લોકો શિવરામચાચા અને જેક્વેલિનની યોગ્ય સમજાવટ પછી બધાં માની ગયાં.... બધાંએ વિરાજ અને રાશિ પર વિશ્વાસ કરી લીધો...અને નંદિનીકુમારીનું નામ નિયતિ પાડી દેવામાં આવ્યું....એ લોકો પણ ત્યાંનાં લોકોને પુરો સહયોગ આપવા લાગે છે....
અમુક જગ્યાએ બળવા શરૂં થઈ ગયાં છે...લોકો તૈયાર પણ છે આ સામે લડત આપવા સાથે જ થોડો ખૌફ પણ... કેટલીય લોહીની નદીઓ વહેવાની છે આ સત્ય અને અધિકારની લડાઈમાં...
થોડાં દિવસો વીતી ગયાં...વિરાજ પોતે પોતાની આવડતનો ઉપયોગ કરીને ત્યાંના લોકોને યુદ્ધ માટે તાલીમ આપે છે...એક દિવસ બપોરે અચાનક રાશિ અને નિયતિ કે જે નંદિનીકુમારી છે એ બંને બેઠાં છે...નિયતિને એકાએક થોડું માથું ભારે થઈ જાય છે અને તે મુર્છિત થઈને ઢળી પડે છે...રાશિ ગભરાઈને વિરાજ હાજર ન હોવાથી જેક્વેલિનને બોલાવે છે... જેક્વેલિન નાડી તપાસે છે અને આટલાં વર્ષોનાં અનુભવથી કેટલુંક પરીક્ષણ કરે છે....અને જણાવે છે કે તે માતા બનવાની છે....
આ સમાચાર સાંભળીને રાશિ ગભરાઈ ગઈ...જ્યારે નિયતિ સાથે તો નિયતિએ હવે નવો ખેલ આદર્યો હોય એવું લાગ્યું... એનાં પગ કાંપવા લાગ્યાં....
જેક્વેલિનનાં ગયાં બાદ રાશિ બોલી, " બહેના આ બાળક રાજા કૌશલનું છે ??"
" રાશિ એ નરક જેવી જુલ્મભરી જિંદગીમાંથી છુટવા માટે તો હું બધું છોડીને જીવનમાં આગળ વધવા આવી હતી પણ કદાચ એ એ વિધિને મંજૂર નથી. "
રાશિ : "ચિંતા ન કરો...વિરાજ સાથે વાત કરીએ પછી આગળ માટે વિચારીએ."
" ભાઈને આવી વાત કેમ કરવી ?? "
રાશિ : "એ મારાં પર છોડી દે.."
આખરે એકબીજાં સાથે શાંતિથી વાતચીત કર્યા બાદ નિયતિ પોતાનાં એ સંતાનને જન્મ આપવાનો નિર્ધાર કરે છે.....
*****************
થોડાં દિવસો જાય છે....રાજા કૌશલનાં સૈનિકો ચોમેર ખુંદી વળે છે પણ ક્યાંય નંદિનીરાણીનો પતો નથી.. છતાંય સૌને પોતાનો પરિવાર વ્હાલો હોય એટલે કોઈ જ પોતાનાં પરિવાર માટે થઈને રાજ્યમાં પરત ફરવા તૈયાર નથી જ્યાં સુધી રાણી મળે... બધાં હવે એવાં વિસ્તારમાં પણ શોધવાં નીકળે છે ટુકડીઓ બનાવીને કે જ્યાં રાણી મળી શકે એવી કોઈ જ શક્યતાં નથી એવાં અંતરિયાળ વિસ્તારોમાં પણ બધાં શોધવાં પહોંચી ગયાં છે...
એક દિવસ વહેલી સવારે અચાનક ભાગમભાગ થવાં લાગી...રાશિ અને નિયતિ પાસે જેક્વેલિન આવીને આ લોકો સાવચેતી રાખવા કહ્યું...
જેક્વેલિન : "મને લાગે છે કે આ હુલ્લડોને કારણે રાજાઓએ પોતાની સેનાઓને મોકલી લાગે છે...બધી જ સ્ત્રીઓને મેં અત્યારે સલામતીથી અંદર રહેવા માટે કહેવડાવી દીધું છે ને પુરૂષો બધાં જ લડાઈ માટે તૈયાર થઈને પહોંચી ગયાં છે...."
જેક્વેલિને ત્યાંથી આવીને પોતાનાં ઘરમાંથી છુપાવીને રાખેલો એક પુરૂષનો ડ્રેસ કાઢ્યો...થોડી જ વારમાં એક પુરૂષ જેવી જ લાગે એ રીતે તૈયાર થઈ ગઈ.
ટેકરી પરનાં એ ગામનાં મુખ્યનાં એ દ્વાર પાસે તૈયાર એ પુરૂષોની ફોજમાં જઈને ઉભી રહી ગઈ... હજું સૈન્ય કદાચ નીચેથી ઉપર હવે આવી રહ્યું છે...સૌ બરછી ભાલા સાથે સજ્જ છે....
વિરાજ આ સૌની આગેવાની કરી રહ્યો છે....લગભગ કલાકેક બધાં ઉભાં રહ્યાં પણ કોઈ આવ્યું નહીં... બધાં હવે થોડાં નિશ્ચિત થઈ ગયાં કે હવે કોઈ નહીં આવે.... એટલામાં જ લોકો વિખરાવાની તૈયારી કરી રહ્યાં છે ત્યાં જ સો દોઢસો જેટલાં નાનાં સૈન્ય સાથે પણ શસ્ત્ર સરંજામ સાથે ધસમસતાં આવી પહોંચ્યાં...લોકો તો લડાઈની તૈયારીમાં જ છે ત્યાં જ એ લોકોમાંથી એક બોલ્યો, " ખસી જાઓ બધાં અમને તમારાં દરેકનાં ઘરની તપાસ કરવી છે... ખબરદાર જો કોઈ વચ્ચે આવ્યું છે...."
બધાંને નવાઈ લાગી. રાજાનું સૈન્ય આપણાં રાંકનાં ઘરમાં શું શોધવાં આવ્યું હશે??
વિરાજ એ એ ત્યાંનાં સ્થાનિક પહેરવેશ સાથે આગળ આવ્યો ને બોલ્યો, " એક મિનિટ ઊભાં રહો.."
સૈન્યનો આગેવાન બોલ્યો, " કોણ છે તું અમને રોકનાર ?? અમને જવાં દે નહીં તો..??"
વિરાજ : "ભાઈ તમને વિનંતી કરૂં છું એકવાર ફક્ત મારી સાથે વાત કરો પછી તમારે જે તપાસ કરવી હોય એ કરો...બાકી અમારાં જેવાં ગરીબ પ્રજાને બીજું એવું શું કિંમતી હોય ??"
એક માણસ બોલ્યો, " તો શું કામ વચ્ચે પડે છે ?? અમને તો આ તમારાં ઝુંપડા જોવામાં કોઈ રસ નથી અમને તો માણસો જોવાં છે..."
એમાંનો એક થોડોક ઠરેલ જેવો લાગતો વ્યક્તિ આગળ આવ્યો, " ભાઈ એકવાર વાત તો સાંભળી લો..."
એ ભાઈને વિરાજે ધ્યાનથી જોયાં...એકદમ જ ઝબકારો થયો કે આ તો પોતાનાં સૈન્યનો એક આગેવાન હતો પ્રિતમપુરનો...પણ એ વ્યક્તિ તો છુપાવેશમાં રહેલાં સિંચનરાજાને ઓળખે નહીં એ સ્વાભાવિક છે.
હવે તો બધું જ રાજા કૌશલનાં હાથમાં રાજ્ય છે...તો આ લોકો પણ એણે જ મોકલેલા છે...પણ શેનાં માટે હજું કોઈ એવાં મોટાં રાજ્યોમાં તો બળવો શરૂં પણ નથી થયો ફક્ત નાનાં નાનાં રાજ્યોની સતાઓ રાજાઓનાં હાથમાંથી જતી રહી છે અને પ્રજાનું શાસન આવ્યું છે તો આ લોકો અહીં શું કામ ?? કદાચ નંદિનીકુમારી માટે...
પેલાં વ્યક્તિની વાતથી જાણે એ સેનાપતિ થોડો શાંત થઈને બોલ્યો, " હા બોલ તારે શું વાત કરવી છે ?? અમારી પાસે વધારે સમય નથી..."
વિરાજ : "તમારૂં અહીં આવવાનું ખાસ મકસદ ?? અહીં કોઈ રાજાનું રાજ્ય તો છે નહીં કે તમે એને પડાવવા આવ્યાં હોય...અને તમારે અમારાં ઘરની નહીં પણ માણસોની તલાશી લેવી છે મતલબ ??"
સેનાપતિ :" ભાઈ...અમને ફક્ત અમારાં રાજાનાં રાણી પાછાં લઈ જવાં છે બાકી અમને કોઈ જ મતલબ નથી..."
આ વાત સાંભળીને બધાંને થોડું હસવું આવી ગયું...રાજાની રાણી ખોવાઈ છે...એ અહીં શું કામ આવે ??
વિરાજ અને છુપાવેશે રહેલી જેક્વેલિન બધી વાત સમજી ગયાં...કે આ લોકો નંદિનીકુમારી માટે જ આવ્યાં છે.એટલે વિરાજ મનમાં કંઈક વિચારીને બોલ્યો," ભાઈ એકવાત કહું આપને ?? અમારે ત્યાં સ્ત્રીઓ કોઈને પોતાનો ચહેરો ન બતાવે...કોઈ પરાયાં મર્દ સામે આંખ પણ ઉંચી નજરે ન જુએ..."
વિરાજે એ લોકોની દુઃખતી નસ પકડી લીધી...કારણ પ્રિતમનગરની પણ આ જ પ્રથા હતી રાજપરિવાર સિવાયનાં લોકોમાં...
હવે બધાં શાંત પડી ગયાં...હવે શું કહેવું સમજાયું નહીં.
સેનાપતિ નમ્રતાથી બોલ્યો, " ભાઈ સાચું કહું તો અમને કોઈ આમાં મજા નથી...અમે ફક્ત અમારાં પરિવારને બચાવવાં માટે આ બધું કરીએ છીએ... અમારાં પરિવારને રાજાએ કેદ કરી દીધાં છે....અમે તેમની રાણીને પાછાં લઈને પરત નહીં ફરીએ ત્યાં સુધી રાહ જોશે. જો ખાલી હાથે એમ જ પાછાં ફરીશું તો અમારો પરિવારજનોને અમારી સામે જ દુનિયા છોડતાં જોવાં પડશે...."
વિરાજ : "અહીં તો એવું કોઈ છે નહીં. છતાં તમે બધે જ તપાસ કરી શકો છો...પણ એ પહેલાં તમે લોકો મારી સાથે થોડીવાર અંદર આવીને વાત કરશો ?? મારે તમારાં લાભ માટેની વાત કરવી છે..."
થોડીવાર બધાં અંદરોઅંદર વાતચીત કર્યાં બાદ સેનાપતિએ હા પાડી...વિરાજ એ બધાંને ત્યાંનાં એક નાનાં ચોગાન પાસે ભેગાં કર્યાં. અને થોડાક લોકો સિવાય બધાંને જ જવાં કહ્યું...
જેક્વેલિન ઝડપથી પહોંચી અને નિયતિ તરીકે રહેલી નંદિનીકુમારીને આખો પહેરવેશ બદલાવી દીધો...ને આખી હકીકત જણાવી દીધી....ને આવનાર પરિસ્થિતિ માટે તૈયાર કરી દીધી.....
******************
રાજા કૌશલ ઘમંડમાં રાચી રહ્યો છે... ત્યાં કેદ કરેલાં પરિવારને ત્રાસ આપી રહ્યો છે...રાણી રુક્મિણી પોતાનાં પુત્રને સમજાવવા પ્રયત્ન કરવાં અઢળક પ્રયત્નો કરે છે કે આ બધું છોડીને એક માનવ બન... પોતાનાં પિતાનાં માર્ગે જઈને પોતાનું જ પતન નોંતરી રહ્યો છે. પ્રજા સુખી હોય તો રાજાસુખી હોય. જો પ્રજા જ તારો સાથ છોડીને એક થઈ જશે તો આ તારી રાજાની સતા કોઈ કામની નહીં રહે....
પણ જેની મતિ જ વિપરીત હોય અને રગરગમાં એ જ ઝેરીલું રક્ત વહી રહ્યું છે એને કુદરત જ સંભાળી શકે.....!!
ઘણાં દિવસો થઈ ગયાં...જુદી જુદી જગ્યાએ ગયેલી ટુકડીઓમાંથી કોઈ પરત નથી ફરી રહ્યું...રૂક્મણિ રાણી પણ આવાં અવગતિની ગર્તામાં ધકેલાયેલા પુત્રથી ત્રાહિમામ થઈ ગયાં છે...
એક દિવસની વાત છે..પ્રજા વિનાનો રાજા શું કામનો...એમ સંધ્યાકાળનો સમય છે. એ પોતાના કક્ષમાં આડો પડયો છે...એકાએક તેને ગળામાં કંઈક થવાં લાગે છે જાણે ગુંગળામણ અનુભવી રહ્યો છે...તે બુમ પાડવા જાય છે પણ મોઢામાંથી અવાજ જ નથી નીકળતો...તેને સામે આખાં કક્ષમાં જુદાં જુદાં પડછાયા દેખાવા લાગ્યાં... જુદાં જુદાં ભયાનક અવાજો લાગવા લાગ્યાં...
તે બે હાથ રાખીને કાન બંધ કરવાં લાગ્યો..પણ જેટલો વધારે એ અવાજથી દૂર જવાં લાગ્યો તેમ તેમ અવાજ વધારે તીવ્ર અને તીણો થવાં લાગ્યો... કક્ષમાં એ દેખાતાં ચહેરાઓને તે ઓળખવા પ્રયત્ન કરવાં લાગ્યો...પણ એની આંખો અંજાવા લાગી...
ત્યાં જ બધાં મિક્સ અવાજો લાગ્યાં... સ્ત્રી અને પુરુષ બંનેનાં...બસ એ બધાં ભયાનક અવાજોમાંથી એક જ અવાજ આવી રહ્યો છે..." તારો અંત બહું નજીક છે...આ તારાં આખરી દિવસો છે..."
તે " નહીં... નહીં...એવી બૂમો પાડવા લાગ્યો... અચાનક બધું જ એક પવનનાં સુસવાટા સાથે શાંત પડી ગયું...તેણે ધીમેથી આંખો ખોલી તો રૂક્મિણીરાણી ઉભાં છે સામે...
રાણી : શું થયું પુત્ર ?? આ તું શું કરી રહ્યો છે??
રાજા કૌશલ એકદમ ગભરાયેલા સ્વરે બેબાકળો થતો બોલ્યો, "અહીં બધાં હતાં... ક્યાં ગયાં ?? એ મને મારી નાખશે...મને બચાવ મા..."
રાણી : "બેટા મા તો તને હજું પણ બચાવી રહી છે કે પણ કુદરત તો ક્યારેય કોઈને છોડતો નથી... તું હજું પણ આ બધું છોડી દે...દયાને તું દિલમાં લાવ...આ બધાંને તું છોડી દે... કદાચ કુદરત રીઝી જાય...."
ફરી એકવાર તે શૈતાન બનતો બોલ્યો, " ના મને એ નંદિનીરાણી જોઈએ...કોઈએ પણ સંજોગોમાં...મને સૌમ્યાકુમારી તો મારી ન થવાં દીધી એટલે એ કાળનો કોળિયો બની ગઈ....પણ હવે કદાચ એ નંદિનીનાં પણ એવાં જ હાલ થશે...." ને એક તકિયાનો ઘા કરતો કક્ષમાંથી બહાર નીકળી ગયાં...
****************
વિરાજે પોતાની રાજા તરીકેની આગવી કળા વાપરીને આજે એક સામાન્ય માનવી બનીને લોકોને સરસ રીતે સમજાવ્યાં....એને પોતાની સાચી ઓળખ તો નથી આપી...પણ એમની પાસેથી રાજ્યની અને એમનાં પર થતાં અત્યાચારોની બધી જ હકીકત જાણી...
પ્રજા તો આમ પણ એટલી ત્રાહિમામ થયેલી છે અને વળી જ્યારથી આ રાણીને કારણે તેમનાં પરિવારોને બંદી બનાવ્યાં છે સૌનાં મનમાં રોષ ભભુકી ઉઠ્યો છે...
વિરાજે એ લોકોને આ રાજ્યસતાનો અંત લાવીને સૌ પોતાનું સ્વતંત્ર જીવન જીવી શકે એ માટે થનાર બળવાની વાત કરી... બધાંએ થોડી વાતચીત કરવા સમય માગ્યો...ને વિરાજ પોતાનાં ઘરે ગયો થોડીવાર માટે....
વિરાજ ઘરે ગયો તો આશ્ચર્ય વચ્ચે એને નિયતિ ન દેખાઈ પણ એક પુરૂષ ઉભેલો દેખાયો.... ત્યાં જ રાશિ બોલી, "શું થયું ?? તમારાં બહેનને ભાઈ બનાવી દીધો ઓળખ્યો નહીં ??"
વિરાજ : " હું તો ગભરાયો કે પેલાં સૈન્યમાંથી કોઈ અહીં નથી આવી પહોંચ્યું ને ??"
રાશિએ જેક્વેલિને કહીને અગમચેતીથી કરાવેલી તૈયારીની વાત કરી...
વિરાજ : " સારૂં.. જેક્વેલિન ચાચી ખરેખર બહું ઉમદા વ્યક્તિ છે....પણ લગભગ હવે તારે ડરવાની જરૂર નહીં પડે..."
વિરાજ બધી વાત કરે છે...પણ નંદિનીકુમારી ગભરાઈ જાય છે..."મને ફરી ત્યાં એ નરકમાં નથી જવું...પણ એ નિર્દોષ લોકો મારાં કારણે ત્યાં ફસાયા છે...હવે શું કરીશું ??"
વિરાજ : તું ચિંતા ન કર...તારો ભાઈ છે ને...તને પણ કંઈ નહીં થાય અને એ લોકોનાં નિર્દોષ પરિવારો પણ આ જુલ્મી રાજસતામાંથી મુક્ત થઈને આઝાદીનો શ્વાસ લેશે...એ તારાં ભાઈનું વચન છે...!!"
નિયતિનાં જીવમાં જીવ આવ્યો અને બંને ભાઈ બહેન પ્રેમથી એકબીજાંને ભેટી પડ્યાં.....!!
શું પ્રજા વિરાજનાં પ્રસ્તાવને રાજ્યનાં લોકો સ્વીકારશે ?? પ્રજા રાજા કૌશલને હવે એક રાજા તરીકે સ્વીકારશે ?? વિરાજ પ્રજાનાં પરિવારોને એ કેદમાંથી છોડાવી શકશે ?? રાજા કૌશલને અનુભવ થયેલું સત્ય હશે કે એનો વહેમ ??
જાણવાં માટે વાંચતા રહો, પ્રિત એક પડછાયાની - ૪૪
બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે......