રૂક્મિણી માતા લાકડીના સહારે નયન પાસે આવીને પોતાને ઝાંખું ઝાંખું દેખાતું હોવાં છતાં તેને જોવાં લાગ્યાં. નયનની તો આંખો બંધ છે. કેટલાંય અજાણ્યા મુસાફરોને વિદેશી પ્રવાસીઓ આ રાજહવેલી જોવાં આવતાં જોયાં છે પણ બધાંની આવી જ કંઈક સ્થિતિ થતી હતી. આથી જ રૂકમણીમાતા વિરાજ અને સૌમ્યા એ લોકોનો આગ્રહ હોવાં છતાં ત્યાં જ હવેલીની નજીક એક ઘરમાં રહે છે.
તેમણે આસપાસનાં લોકોને નયનને પોતાનાં ઘરમાં લઈ આવવાં કહ્યું. લોકોને નવાઈ લાગી કારણ કે હજુ સુધી કંઈ પણ આવું થાય તો એ વ્યક્તિને તે બાજુમાં રહેલાં એક વિશ્રામગૃહમાં સુવાડીને સારવાર કરાવતાં. હવે દાક્તરી સેવા પણ અહીં સમય જતાં વિકાસ પામી છે. વૈદની દવાઓ પ્રમાણમાં ઓછી થવા લાગી છે. છતાંય હવે રાજમાતા ન રહ્યા હોવા છતાં લોકો તેમને એટલું જ માન આપતાં. આથી નયનને તેમની ઘરે લઈ ગયાં.
એ નાનકડાં ઘરમાં રૂક્મિણી રાણીએ એક ચિકિત્સકને બોલાવ્યાં. ને સાથે જ એમણે થોડો ઘરગથ્થુ દવા પણ આપી. થોડીવારમાં નયનને કળ વળી...એણે આંખો ખોલતાં જ અનાયાસે રૂક્મિણી માતાથી" કેમ છે દીકરા ??" બોલાઈ ગયું.
નયન એમને જોઈ રહ્યો. બંને એકબીજાને ઓળખતા ન હોવા છતાં દિલથી કંઈ જોડાણ હોય એવું આત્મીયતાનો અનુભવ થવાં લાગ્યો. નયનનો ચહેરો વધારે સિમોલી જેવો હોવાથી બહું ખબર નથી પડતી કે તે કૌશલનો દીકરો છે.
નયને તરત પુછ્યું, "હું અહીં ક્યાથી ?? હું તો હવેલીમાં જતો હતો ને ??"
" એ હવેલીમાં તારાથી પ્રવેશવું શક્ય નથી. હવે એ દ્વાર બધાં માટે હંમેશા માટે બંધ થઈ ગયાં છે."
નયન : " પણ કેમ ?? હું એનાં માટે તો અહીં સુધી આવ્યો છું. એનાં કોઈ વંશજો તો હશે ને ?? એ ક્યાં છે ??"
રૂક્મિણીમાતા : " એ હવેલીમાં કેટલાંય નિર્દોષ લોકોનાં જીવ લેવાયાં છે.. લોહીની નદીઓ વહી છે એટલે જ ત્યાં રહેલી આત્માઓ એટલી અતૃપ્ત અને કોપાયમાન બની છે કે તે અમૂક લોકોને છોડીને કોઈને પણ એ હવેલીમાં પ્રવેશ નથી કરવાં દેતી."
નયન એકદમ જ બોલ્યો ," કોણ છે એ વ્યક્તિઓ ?? આ હવેલીનાં વંશજો ?? "
રુક્મિણીમાતા :" હા...એ કહાની બહું લાંબી છે. પણ એનાં વંશજોને તમે મળી શકશો. આમ તો કોઈને આવી રીતે મળવું શક્ય નથી પણ તને મળીને કોણ જાણે કેમ મને એક પોતીકાપણાનો અનુભવ થાય છે."
નયન ખુશ થઈ ગયો. થોડીવારમાં એક માણસ તેને લઈને વિરાજનાં ઘરે પહોંચ્યો. ત્યાં વિરાજ અને સૌમ્યા તો હાજર નથી પણ રાશિ અને શિવાની નંદિનીકુમારી એટલે કે નિયતી પાસે બેઠાં છે...
નયન આમ વ્યક્તિ તરીકે સારો છે પણ એક સ્ત્રી પ્રત્યે ચારિત્ર્યની બાબતમાં કહી શકાય કે તેનાં પિતા જેવો જ છે અને વળી પાછો પાશ્ચાત્ય સંસ્કૃતિમાં તેનો થયેલો ઉછેર જ્યાં ચારિત્ર્ય નામની કોઈ વસ્તુની કિંમત જ નથી હોતી. જ્યાં બાળક પુખ્તવયનું થાય પછી માતાપિતા સંતાનોને કંઈ પણ વધારે કહી ન શકે. રાશિ અને શિવાની બંને સુંદર છે પણ રાશિ તો અદલ કહી શકાય કે સૌમ્યાકુમારીને પણ હવે પાછી મુકે એવી અપ્સરા જેવી નાજુક નમણી દેખાય છે.
નયનની નજરો તો રાશિને એકીટશે જોઈ જ રહી... થોડીવારમાં પરિસ્થિતિનું ભાન થતાં જ તેને અંદર આવવાં પરવાનગી માગી. નિયતિએ નયનને આવકાર્યો. એ સાથે જ બંને બહેનો અંદર જતી રહી.
નયનનો પરિચય પુછ્યો...નયને ટુંકમાં પોતાની એક ડૉક્ટર હોવાની વાત કરી કે એ વિદેશથી અહીં ફરવા અને હવેલી જોવાં આવ્યો છે.
નિયતિએ પણ એ જ વાત કરી જે રૂક્મિણીમાતાએ કરી હતી...ને પછી થોડીવારમાં નયન નીકળી ગયો. તે જ્યાં રોકાયો હતો ત્યાં ફરી ત્યાં પહોંચી ગયો.
*******************
નયન પહોંચ્યો તો ખરો પણ એનાં મનમાં રાશિનો ચહેરો વસી ગયો હતો. તેનું મન ફરી ફરી ત્યાં જવાં માટે ખેંચાણ અનુભવી રહ્યું છે. તેનો સ્વભાવ પણ કૌશલ જેવો જ છે તેને હજું સુધી જે જોઈએ તે જોઈએ જ..અને એ કોઈ પણ ભોગે મેળવીને જ રહે. તેને મનોમન રાશિને મેળવવાનું નક્કી કરી દીધું.
તેણે પછી તેનાં એક ભારતીય મિત્ર હતો એને મળવાનું નક્કી કર્યું. તે એને મળ્યો તેને આખું ગુજરાત અને ભારતીય સંસ્કૃતિનો પરિચય કરાવ્યો. તેનો મિત્ર છે તેનાં પિતા ગુજરાતમાં અમીર કહી શકાય એવાં છે. તે ભણીને આવ્યાં પછી હવે તેની પોતાની હોસ્પિટલ કરવાં માટે વિચારે છે.
નાની હોસ્પિટલ કરે એવાં રૂપિયા તો છે પણ અત્યારે નવું નવું બધું આધુનિકરણ દેશમાં થઈ રહ્યું હોવાથી બહું મોટી હોસ્પિટલો કહી શકાય એવું એવી બહું વ્યવસ્થા નથી. લોકોનું ભણતર પણ ઠીકઠીક પ્રમાણમાં છે. જે લોકો પાસે પૈસા હોય એ પોતાનાં સંતાનોને વિદેશ મોકલતાં અને એ તો બહું જ મોટી વાત ગણાય. એનું તો એટલું માનપાન હોય કે વાત ન પૂછો.
નયનનાં મિત્ર કેવલને પણ આવું જ છે. પણ તેને એક મોટી હોસ્પિટલ બનાવવી છે પણ એ માટે એટલી મોટી રકમ શક્ય નથી. આ વાત તેણે નયનને કરી... નયનને એટલી તો ખબર છે કે એનાં પિતા મુળ તો ભારત અને એમાં પણ ગુજરાતનાં વતની છે... એમનું નગર એ ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ નજીક મળે છે એવી જગ્યાએ છે.
નયનને એક તો પોતાનો દેશ અને એનાં કરતાં વધારે રાશિમાં વસી ગયેલું એનું મન એ તેને પોતાનાં દેશ પાછાં ફરવા સંમતિ નહોતું આપતું. તેણે પોતાનાં મિત્રને ભાગીદારીમાં મોટી હોસ્પિટલ ખાસ વ્યવસ્થા સાથે બનાવવાં માટે પ્રસ્તાવ મૂક્યો. એનો મિત્ર તો રાજીનો રેડ થઈ ગયો. આ માટે નયન થોડાં જ દિવસોમાં ફરી વિદેશ ગયો. સિમોલીને તો એણે ટ્રેનિંગ માટે ભારત ગયો હતો એમ કહીને મનાવી લીધી. પણ હવે ફરી એ જ દેશમાં રહીને પોતાનું ભાવિ બનાવવાનો તેનો વિચાર એણે પોતાનાં પિતા કૌશલને કરવાં જણાવ્યું. પોતાની માતા તો પહેલેથી જ એ દેશની નાગરિક હોવાથી એ લોકો પાસે અત્યારે અઢળક ધન છે...પણ એ ધનનો ઉપયોગ ભારતમાં થાય એ માટે સિમોલી તૈયાર થશે કે નહીં એ વધારે ચિંતાની વાત છે.
કૌશલ તો સરળતાથી આ વાત માટે માની ગયો. પણ કાયમી માટે નહીં. થોડો સમય ભારત તો થોડો સમય અહીં.. તેનાં મનમાં ફરી એકવાર પોતાની નગરીમાં જવાની, બધાંને મળવાની અદમ્ય ઈચ્છા છે પણ પોતાને અનુભવાતી તફલીકને કારણે તે અચકાય છે. પણ નયન સાથે તેને હવેલીની વાત અને થયેલા અનુભવની વાત કરતાં તે થોડો ગભરાવા પણ લાગ્યો કે એને કંઈ થશે તો ??...આખરે પિતા પુત્રએ મળીને સીમોલીને મનાવી દીધી.
ને વહેલી તકે તે ફરી ભારત પહોંચી ગયો.....
*****************
ડૉ. નયન આહુજા અને ડૉ.કેવલ પંડ્યા બંનેએ મળીને એ વખતની કહી શકાય કે સારાં એવાં પ્રમાણમાં મોટી હોસ્પિટલ થોડાં જ સમયમાં તૈયાર કરાવી દીધી....આ સમય દરમિયાન તે એક બે વાર હવેલીમાં જવાં માટે ગયો. પણ આ વખતે તેનો પગ જ નથી ઉપડતો. આખરે ત્રીજીવાર એને પહેલીવાર મળેલાં એ વૃદ્ધ રુક્મિણી માતાને મળવાનું નક્કી કર્યું. અને આ હવેલીની સઘળી હકીકત અને એનાં વંશજો કઈ રીતે એની સાથે સંકળાયેલા છે એ જાણવાનું નક્કી કર્યું.
તે ઉત્સાહ સાથે પહોંચ્યો તો ખરો પણ તેણે એ સમયે ઘણાં લોકોને એ નગરમાં સફેદ કપડામાં સાથે મળીને આવતાં જોયાં. તેને કંઈ સમજાયું નહીં... ત્યાં જ એને સામે નિયતિની સાથે રાશિ અને શિવાનીને પણ આવતાં જોયાં. વળી સાથે વિરાજ અને સૌમ્યા પણ છે પણ એ કોણ છે એ જાણવાની નયન કોશિષ કરી રહ્યો છે પણ બધાં જ શોકાતુર છે. આખરે એણે નિયતિને ઉભી રાખીને પુછી લીધું...તો ખબર પડી તેને એ જેને મળવાં આવ્યો છે એ જ વ્યક્તિ રુક્મિણી માતા હવે આ દુનિયામાં નથી રહી. તેને કંઈ પણ દેખીતો સંબંધ ન હોવાં છતાં જાણે એક અંતરથી દુઃખ થયું.
નયન : " બહું દુઃખ થયું. હું જેનાં માટે મુંઝાઈ રહ્યો છું આટલાં સમયથી કદાચ તમે એનો જવાબ મને આપી શકશો ??"
નિયતિ : " હા તમે પેલાં દિવસે આવ્યાં હતાં એ જ છો ને ?? ફરી અહીં કેમ ?? આવવાનું કોઈ ખાસ પ્રયોજન ??"
નયન : " હા છે તો ખરૂં. પણ આપ મને કહો તો..."
નિયતિએ ક્યાં સગપણે પણ એ એને ઘરે બોલાવતાં ના ન કહી શકી. વિરાજ અને સૌમ્યા તો જોઈ જ રહ્યાં છે કે આ કોણ છે....
નયને આ હવેલીની અને એમની ઓળખ જાણવા માટે વાત કરી. પહેલાં તો વિરાજ અને બધાંએ ના કહી. પણ નયન તો આ વાત જાણ્યાં વિના ઘરમાંથી નીકળવા તૈયાર નથી.
વિરાજ : " તમે ડોક્ટર તરીકે અહીં આવ્યાં છો પણ તમને આ બધું જાણવાની કેમ આટલી દિલચસ્પી છે ?? કોઈ કારણ ??"
નયન : "હું તો વિદેશમાં જ જન્મ્યો છું અને મોટો થયો છું. પણ મને ખબર પડી છે કે આ મારી પિતાની વતનની નગરી છે...અને એમાં પણ આ હવેલી પણ એક સમયે એમનું શાસન હતું રાજાઓનાં સમયગાળામાં...પણ પોતાનાં નગરજનોનાં જીવ બચાવવા તેમની રક્ષા માટે એમને પોતાનું સર્વસ્વ છોડીને તેઓ ત્યાં વર્ષોથી રહે છે. "
આ વાક્યો સાંભળીને જ જાણે બધાંનાં પગ નીચેથી ધરતી ખસી ગઈ... સૌથી વધારે ચિંતિત બની ગઈ નિયતિ... એનાં પગ રીતસર ધ્રુજવા લાગ્યાં....એક કંપતા સ્વરે પણ તેનાથી પુછાઈ ગયું, " કોણ છે તારાં પિતા ?? શું નામ છે એમનું ??"
" મારાં પિતાનું નામ કૌશલ આહુજા...માતા સિમોલી..."
કૌશલ સાંભળીને બધાંનાં કાન જાણે ફાટી ગયાં....નિયતિ સાથે હવે વિરાજ અને સૌમ્યા પણ ખૂબ ચિંતામાં આવી ગયાં..જાણે ફરી કોઈ મુસીબત આવશે એવું મનમાં થવાં લાગ્યું..."
આ પરથી એ તો નક્કી થયું કે કૌશલ હજું પણ જીવિત છે. જે માણસે પોતાની જિંદગીમાં હજું સુધરવું નથી એવાં કૌશલે પોતે પણ પોતાની હકીકત પોતાનાં પુત્રથી પણ છુપાવી છે. એમને એ સમજાતું નથી કે એનાં પુત્રનું અહીં આવવાનું કોઈ ખાસ કારણ ?? એ પોતે જ આવ્યો છે કે પછી કદાચ કૌશલ...ફરી...આ ભુમિ....પર...
નિયતિનાં મનનો કાબૂ જવાં લાગ્યો તે બોલી , "તો તમને અહીં તમારા પિતાએ જ મોકલ્યાં છે એમને ??"
નયન : "નહીં...એ તો મને આ દેશમાં પણ પહેલાં મોકલવાની ના પાડતાં હતાં પણ પોતાનાં વતન વિશે જાણ્યાં પછી અહીં આવવાની ઈચ્છા થઈ. પિતાજીએ તો મને ફક્ત અહીં હોસ્પિટલ ખોલવાની પરવાનગી આપી છે.... અહીં તો મને આવવાની પણ મનાઈ છે....પણ આપ મને સઘળી હકીકત જણાવો કે તમે લોકો કઈ રીતે એ રાજહવેલી સાથે સંકળાયેલા છો ??"
થોડીવાર એકદમ સોંપો પડી ગયો. નયનની નજર તો થોડી વારે રાશિ પર સ્થિર થઈ જાય છે...આ વાત શિવાનીએ નોંધી પણ એ કંઈ બોલી નહીં...
થોડીવાર પછી નિયતિ મનોબળ મજબૂત કરતાં બોલી, ' "હિંમત છે તારામાં સચ્ચાઈ સાંભળવાની ?? તો કહું તમને.."
નયને તરત જ હકારમાં માથું ધુણાવીને હા પાડતાં નિયતિએ પોતાની ઓળખ પણ આપીને કૌશલનાં બધાં જ ખરાબ કામોની પણ જાણ કરી...સઘળી વાત કરી.
નયન તો હકીકત સાંભળીને જ હતપ્રભ થઈ ગયો કે તેનાં પિતા આવાં રાક્ષસી કૃત્યો કરનારાં છે...પણ આખરે એ પણ એનો જ દીકરો છે...એને મનમાં કંઈક યોજના બનાવી દીધી. ને નિયતિને પગે પડતાં બોલ્યો , " મા તમે ખરેખર મહાન છો... મારાં આવાં દુષ્કર્મી પિતાને સાથેનો સંબંધ હું તોડી નાખું છું. "
વિરાજ પાસે જઈને બોલ્યો, " મામા આપ જેવાં તો રાજા ક્યાંથી મળે.... સૌમ્યાની પાસે જતાં જ બોલ્યો," ખરેખર તમારી દીકરી તમારૂં જ પ્રતિબિંબ છે.... તમે મને તમારાં આ પરિવારમાં સામેલ કરશો ??"
તે ઘણીવાર સુધી ઉતરની રાહ જોતો ઉભો રહ્યો પણ કોઈ કશું જ બોલ્યું નહીં......
શું નિયતિને લોકો નયનને તેનાં પરિવારમાં સમાવશે ?? નયન ખરેખર સુધરશે ખરાં ?? આખરી જંગ હવે ક્યાં ખેલાશે ?? નયનનાં પાસાં બરાબર થશે ?? આ આ આત્માઓ કેવી રીતે તૃપ્ત થશે ?? આરાધ્યા ક્યાં પહોંચી હશે આત્મા મુક્તિ માટે મહત્વનું કામ કરવાં ??
જાણવાં માટે વાંચતા રહો,પ્રિત એક પડછાયાની - ૪૮
બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે