ્વીકાર્યો. લગ્ન થયા અને બોરીવલીમાં જ એક ફ્લેટ ખરીદ્યો. બન્ને એકમેકમાં ખોવાયેલા રહેતા અને સમય પસાર થવા લાગ્યો.

*****

‘ઇશાન...’, નીરજે ઇશાનના ખભા પર હાથ મૂક્યો.

‘હં....’

‘તેના ભૂતકાળ, તેના માતાપિતા...?’

‘કંઇ જાણતો નથી. તેના ભૂતકાળ વિષે તો મેં કોઇ દિવસ પૂછ્યું જ નહિ. પણ હા, તેના માતાપિતા નથી. તે અનાથ છે.’, ઇશાને રૂમાલથી આંખો લુછીં.

‘તો તે આ ચાર વર્ષ તેની સાથે એમ જ પસાર કરી દીધા. તારા ઘરે...કાકા-કાકીને શું કીધું તે?’, નીરજે પાણીનો પ્યાલો ઇશાનને આપ્યો.

‘ઘરે તો મેં જણાવ્યું કે પ્રેમ છે અને લગ્ન કરી લીધા છે. ઘરેથી કોઇ વિરોધ આવ્યો નહિ. હું રાજી એટલે મારા મા-બાપ પણ રાજી.’, ઇશાને પાણીનો ઘૂંટ ઉતાર્યો.

‘તો પછી. પહેલાં તો આપણે શ્વેતાનો ભૂતકાળ તપાસવો રહ્યો. ભૂતકાળ જ વર્તમાન અને ભવિષ્યની ગતિઓ સાથે ક્રમિત થતો કાળ છે.’, નીરજે પ્યાલો ઇશાન પાસેથી લઇ ટીપોઇ પર મૂક્યો.

‘તું શું કરીશ?’

‘હું નહિ.’

‘તો...’

‘આપણે બન્ને. તપાસીશું શ્વેતાના ભૂતકાળને, તેના અપહરણની ઘટનાને, તને આવતા અજાણ્યા ફોનને, અને તારા માટે પ્રયોજાયેલા મહારાજ શબ્દને...’

*****